છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી

(શ્રદ્ધાનો વિષય છે) – સાહિલ

કુરાનનો વિષય છે એ ગીતાનો વિષય છે
શંકાનો વિષય ક્યાં છે આ શ્રદ્ધાનો વિષય છે

છો ફૂલ સમા તોય તમે ડંખ કાં મારો
મેં સાંભળ્યું છે – ડંખવું કાંટાનો વિષય છે

સંયોગ ને વિયોગ તો છે ધારણા મનની
મળવું અને ના મળવું તો ઇચ્છાનો વિષય છે

વર્ષોથી ભલે નામ નથી લીધું તમારું
પણ ભૂલી ગયો તમને એ અફવાનો વિષય છે

નૌકા ની સફર પર નથી નૌકાનો ઇજારો
તળિયે જવું કે કાંઠે – હલેસાનો વિષય છે

મનને કહો એ લઈ જશે મંઝિલ સુધી તમને
મારગ ભુલાવી દેવો તો નકશા નો વિષય છે

‘સાહિલ’ નહીં રાહત ફળની આશ કદાપિ
જુદાઈ નરી શાશ્વતી પીડાનો વિષય છે.

– સાહિલ

કેવી મજાની ગઝલ! બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

6 Comments »

  1. હરિહર શુક્લ said,

    June 5, 2020 @ 2:09 AM

    બહુ સરસ ગઝલ, મોજ થઇ ગઇ 👌

  2. Maheshchandra Naik said,

    June 5, 2020 @ 4:42 AM

    સરસ ગઝલ અને બીજો શેર તો ખુબ જ મનભાવન્……કવિશ્રીને અભિનદન….

  3. pragnajuvyas said,

    June 5, 2020 @ 10:49 AM

    કવિશ્રી સાહિલની શ્રદ્ધાનો વિષય છે સુંદર ગઝલ
    ડૉ વિવેકજી પ્રમાણે બધા જ શેર ધ્યાનાર્હ છે તેમા મત્લાનો શેર વધુ ગમ્યો.
    યાદ આવે જલનજીનો શેર…
    શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી
    અને અદભુત મક્તા…યાદ આવે નરસિંહ મહેતાની વાતઃ
    “જેહના ભાગ્યમા જે સમે જે લખ્યું,
    તેહને તે સમે, તે જ મળસે.” અહીં નરસિંહ મહેતાએ પ્રયત્નો છોડી દેવાની વાત નથી કરી,
    માત્ર પ્રયત્નનું ફળ ક્યારે મળસે તેની વાત કરી છે. કૃષ્ણ ભગવાને પણ આ જ વાત કહી છે; कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
    मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

  4. Bharat Bhatt said,

    June 5, 2020 @ 12:34 PM

    ઉમદા ગઝલ વારંવાર વાંચવાનો વિષય છે.
    દરેક શેર કથનીય.

  5. Rohit Kapadia said,

    June 7, 2020 @ 2:21 AM

    ખૂબ જ સુંદર રચના. દરેક શેરમાં પોતાની આગવી ખાસિયત છે. ફરી ફરીને વાંચવાનું મન થાય એવી સુંદર ગઝલ.

  6. Rajendra Vadhel said,

    June 11, 2020 @ 1:52 AM

    ખરેખર સરળ સહ વજનદાર અર્થસભર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment