(જામ ઝાંઝવાનો) – સાહિલ
ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો
કદ કરતાં પણ વધારે વિસ્તાર હોય તો શું
પંખી ને ભાર લાગે ક્યારેય ના પીછાંનો
સમજો ન ઉન્નતિ સહુ ઊંચે જતી સ્થિતિને
અફસોસ મનમાં ચચરે-પલ્લું ઊંચે ગયાનો
થોડીક મ્હેરબાની મૌલાની જોઈએ બસ
વીંધે વમળને પળમાં અવતાર બદબુદાનો
આચાર પાળવાના કાં કાંટલાં જુદાં છે
બંદો છો તું ખુદાનો, બંદો છું હું ખુદાનો
આ રેતિયા નગરમાં છે કારભાર મારો
પાણી ઉપર પડેલા તડકાઓ વેચવાનો
હર જન્મમાં પ્રભુનું ઘર દૂર બે’ક ડગલાં
હર જન્મમાં હું સાહિલ વંશજ છું કાચબાનો.
– સાહિલ
મનનીય રચના…
Prahladbhai Prajapati said,
July 10, 2020 @ 10:03 AM
સુન્દર્
saryu parikh said,
July 10, 2020 @ 10:07 AM
સરસ રચના.
“ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો.”
સરયૂ પરીખ
pragnajuvyas said,
July 10, 2020 @ 11:21 AM
સ રસ ગઝલ,
સમજો ન ઉન્નતિ સહુ ઊંચે જતી સ્થિતિને
અફસોસ મનમાં ચચરે-પલ્લું ઊંચે ગયાનો
વાહ
યાદ આવે
કિસ્સો કેવો મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો;
પલ્લુ તારી તરફ નમ્યાનો તને,
મુજને આનંદ ઊંચે ગયાનો છે.
ભરત ભટ્ટ said,
July 10, 2020 @ 12:09 PM
સરસ ગઝલ ઝંઝાવા એટલે ILLUSION. કુલ આંતરિક પ્રતિબિંબ. સ્વયં આંતરિક સ્થિતિ પણ દર્શાવે કે જે જોઉં છું તે માણું છું આનંદ છે સંતોષ છે
કોઈ ઉતાવળ નથી મોક્ષ પામવાની.
“હર જન્મમાં પ્રભુનું ઘર દૂર બે’ક ડગલાં
હર જન્મમાં હું સાહિલ વંશજ છું કાચબાનો.”