પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હું ખેલતો નથી ! – હરીન્દ્ર દવે

સમેટો શેતરંજ, કે હવે
હું ખેલતો નથી !

હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.

આ મારા માયાલોકમાં
કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:

કોઈનું સૈન્ય શું, હું
કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે
હવે હું ખેલતો નથી !

હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :

હતો શિકારી વનમાં એ
શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

– હરીન્દ્ર દવે

 

એવો મુકામ આવી જાય છે કે જ્યાં પછી કોઈ ફરક નથી પડતો. નાજુક એવા લાગણીના સંબંધને કોઈક જયારે taken for granted લઈ લે છે ત્યારે આવી અવસ્થા આવી જાય છે. ” મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો ? ” – આથી વધુ સંબંધ-મૃત્યુની સાબિતી શું હોઈ શકે ! પ્રેમાળ હૈયાને ઠેસ પહોંચાડવાથી ઘોર અન્ય કોઈ અપરાધ નથી.

મુકુલભાઈ યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા…..”

Comments (3)

બસ એ જ સંબંધો સાચા – મુકેશ જોષી

બસ એ જ સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા.

લાલચોળ તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે.
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે ના કાચા.

સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી.
ગમે ત્યાંથી સ્પર્શી, ના તો ક્યાંય અહમૂના ખાંચા.

-મુકેશ જોષી

સંબંધની કદાચ કોઈ સર્વસામાન્ય/સર્વમાન્ય વ્યાખ્યા નથી. ઘણા બધા ફેક્ટર ઉપર તે આધાર રાખે છે. કદાચ સૌથી વધુ આધાર તે વ્યક્તિની પોતાની પ્રજ્ઞા ઉપર રાખે છે. જેમ વ્યક્તિની પ્રજ્ઞા વિકસતી જાય છે તેમ તેની inclusiveness વધતી જાય છે અને એની ફરિયાદો શમતી જાય છે – અહં ના ખાંચા ઓગળતા જાય છે…..પણ ત્યાં સુધી તો………..

Comments (3)

इस मोड़ से तुम मुड़ गई – दुष्यंत कुमार

इस मोड़ से तुम मुड़ गई फिर राह सूनी हो गई।

मालूम था मुझको कि हर धारा नदी होती नहीं
हर वृक्ष की हर शाख फूलों से लदी होती नहीं
फिर भी लगा जब तक क़दम आगे बढ़ाऊँगा नहीं,
कैसे कटेगा रास्ता यदि गुनगुनाऊँगा नहीं,
यह सोचकर सारा सफ़र, मैं इस क़दर धीरे चला
लेकिन तुम्हारे साथ फिर रफ़्तार दूनी हो गई!

तुमसे नहीं कोई गिला, हाँ, मन बहुत संतप्त है,
हर एक आँचल प्यार देने को नहीं अभिशप्त है,
हर एक की करुणा यहाँ पर काव्य की थाती नहीं     [ थाती – અમાનત ]
हर एक की पीड़ा यहाँ संगीत बन पाती नहीं
मैंने बहुत चाहा कि अपने आँसुओं को सोख लूँ
तड़पन मगर उस बार से इस बार दूनी हो गई।

जाने यहाँ, इस राह के, इस मोड़ पर है क्या वजह
हर स्वप्न टूटा इस जगह, हर साथ छूटा इस जगह
इस बार मेरी कल्पना ने फिर वही सपने बुने,
इस बार भी मैंने वही कलियाँ चुनी, काँटे चुने,
मैंने तो बड़ी उम्मीद से तेरी तरफ देखा मगर
जो लग रही थी ज़िन्दगी दुश्वार दूनी हो गई!

इस मोड़ से तुम मुड़ गई, फिर राह सूनी हो गई!

-दुष्यंत कुमार

કવિનું નામ લખ્યું ન હોય તોય પરખાઈ જાય કે આ દુષ્યંતકુમાર જ હોઈ શકે ! કેવી ચોટીલી વાત…!! કોઈ ફરિયાદ નથી, પણ હ્ર્દય વિરાન થઇ ગયું એ વાસ્તવિકતા નું હૂબહૂ ચિત્રણ….

दिल के बोझ को दूना कर गया जो ग़मखार मिला

Comments (2)

યાદ નથી….- હરીન્દ્ર દવે

વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!

ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.

પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.

હરીન્દ્ર દવે

 

કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….

Comments (2)

પતંગાયણ – રમેશ પારેખ

એક છોકરો પતંગ લઈ દોડ્યો રે… દોડ્યો રે… દોડ્યો રે…
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે ?

છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે

પતંગની સંતામણે જાણે પૂનમ થઈ,
પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ

છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ

સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ,
માહે પલળે ગામનાં બે જણની ઊતરાણ

છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

– રમેશ પારેખ

લયસ્તરોના સહુ કવિમિત્રો અને ભાવકમિત્રોને સુરક્ષિત મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં…

ફક્ત होली के दिन दिल खिल जाते है એવું હોતું નથી. ઉત્તરાયણમાં કંઈ કેટલાય કનકવા પોતપોતાનું ધાબું શોધી લેતા હોય છે. હવા આકાશનો વાદળી રંગ પહેરીને વહેતી નજરે ચડે એવા રંગીન વાતાવરણનો કેફ જ એવો છે કે ફિરકી ઘરે એમની એમ પડી રહે ને છોકરો પતંગ જેવું હૈયું હાથમાં લઈને હડી કાઢે. પતંગપર્વ અનંગપર્વ બની રહે ત્યારે ભાન પતંગ બનીને હવામાં ઊડી જાય અને હાથ કે જાત સંકોડ્યા સંકોડાતા નથી.

છૂટ્ટું મૂકેલું પતંગ જેવું હૈયું છોકરીના ખમતીધર ખોરડે જઈ ઊતરાણ કરે છે. અહીં ઊતરાણમાં છૂપાયેલ શ્લેષ ચૂકવા જેવો નથી. ઉતરાણ પર્વ અને પતંગનું ઊતરાણ –બંનેને કવિએ બખૂબી સાંકળ્યાં છે. ‘ખમતીધર’ શબ્દ પણ કવિએ સાયાસ પ્રયોજ્યો છે. પતંગ કહો કે હૈયું, બંને ખૂબ નાજુક છે પણ સામે પ્રિયપાત્રનું હૃદય બંનેને ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર છે. છોકરી તરત જ વાદળી હવાની પાંખે સવાર થઈ પોતાને ત્યાં આવી ઉતરેલ ગુલાબી અવસરને ઝૂંટવીને-લૂંટીને પોતાના હૃદયની અંદર સંતાડી દે છે. પતંગના સંતાડવામાં આવતાં જ જાણે ધોળે દહાડે પૂનમ થઈ ગઈ અને ભીંતો ઊડી ગઈ. અવસર પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો આવકાર બની ગયો. છોકરી રાતોરાત યુવાન થઈ ગઈ. એની કાંચળી ભીતર રતિરાગના ગલગલિયાં થવા માંડ્યા છે અને બે સ્તન એમ વિકાસ પામ્યાં જાણે ઊડવાને બે પાંખોની જોડ ન ફૂટી હોય!

છોકરી આ પતંગને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવે છે. પરિણામે હવે એના ડગલે ને પગલે પ્રણયના રંગ વેરાઈ રહ્યા છે. પતંગ તો દિવસે ચગે પણ અહીં તો પ્રણયસ્વીકારનો પૂનમી ચંદ્રોદય થયો છે. સૂર્યના તાપના સ્થાને પ્રીતની ચાંદનીની શીતળતા વ્યાપ્ત થઈ છે. શીતળ ચાંદની કામદેવની બાણવર્ષા ન હોય એમ ઝરમર ઝરમર વરસી રહી છે અને બે જણ સરાબોળ પલળી રહ્યાં છે. રુંવે-રુંવે કોઈએ કન્ના ન બાંધ્યા હોય એમ છોકરાને તીવ્ર રોમાંચ થઈ રહ્યો છે અને છોકરી પણ મન મૂકીને આ પ્રણયપ્લાવનમાં સામિલ થઈ છે… એય મન મૂકીને ઢીલ દઈ રહી છે… પ્રેમ હવે નિરવરોધ છે. તંગ કન્ના અને દોરીની ઢીલ – ઉત્તરાયણના બે અવિનાભૂત વિરોધાભાસને એક કડીમાં સાંકળી લઈને કવિ કવિતાનો પતંગ ઉચ્ચાકાશે પહોંચાડે છે.

Comments (13)

ધુલામઁદિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

ભજન પૂજન સાધન આરાધના સમસ્ત થાક પડે.
રુદ્ધદ્વારે દેવાલયેર કેણે કેન આછિસ એારે !
અલ્પકારે લુકિયે આપન-મને
કાહારે તુઈ પૂજિસ સંગોપને,

નયન મેલે દેખ દેખિ તુઈ ચેયે–દેવતા નાઈ ઘરે.

તિનિ ગેછેન યેથાય માટિ ભેડે કરછે ચાષા ચાષ—
પાથર ભેડે કાટછે યેથાય પથ, ખાટછે બારે માસ.

રૌદ્ર જલે આછેન સબાર સાથે,
પણ ધુલા તtહાર લેગેછે દુઈ હાતે—
તૉરિ મતન શુચિ બસન છાડિ આય રે ધુલાર’પરે.

મુક્તિ ? ઓરે, મુક્તિ કોથાય પાબિ, મુક્તિ કોથાય આછે ?
આપનિ પ્રભુ સૃષ્ટિબાંધન પ’રે બાંધા સબાર કાછે.
રાખો રે ધ્યાન, થાકે રે ફુલેર ડાલિ,
છિ ડુક વસ્ત્ર લાગુક ધુલાબાલિ–
કર્મયોગે તાર સાથે ઍકે હયે ધર્મ પડુક ઝરે.

– રવીન્દ્રનાથ ઠાકુર

‘ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડયું રહેવા દે.
તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે?
અંધકારમાં છુપાઈને તું એકલો એકલે કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહિ.

તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે.
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી,
મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારુ ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તે ભલે ફાટતાં,
ધૂળ માટી લાગે તો ભલે લાગતી.
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
અને માથાને પસીનો પગે ઊતરવા દે.

– અનુ – નગીનદાસ પારેખ

” પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ” – આ પદ આખા કાવ્યનું હાર્દ છે. વધુ કોઈ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (6)

आत्‍मपरिचय – हरिवंशराय बच्‍चन

मैं जग-जीवन का भार लिए फिरता हूँ,
फिर भी जीवन में प्‍यार लिए फिरता हूँ;
कर दिया किसी ने झंकृत जिनको छूकर
मैं सासों के दो तार लिए फिरता हूँ!

मैं स्‍नेह-सुरा का पान किया करता हूँ,
मैं कभी न जग का ध्‍यान किया करता हूँ,
जग पूछ रहा है उनको, जो जग की गाते,
मैं अपने मन का गान किया करता हूँ!

मैं निज उर के उद्गार लिए फिरता हूँ,
मैं निज उर के उपहार लिए फिरता हूँ;
है यह अपूर्ण संसार ने मुझको भाता
मैं स्‍वप्‍नों का संसार लिए फिरता हूँ!

मैं जला हृदय में अग्नि, दहा करता हूँ,
सुख-दुख दोनों में मग्‍न रहा करता हूँ;
जग भव-सागर तरने को नाव बनाए,
मैं भव मौजों पर मस्‍त बहा करता हूँ!

मैं यौवन का उन्‍माद लिए फिरता हूँ,
उन्‍मादों में अवसाद लए फिरता हूँ,
जो मुझको बाहर हँसा, रुलाती भीतर,
मैं, हाय, किसी की याद लिए फिरता हूँ!

कर यत्‍न मिटे सब, सत्‍य किसी ने जाना?
नादन वहीं है, हाय, जहाँ पर दाना!
फिर मूढ़ न क्‍या जग, जो इस पर भी सीखे?
मैं सीख रहा हूँ, सीखा ज्ञान भूलना!

मैं और, और जग और, कहाँ का नाता,
मैं बना-बना कितने जग रोज़ मिटाता;
जग जिस पृथ्‍वी पर जोड़ा करता वैभव,
मैं प्रति पग से उस पृथ्‍वी को ठुकराता!

मैं निज रोदन में राग लिए फिरता हूँ,
शीतल वाणी में आग लिए फिरता हूँ,
हों जिसपर भूपों के प्रसाद निछावर,
मैं उस खंडर का भाग लिए फिरता हूँ!

मैं रोया, इसको तुम कहते हो गाना,
मैं फूट पड़ा, तुम कहते, छंद बनाना;
क्‍यों कवि कहकर संसार मुझे अपनाए,
मैं दुनिया का हूँ एक नया दीवाना!

मैं दीवानों का एक वेश लिए फिरता हूँ,
मैं मादकता नि:शेष लिए फिरता हूँ;
जिसको सुनकर जग झूम, झुके, लहराए,
मैं मस्‍ती का संदेश लिए फिरता हूँ!

– हरिवंशराय बच्‍चन

કાવ્યનું શીર્ષક જ બધું કહી દે છે….

Comments (4)

આશ્વાસનો ! – મકરન્દ દવે

દુઃખ માટે એકબીજાને અમે આશ્વાસનો દેતા રહ્યા,
ને દુ:ખના દરિયા અમારા શ્વાસ રૂંધી નાખતા વહેતા રહ્યા,
ઉપર, જરા ઉપર, જરા માથું બહાર ભલે ટકે,
પણ દુઃખ જેવા દુઃખને કોઈ ભલા, ભૂંસી શકે ?

હાય, માનવ જિન્દગી પીડા તણા આ પારણે મોટી થતી
પીડા બનીને એક આખી વાટ પથરાઈ જતી;
ને તે છતાં, ને તે છતાં, ને તે છતાં-
પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.

આશ્વાસનો ! પોલાં, નકામાં, સાવ જૂઠાં,
સત્યથી જે વેગળાં, વિકૃત, વિખૂટાં
આજ છોડો, જીવ મારા, ક્યાંય સુખની શોધમાં
ના, આપણે ફરવું નથી, પણ રાતની સૂમસામ કાળી ગોદમાં
જેમ આ સૃષ્ટિ સમાતી, એમ દુઃખના અંકમાં જઈ પોઢીએ,
કોણ જાણે છે, કદાચ જગાડશે પીડા નવીન પરોઢિયે.

– મકરન્દ દવે

જિબ્રાન યાદ આવી જાય – ‘ some wounds heal with time, some wounds flare with time ‘

જો કે અહીં વાત અલગ છે – પીડાની સ્વીકૃતિની વાત છે, આશ્વાસનોની વ્યર્થતાની વાત છે. સાંઈકવિ સામાન્ય રીતે આકરા શબ્દો નથી પ્રયોજતા, પણ આ કાવ્યમાં તેઓનો પુણ્યપ્રકોપ ફાટ્યો છે…..તદ્દન વાસ્તવવાદી દર્શન…..

Comments (2)

મીણનાં! – ચંદ્રકાન્ત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…

માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?

મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ! અમે મરવાની વાત પર મ્હોયાં.

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

– ચંદ્રકાન્ત દત્તાણી

નૂતન વર્ષ ૨૦૨૧ સહુ વાચકમિત્રોને ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી સ્નેહકામનાઓ…

નવા વર્ષનો પ્રારંભ એક મજાના ગીતથી કરીએ. કોરોનાકાળમાં આ ગીત વધુ પ્રસ્તુત બની રહે છે. મીણનાં હૃદય લઈને સૂરજના કાળઝાળ તાપમાં મુસાફરી કરવાનું નસીબમાં આવ્યું છે એનું આ વેદનાસિક્ત ખુમારીગાન છે. અસંખ્ય મેળાની વચ્ચે પણ માણસ સાવ એકલો જ જીવે છે. આયુષ્ય તળિયાથી ડુંગરની ટોચ સુધીની મુસાફરી સમું છે પણ કમનસીબે ગતિ કીડી જેવી ધીમી સાંપડી છે. રણ પાર કરવા માટે કાગળની હોડી મળી છે અને ભીતર અસીમ અફાટ ખાલીપાથી વિશેષ કંઈ નથી. જીવનમાં તાજગી પાંદડાના પડછાયા જેવી અલ્પ છે અને ઝાંઝવાના દરિયા તરવા માટે સાંપડ્યા છે. જીવન ઝળઝળિયાં થઈ ગયું હોવાથી મૃત્યુ વધુ મોહક ભાસે છે. ફીણના ચીકણા પોચા રસ્તાઓ પર ચરણોએ સરિયામ ચાલ્યે જ રાખવાનું છે. આખા ગીતમાં ઈશ્વરે મનુષ્યોને કરેલ અન્યાય અને સહુના નસીબે આવેલી જીવનવિડંબનાઓને કવિએ આર્તસ્વરે ગાઈ છે પણ આ સૂર ફરિયાદનો ઓછો અને ખુમારીનો વધુ જણાય છે. અશક્યવત્ ભાસતી અવસ્થાઓની ભરમાર વચ્ચે ક્યાંય નમી જવાની વાતનો ઈશારો નથી એ વાત આ ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (10)

હળવે હળવે શીત લહરમાં – તુષાર શુક્લ

હળવે હળવે શીત લહરમાં
ઝૂમી રહી છે ડાળો
સંગાથે સુખ શોધીએ, રચીએ
એક, હૂંફાળો માળો

એકમેકને ગમતી સળીઓ
શોધીએ આપણ સાથે
મનગમતા માળાનું સપનું
જોયું છે સંગાથે
અણગમતું જ્યાં હોય કશું ના
માળો હેત હૂંફાળો….

મનગમતી ક્ષણના ચણ ચણીએ
ના કરશું ફરિયાદ
મખમલ મખમલ પીંછા વચ્ચે
રેશમી હો સંવાદ
સપના કેરી રજાઈ ઓઢી
માણીએ સ્પર્શ સુંવાળો

મઝિયારા માળામાં રેલે
સુખની રેલમ છેલ
એકમેકના સાથમાં શોભે
વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં
હોય આપણો ફાળો

– તુષાર શુક્લ

 

ચિત્રકાર જેવી નાજુકાઈથી પીંછી ફેરવે એમ કવિએ જાણે શબ્દોની પીંછી ફેરવી છે !!!

Comments (3)

તમે – મુકેશ જોષી

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલો મખમલિયો અર્થ
અમે પ્રશ્નો, ઉદ્ગાર કે વિરામ
તમે પરભારે પહોંચવાનો સીધો રસ્તો
અમે રસ્તામાં આવતા મુકામ
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા… તમે…

તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ
તમે આભ લગી જાવાની ઊંચી કેડી
અમે કેડીનો ઊતરતો ઢાળ
તમે બાગનાંય ફૂલોનો જાણે શણગાર
અમે માટીનાં કૂંડાં ને ક્યારા… તમે…

તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીનાં ચાખેલાં બોર
તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર
અમે દૂર રહી વાગતાં નગારાં… તમે…

 

– મુકેશ જોષી

 

પહેલી નજરે સરળ લાગે – ભક્તિકાવ્ય લાગે, પણ ધ્યાનથી જોઈએ તો કવિએ પોતા માટે જે રૂપક યોજ્યા છે તે પણ ઓછા મહત્વના નથી ! પૂજારી છે, તો જ પૂજ્ય એ પૂજ્ય છે ! ભક્ત છે, તો અને માત્ર તો જ, ભગવાન છે !

Comments (2)

હાસ્યમેવ જયતે : ૦૬ : માઈક મળે તો કોઈ છોડે ? – કૃષ્ણ દવે

પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

– કૃષ્ણ દવે

આ ગીતને વાંચતા ને ગણગણતામાં તો જાણે એક અદભૂત મહેફિલનું આખુ દ્રશ્ય આંખ આગળ આપોઆપ ઊભું થઈ જાય છે… ઓફ કોર્સ, માઈકને જબરદસ્ત વળગી રહેલા વક્તા તથા બગાસા અને નસકોરાની વચ્ચે ઝૂલી અને ઝૂરી રહેલા બિચ્ચારા શ્રોતાઓની સાથે સ્તો!  આ ગીતની ખરી મજા તો ત્યારે જ આવે છે, જ્યારે એ સ્વયં કૄષ્ણભાઈનાં કંઠમાંથી વહેતું માણવા મળે.  જો કે મને તો આ ગીત હાસ્યગીત કરતા પણ વઘુ વ્યંગગીત જણાય છે… એટલે કે શાણાને શાનમાં… 🙂

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૪ : भगवान मुझे इक साली दो ! – गोपालप्रसाद व्यास

तुम श्लील कहो, अश्लील कहो
चाहो तो खुलकर गाली दो !
तुम भले मुझे कवि मत मानो
मत वाह-वाह की ताली दो !
पर मैं तो अपने मालिक से
हर बार यही वर माँगूँगा-
तुम गोरी दो या काली दो
भगवान मुझे इक साली दो !

सीधी दो, नखरों वाली दो
साधारण या कि निराली दो,
चाहे बबूल की टहनी दो
चाहे चंपे की डाली दो।
पर मुझे जन्म देने वाले
यह माँग नहीं ठुकरा देना-
असली दो, चाहे जाली दो
भगवान मुझे एक साली दो।

वह यौवन भी क्या यौवन है
जिसमें मुख पर लाली न हुई,
अलकें घूँघरवाली न हुईं
आँखें रस की प्याली न हुईं।
वह जीवन भी क्या जीवन है
जिसमें मनुष्य जीजा न बना,
वह जीजा भी क्या जीजा है
जिसके छोटी साली न हुई।

तुम खा लो भले प्लेटों में
लेकिन थाली की और बात,
तुम रहो फेंकते भरे दाँव
लेकिन खाली की और बात।
तुम मटके पर मटके पी लो
लेकिन प्याली का और मजा,
पत्नी को हरदम रखो साथ,
लेकिन साली की और बात।

पत्नी केवल अर्द्धांगिन है
साली सर्वांगिण होती है,
पत्नी तो रोती ही रहती
साली बिखेरती मोती है।
साला भी गहरे में जाकर
अक्सर पतवार फेंक देता
साली जीजा जी की नैया
खेती है, नहीं डुबोती है।

विरहिन पत्नी को साली ही
पी का संदेश सुनाती है,
भोंदू पत्नी को साली ही
करना शिकार सिखलाती है।
दम्पति में अगर तनाव
रूस-अमरीका जैसा हो जाए,
तो साली ही नेहरू बनकर
भटकों को राह दिखाती है।

साली है पायल की छम-छम
साली है चम-चम तारा-सी,
साली है बुलबुल-सी चुलबुल
साली है चंचल पारा-सी ।
यदि इन उपमाओं से भी कुछ
पहचान नहीं हो पाए तो,
हर रोग दूर करने वाली
साली है अमृतधारा-सी।

मुल्ला को जैसे दुःख देती
बुर्के की चौड़ी जाली है,
पीने वालों को ज्यों अखरी
टेबिल की बोतल खाली है।
चाऊ को जैसे च्याँग नहीं
सपने में कभी सुहाता है,
ऐसे में खूँसट लोगों को
यह कविता साली वाली है।

साली तो रस की प्याली है
साली क्या है रसगुल्ला है,
साली तो मधुर मलाई-सी
अथवा रबड़ी का कुल्ला है।
पत्नी तो सख्त छुहारा है
हरदम सिकुड़ी ही रहती है
साली है फाँक संतरे की
जो कुछ है खुल्लमखुल्ला है।

साली चटनी पोदीने की
बातों की चाट जगाती है,
साली है दिल्ली का लड्डू
देखो तो भूख बढ़ाती है।
साली है मथुरा की खुरचन
रस में लिपटी ही आती है,
साली है आलू का पापड़
छूते ही शोर मचाती है।

कुछ पता तुम्हें है, हिटलर को
किसलिए अग्नि ने छार किया ?
या क्यों ब्रिटेन के लोगों ने
अपना प्रिय किंग उतार दिया ?
ये दोनों थे साली-विहीन
इसलिए लड़ाई हार गए,
वह मुल्क-ए-अदम सिधार गए
यह सात समुंदर पार गए।

किसलिए विनोबा गाँव-गाँव
यूँ मारे-मारे फिरते थे ?
दो-दो बज जाते थे लेकिन
नेहरू के पलक न गिरते थे।
ये दोनों थे साली-विहीन
वह बाबा बाल बढ़ा निकला,
चाचा भी कलम घिसा करता
अपने घर में बैठा इकला।

मुझको ही देखो साली बिन
जीवन ठाली-सा लगता है,
सालों का जीजा जी कहना
मुझको गाली सा लगता है।
यदि प्रभु के परम पराक्रम से
कोई साली पा जाता मैं,
तो भला हास्य-रस में लिखकर
पत्नी को गीत बनाता मैं?

– गोपालप्रसाद व्यास

કેટલી સરળ-સરસ વાતમાંથી કેવું મસ્ત નિર્ભેળ હાસ્ય નિષ્પન્ન કરાયું છે !!

Comments (2)

હાસ્યમેવ જયતે : ૦૩ : तू डाकुओं का बाप है – हुल्लड़ मुरादाबादी

क्या बताएं आपसे हम हाथ मलते रह गए
गीत सूखे पर लिखे थे, बाढ़ में सब बह गए

भूख, महंगाई, ग़रीबी इश्क़ मुझसे कर रहीं थीं
एक होती तो निभाता, तीनों मुझपर मर रही थीं
मच्छर, खटमल और चूहे घर मेरे मेहमान थे
मैं भी भूखा और भूखे ये मेरे भगवान थे
रात को कुछ चोर आए, सोचकर चकरा गए
हर तरफ़ चूहे ही चूहे, देखकर घबरा गए
कुछ नहीं जब मिल सका तो भाव में बहने लगे
और चूहों की तरह ही दुम दबा भगने लगे
हमने तब लाईट जलाई, डायरी ले पिल पड़े
चार कविता, पांच मुक्तक, गीत दस हमने पढे
चोर क्या करते बेचारे उनको भी सुनने पड़े

रो रहे थे चोर सारे, भाव में बहने लगे
एक सौ का नोट देकर इस तरह कहने लगे
कवि है तू करुण-रस का, हम जो पहले जान जाते
सच बतायें दुम दबाकर दूर से ही भाग जाते
अतिथि को कविता सुनाना, ये भयंकर पाप है
हम तो केवल चोर हैं, तू डाकुओं का बाप है

– हुल्लड़ मुरादाबादी

હાસ્ય અને વ્યંગનો સુંદર સંગમ….

મને આવી કવિતાઓની ગુજરાતીમાં સખત ખોટ સાલે છે…. ગુજરાતીના ટેલેન્ટેડ કવિઓને આગ્રહભરી વિનંતી કે આ કાવ્યપ્રકાર ઉપર ધ્યાન આપો પ્લીઝ – આમાં સર્જનનો આનંદ તો છે જ છે, સાથે પ્રચંડ લોકપ્રિયતા અને આમદાનીનો પણ સુભગ સંગમ છે….

વ્યંગ વિષે કાકા હાથરસી શું કહે છે તે સાંભળીએ :-

व्यंग्य एक नश्तर है
ऐसा नश्तर, जो समाज के सड़े-गले अंगों की
शल्यक्रिया करता है
और उसे फिर से स्वस्थ बनाने में सहयोग भी।
काका हाथरसी यदि सरल हास्यकवि हैं
तो उन्होंने व्यंग्य के तीखे बाण भी चलाए हैं।
उनकी कलम का कमाल कार से बेकार तक
शिष्टाचार से भ्रष्टाचार तक
विद्वान से गँवार तक
फ़ैशन से राशन तक
परिवार से नियोजन तक
रिश्वत से त्याग तक
और कमाई से महँगाई तक
सर्वत्र देखने को मिलता है।

– કાકા હાથરસી

Comments (4)

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

Comments (8)

(જાગું પણ સૂતેલાં જેવી) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…

કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…

Comments (4)

માણસ નામે ખૂબ ઉજાણી… – મુકેશ જોષી

વેરણછેરણ સપનાં છે ને, તૂટી ફૂટી ઘટના છે ને,
અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..

– મુકેશ જોષી

શબ્દોનો અર્થસભર ઉપયોગ અને શબ્દોની રમત વચ્ચેનો ભેદ ઉજાગર કરતું ગીત….. દરેક શબ્દ પાસેથી એવું ખૂબીભર્યું કામ લીધું છે કે જે તે શબ્દને સહેજપણ બદલવો જાણે અશક્ય ! જ્યારે આવું સુંદર શબ્દોનું ગૂંથણ સર્જવામાં આવે અને તે પણ લેશમાત્ર અર્થ-શૈથિલ્ય વગર, ત્યારે ‘કવિતા’ સર્જાય છે…..

Comments (4)

(નજરું આપો સાંઈજી) – વંચિત કુકમાવાલા

નજરું આપો સાંઈજી
મારા રે પંડના પરકાશે લીધી પરથમ રે અંગડાઈ જી

ઝીલે ટેરવડાંની ધારું ઝીલે નભ આખાનો ભાર
રણકે રગરગથી રણકે છે કોઈ વાજીંતરના તાર
આસન આપો સાંઈજી
આ હાથવગી પળની પછવાડે ઊભી રે અખિલાઈ જી
નજરું આપો સાંઈજી…

માણે હાલકડોલક મનડું માણે અનહદના અણસારા
છૂટે રઘવાયાં તળિયેથી છૂટે અલલલ લીલી ધારા
લેખણ આપો સાંઈજી
એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
નજરું આપો સાંઈજી…

– વંચિત કુકમાવાલા

શ્રી વંચિત કુકમાવાલાની આ મજાની રચનાનો આસ્વાદ આજે કવિમિત્ર મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

હા. આ વાંચતાં જ તરત કવિ વિનોદ જોશીની ‘કૂંચી આપો બાઈજી’નું સહજ સ્મરણ થઈ આવે. વંચિતભાઈની આ રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિનોદભાઈની રચનાથી પ્રેરિત છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે. કારણ એટલું જ કે કાવ્ય માત્રને માત્ર એનાં સ્વરૂપમાં નથી હોતું. વળી વિનોદભાઈની રચનાનો વિષય તદ્દન જુદો છે એટલે અહીં કાવ્યાત્મક તુલના કરવી પણ નિરર્થક. જોકે ભાવકને એ છૂટ હોય જ કે એને અમુક તમુક કૃતિ વધારે પસંદ હોય. એવી ભાવકતા સાથે મારે કહેવું છે કે મને વંચિતભાઈની આ રચના વધુ ગમે છે. શું કામ ગમે છે એની સ્હેજ જ વાત કરું.

કાવ્યનો ઉઘાડ થાય છે વિનવણી થી. એક પ્રકારની પ્રાર્થનાથી. અને વિનવણી કોની પાસે? Someone who is above, અને માત્ર above એટલું જ નહીં પણ spiritually above. જેની આધ્યાત્મિક ચેતના આપણા કરતાં કોઈ ઊંચા શિખર પર છે. કારણ કે જેણે જાણી લીધું છે એ જ તો ઓળખાવી શકે, જે પહોંચી ગયાં છે એ જ તો મારગ દેખાડી શકે. આંખનું હોવું ઘણી વખત પર્યાપ્ત નથી હોતું. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। (ગીતા 11.8) ત્યારે જરૂર પડે છે નજરુંની – એક પ્રકારે initiationની વાત છે. અને વિનવણીનું કારણ શું? એક realization. પંડના પરકાશે લીધેલી પરથમ અંગડાઈની અનુભૂતિ. અહીંથી જ સડક શરૂ થાય છે. P. D. Ouspensky કહે છે – It is only when we realize that life is taking us nowhere that it begins to have meaning. પછી પગથિયાં છે.

પણ છેલ્લે – લેખણ આપો સાંઈજી… એક અદભુત પુસ્તક છે – Tractatus Logico Philosophicus. લેખક છે ઑસ્ટ્રીયન ફિલોસોફર Ludwig Wittgenstein. મૂળ જર્મનમાં લખાયેલું. એક જગ્યાએ લખે છે : The limits of my language mean the limits of my world. અને માટે જ ‘નોખો શબદ’ આવશ્યક છે ભવભવની ભરપાઈ કરવા માટે.

આવી નખશીખ, દાર્શનિક યાત્રાની, રચનાઓ આપણે ત્યાં ખૂબ ઓછી લખાઈ છે. આ રચના કેવળ એનાં ભાવકો માટે નથી, પણ સાધકો માટે છે.

– મિલિન્દ ગઢવી

Comments (7)

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

Comments (2)

ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ

ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…

માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

– રાધિકા પટેલ

કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!

ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.

Comments (5)

વનપ્રવેશ – ભાવેશ શાહ ‘શહેરી’

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

અંકે પચાસ કહી ઉમરને આંકો પણ ભીતરમાં વાત હોય બીજી
તરવરાટ, થનગનાટ, લોહીનો હણહણાટ રાતોરાત જાય ના થીજી
શાંત પડે અશ્વો ને થાકે અસવાર એવું સાવ કંઈ એકાએક થાય નહીં.

કઈ રીતે, ક્યારે ને કેમ જવું વનમાં એનો મરમ પ્રથમ શોધીયે
લાગણીના નવેનવ રંગીન ખાનામાં ભૂખરાને ફેલાતો રોકીયે
ફાંટ ભરી રંગ લઈ આવેલી જિંદગીને પાછી જા એવું કહેવાય નહીં

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

– ભાવેશ શાહ ‘શહેરી’

વધતી વય એ એક આંકડો માત્ર છે. ઉંમર વધવાની સાથે ઇચ્છાઓ ઓછી થઈ જતી નથી. પચાસ વર્ષ પૂરાં થાય અને એકા(વન)ની શરૂઆત થાય એને આપણે ત્યાં વનપ્રવેશ કહી ઓળખાવાય છે. વનપ્રવેશ કરતી વખતની સંવેદનાનું આ સહજ સરળ ગીત કદાચ આપણા સહુનું સંયુક્ત ઊર્મિગાન છે. એકાવનમાં જવાનો અવસર આવે તો કંઈ રાતોરાત ઘડપણ આવી ગયેલું અનુભવાતું નથી. શંકરાચાર્યએ કહ્યું હતું: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે પણ ‘સૂંઘે ન કો કરમાઈ જૂઈ’ એવું કહ્યું હતું. પણ આપણા કવિ વનમાં જતાં પહેલાં કઈ રીતે, ક્યારે અને કેમ જવું એનો આગોતરો તાગ મેળવી લીધા બાદ લાગણીના નવેનવ ખાનાંમાં વૃદ્ધાવસ્થાના ભૂખરા રંગને જે રીતે ફેલાઈ જતો અટકાવવા માંગે છે એ જોઈને આદિ શંકરાચાર્યની જ બીજી સૂક્તિ યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्डं तदपि न मुच्यत्याशापिण्डम् ॥ (અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

વધતી વયના આ ગીતમાં લય ક્યાંક ક્યાંક લથડે છે એ તરફ કવિની સભાનતા અપેક્ષિત છે…

Comments (8)

રખડુનું ગીત – ઉદયન ઠક્કર

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી

વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે

કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !

મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

– ઉદયન ઠક્કર

નાજુક નમણું ગીત…..

Comments (3)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું- – એમિલી ડિકિન્સન (અનુ. વિવેક મનહર ટેલર)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું-
ગોળગોળ કહેવામાં રહ્યું છે સાચું સાફલ્ય
આપણા નિર્બળ આનંદ માટે કૈંક વધારે પડતું
તેજસ્વી છે સત્ય તણું આ શાનદાર આશ્ચર્ય

વીજ અને તોફાનો વિશે જે રીતે બાળકને
પ્રેમથી સમજાવીને કરીએ ડરને એના દૂર
એ જ પ્રમાણે સત્યને પણ હળુક આંજવા દઈએ
નહીં તો હરએક માણસ ખોઈ દેશે આંખનું નૂર –

-એમિલી ડિકિન્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

ટી. એસ. એલિયટે એક કવિતામાં કહ્યું હતું કે માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહન કરી શકતી નથી. (human kind cannot bear very much reality.) આ જ વાત એલિયટના જન્મના બે વર્ષ પહેલાં દુનિયા ત્યજી જનાર એમિલીની પ્રસ્તુત રચનામાં જોવા મળે છે. ટૂંકી રચના, શબ્દોની કરકસર, ચુસ્ત પ્રાસાવલિ અને સુઘડ છંદોલય -એમિલીની લાક્ષણિક શૈલી અહીં પણ નજરે ચડે છે.

સંપૂર્ણ અને સીધું સત્ય આપણે ઝીલી-ઝાલી શકતા નથી. એમિલી સલાહ આપે છે કે ભલે સંપૂર્ણ સત્ય કહો પણ જરા આડકતરી રીતે, ગોળગોળ ફેરવીને પછી મુદ્દા પર આવો. કેમકે આપણો આનંદ નબળો છે, એ ઝળાંહળાં સત્યના અદભુત ઐશ્વર્યને વેંઢારી શકવા સમર્થ નથી. જે રીતે નાનાં બાળક વીજળી-તોફાનોથી ગભરાઈ ન જાય એ માટે આપણે એમને પ્રમથી સમજાવીએ છીએ અને એમનો ડર દૂર કરીએ છીએ, એ જ રીતે હળવેથી સત્યનો પ્રકાશ કોઈની પણ સામે લઈને આવવું રહ્યું, અન્યથા આંધળા થઈ જવાશે.

સત્યના તેજસ્વી પ્રકાશ અને આંખના આંધળા થવાની વાતની ગૂંથણીમાં એમિલીનું ‘eye -આંખ’ બાબતનું અભૂતપૂર્વ કવિકર્મ ચૂકવા જેવું નથી. આઠ જ પંક્તિની કવિતામાં આઠ-આઠ જગ્યાએ એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ: ‘lies, bright, Delight, surprise, Lightning, kind, blind’

*

Tell all the truth but tell it slant —

Tell all the truth but tell it slant —
Success in Circuit lies
Too bright for our infirm Delight
The Truth’s superb surprise

As Lightning to the Children eased
With explanation kind
The Truth must dazzle gradually
Or every man be blind —

– Emily Dickinson

Comments (8)

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

Comments (17)

હૃદયના તાર એવા ઝણઝણે – મુકેશ જોષી

તું કદી સામે મળે ત્યારે હૃદયના તાર એવા ઝણઝણે કે
કંપને નીરવ થતાં વર્ષો વીતે.
આપણી વચ્ચે અકળ જે મૌન કેરું દ્વાર તું ખોલે નહીં
જાણે કદાપિ ના મળ્યાં એવી રીતે !
તે પછી નિ:શ્વાસની ભીંતો ઉપર માથું પછાડી
શબ્દના નાજુક કપોલે લોહીના ટશિયા ફૂટે કહું શી રીતે ?

મધ્યરાતે તપ કરું, સમણાં તણા હું જપ કરું ને
આંસુની આહુતિઓ આપી ઘણાંયે વ્રત કરું-
તે છતાં પામું અગર વરદાનમાં વેરાન તો
છાતી વચાળે હોય જે પોલાણ એ ક્યાંથી ભરું ?
ચાલ શતરંજી સમય એવી ઘડે, મ્હોરાં બધાં ઘેરી વળે ને
મધ્યમાં હો કેદ એ રાજા છતાં ક્યાંથી જીતે !?

ને સંબંધોના બધા ઝળહળ દીવામાં એક ગમતો
દીપ જો બુઝાય તો આ આંખ પણ ફાટી પડે,
કે ધુમાડો યાદનો વંટોળ થઈ ઘૂમરાય ત્યારે ચોતરફ
ત્યાં આયખું જાણે તણખલું થઈ ઊડે !
રક્તરંગી જે મુકાતો કાપ કે સમજાય નહીં અનુરાગ
કરવા સો હૃદયના ભાગ એવું કેટલું
પટકાય આ વ્યાકુળ ચિત્તે…

– મુકેશ જોષી

रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय।
टूटे से फिर ना जुड़े, जुड़े गाँठ परी जाय॥

Comments (1)

(વાદળ વરસ્યું કે પછી તું?) – નેહા પુરોહિત

વેણીથી વીંછીયા લગ લથબથ ભીંજાઈ, જાણે સપનાની નગરીમાં છું !
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

ઓઢણીમાં છાપેલી લીલવણી વેલ ઉપર સાચકલાં ઉગ્યાં છે ફૂલ;
નીતરતી પીઠને વળગીને એ પાછું શું શું કરાવે કબૂલ !
કેમ રે કહું કે તારે શ્રાવણની મોજ, મારે રોમરોમ વૈશાખી લૂ..
અલ્યા, વાદળ વરસ્યું કે પછી તું ?

વરસે આવે, ને ગાજીવાજીને વરસે એ વાદળને કરવું શું વહાલ ,
ચાહું હું તારો કાયમનો સંગાથ બાજે મીઠો મૃદંગી જપતાલ !
વાદળમાં સરસરસર સરે જેમ વિજ, એમ તારા આલિંગનમાં હું..
પછી વાદળ વરસ્યું… ને પછી તું…

– નેહા પુરોહિત

કવયિત્રીએ આ ગીત એક પરિણીતાની સ્વગતોક્તિ છે એવું ક્યાંય લખ્યું ન હોવા છતાં ગીત શરૂ થતાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જે રીતે કુમારિકાઓને શિવલિંગની પૂજા કરવાનો નિષેધ ગણાવાયો છે, એ જ રીતે વિંછીયું માત્ર પરિણીત સ્ત્રીઓ જ પહેરી શકે. પગે વિંછીયા પહેરવાથી ગર્ભાધાન સુગમ બને છે, માસિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે વગેરે જેવા કારણો આ માટે સામે ધરાય છે. પણ અત્રે એ ચર્ચા અસ્થાને છે.

માથાની વેણીથી લઈને પગના વિંછીયા સુધી પરિણીતા લથબથ ભીંજાઈ છે, પણ આ ઘટના શું હતી એ બાબતમાં એ સાશંક છે. આ હેલી વરસાદની હતી કે વહાલમના વહાલની એ બાબતમાં એ નિશ્ચિત થઈ શકતી નથી. અવઢવની આ પાતળી નાજુક દોર પર આખું ગીત કેવું સુગમ સહજતાથી ટક્યું છે એ જોવા જેવું છે. ઓઢણીમાં જે વેલ છાપી હતી, એમાં જાણે આ ભીંજામણીથી અચાનક ‘સાચાં’ પુષ્પો મહોરી આવ્યાં છે. પોતે જાગતાંમાં ભીંજાઈ છે કે સ્વપ્નમાં, વરસાદમાં ભીંજાઈ છે કે વહાલમાં એની ખાતરી નથી પણ ઓઢણીમાં ખીલેલાં ફૂલ એને સાચાં લાગે છે. આ છે કવિતા! નાયિકા સ્વાભાવિકપણે ગામડાંની ગોરી છે એટલે કમખો પણ ‘બેકલેસ’ જ હોવાનો. ‘નવપલ્લવિત’ થયેલી આ ભીની ઓઢણી એની વહાલ/વરસાદ નીતરતી પીઠને વળગી પડીને વહાલમ જે કહે એ બધું કબૂલ કરવાની વળી ફરજ પાડે છે. જો કે આ ફરજ ઓઢણી પાડે છે કે વહાલમ ખુદ એય અધ્યાહાર રહે છે. બંને અર્થ સમજી શકાય છે અને બંનેમાં મોજ છે. વહાલમજી તો કદાચ સ્વપ્નમાં જ આવ્યા હોવા જોઈએ કેમકે એને પરદેશમાં વરસાદી મસ્તી છે અને નાયિકાને રોમેરોમ વિરહની વૈશાખી લૂ દઝાડે છે.

બારમાસી તરસની સામે વાદળ વરસે એકવાર ચોમાસામાં આવીને ગાજવીજ સાથે વરસે તો એને ચાહવું-ન ચાહવુંની મીઠી મૂંઝવણ છે. પંક્તિમાં બે વાર વપરાયેલ ‘વરસે’માં જે યમક અલંકારની મીઠી મહેક ઊઠે છે એ ચૂકવા જેવી નથી. વાદળ કે વહાલમની અવઢવ અહીં આવીને એકાકાર થાય છે. હૈયાના મૃદંગ પર સંગાથનો જપતાલ કદીમદીના સ્થાને કાયમી બનેની આરત સાથે પરિણીતા વાદળમાં વીજ, એમ મનના માણીગરના આલિંગનમાં સરે છે ને એય વાદળ ભેળો એના પર વરસે છે…

આસ્વાદ લાંબો થઈ જવાની ભીતિ હોવા છતાં કવિતામાં રહેલી વર્ણસગાઈ (alliteration)ની વાત કરવાનો મોહ જતો કરી શકાય એમ નથી. પહેલી પંક્તિથી શરૂ થઈ આખર લગ ગીતમાધ્રુર્યમાં પ્રાણ પૂરતો એનો રણકાર સતત સંભળાતો જ રહે છે. વીણી-વિંછીયા, લગ-લથબથ, વાદળ-વરસ્યું, વરસે-વરસે-વાદળ-વહાલ, વાદળ-વીજ, સરસરસર-સરે… ગીત સતત આ નાદખંજરીથી રણકતું જ રહે છે. આ એક કડી તો જુઓ – (ઓઢણીમાં) (છાપે)લી-લી-લ(વણી) (વે)લ (ઉપર) (સાચક)લાં (ઊગ્યાં) (છે) (ફૂ)લ – ‘લ’કારનો વરસાદ વરસ્યો છે… અને એના છાંટા કબૂલ-લૂ-વહાલ-જપતાલ એમ અંત લગી  ભીંજવતા રહે છે…

Comments (24)

ઘડૂલી કયારે શિર પર ચડી? – પ્રભુલાલ દ્વિવેદી

.             ઘડૂલી ક્યારે શિર પર ચડી?
.             માટીને મોટપ કયારે મળી? –
માટી ખોદી, મૂકી ગધેડે કુંભાર ઘર લઈ આવ્યો,
ગારો કીધો પગથી ખૂંદી ખૂંદી પિંડ બનાવ્યો,
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
.                     ઘડૂલી કયારે શિર પર ચડી?

– પ્રભુલાલ દ્વિવેદી

માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..

Comments (3)

ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!

Comments (2)

વૈશાખી તાપ – મુકેશ જોષી

ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.

ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…

હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…

– મુકેશ જોષી

 

વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??

Comments (2)

એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)


નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?


દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.


કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.


ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?


રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.

રચના સવિસ્તર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો : http://tahuko.com/?p=18941

A Song

I

No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II

His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III

But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV

The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V

While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI

The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

Comments (3)

રાતરાણી – જૉન ક્લેર (અનુ. વિવેક મનહર ટેલર)

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર કવિતા હોય તો માત્ર સુગંધનો અહેસાસ પણ કવિતા જ છે.

કવિતાના વિશદ આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=18939

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

Comments (3)

પ્રેમમાં તો એવું યે થાય છે – તુષાર શુક્લ

પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

– તુષાર શુક્લ

 

 

કલાપી યાદ આવી જાય –

પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી

Comments (4)

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઈ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઈ હૈયા લગ કેમ કરી પહોંચે ?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઈ શય્યા લગ કેમ કરી પહોંચે ?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઈ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે !
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઈ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઈ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

રળિયામણું ગીત…..

Comments (2)

મુને ફૂટી છે ગંધ ડાળખીની – યશવંત ત્રિવેદી

હું તો બેઠી છું વૈશાખી ડાળે કે
રાજા મુને વેડી દે લૂમલૂમ આંબાનાં ગીત !

કબૂતરીની જેમ જરી જંપું ત્યાં ઓસરીમાં
ખસની ટટ્ટીપેથી હળુહળુ ઊતરીને કીડી જેવું લાલઘૂમ ચટકે બપ્પોર
લેલૂમ લીંબોળીઓને ઘોળટી ઊભી’તી તિયાં
છટકેલા છારા જેવો છેડતી કરીને ગિયો વૈશાખી સાંજનો તે તૉર

હાય! મુને ફૂટી છે ગંધ ડાળખીની કે
રાજા મુને આણી દે ફાટફાટ ફૂલોની રીત !

રાત આખી તનડામાં બોલી કોયલિયા
ને પાકીગળ કેરીની શાખ મારી પોપટો કીરકીર કીરકીર ઠોલે
દલનાં કમાડ ગિયો કાઢી પૂરવૈયો તે
આઠે તે પ્હોર હવે મોરલાનાં વંન મારી છાતીમાં પીહો પીહો બોલે

મને ઋતુઓ ઊગી છ એકસામટી કે
રાજા મુને આલી દે બારમાસી ફૂલોની પ્રીત !

– યશવંત ત્રિવેદી

વૈશાખ ઋતુની વાત છે. આભેથી મે મહિનાની લૂની સાથોસાથ વૈશાખી વાયરા પણ ફૂંકાવા શરૂ થાય છે. આંબો કેરીઓથી લચી પડ્યો હોય એ ટાણે નાયિકા નાયક પાસે ગીતો માંગે છે, પણ ગીત કેવાં અને કેટલાં તો કે લૂમલૂમ આંબાના ગીત. આપણે ત્યાં ગુજરાતમાં કેરીના વૃક્ષને, તો મહારાષ્ટ્રમાં ફળને આંબો કહે છે. અહીં ‘લૂમલૂમ આંબાનાં ગીત’ પ્રયોગમાં મરાઠી સંસ્કાર વધુ પ્રભાવક અનુભવાય છે.

ગ્રીષ્મની બપોરે કબૂતરની જેમ નાયિકા ઓસરીમાં આડી પડે છે ત્યારે ગરમીથી બચવા લટકાવેલી ખસની ટટ્ટીઓ પરથી બપોરનો તાપ કીડીઓ હેઠી આવીને કરડે એમ ચટકે છે એ કલ્પન કેવું બળકટ છે! વૈશાખી બપોર પજવે છે તો સાંજ પણ કંઈ છોડી દેતી નથી. નાયિકા લીંબોળીઓને ઘોળટી હોય છે ત્યારે સાંજ છાકટા છોકરાની જેમ એને છેડે છે. ફૂલોના સ્થાને એનું તનબદન ડાળખીની ગંધ ફૂટવાથી તર થઈ જાય છે.

વૈશાખી વૃક્ષો પછી વારો આવે છે પક્ષીઓનો. જો કે કવિ એમાં થોડું ઋતુચક્ર ચૂકી ગયાનું જણાય છે. કોયલ કુંજઘટાઓ ભરી દે અને સાખ પડેલી કેરી પોપટ ઠોલે ત્યાં સુધી તો વાત બરાબર પણ મોરના આઠે પહોર બોલવાની આ ઋતુ નથી. મોર તો વર્ષાઋતુ આવે ત્યારે જ આઠે પહોર ગહેકે અને મોરના કંઠેથી ટેંહુકાર નીકળે, પીહો પીહો બોલ તો પપીહરા કે ચાતકના. પણ આટલી વાતને નજરઅંદાજ કરીએ તો કલ્પન કેવા મજાના છે એ જુઓ! રાત આખી બે જણ વચ્ચે રૉમાન્સ ચાલે છે. શરીર કોયલની જેમ કૂકે છે અને પોપટ પાકી કેરીને કીરકીર ઠોલે એમ નાયક રાત આખી એના તનનો આનંદ લૂંટે છે. નાયક માટે નાયિકાનું દિલ દરવાજા વગરનું મકાન બની ગયું છે, મન ફાવે ત્યારે ઘૂસી અવાય. કેવી સવલત! આખી રાતનો આ આનંદ ઓછો પડ્યો હોય એમ નાયિકાની છાતી હવે આઠે પહોર ટહુકી રહી છે. અને સળંગ રાતદિવસનો આ અનર્ગલ પ્યાર પણ ઓછો પડ્યો હોય એમ અંતે નાયિકાની ભીતર એકસામટી છએ છ ઋતુઓ ઊગી આવી છે અને એ હવે બારમાસી પ્રીત ઝંખે છે.

Comments (9)

બોલે ! – સંજુ વાળા

ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !
નામસ્મરણમાં રત રહેનારો, કાં તું આજે તીણું બોલે તીખું બોલે !

જંગલમાં એક ઝાડ પડે
તો કોને કેવું લાગે વળગે ?
નખમાં પણ જ્યાં થાય ઘસરકો
ત્યાંથી રહીએ આઘે અળગે.

ધ્યાન-બહેરી દુનિયાને શું ફરક પડે કોઈ ધીમું બોલે ભીનું બોલે !

સાહેબ, અહીંના રિવાજ મુજબ
સૌ નિજની છાયામાં મ્હાલે,
ભવિષ્યની ચિંતામાં મૂકે
આજ લટકતી અધ્ધરતાલે.

રંગબિરંગી બોલીને ભરમાવે જાણે : લીલું બોલે પીળું બોલે !
ના બોલે તો ચાલે કિન્તુ બોલીને કાં બીજું બોલે ત્રીજું બોલે !

– સંજુ વાળા

 

એક બહુ જ સરસ ઉક્તિ વાંચી હતી કશેક – ” જયારે તમારા શબ્દો તમારા મૌનને અતિક્રમી શકે ત્યારે જ બોલવું ” !!

Comments (3)

ચિમની સ્વીપર – વિલિયમ બ્લેક (અનુ.: વિવેક મનહર ટેલર)

બરફ વચાળે નાની અમથી કાળી કાળી ચીજ, ,
દર્દભર્યા કંઈ નાદે ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ! ’વીપ!”
“બોલ તું, ક્યાં છે પપ્પા તારા, ને ક્યાં ગઈ છે મમ્મી? –
“તે બંને તો ચર્ચ ગયા ઈશ્વરની કરવા બંદગી.

“કારણ બંજરપાટ ઉપર પણ હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો સ્મિત હું શિયાળાના બર્ફમાં,
એ લોકોએ લિબાશ મૃત્યુનો મને પહેરાવ્યો,
અને મને શીખવ્યું શી રીતે ગાવા દર્દના ગીતો.

અને બસ, એથી કે હું ખુશ છું, નાચું છું, ગાઉં છું,
તેઓને લાગે છે તેમણે દર્દ નથી કંઈ આપ્યું,
અને ગયાં છે ઈશ્વર, રાજા-પાદરીને પૂજવાને
જે બેઠાં છે અમારાં દુઃખોમાંથી સ્વર્ગ રચવાને,”

– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિલ્યમ બ્લેકના બે સંગ્રહ ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ (૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ બંનેમાં ‘ધ ચિમની સ્વીપર’ શીર્ષકથી કવિતા સમાવિષ્ટ છે. ‘ઇનોસન્સ’માં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે ‘એક્સપિરિઅન્સ’માં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત પણ કર્યાં હતાં.

એક રચના તો આપણે માણી ચૂક્યાં છીએ: https://layastaro.com/?p=16060

આજે બીજી રચના માણીએ…

ચિમની સ્વીપરની જિંદગી વિશે થોડું જાણીએ… બ્લેકના સમયના ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાનાં-પાતળાં શરીરધારી બાળકો વરદાન ગણાતાં. માત્ર ત્રણ જ વર્ષના ફૂલ જેવાં બાળકોને આ કામે લગાડી દેવાતાં. અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર એમને ઉતારાતાં એટલે હાથ-પગનું તૂટવાથી લઈને શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર પણ સહજ હતાં. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને-ફસાઈને-ગૂંગળાઈને મૃત્યુ થવું પણ સામાન્ય ગણાતું. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયાની જાણ ન થવાના કારણે મરણને શરણ થતું. જાડાં થઈ જાય તો ચિમનીમાં ઉતરી નહીં શકે એ ડરે એમને ખોરાક પણ અપૂરતો અપાતો. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો.

*

The Chimney Sweeper (Songs of Experience)

A little black thing among the snow,
Crying “‘weep! ‘weep!” in notes of woe!
“Where are thy father and mother? Say!”–
“They are both gone up to the church to pray.

“Because I was happy upon the heath,
And smiled among the winter’s snow,
They clothed me in the clothes of death,
And taught me to sing the notes of woe.

“And because I am happy and dance and sing,
They think they have done me no injury,
And are gone to praise God and his priest and king,
Who make up a heaven of our misery.”

– William Blake

Comments (1)

સમૂહગીત – રમેશ પારેખ

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

સામેની ટેકરીના ઊભા અનન્ત ઢાળ વીંધીને પ્હોંચવું છે ક્યાંક
પગના અભાવ વિષે જોયા જોયા કરવાનું : કદી આપણને ફૂટવાની પાંખ
જીવતરના કાચમાં પડેલી તીરાડ સમા કારણ વિનાના છીએ આપણે

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.

-રમેશ પારેખ

આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!

કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….

Comments (4)

(કો’ક વાર થાય) – હરીન્દ્ર દવે

કો’ક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે
કા’ન દોરી ખેંચીને તું ઝુલાવે
અમથી હું આંખ મીચું, કાન રહું માંડી
કે હાલરડું ગાવું તને ફાવે!

સ્હેજ જરા અટકો જો ઝોલો, તો ખોયાને
બે હાથે ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઈ વાર મેલી જો દોરી
તને બેસવા દઉં ન લેશ હેઠો,
કંટાળી મારે મને ધબ્બા ને કાલીકાલી
વાણીથી છો ને ફોસલાવે…

અમનેય આવડે છે મરકલડાં આણતાં
ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કદંબડાળ બેસીએ કે
મંદિરમાં બની જઈએ આરસ
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઈ
હળવે હળવે તું પાસ આવે…

– હરીન્દ્ર દવે

Role-reversal કોને ન ગમે? કાનુડાને હિંચવવા આખી દુનિયા સદાની તૈયાર… પણ કવિને કોઈક વાર વિચાર આવે છે કે પોતે ફૂલના હિંડોળે સૂઈ જાય અને કાનુડો એને હિંચકે તો કેવું! પાછું અમથું સૂઈ રહેવાનું નથી… આ તો કવિ છે! એ ઈશ્વરની કસોતી કરતાંય અચકાય શાનો? ઈશ્વરને હાલરડું ગાતાં આવડે છે કે કેમ એ જાણવા એ અમથી અમથી આંખ મીંચીને કાન માંડે છે. વળી ઝોલો અટકવો ન જોઈએ એ બીજી શરત છે. હિંચકો જરાક અટક્યો નથી કે જે રીતે બાળકાનુડો યશોદાનું ઉપરાણું લેતો’તો એ જ રીતે કવિ પણ ખોયો ઝાલીને બેઠો થઈ જશે. થાકી જાય, કંટાળી જાય, ધબ્બા મારે કે કાલી-કાલી વાણીથી ફોસલાવવા કરે તોય કૃષ્ણ જેવા કૃષ્ણને પણ થાકીને બે પળેય દોરી મેલીને હેઠો બેસવા નહીં દેવાનું નક્કી જ છે. જે રીતે સ્મિતના મરકલડાં આણીને કાનાએ હોકુળને ઘેલું કર્યું હતું, એવાં મરકલડાં આણતાં કવિને પણ આવડે છે. કવિનેય ગોરસ ખાવાનાં ને કદંબડાળે બેસવાનાં ને મંદિરમાં કાનુડો ચંદન-ધૂપ લઈ પૂજવા આવે તો આરસ બનીને સ્થિર પ્રતીક્ષા કરવાના ઓરતા છે..

આવી કવિતા હોય તો સર્જનહારને પણ કવિને હિંડોળવાનું મન થઈ જાય એ નક્કી!

Comments (7)

अनबींधे मन का गीत – गिरिजा कुमार माथुर

जल तो बहुत गहरा था
कमलों तक समझे हम

झील वह अछूती थी
पुरइन से ढंकी हुई
सूरज से अनबोली
चाँद से न खुली हुई
कई जन्म अमर हुए
कोरी अब सिर्फ देह
पहली ही बिजली
हमें नौका-सी बाँध गई

लहरें किन्तु भीतर थीं
रोओं तक समझे हम

तट से बंधा मन
छाया कृतियों में मग्न रहा
स्वप्न की हवाओं में
तिरती हुयी गन्ध रहा
अतल बीच
सीपी का ताला निष्कलंक रहा
जादू का महल एक
नीचे ही बन्द रहा

अनटूटा था तिलिस्म
बाँहों में समझे हम

एक दिन शुरू के लम्बे कुन्तल
खुले दर्पण में
भिन्न स्वाह लिपि देखी
प्यासे आकर्षण में
मन था अनबींधा
बिंधी देहों के बन्धन में
अंजलियां भूखी थीं
आधे दिए अर्पण में

आया जब और चाँद
झील की तलहटी में
तब मीठी आँखों के
अर्थों को समझे हम

जल तो बहुत गहरा था
कमलों तक समझे हम ।

–गिरिजा कुमार माथुर

ગિરીજાકુમાર માથુરને આપણે સૌ ‘હમ હોંગે કામયાબ’(we shall overcomeના અનુવાદ)માટે ઓળખીએ છીએ. પ્રસ્તુત રચના અનબિંધે મન કા ગીત એક અલગ જ સ્તરની છે. ટૂંકી પંક્તિઓમાં લખાયેલી આ કવિતા એક જાતનું કવિશ્રીનું કન્ફેશન છે. કાવ્ય છે તો શૃંગાર-રસનું જ પણ અનોખું છે. પ્રિયતમાના દર્શનને પોયણીના તળાવના પ્રતિકથી વ્યક્ત કર્યું છે. પહેલી નજરમાં તો એ સૌંદર્યથી કવિ અભિભૂત થઈને પ્રેમમાં બંધાઈને પ્રેમિકાને જીવનસંગીની બનાવવાનો નિર્ણય કરી લે છે પણ હજુ એના આત્માનું ઊંડાણ સમજ્યા નથી. કવિ નિખાલસતાથી કહે છે કે પ્રિયતમાના મનમાં ચાલતી ભાવનાઓની લહેરોને ઓળખવાને બદલે એ સ્થૂળ ઊર્મીઓને જ સમજી શક્યા. એક જાતનું સંકુચિત મન સ્વપ્નાઓમાં અને કલ્પનાઓમાં વિહરતું રહ્યું પણ પ્રિયતમાના અતળ મનમાં પડેલું છિપનું મોતી, એના અંતરનું સૌંદર્ય નજરે ના પડ્યું. એની અંદર એક આખું જાદુઈ વિશ્વ હતું એ એમ જ બંધ પડી રહ્યું, કવિ દેહના સૌંદર્યમાં જ ખોવાયેલા રહ્યા. દેહનું ઐક્ય સાધી લીધા પછી પણ મન તો અણ વિંધ્યું જ હતું. જ્યારે કવિને જ્ઞાન લાધ્યું ત્યારે એ સુંદર આંખોનું ઊંડાણ, એમાં છૂપાયેલા અર્થો સમજી શક્યા. એક પ્રેમી હ્રદયની નિખાલસ કબૂલાત સ્ત્રી-પુરુષોના સંબંધો વિશે ઘણું કહી જાય છે.

[ કાવ્ય તેમજ આસ્વાદ સૌજન્ય – ડૉ નેહલ વૈદ્ય www.inmymindinmyheart.com ]

Comments (2)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?

– સુરેશ દલાલ

 

નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..

Comments (2)

શું જાણું? – મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

– મકરંદ દવે

 

જાણે રાધા અને મીરાંના મનની વાત…….

Comments (2)

ક્યાંક અરીસે ફૂંક! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક!

ટાપુ જેવા તપ છે એના એની આંખમાં દવ
માણસ કોમળ હોય તો એનો સાંભળી લેવો રવ
સૌની સાથે હેમખેમ હોય સર કરવાની ટૂંક!
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

તળ પહોંચ્યાની મજા અર્થમાં તળ પહોંચ્યાનું પાપ
આંખોમાં પાકયું અંધારું કેમ મૂકવો કાપ?
ક્યાં સપાટી ખટકાની ને ક્યાંક પ્રકાશી ચૂંક?
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

– પ્રફુલ્લ પંડ્યા

હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…

Comments (3)

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

Comments (5)

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

Comments (8)

(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી

ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.

હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી

‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી

– જુગલ દરજી

અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!

Comments (9)

એકલતાનું સરોવર – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાંને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડાં કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઈને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઈને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઈ ગઈ
ને ચીંથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

– સુરેશ દલાલ

 

જાયેં તો જાયેં કહાં….સમઝેંગા કૌન યહાં દર્દભરે દિલકી ઝુબાં…..

Comments (1)

તું ઊગે તો શ્વાસ – તુષાર શુક્લ

તું ઊગે તો શ્વાસ
અને આથમે નિ:શ્વાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઝાકળનાં નળિયાં ને રેતીની ભીંત
મારે પડઘાની સોહે પછીત

ટહુકાની મેડીને ઝંખનાનો મોભ
મારી વેદનાને વળિયોથી પ્રીત

તું ઊગે ઉજાસ
અને આથમે અમાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
તને મળશે સંબંધ તણું નામ.

લીંપણની ભાષામાં સમજે છે કોણ
આ તો હૈયા ઉકલતનું છે કામ.

તું ઊગે ઉલ્લાસ
અને આથમે ઉદાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી.

– તુષાર શુક્લ

 

મોરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ રે…..

Comments (1)

(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ

સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

– રાવજી પટેલ

સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!

બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…

Comments (8)

(ભાષાનાં નીર) – પ્રફુલ્લ પંડ્યા

ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !

ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !

બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે

– પ્રફુલ્લ પંડ્યા

ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:

કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:

જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..

૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ

પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.

કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.

ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.

(ટિપ્પણી – શ્રી સંજુ વાળા)

Comments (4)

પળવારમાં તૂટી પડે – જવાહર બક્ષી

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

– જવાહર બક્ષી

 

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે……

Comments (2)