જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

8 Comments »

  1. Aasifkhaan said,

    November 7, 2020 @ 1:37 AM

    Vaah vaah khub saras

  2. Kajal kanjiya said,

    November 7, 2020 @ 3:54 AM

    ગીત અને આસ્વાદ માણવાની મજા આવી👌👌💐

  3. Harihar Shukla said,

    November 7, 2020 @ 5:02 AM

    ગીતકાર તો પહેલેથી છેલ્લે સુધી મનોહર ત્રિવેદી જ સાહેબ, પછી છોને હોય તડકો કે છો ને હોય છાંયડો!👌💐

  4. kishor Barot said,

    November 7, 2020 @ 6:31 AM

    મનોહરજીના ગીતોમાં એક આગવું સૌંદર્ય હોય છે.
    સર્જકને આદરભર્યા વંદન.

  5. કિશોર બારોટ said,

    November 7, 2020 @ 6:32 AM

    મનોહરજીના ગીતોમાં એક આગવું સૌંદર્ય હોય છે.
    સર્જકને આદરભર્યા વંદન.

  6. pragnajuvyas said,

    November 7, 2020 @ 10:38 AM

    મા. મનોહર ત્રિવેદીનુ સુંદર ગીત છાંયડાનો જવાબ નો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  7. Poonam said,

    November 7, 2020 @ 10:46 AM

    આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
    પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

    – મનોહર ત્રિવેદી – વાહ !

    કવિના તો ચશ્માં જ અલગ… જી , ને આસ્વાદ પણ…

  8. Juhi Shah said,

    November 7, 2020 @ 9:53 PM

    વાહ. તડકા છાંયડાનો સંવાદ એકદમ જીવંત લાગે છે.
    કવિની શી અનોખી દૃષ્ટિ ! 👌👌💐💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment