હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
વિવેક મનહર ટેલર

પતંગાયણ – રમેશ પારેખ

એક છોકરો પતંગ લઈ દોડ્યો રે… દોડ્યો રે… દોડ્યો રે…
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે ?

છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે

પતંગની સંતામણે જાણે પૂનમ થઈ,
પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ

છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ

સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ,
માહે પલળે ગામનાં બે જણની ઊતરાણ

છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

– રમેશ પારેખ

લયસ્તરોના સહુ કવિમિત્રો અને ભાવકમિત્રોને સુરક્ષિત મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં…

ફક્ત होली के दिन दिल खिल जाते है એવું હોતું નથી. ઉત્તરાયણમાં કંઈ કેટલાય કનકવા પોતપોતાનું ધાબું શોધી લેતા હોય છે. હવા આકાશનો વાદળી રંગ પહેરીને વહેતી નજરે ચડે એવા રંગીન વાતાવરણનો કેફ જ એવો છે કે ફિરકી ઘરે એમની એમ પડી રહે ને છોકરો પતંગ જેવું હૈયું હાથમાં લઈને હડી કાઢે. પતંગપર્વ અનંગપર્વ બની રહે ત્યારે ભાન પતંગ બનીને હવામાં ઊડી જાય અને હાથ કે જાત સંકોડ્યા સંકોડાતા નથી.

છૂટ્ટું મૂકેલું પતંગ જેવું હૈયું છોકરીના ખમતીધર ખોરડે જઈ ઊતરાણ કરે છે. અહીં ઊતરાણમાં છૂપાયેલ શ્લેષ ચૂકવા જેવો નથી. ઉતરાણ પર્વ અને પતંગનું ઊતરાણ –બંનેને કવિએ બખૂબી સાંકળ્યાં છે. ‘ખમતીધર’ શબ્દ પણ કવિએ સાયાસ પ્રયોજ્યો છે. પતંગ કહો કે હૈયું, બંને ખૂબ નાજુક છે પણ સામે પ્રિયપાત્રનું હૃદય બંનેને ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર છે. છોકરી તરત જ વાદળી હવાની પાંખે સવાર થઈ પોતાને ત્યાં આવી ઉતરેલ ગુલાબી અવસરને ઝૂંટવીને-લૂંટીને પોતાના હૃદયની અંદર સંતાડી દે છે. પતંગના સંતાડવામાં આવતાં જ જાણે ધોળે દહાડે પૂનમ થઈ ગઈ અને ભીંતો ઊડી ગઈ. અવસર પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો આવકાર બની ગયો. છોકરી રાતોરાત યુવાન થઈ ગઈ. એની કાંચળી ભીતર રતિરાગના ગલગલિયાં થવા માંડ્યા છે અને બે સ્તન એમ વિકાસ પામ્યાં જાણે ઊડવાને બે પાંખોની જોડ ન ફૂટી હોય!

છોકરી આ પતંગને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવે છે. પરિણામે હવે એના ડગલે ને પગલે પ્રણયના રંગ વેરાઈ રહ્યા છે. પતંગ તો દિવસે ચગે પણ અહીં તો પ્રણયસ્વીકારનો પૂનમી ચંદ્રોદય થયો છે. સૂર્યના તાપના સ્થાને પ્રીતની ચાંદનીની શીતળતા વ્યાપ્ત થઈ છે. શીતળ ચાંદની કામદેવની બાણવર્ષા ન હોય એમ ઝરમર ઝરમર વરસી રહી છે અને બે જણ સરાબોળ પલળી રહ્યાં છે. રુંવે-રુંવે કોઈએ કન્ના ન બાંધ્યા હોય એમ છોકરાને તીવ્ર રોમાંચ થઈ રહ્યો છે અને છોકરી પણ મન મૂકીને આ પ્રણયપ્લાવનમાં સામિલ થઈ છે… એય મન મૂકીને ઢીલ દઈ રહી છે… પ્રેમ હવે નિરવરોધ છે. તંગ કન્ના અને દોરીની ઢીલ – ઉત્તરાયણના બે અવિનાભૂત વિરોધાભાસને એક કડીમાં સાંકળી લઈને કવિ કવિતાનો પતંગ ઉચ્ચાકાશે પહોંચાડે છે.

13 Comments »

  1. Dilip Ghaswala said,

    January 14, 2021 @ 1:08 AM

    ખુબ જ સરસ…પતંગ કાવ્ય..અદભુત સંક્રાંત ભાવ

  2. Dilip Chavda said,

    January 14, 2021 @ 1:13 AM

    મોજ સર,
    વિચારોને આકાશમાં ચગાવે એવું સુંદર ગીત

  3. Dilip Chavda said,

    January 14, 2021 @ 1:14 AM

    વિચારોને આકાશમાં ચગાવે એવું સુંદર ગીત

  4. Anjana bhavsar said,

    January 14, 2021 @ 1:31 AM

    Adbhut

  5. મયૂર કોલડિયા said,

    January 14, 2021 @ 2:18 AM

    અદભૂત ગીતનો અદભૂત આસ્વાદ…

  6. Kajal kanjiya said,

    January 14, 2021 @ 4:10 AM

    સ……રસ

    આપને પણ મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

  7. Kajal kanjiya said,

    January 14, 2021 @ 4:10 AM

    સ……રસ

    આપને પણ મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ 💐

  8. Pravin Shah said,

    January 14, 2021 @ 5:13 AM

    આજે એક સુંદર મજાનું હળવું બાળગીત મૂકી શક્યા હોત !

  9. pragnajuvyas said,

    January 14, 2021 @ 10:18 AM

    લયસ્તરોના સર્જકો , ભાવકો , અને ચાહકો સૌને મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં
    રપાનુ સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા ખૂબ સરસ આસ્વાદ

  10. Poonam said,

    January 14, 2021 @ 10:19 AM

    Ra.Pa…👌🏻 Utaraun… Patang = Haiyu/ Man aaswad swadist 😊

  11. Maheshchandra Naik said,

    January 14, 2021 @ 7:28 PM

    સરસ પતંગ કાવ્ય,આસ્વાદ પણ સરસ……

  12. આરતીસોની said,

    January 17, 2021 @ 2:19 AM

    અદભુત.. કાવ્ય..
    અદભુત આસ્વાદ

  13. વિવેક said,

    January 18, 2021 @ 12:43 AM

    સહુ મિત્રોનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment