બાપુની મીઠાની ગાંગડીનું ગીત – હરીશ મીનાશ્રુ
પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
. એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
. વેઠની ઉપાડી પેલી ગાંસડી
બેય નર્યા સાંઠીકડાં: સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી
માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
. નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
. જૂતિયાં કહું કે પવનપાવડી
વાયકા છેઃ અમરતની ટોયલીને કાજ મથી નાખ્યો’તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પ્હેલ્લો અગરિયો
ચપટી મીઠાને હારુ દુનિયાના
. બાદછાની હારે એણે બાંધી છે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
. બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી
અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બુંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું
આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
. આંસુ ભીંજલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
. આવડીક મીઠાની ગાંગડી
– હરીશ મીનાશ્રુ
૯૧ વર્ષ પહેલાં, આજના દિવસે, એટલે કે ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે એક પોતડીધારી ફકીર કેડે ઘડિયાળ અને હાથમાં લાકડી લઈને ઓગણાએંસી સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું’ની ભીષ્મપ્રતિજ્ઞા લઈ નીકળી પડ્યો હતો. પગપાળા ચાલીને છઠ્ઠી એપ્રિલે જ્યારે એ દાંડી પહોંચ્યો ત્યારે એકતરફ દાંડીનો દરિયો ફેલાઈ પડ્યો હતો અને બીજી તરફ હજારો ભારતવાસીઓનો મહેરામણ ઘુઘવાટા મારતો પથરાયો હતો. કવિશ્રી હરીશ મીનાશ્રુ એમની લાક્ષણિક શૈલીમાં મજાનું ગીત લઈ આવ્યા છે.
હથિયારમાં જેમની પાસે એકમાત્ર ચરખો જ છે એવા ઓગણાએંસી યોધ્ધાઓની પલટણ જાણે કવિ નર્મદના ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું’ના આહલેક સાથે ફતેહ કરવા નીકળી પડી છે. ગાંધી અને એમની લાકડી બંને એકસમાન સૂકલકડાં છે. પણ હાડકાના આ માળામાં સાક્ષાત્ રામચંદ્ર જાણે વજ્ર જેવી નક્કર પલાંઠી મારીને બેઠા છે. સાંઠી(કડાં)-સાઠી- કાઠી- લાઠી-(પ)લાંઠીની મજાની અંતર્પ્રાસ-આંતર્પ્રાસની રમત ગીત સંગીતમાં ઉમેરો કરે છે. માર્ચ-એપ્રિલના ધખતા ઉનાળામાં માથે રજવાડી પાઘડીના સ્થાને જાણે કે ફાટેલું આભ પહેર્યું છે. આભ ફાટી પડવું એ રુઢિપ્રયોગ આ ક્ષણે જો મનમાં ઝબકે તો અંગ્રેજ સામ્રાજ્યના માથે આવી પડનારી આફત તરફનો ઈશારો અહીં નજરે ચડશે. દાંડીકૂચની ઘટનાને કવિ સમુદ્રમંથન સાથે સાંકળીને એનો અનન્ય મહિમાગાન કરે છે. કહે છે, એક વેળા જેમ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, બરાબર એ જ રીતે આઝાદીનું અમૃત મેળવવા માટે દાંડીના દરિયાને અને અંગ્રેજી હકૂમતને નાથવા પહેલો અગરિયો મીઠું પકવવા આવી ચડ્યો છે. ચપટી મીઠા માટે આ સૂકલકડી અગરિયો દુનિયાના બાદશાહ સાથે બાખડી પડ્યો છે અને એની કેડે બાંધેલી ઘડિયાળ (જેમાં ઘંટારવ થવો શક્યો નથી) બીગબેનના ટકોરાઓને પણ રાંક ઠરાવે એ ઠસ્સાથી સોહી રહી છે. સત્યના જંગનું એલાન થઈ ચૂક્યું છે. ડોસાએ નીચે નમીને મીઠાની ગાંગડી ઉપાડી એ ઐતિહાસિક ઘટનાનો દેશ આખો ભીની આંખે સાક્ષી બન્યો છે.
kishor Barot said,
March 12, 2021 @ 2:42 AM
અતિ ઉમદા રચના 👌
Jayant Dangodara said,
March 12, 2021 @ 2:47 AM
અલગ રીતે અડિખમ ગીત
Shah Raxa said,
March 12, 2021 @ 2:48 AM
વાહ..ગીત અને આસ્વાદ. રૂઢિપ્રયોગનો કેવો ચીવટ ભર્યો ઉપયોગ. મોજ..મોજ
Kajal kanjiya said,
March 12, 2021 @ 2:52 AM
વાહહહ વાહ ને વાહ
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
આવડીક મીઠાની ગાંગડી
બાપુને નતમસ્તક વંદન 🙏😌
Sandhya Bhatt said,
March 12, 2021 @ 3:20 AM
પૂ.બાપુની સંવેદનશીલ ચેતનાને વંદન..કવિને અભિનંદન
ગૌરાંગ ઠાકર said,
March 12, 2021 @ 4:16 AM
વાહ વાહ… સુંદર મજાનું ગીત… જોગાનુજોગ આજે જ કવિશ્રી હરીશ મીનાશ્રુને તેમના કાવ્યસંગ્રહ બનારસ ડાયરી માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો..
Chitralekha Majmudar said,
March 12, 2021 @ 4:41 AM
satire, irony, comparison….colloquial language, details and explanation, informative…..all this makes it very interesting….
Pravin Shah said,
March 12, 2021 @ 9:18 AM
ખૂબ સરસ રચના !
આસ્વાદ ઃ તે સમયે બાદશાહ જ હતા. મહારાણી ઘણા વરસો પચ્હી આવ્યા
pragnajuvyas said,
March 12, 2021 @ 9:33 AM
કવિશ્રી હરીશ મીનાશ્રુનુ સુંદર ગીત અને ડો વિવેકનો સ રસ આસ્વાદ
પૂ.બાપુની વિકાસયાત્રા , સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા , પ્રગતિશીલતાના તાજગી, ચેતનાને કોટી કોટી વંદન
Sureshkumar Vithalani said,
March 12, 2021 @ 1:07 PM
બહુ જ સુંદર રચના. કવિ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન. આપનો પણ આભાર.
Pratibha said,
March 12, 2021 @ 3:15 PM
નેીચેી નમિને, બાપુને વન્દિને
અર્પુ હુ ુફુલ કેરિ પાખડિ.
Neechee namine
Bapune vandine
Arpu-n hu-n phul keri pa-nkhadi
Pratibha said,
March 12, 2021 @ 3:20 PM
NAMASKAR
Shri. Hareesh Minashru,
For ‘BANARAS DIARY’ Award.
Rinal Patel said,
March 13, 2021 @ 11:32 AM
ખૂબ ઉમદા… 👏👏👏👏🙏
વિવેક said,
March 14, 2021 @ 12:15 AM
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
@ પ્રવીણભાઈ શાહ:
ભૂલ સુધારી લીધી છે… વિશેષ આભાર.