બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?
વિવેક ટેલર

શીદ પડ્યો છે પોથે? – દલપત પઢિયાર

વસુધા પરગટ વેદ પાથર્યો;
.                         શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો,
.                         શીદ ચડ્યો છે ગોથે?

ઢોળી જો આ જાત પવનમાં,
ડિલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
.                         અને કંઈ ફૂલડાં દોથે દોથે…!

કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચીતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
.                         ડુંગર તરણા ઓથે!

આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
.                         જડિયાં વળગ્યાં જૂને ભોથે!

– દલપત પઢિયાર

(ભોથું: માટીને બાઝેલું ઘાસનું જડિયું)

કવિને મન તો ધરતી એ જ વેદ! પ્રકૃતિને વાંચવાની મૂકીને પોથાં શીદ વાંચવા? શબ્દ કુદરતમાં રહેલા રહસ્યો અનુભૂતિના ચશ્માંથી ઊઘડે છે, શબ્દો તો આછરેલા ભેદનો નશો ઉતારી નાંખવાની રમત છે, એના ગોથે શા માટે ચડવું? પવન-ધરતી-વાદળ અને વૃક્ષોમાં જાતને એકાકાર કરીએ તો ભીતર પમરાટ થાય. પ્રકૃતિને પામવી હોય તો એનો સાક્ષાત્કાર કરવો પડે. લાકડામાં અગ્નિ છે પણ એ સળગે નહીં તો દેવતા ક્યાંથી પાડી શકે? ભીંતચિત્રમાંની બિલાડી ઉંદર ભગાડી શકતી નથી. યુક્તિ બરાબર હશે તો જ્યોત પ્રગટશે, અજવાળું થશે, અન્યથા તરણા ઓથે ડુંગર પડ્યો હોય એમ કોડિયું દીવા આડે પડ્યું રહેશે. પ્રકૃતિમાં ક્યાંય સીમા અને બંધનો નથી. પ્રકૃતિ એટલે જ ખુલ્લાપણું, મોકળાશ. આ અનહદ સાથે તાદાત્મ્ય સાધતા જે વાડ આપણને રોકી રહી છે એને ઉખાડી ફેંકવાની છે, તો જ સદીઓથી જૂના ભોથે વળગી રહેલ જડિયાંઓથી મુક્તિ મળશે. સરવાળે, આપણી પ્રકૃતિ પ્રકૃતિને વાંચતી થાય તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.

5 Comments »

  1. Kajal kanjiya said,

    February 26, 2021 @ 1:56 AM

    વાહહહ ખૂબ મજાની રચના અને ખૂબ સરસ આસ્વાદ

  2. Nehal said,

    February 26, 2021 @ 5:06 AM

    વાહ, ખૂબ સરસ રચના.

  3. Poonam said,

    February 26, 2021 @ 10:24 AM

    દીવા આડે પડ્યું કોડિયું :
    ડુંગર તરણા ઓથે !

    – દલપત પઢિયાર- Kya baat…
    Aasawad 👌🏻

  4. pragnajuvyas said,

    February 26, 2021 @ 11:59 AM

    મા કવિશ્રી દલપત પઢિયારનુ તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત
    તેવો જ સ રસ આસ્વાદ
    આભ આખું ખુલ્લંખુલ્લું,
    છેક સુધીની ધરતી ખુલ્લી
    ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
    ખુલ્લા પર્વત-પ્હાડ;
    પછાડ બેવડ પંછાયાને
    વચલી વાડ ઉખાડ!
    . જડિયાં વળગ્યાં જૂને ભોથે!
    ધન્ય ધન્ય
    યાદ આવે As you like itનુ દ્રુષ્ય
    And this our life, exempt from public haunt,
    Finds tongues in trees, books in the running brooks,
    Sermons in stones, and good in everything.
    I would not change it.
    કવિના લખેલા ગીતો એમના જ સ્વમુખેથી સંભાળવાનો લ્હાવો પણ અનેરો છે

  5. DILIPKUMAR CHAVDA said,

    February 27, 2021 @ 9:49 PM

    વાહ
    વેદ કરતા ધરતીને કુદરતને ચડિયાતી દર્શાવી
    કવિએ કવિત્વ ઝાંખી કરાવી છે

    એન્ડ આસ્વાદ અનુભૂતિના ચશ્મા વાહ ક્યાં બાત હે સર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment