હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

(નજરું આપો સાંઈજી) – વંચિત કુકમાવાલા

નજરું આપો સાંઈજી
મારા રે પંડના પરકાશે લીધી પરથમ રે અંગડાઈ જી

ઝીલે ટેરવડાંની ધારું ઝીલે નભ આખાનો ભાર
રણકે રગરગથી રણકે છે કોઈ વાજીંતરના તાર
આસન આપો સાંઈજી
આ હાથવગી પળની પછવાડે ઊભી રે અખિલાઈ જી
નજરું આપો સાંઈજી…

માણે હાલકડોલક મનડું માણે અનહદના અણસારા
છૂટે રઘવાયાં તળિયેથી છૂટે અલલલ લીલી ધારા
લેખણ આપો સાંઈજી
એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
નજરું આપો સાંઈજી…

– વંચિત કુકમાવાલા

શ્રી વંચિત કુકમાવાલાની આ મજાની રચનાનો આસ્વાદ આજે કવિમિત્ર મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

હા. આ વાંચતાં જ તરત કવિ વિનોદ જોશીની ‘કૂંચી આપો બાઈજી’નું સહજ સ્મરણ થઈ આવે. વંચિતભાઈની આ રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિનોદભાઈની રચનાથી પ્રેરિત છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે. કારણ એટલું જ કે કાવ્ય માત્રને માત્ર એનાં સ્વરૂપમાં નથી હોતું. વળી વિનોદભાઈની રચનાનો વિષય તદ્દન જુદો છે એટલે અહીં કાવ્યાત્મક તુલના કરવી પણ નિરર્થક. જોકે ભાવકને એ છૂટ હોય જ કે એને અમુક તમુક કૃતિ વધારે પસંદ હોય. એવી ભાવકતા સાથે મારે કહેવું છે કે મને વંચિતભાઈની આ રચના વધુ ગમે છે. શું કામ ગમે છે એની સ્હેજ જ વાત કરું.

કાવ્યનો ઉઘાડ થાય છે વિનવણી થી. એક પ્રકારની પ્રાર્થનાથી. અને વિનવણી કોની પાસે? Someone who is above, અને માત્ર above એટલું જ નહીં પણ spiritually above. જેની આધ્યાત્મિક ચેતના આપણા કરતાં કોઈ ઊંચા શિખર પર છે. કારણ કે જેણે જાણી લીધું છે એ જ તો ઓળખાવી શકે, જે પહોંચી ગયાં છે એ જ તો મારગ દેખાડી શકે. આંખનું હોવું ઘણી વખત પર્યાપ્ત નથી હોતું. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। (ગીતા 11.8) ત્યારે જરૂર પડે છે નજરુંની – એક પ્રકારે initiationની વાત છે. અને વિનવણીનું કારણ શું? એક realization. પંડના પરકાશે લીધેલી પરથમ અંગડાઈની અનુભૂતિ. અહીંથી જ સડક શરૂ થાય છે. P. D. Ouspensky કહે છે – It is only when we realize that life is taking us nowhere that it begins to have meaning. પછી પગથિયાં છે.

પણ છેલ્લે – લેખણ આપો સાંઈજી… એક અદભુત પુસ્તક છે – Tractatus Logico Philosophicus. લેખક છે ઑસ્ટ્રીયન ફિલોસોફર Ludwig Wittgenstein. મૂળ જર્મનમાં લખાયેલું. એક જગ્યાએ લખે છે : The limits of my language mean the limits of my world. અને માટે જ ‘નોખો શબદ’ આવશ્યક છે ભવભવની ભરપાઈ કરવા માટે.

આવી નખશીખ, દાર્શનિક યાત્રાની, રચનાઓ આપણે ત્યાં ખૂબ ઓછી લખાઈ છે. આ રચના કેવળ એનાં ભાવકો માટે નથી, પણ સાધકો માટે છે.

– મિલિન્દ ગઢવી

7 Comments »

  1. saryu parikh said,

    October 23, 2020 @ 9:19 AM

    વાહ્! રચના અને રસદર્શન બન્ને.
    સરયૂ

  2. pragnajuvyas said,

    October 23, 2020 @ 10:40 AM

    એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
    નજરું આપો સાંઈજી…
    વાહ
    કવિશ્રી વંચિત કુકમાવાલાની મા મિલિન્દ ગઢવીના શબ્દોમા નખશીખ દાર્શનિક યાત્રાની રચના

  3. સ્નેહલ વૈદ્ય said,

    October 23, 2020 @ 10:07 PM

    સ્વ. વંચિતની આ રચના ભાઈ મિલિંદના આસ્વાદ થકી જ સમજી શક્યો છું. ભાઈ મિલિંદને અભિનંદન… પણ આભાર ડૉ વિવેક ટેલર સાહેબ, આ પોસ્ટ બદલ…

  4. muni mehta said,

    October 24, 2020 @ 12:27 AM

    બહુ ગમ્યુ!!

  5. અગન રાજ્યગુરુ said,

    October 24, 2020 @ 9:28 AM

    અદભુત ગીત અને સુંદર આસ્વાદ…

  6. Tirthesh Mehta said,

    October 27, 2020 @ 10:30 AM

    I am so happy to see the name of Wittgenstein mentioned !!!! Very few ppl know that he is considered the greatest philosopher of twentieth century. He was extraordinarily brilliant but was so much difficult to understand that ppl like Bertrand Russel and Moore too found him frustratingly obscure. His contribution in significance of language in the foundation of philosophy is invaluable. Very happy indeed to read his reference here….😊😊😊

  7. Nehal Vaidya said,

    November 2, 2020 @ 10:32 AM

    વાહ, અદભુત રચના અને આસ્વાદ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment