તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.
- વિવેક મનહર ટેલર

માણસ નામે ખૂબ ઉજાણી… – મુકેશ જોષી

વેરણછેરણ સપનાં છે ને, તૂટી ફૂટી ઘટના છે ને,
અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..

– મુકેશ જોષી

શબ્દોનો અર્થસભર ઉપયોગ અને શબ્દોની રમત વચ્ચેનો ભેદ ઉજાગર કરતું ગીત….. દરેક શબ્દ પાસેથી એવું ખૂબીભર્યું કામ લીધું છે કે જે તે શબ્દને સહેજપણ બદલવો જાણે અશક્ય ! જ્યારે આવું સુંદર શબ્દોનું ગૂંથણ સર્જવામાં આવે અને તે પણ લેશમાત્ર અર્થ-શૈથિલ્ય વગર, ત્યારે ‘કવિતા’ સર્જાય છે…..

4 Comments »

  1. pragnajuvyas said,

    October 27, 2020 @ 3:09 PM

    કવિશ્રીમૂકેશ જોશીનુ સુંદર ગીત
    ડૉ તીર્થેશ જીનો મધુરો આસ્વાદ
    ધન્યવાદ

  2. સ્નેહલ વૈદ્ય said,

    October 27, 2020 @ 10:50 PM

    ખૂબ સુંદર ગીત અને આસ્વાદ…જે નિયમિતતાથી પોસ્ટીંગ કરો છો એ બદલ વંદન સહ અભિનંદન

  3. વિવેક said,

    October 28, 2020 @ 1:59 AM

    શબ્દોનું અદભુત ગુંફણ… ખૂબ મજાની નઝમ… આનંદ!

  4. Nilesh Rana said,

    October 28, 2020 @ 6:48 PM

    અતિ સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment