છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

અવહેલા – જગદીશ જોષી

સૂરજને જોઈ મુખ કમલિની ફેરવે
હવે સૂરજને ઢૂંઢવું પાતાળ.
મોઢું દેખાડવાનો મહિમા નહીં: એને
પાંદડીને ચૂમવી વાચાળ.

ખોવાયો ખોવાયો ફરતો રહે બાવરો
ને ઓછપને ઓઢી સંતાય.
નભનો મારગ મથે ટૂંકવવા, સમણાંઓ
પળપળને કાંતી કંતાય.
ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને
કિરણો પણ લાગે જંજાળ.

વાદળના મ્હેલ સૂના સૂના લાગે ને
હવે જળના દર્પણમાં તિરાડ,
ઝંખેલા પ્રેમને પામ્યા વિના તો હવે
પાંપણ પર પથરાતા પ્હાડ.
આભના બે છેડાની વચ્ચે આ રણ, અને
મૃગજળની ઝળહળતી ઝાળ!

– જગદીશ જોષી

સૂર્યની વ્યથા !!!! પણ અભિવ્યક્તિ જુઓ – માવજત જુઓ !!!! ” ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને કિરણો પણ લાગે જંજાળ. ” – અદભૂત !!!! સૂર્ય હોય કે મામૂલી મર્ત્ય માનવી – ઝંખેલો પ્રેમ ન મળે તો નભમંડળનું આધિપત્ય પણ નકામું…….

2 Comments »

  1. Lata HIrani said,

    April 14, 2021 @ 7:57 AM

    કલ્પનાની રમણીયતા સ્પર્શી ગઈ.

  2. pragnajuvyas said,

    April 14, 2021 @ 9:05 AM

    જગદીશ જોષીના ગીતમાં રહેલો પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ રચનાને સફળ પુરવાર કરે છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment