હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!
હર્ષા દવે

ઉરનું આ તે કેવું પંખી! – ગુણવંત પંડ્યા

ઉરનું આ તે કેવું પંખી –
વર્ષામાં રીબાય તૃષાથી, ઝાકળને રહે ઝંખી:
.                                 ઉરનું આ તે કેવું પંખી!

આગ જલે ભીતરમાં એની, બહાર સદા યે હસતું;
મૃગજળને માની જળબિન્દુ નિત વેરાને ધસતું;
અણદીઠાંની આંખ મહીં પણ નેહ રહે એ ઝંખી:
.                                 ઉરનું આ તે કેવું પંખી!

વસંતના વૈભવમાં એનું બળતું અંતર ઝાળે,
પાનખરે એ થઈને કોકિલ ગૂંજે ગીત સહકારે,
પ્રીતો એની કંટક સાથે, કુસુમો રહેતાં ડંખીઃ
.                                 ઉરનું આ તે કેવું પંખી!

ચિરપરિચિત છોડી મારગ, અણદીઠા પથ ધાતું;
અંધારે અટવાતું, ઠોકર ખાતું, ખાઈ મલકાતું;
મારગ ક્યાંના? જાવું ક્યાં? શીદ? જાણે નહિ પણ પંથી!
.                                 ઉરનું આ તે કેવું પંખી!

– ગુણવંત પંડ્યા

માનવહૈયાના વિરોધાભાસી વલણને કવિએ કુશળ મનોચિકિત્સકની અદાથી ગીતના પ્રવાહી લયમાં ગૂંથી લીધું છે. માણસ પાસે હોય એની કિંમત કરતો નથી અને ન હોય એની આરતમાં ઝૂર્યે રાખે છે. વરસાદ પડે ત્યારે ઝાકળની ઝંખનામાં તૃષાતુર રહે છે. ભીતર આગ હોય ત્યારે બહાર સ્મિત દેખાડે અને મૃગજળની પાછળ દોટ મૂક્યે રાખે છે. પાસે હોય એનો સ્નેહ પામવાના બદલે અણદીઠાંની આંખમાં એ સ્નેહ ઝંખે છે. વસંતનો વૈભવ માણવાના બદલે હૈયાનું આ પંખી બળતું રહે છે અને પાનખરમાં આંબાડાળે ગીત ગાવા કરે છે. પણ આવા વિપરિત વલણ ધરાવતા હૈયાની એક ખાસિયત પણ છે અને તે એ કે ન જોયેલા માર્ગે એ ચાલે છે, અંધારામાં અટવાય છે, ઠોકરો ખાય છે પણ હસવું મૂકતું નથી. માર્ગ, દિશા કશું ખબર ન હોવા છતાં હૈયાપંખી એની મુસાફરી કરવી ચાલુ રાખે છે… માટે જ કવિ ઉરના પંખીના ગીત ગાતા થાકતા નથી.

8 Comments »

  1. Dr Sejal Desai said,

    February 27, 2021 @ 2:09 AM

    વાહ…. ખૂબ સરસ ગીત

  2. pragnajuvyas said,

    February 27, 2021 @ 8:58 AM

    કવિશ્રી ગુણવંત પંડ્યાનુ મજાનું ગીત
    કવિ ઉરના પંખીના ગીત ગાતા થાકતા નથી.
    ડૉ વિવેકજી દ્વારા સ રસ આસ્વાદ

  3. Maheshchandra Naik said,

    February 27, 2021 @ 3:32 PM

    સરસ રચના અને સરસ આસ્વાદ……

  4. DILIPKUMAR CHAVDA said,

    February 27, 2021 @ 9:52 PM

    ઉમદા ગીત
    માણસના મનને આબેહૂબ ઝીલીને મોજ કરાવતું સુંદર ગીત સાથે સુંદર. આસ્વાદ

  5. Anjana bhavsar said,

    February 27, 2021 @ 10:56 PM

    ગીત અને આસ્વાદ બંને સ-રસ

  6. વિવેક said,

    February 28, 2021 @ 12:23 AM

    સહુનો આભાર….

  7. Kajal kanjiya said,

    February 28, 2021 @ 1:33 AM

    દરેક માણસની મનોદશાનું સ…રસ મજાનું ગીત અને સરસ આસ્વાદ

  8. Poonam said,

    February 28, 2021 @ 7:30 AM

    અંધારે અટવાતું, ઠોકર ખાતું, ખાઈ મલકાતું;
    મારગ ક્યાંના? જાવું ક્યાં? શીદ? જાણે નહિ પણ પંથી!
    . ઉરનું આ તે કેવું પંખી!
    – ગુણવંત પંડ્યા

    Man(vata)as… ne maansaai… chareveti

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment