આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા

ઈશ્વર જેવું છે કે નહીં? – મુકેશ જોષી

ફાટેલું આકાશ પ્રથમથી માથા ઉપર આવ્યું છે,
જનમકુંડળી વચ્ચે કો’કે આખા રણને વાવ્યું છે.
તૂટેલો ભૂતકાળ હજુ પા ભાગ ઉપર લટકેલો છે,
સુખનો રસ્તો સાવ જ ટૂંકો આગળથી બટકેલો છે.
ચપટી ચપટી રાતો ભીની આંખોમાં ભભરાવે છે.
ઉજાગરાથી લાલ થયેલા સપનાઓ ધમકાવે છે.
બટકું બટકું ઇચ્છા માટે મોંઘા શ્વાસો વેચે છે,
લખચોરાસી મણનો ભારો જનમજનમથી ખેંચે છે.
લચી પડેલો બાગ છતાંય ફૂલો કેમે મ્હેકે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.
બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.
સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,
બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

– મુકેશ જોષી

અંગત અભિપ્રાયે ઈશ્વર માનવીય કલ્પનાથી વિશેષ કંઈ નથી.

5 Comments »

  1. praheladbhai prajapati said,

    March 9, 2021 @ 5:57 AM

    સુપેર્બ્

  2. pragnajuvyas said,

    March 9, 2021 @ 2:02 PM

    કવિશ્રી મૂકેશ જોશીનુ મજાનું ગીત– ઈશ્વર જેવું છે કે નહીં?
    યાદ આવે
    નાઝ ખૈલવીની કવ્વાલી
    કભી યહાં તુમ્હેં ઢૂંઢા, કભી વહાં પહૂંચા,
    તુમ્હારી દીદ કી ખાતિર કહાં કહાં પહૂંચા,
    ગરીબ મિટ ગયે, પા-માલ હો ગયે લેકિન,
    કિસી તલક ના તેરા આજ તક નિશાં પહૂંચા.

    હો ભી નહીં ઔર હર જા હો
    હો ભી નહીં ઔર હર જા હો
    હો ભી નહીં ઔર હર… જા… હો.
    તુમ એક ગોરખધંધા હો.

    તું નથી અને છતાં બધે જ તું છે…
    હો ભી નહીં ઔર હર જા હો.
    તું એક ભેદી મામલો છે…
    તુમ એક ગોરખધંધા હો

  3. વિવેક said,

    March 10, 2021 @ 12:27 AM

    કેવી સરસ નઝમ! વાહ…

    કવિના પ્રશ્નના સૂરમાં સૂર પૂરાવ્યા વિના રહી ન શકાય એવી કવિતા…

  4. Preeti Purohit said,

    March 14, 2021 @ 1:36 AM

    વાહ, તમને શુ લાગે છે…જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

    બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
    અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે….

    ને આવુ તો કેટકેટ્લુ થાય છે ને તોયે એવો એ ઉપર બેથો જોયા કરે.. એટલે કવિ નુ પુછવુ સાવ વાજેીબ છે.. જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

  5. હરીશ દાસાણી said,

    March 20, 2021 @ 2:34 AM

    કવિ મુકેશ જોશી પૂછે એમ કે ઇશ્વર જેવું છે કે નહીં? પરંતુ તેની પાછળ છુપાઈ ગયેલો પ્રશ્ન એ છે કે માણસ જેવું છે કે નહીં?
    સંવેદનાઓ અને વિચારશીલતાની કટોકટીના આ કાળમાં આ કવિતા અંદરથી હચમચાવી નાખે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment