શાંત થા ને એક હોડીની હવે ચિંતા ન કર,
એક દરિયો શું કરી શક્શે વલોવાની ક્ષણે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તમે – મુકેશ જોષી

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલો મખમલિયો અર્થ
અમે પ્રશ્નો, ઉદ્ગાર કે વિરામ
તમે પરભારે પહોંચવાનો સીધો રસ્તો
અમે રસ્તામાં આવતા મુકામ
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા… તમે…

તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ
તમે આભ લગી જાવાની ઊંચી કેડી
અમે કેડીનો ઊતરતો ઢાળ
તમે બાગનાંય ફૂલોનો જાણે શણગાર
અમે માટીનાં કૂંડાં ને ક્યારા… તમે…

તમે શ્રદ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીનાં ચાખેલાં બોર
તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર
અમે દૂર રહી વાગતાં નગારાં… તમે…

 

– મુકેશ જોષી

 

પહેલી નજરે સરળ લાગે – ભક્તિકાવ્ય લાગે, પણ ધ્યાનથી જોઈએ તો કવિએ પોતા માટે જે રૂપક યોજ્યા છે તે પણ ઓછા મહત્વના નથી ! પૂજારી છે, તો જ પૂજ્ય એ પૂજ્ય છે ! ભક્ત છે, તો અને માત્ર તો જ, ભગવાન છે !

2 Comments »

  1. વિવેક said,

    December 22, 2020 @ 7:39 AM

    સરસ મજાનું ગીત!

    આ ગીત કેટલાકને પ્રિયકાન્ત મણિયારની ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે’ અને રાવજી પટેલના ‘તમે રે તિલક રાજા રામના, અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે’ની સહિયારી જમીન પર ઊભું થયેલું અનુભવાશે, પણ અભિવ્યક્તિની તાજગી ગીતને નાવિન્ય બક્ષે છે અને સુવાંગ આસ્વાદ્ય બનાવે છે…

  2. pragnajuvyas said,

    December 23, 2020 @ 9:06 AM

    મૂકેશ જોશીનુ મધુરુ ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment