તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું- – એમિલી ડિકિન્સન (અનુ. વિવેક મનહર ટેલર)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું-
ગોળગોળ કહેવામાં રહ્યું છે સાચું સાફલ્ય
આપણા નિર્બળ આનંદ માટે કૈંક વધારે પડતું
તેજસ્વી છે સત્ય તણું આ શાનદાર આશ્ચર્ય

વીજ અને તોફાનો વિશે જે રીતે બાળકને
પ્રેમથી સમજાવીને કરીએ ડરને એના દૂર
એ જ પ્રમાણે સત્યને પણ હળુક આંજવા દઈએ
નહીં તો હરએક માણસ ખોઈ દેશે આંખનું નૂર –

-એમિલી ડિકિન્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

ટી. એસ. એલિયટે એક કવિતામાં કહ્યું હતું કે માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહન કરી શકતી નથી. (human kind cannot bear very much reality.) આ જ વાત એલિયટના જન્મના બે વર્ષ પહેલાં દુનિયા ત્યજી જનાર એમિલીની પ્રસ્તુત રચનામાં જોવા મળે છે. ટૂંકી રચના, શબ્દોની કરકસર, ચુસ્ત પ્રાસાવલિ અને સુઘડ છંદોલય -એમિલીની લાક્ષણિક શૈલી અહીં પણ નજરે ચડે છે.

સંપૂર્ણ અને સીધું સત્ય આપણે ઝીલી-ઝાલી શકતા નથી. એમિલી સલાહ આપે છે કે ભલે સંપૂર્ણ સત્ય કહો પણ જરા આડકતરી રીતે, ગોળગોળ ફેરવીને પછી મુદ્દા પર આવો. કેમકે આપણો આનંદ નબળો છે, એ ઝળાંહળાં સત્યના અદભુત ઐશ્વર્યને વેંઢારી શકવા સમર્થ નથી. જે રીતે નાનાં બાળક વીજળી-તોફાનોથી ગભરાઈ ન જાય એ માટે આપણે એમને પ્રમથી સમજાવીએ છીએ અને એમનો ડર દૂર કરીએ છીએ, એ જ રીતે હળવેથી સત્યનો પ્રકાશ કોઈની પણ સામે લઈને આવવું રહ્યું, અન્યથા આંધળા થઈ જવાશે.

સત્યના તેજસ્વી પ્રકાશ અને આંખના આંધળા થવાની વાતની ગૂંથણીમાં એમિલીનું ‘eye -આંખ’ બાબતનું અભૂતપૂર્વ કવિકર્મ ચૂકવા જેવું નથી. આઠ જ પંક્તિની કવિતામાં આઠ-આઠ જગ્યાએ એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ: ‘lies, bright, Delight, surprise, Lightning, kind, blind’

*

Tell all the truth but tell it slant —

Tell all the truth but tell it slant —
Success in Circuit lies
Too bright for our infirm Delight
The Truth’s superb surprise

As Lightning to the Children eased
With explanation kind
The Truth must dazzle gradually
Or every man be blind —

– Emily Dickinson

8 Comments »

  1. Kavita shah said,

    October 3, 2020 @ 2:17 AM

    વાસ્તવિક દુનિયામાં ડોકટર એમના પેશન્ટ સાથે રોગની ગંભીરતાનું સત્ય આ જ રીતે હળવેથી જ ઉજાગર કરતાં હોય છે ને!
    Doc..

    સુંદર કાવ્ય નો સુંદર અનુવાદ ને આસ્વાદ..

  2. Dr. Rajal said,

    October 3, 2020 @ 2:43 AM

    સુંદર 😊

  3. Dr. Rajal said,

    October 3, 2020 @ 2:44 AM

    સુંદર 😊 👍

  4. Poonam said,

    October 3, 2020 @ 7:05 AM

    Kavita ne Anuvaad Saras
    એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ… Aa Swad 😋

  5. Pravin Shah said,

    October 3, 2020 @ 8:54 AM

    વાહ.. અને
    વાહ..

  6. pragnajuvyas said,

    October 3, 2020 @ 3:38 PM

    એમિલી ડિકિન્સનના સુંદર કાવ્યનો ડો વિવેક દ્વારા સ રસ અનુવાદ અને આસ્વ
    “સત્ય શું છે, અને તેનો સ્વભાવ શું છે,” આ સવાલ કુરૂક્ષેત્રના ના યુદ્ધમાં અર્જુને ક્ર્ષ્ણને પૂછ્યો હતો અર્જુને કૃષ્ણને પૂછ્યું, “તમે જે સત્યની વાત કરી રહ્યા છો તેનો સ્વભાવ શું છે? હું તેને સમજી શકતો નથી,” કૃષ્ણે કહ્યું,“ સત્યનો સ્વભાવ એવો છે કે જે તમને અમૃત જેવું દેખાય છે તેને તમે પીશો તો તે વિષ થઈ જશે. અને જે તમને વિષ જેવું લાગે છે તેને તમે પીશો તો તે અમૃત બની જશે.”
    જો તમે સભાનપણે ખાલી થઈ જાઓ છો, તો તે જીવનનું અંતિમ અમૃત છે. અને તેમ છતાં, તમારી સામાન્ય દ્રષ્ટિએ, તમારી માટે તે સંપૂર્ણ ઝેર છે. કોઈ તેને ઇચ્છતું નથી. પરંતુ જો તમે તેને પીશો તો તે તમારું અમૃત બની જશે

  7. વિવેક said,

    October 4, 2020 @ 1:14 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…

    વિશેષ જાણકારી માટે પ્રજ્ઞાજુનો સવિશેષ આભાર…

  8. Mukesh joshi said,

    October 22, 2020 @ 4:16 AM

    તમારી કાવ્ય અનુવાદ શક્તિ અને આસ્વાદ શક્તિ બંને અદભૂત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment