ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ
ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…
માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…
ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…
– રાધિકા પટેલ
કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!
ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.
Pravin Shah said,
October 17, 2020 @ 3:55 AM
બહુ સરળ અને સરસ !
મઝા આવી ગઈ !
Radhika said,
October 17, 2020 @ 4:53 AM
આભાર વિવેકભાઇ
pragnajuvyas said,
October 17, 2020 @ 10:47 AM
સુ શ્રી રાધિકા પટેલની ઘણા ખરાને અનુભવાતી વાતનું મઝાનું ગીત ગમ્યુ
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી
હાચી વાટ
Udayan said,
October 23, 2020 @ 3:54 AM
પહેલા અંતરામાં ‘યાદની ગોળી’ લક્ષણાસૂચક છે અને ‘ચા’ અભિધાસૂચક. લક્ષણાને અભિધામાં બોળી શકાય નહિ. બીજા અંતરાની પહેલી પંક્તિમાં ઊંઘ ‘ચણે’ છે, પણ ત્રીજી પંક્તિમાં (દૂધ) પીએ છે, જે વિસંગતિ છે. નૈસર્ગિક ઉપાડ ગીતને ઉપકારક છે, પણ પછી બાળગીતની ઉપમાઓને અવકાશ અપાયો છે.
વિનેશ ચંદ્ર છોટા ઇ said,
October 30, 2020 @ 8:11 AM
બહુજ સરસ કાવ્ય રચના
નિદ્રા ના દેવી કે દેવ આરાધના
કરો તો પણ નથી મળતા