આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કવિ
કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under રીના પરીખ, શેર, સંકલન

આવકાર સપ્તાહની હાલ પૂરતી આ સાતમી અને અંતિમ કડી… બીજા સંગ્રહોને આવકારવા જલ્દી જ ફરી મળીશું…
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ ગઝલસંગ્રહ ‘મનોમન’ને ઉષ્માભર્યો આવકાર.
લયસ્તરો પર નોંધ લેવાય એ હેતુસર ઘણા નવ્યકવિઓના સંગ્રહ સતત મળતા રહે છે. એમાંથી ઘણાખરા સંગ્રહમાંથી બધા શેર સારા થયા હોય અને લયસ્તરો પર મૂકી શકાય એવી આખી રચના મળતી ન હોવાથી પસંદગીના શેર ટાંકીને કામ ચલાવી લેવું પડતું હોય છે. પણ ક્યારેક એવા સંગ્રહ પણ હાથ આવે છે, જેમાંથી આખી ગઝલ તો જડી જ આવે પણ પસંદગીના શેર પણ વિપુલ માત્રામાં હાથ આવ્યા હોવાથી લંબાણના ભયે એમાંય કાપકૂપ કરવાની ફરજ પડે. લબ્ધખ્યાત સર્જક શ્રી રઈશ મનીઆરે આ સર્જકની બે ખાસિયત પ્રસ્તાવનામાં નોંધી છે. એક, ‘આ સર્જક પોતે કવયિત્રી હોવા છતાં એમનો કાવ્યનાયક પુરુષ છે.’ અને બે, એમની રદીફની પસંદગી. રઈશભાઈ સાથે સહમત થઈ કહેવું પડે કે નવોદિત સર્જકોના પ્રથમ સંગ્રહમાં આ પ્રકારનું રદીફવૈવિધ્ય જૂજ જ જોવા મળે છે. આ સંગ્રહમાં એકાધિક દીર્ઘ ગઝલો પણ સમાવિષ્ટ છે. ઇયત્તા ગુણવત્તા પર ભારી પડી હોય એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. સ્વવિવેક કેળવીને સર્જક આ બાબત પર ધ્યાન રાખશે તો એમનાઉજળા ભવિષ્ય બાબત કોઈ શંકા નથી. શુભકામનાઓ…
કર્યું છે આંખમાં સ્થાપન, તમારે આવવું પડશે,
છે આ આંસુનું ઉદઘાટન, તમારે આવવું પડશે.
તમારી વાત નીકળે ત્યાં થતી વાતો અમારી પણ,
અમારી નામના પાછળ તમારો હાથ મોટો છે.
તમે છોડી ગયા તો આવ-જા છે બંધ ખુશબૂની,
પવનની સ્તબ્ધતા પાછળ તમારો હાથ મોટો છે.
તીરથ પર પહોંચવા આવ્યા ને આવી ગઈ તમારી યાદ,
અધૂરી જાતરા પાછળ તમારો હાથ મોટો છે.
પ્રભુએ કાનમાં સૌના અહીં સરખું જ કીધું છે,
‘જગતમાં તું જ છે સૌથી સરસ માણસ, ભલા માણસ.’
મૌન મારું સવાલ છે કોઈ,
તારું રડવું જવાબ છે કોઈ.
છૂપાં પગલે એ આવીને, હૃદયમાં ઊતરી જાશે,
રણકશે એ પછી ઝાંઝર, તમારું કંઈ નહીં ચાલે.
છે બેઉ વચ્ચે હવે પ્રેમની પરાકાષ્ઠા,
રમી રહ્યાં છે સતત રાસ શાંત બેસીને.
જે આવી રહ્યા છે, હવામાં ઊડે છે,
તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?
હતાં આંખોમાં આંસુ તો વજન બહુ લાગતું હતું,
બજારે વેચવા કાઢ્યાં તો તદ્દન હળવાં જોખાયાં.
થોડી શરમ ને થોડી કલા કામ આવશે,
હૈયેથી જ્યારે હોઠ ઉપર નામ આવશે.
જ્યાં સુધી મળવું થયું નહીં, એકબીજામાં હતાં,
ને મળ્યાં એ બાદમાં, બસ એ હતી ને હું હતો.
હશે વેણ મીઠાં તો થઈ જઈશું ઘાયલ,
અમસ્તાં અમસ્તાં જ બળ વાપરો છો.
ફાવ્યું ના એને જરા સમજાવવાનું,
આપણે શીખી ગયા મન મારવાનું.
ખરેખર જે હતાં સૌ કામનાં, બેસી ગયાં ચૂપચાપ,
કર્યાં તોફાન ખોટાંએ, ખરાં બેસી ગયાં ચૂપચાપ.
પહોંચી ગયું છે સાવ અડોઅડ ગુમાનની,
થોડો વધારો જો થયો મારા સ્વમાનમાં.
મળે જો સ્પર્શ તારો થાય શું? જાતે વિચારી લે,
એ સૂકી ડાળ પર કૂંપળ તને જોતાં જ ફૂટી છે.
જ્ઞાન પીરસવામાં એવા વ્યસ્ત છો,
આચરણ માટે સમય મળતો નથી.
જરૂરી થઈ પડે ત્યારે સ્વયંને સાચવી લઈશું,
ખુમારી સાચવી લઈશું, અહમને સાચવી લઈશું.
અદબ, સમજણ, ક્ષમા ને નમ્રતાનીએહ.ડી. ના થાય,
સતત ખર્ચ્યા કરીને આ રકમને સાચવી લઈશું.
જો બ્હાર કોઈ દૃશ્યમાં વૈવિધ્ય ના રહ્યું,
પ્રત્યેક બારી પર કર્યા પડદા અલગ-અલગ.
આંખોની સારવારમાં બંને સમાન છે,
જોયા કરું તને કે હું જોઉં લીલોતરી!
આથી વધારે સારું શું સંગીત સાંભળું?
હૈયામાં તારી યાદની રણકે છે ઝાંઝરી.
ક્યાં જવું- ક્યાં ના જવું-ની જાણકારી ના રહી,
એટલે જીવનમાં મારા હાડમારી ના રહી.
દર્દ મારું આજે તારી આંખમાં આવી ગયું,
હા, હવે તકલીફ મારી, ફક્ત મારી ના રહી.
– રીના પરીખ
Permalink
May 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દીપક બારડોલીકર

*

લયસ્તરો પર કવિ મુસાજી ઈસપજી હાફિઝજી યાને દીપક બારડોલીકર (જન્મ: ૨૩-૧૧-૧૯૨૫ (બારડોલી) : નિધન: ૧૨-૧૨-૨૦૧૯ (માન્ચેસ્ટર, યુકે)ના મરણોત્તર ગદ્ય-પદ્ય સંગ્રહ ‘ગુલદસ્ત-એ-દીપક બારડોલીકર’નું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંગ્રહમાંથી એમની એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ… આ ગઝલ પહેલવહેલીવાર એમના સંગ્રહ ‘તલબ’માં પ્રગટ થઈ હતી પણ ‘કુલ્લિયાત-એ-દીપક’ના પ્રકાશન વખતે કવિએ એમાં ઘણા ફેરફાર કર્યા હતા, જે પ્રસ્તુત સંગ્રહમાં જોવા મળે છે. આમ તો આખરી રૂપાંતર જ કાયમી ગણાય પણ સુજ્ઞ વાચકો બંનેથી પરિચિત થઈ શકે એ ખાતર બંને સંસ્કરણ અડખેપડખેમૂક્યાં છે.
નવું અને અંતિમ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[ગુલદસ્ત-એ- દીપક બારડોલીકર (ડિસેમ્બર ૨૦૨૫)]
*
મૂળ સંસ્કરણ-
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો, જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
આ કેફ ઉતરે તો હવે કેમ ઉતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.
‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી
– દીપક બારડોલીકર
[તલબ (૧૯૯૪)]
Permalink
May 8, 2026 at 12:23 AM by વિવેક · Filed under કૌશલ યાજ્ઞિક, હાઈકુ

આવકાર-સપ્તાહના ઉપક્રમે આજે પાંચમા સંગ્રહ ‘ઝરતી ક્ષણો’ને હૃદયપૂર્વક પોંખીએ. ગીત-ગઝલની ભરમારની વચ્ચે કવિ કૌશલ યાજ્ઞિક હાઈકુસંગ્રહ લઈને આવ્યા છે એનો આનંદ. કવિના ભાવવિશ્વ પરથી સ્નેહરશ્મિના સમયકાળનો પ્રભાવ કદાચ પૂરેપૂરો ઓસર્યો નથી. મોટાભાગનાં હાઈકુ સૂર્ય, ચંદ્ર, વન, નદી, વૃક્ષ, પથિક વગેરેની આસપાસ જ ફરતા હોવાથી સમસામયિકતાનો સંસ્પર્શ પ્રમાણમાં ઓછો વર્તાય છે. જો કે એ કવિની પોતાની પસંદગી પણ હોઈ શકે. સંગ્રહમાં ઘણાં હાઈકુ મજાનાં છે. એમાંથી કેટલાક હાઈકુ આસ્વાદીએ…
સૂરજ ઊગે:
પોઢી નદીનાં નીર
હલેસે જાગે.
લીલ જામેલા
સરે પડે હલેસાં-
સૂર્યદર્શન.
ગ્રીષ્મ બપોર:
પડછાયો સંતાય,
સૂરજ શોધે.
નયન ભીનાં:
સૂરજ પેખું, અહો
ઇન્દ્રધનુષ.
દીપક બૂઝ્યો:
અંધારું વહેરતું
તેજ લપાયું.
સફર ખેડે
વાદળ નભે: ચંદ્ર
છૂપાતો ફરે.
પૂર્ણિમા:ચંદ્ર
તરતો સર મહીં,
સ્થિર ત્યાં હંસ.
પડી તડકે
કુહાડી, કઠિયારો
વિરમે છાંયે
– કૌશલ યાજ્ઞિક
Permalink
May 7, 2026 at 12:30 AM by વિવેક · Filed under વિરલ વ્યાસ, શેર, સંકલન

આજે આવકાર-સપ્તાહની ચોથી કડી… કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ધારણા ખોટી નીવડે’ને સસ્નેહ આવકારીએ… કવિના ભાવવિશ્વનો અને કલમવિસ્તારનો અંદાજ આવે એ હેતુસર કોઈ એક રચના પસંદ કરવાને બદલે સંગ્રહમાંથી પસાર થતી વખતે ગમી ગયેલ કેટલાક શેર આપ સહુ સાથે સહિયારું છું…
આપ તો છોડી ગયાં અંધાર મારી રાતમાં,
પણ અહીં ઉજાસનાં સ્વપ્નો જડે એવું બને.
આંખો મારી ભીની ભીની
કાગળ તારા કોરા કોરા
ભાઈ બે ભેગા થયા છે,
દિલમાં એક દીવાલ રાખી.
એ દુશ્મનને વહેલો હણજો,
ખાલીપાને ખાલી કરજો.
સૌની આગળ નમતો રહીને
સઘળા ઘા નાકામ કરે છે.
નીકળે છેલ્લામાં છેલ્લા આંસુઓ,
તે પછી સાચું રડાયું હોય છે.
હોય ફિતરત બંનેની વિપરીત પણ,
છાંય તડકાને ક્યાં દૂરી હોય છે?
આવવાનું વચન આપ્યું એણે મને,
આજ અહીંની હવાનેય રંગાવજો.
જે સ્પર્શથી છે રણઝણી આ લાગણી,
એ ફૂલ છે કે છે એ તારી આંગળી?
સૌ ટહુકા જો ઊડી ગયા વૃક્ષ છોડી,
કહે ડાળ, અમને, પ્રભુ! પાંખ આપો.
હોય પોલાં છતાં સૌ તરી જાય છે,
મારું નક્કરપણું ક્યાંક ડૂબાડશે.
રોજ આ આંખ પાણી વધુ પાય છે,
સ્વપ્ન જોજો અમારાં વધુ ફાલશે.
માંગણી હોય જેમાં ફકત,
પ્રાર્થના એવી ફળતી નથી.
– વિરલ વ્યાસ
Permalink
May 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરેન્દ્ર વેગડા

વાંસળીના સૂર – નરેન્દ્ર વેગડા
વ્હાલા! તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
વ્હાલા! કાળી મજૂરીના મૂલ તને ના સમજાય!
કેમ કરીને વારી જાઉં? મોરપિચ્છના તારા મુકુટ પર,
સાંજ પડે કળાય છે થાકનો ભાર મારા ભૃકુટ પર.
બળ્યા પેટની રાસલીલા મારી છાતીના ડૂમે અથડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
નથી પાસ જમનાના જળ કે નથી ઢૂકડા પાણીના નળ,
હાલી હાલીને થાકી જાઉં, પાણીનું બેડલું જાણે કે છળ.
હામ ભીડીને પહોંચું જો ગામના કૂવે તો કૂવો અભડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય !
– નરેન્દ્ર વેગડા
લયસ્તરો પર કવિશ્રીના બીજા કાવ્યસંગ્રહ ‘તંનૂર’નું દિલી સ્વાગત…
આમ તો કવિતાના દલિત અને સવર્ણ એવા ભાગલા પાડવા જ ન જોઈએ, પણ દુનિયાની ગમે એટલી પ્રગતિ થવા છતાં સમાજમાં આજેય આ બે વર્ગ એક થઈ શક્યા નથી. એટલે સમાજના શોષિત વર્ગમાંથી વેદનાની બસૂરી વાંસળી સાંભળવાની તૈયારી રાખવી જ પડે. કવિ શ્રીકૃષ્ણને વહાલા કહીને સંબોધે છે. આ કટાક્ષ જ કેવો કારમો છે! વહાલા હોય એ કદી દખનાં વખ પીવડાવે ખરા? ગરીબોનો બેલી તો ભગવાન પણ બનતા નથી. ‘વહાલો’ પીડિતોની કાળી મજૂરીના મૂલ સમજી શકતો નથી, પરિણામે ગરીબના કાન એની વાંસળીનાં સૂર સાંભળી શકતા નથી. માથે દિવસભરના વૈતરાના થાકનો ભાર વર્તાતો હોય એ માણસ કૃષ્ણના મોરપીંછ પર શું ધ્યાન આપે? સમાજનો આ શોષિત વર્ગ પણ રાસલીલાનો ભાગ તો બને છે, પણ આ રાસલીલા બળ્યા પેટની છે, જે છાતીમાં ડૂમો બની ગૂંગળાવે છે. દલિત વર્ગને તો પાણીનુંય સુખ નથી. ગામનો કૂવોય એમના માટે તો વર્જ્ય છે. કૃષ્ણની યમુના અને નળ માટેની રઝળપાટના વિરોધાભાસમાંથી જે હૃદયવિદારક ચીસ ઊઠે છે, એ સમાજના મોભીદારોને કદી સંભળાશે ખરી?
Permalink
May 5, 2026 at 12:30 AM by વિવેક · Filed under દિલીપ ધોળકિયા ‘શ્યામ’, શેર, સંકલન

લયસ્તરો પર આવકાર-સપ્તાહ અંતર્ગત આજે બીજા સંગ્રહને આવકારીએ… કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભાંગતી રાતનું જાગરણ”નું સહૃદય સ્વાગત કરીએ… સમગ્ર સંગ્રહનો સહેજસાજ અણસાર મળી રહે એ હેતુસર પસંદગીના થોડા અશઆર અહીં રજૂ કરું છું…
તારા મિલનની જો હવે કેવી થઈ અસર,
ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી.
ભૂલવાનું જે હતું તે યાદ છે,
એટલે આંસુ અને ફરિયાદ છે.
સાંજ ડૂબી ગઈ સખી, આ વેલ શણગારો હવે,
આંખના અરમાન હળવે હાથ ઉતારો હવે.
આમ તો શીખ્યો જગતના કારણે,
પણ વિચારો ફક્ત મારા હોય છે.
સફર કાપી ઘણી લાંબી તમારે દ્વાર તો આવ્યો,
હવે મળવા થયાં આતુર કદમ, તો ભાર લાગે છે.
ભલે લથડે કદમ તોયે અમે પડવા નહીં દઈએ,
જરા એવું હવે મુજ હાથ ઝાલી કો’ક તો બોલો.
તારી વાતો હું ના સમજું,
હું તો જાણું વહાલ કબીરા.
ગઝલ જેમ જીવી બતાવું તમોને,
થતી ભૂલ ત્યાં હું મઠારી શકું છું.
ગજબ કલ્પનાની કરામત રચાવી,
નથી પાંખ તો પણ ગગનમાં રહું છું.
સહેજ હળવે હાથ જો દરકાર થઈ,
આંસુઓ આંખે હસ્યાં શણગાર થઈ.
બે કબીલા સુખ અને દુઃખના મળી,
જિંદગી નામે જુઓ, વણજાર થઈ.
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’
Permalink
May 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

રોજેરોજ નિતનવા સંગ્રહ મળતા રહે છે. બધા સંગ્રહમાંથી પસાર થવાનું કપરું છે, પણ થોડો સમય અને થોડો અવકાશ ફાળવીને મારી ક્ષમતા મુજબ દરેક સંગ્રહને યથોચિત ન્યાય આપવાની કોશિશ હું કરતો રહું છું. થોડા દિવસો પહેલાં જ લયસ્તરો પર આપણે આવકાર-સપ્તાહ ઉજવ્યું. આજથી ફરી એકવાર આવકાર-સપ્તાહ નિમિત્તે વારાફરતી સાત અલગ અલગ સર્જકોના નવ્યસંગ્રહોમાંથી પસાર થવાનો લહાવો લઈએ….
બહુખ્યાત કવિ ભરત વિંઝુડા સર્જનબાહુલ્યના કવિ છે. ‘સ્વપ્નસુખ’એમનો ચૌદમો સંગ્રહ છે – તેરમો ગઝલસંગ્રહ. લયસ્તરો પર ‘સ્વપ્નસુખ’ને આવકાર આપતાં અમે હર્ષ અનુભવીએ છીએ… સંગ્રહમાંથી નાની બહેરની એક ગઝલ આપ સહુ માટે…
*
આંખોથી…
આંસુ છલકાઈ જાય આંખોથી,
એવું જોવાઈ જાય આંખોથી.
કાન બીડીને રાખ્યા છે એને,
કંઈક સંભળાય જાય આંખોથી.
બંધ લાગે ને બંધ હોય નહીં,
સ્વપ્ન દેખાઈ જાય આંખોથી.
નીકળે તું ઘડીક સામેથી,
થોડું જીવાઈ જાય આંખોથી.
જોઉં છું એને બદલે વાંચું તો,
એ ઉકેલાઈ જાય આંખોથી.
– ભરત વિંઝુડા
Permalink
May 2, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, શિશિર રામાવત
ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનિટી ક્યાં હોય છે આપણા હાથમાં!
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ – જડ, મૂર્ત, સ્થિર, ઘન.,
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતાં નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને, વલોવીને-
મારે તો બસ, ઘટનાઓની આરપાર થવું છે.
– શિશિર રામાવત
કવિતામાં મૌલિક વિચારોનું મહત્ત્વ મોટું અંકાયું છે, પણ વાસ્તવિક્તા એ છે કે આપણી ભાષા અને એ રૂએ આપણા વિચારો આપણા પોતાના હોતા જ નથી. બધું આપણને આજુબાજુના જગત પાસેથી જ પ્રાપ્ત થયું છે. પણ આપણી અનુભૂતિ, આકલન તેમજ અભિવ્યક્તિની ક્ષમતાના આધારે આપણે આપણા ‘પોતીકા’ કહી શકાય એવા વિચારો ઘડતાં હોઈએ છીએ. કદાચ એટલે જ કવિતાનો આરંભ પોતાના જે પોતાના હાથમાં જ નથી એવી વિચારોની વર્જિનિટીની અનાવશ્યક્તાથી થાય છે. કવિને તો અનુભવથીય સંતોષ નથી. એમણે તો એને પણ અતિક્રમવા છે. અનુભવ આમ તો અમૂર્ત અને અસ્થિર પણ કવિ એને સ્થૂળ પરિમાણો બક્ષી વિરોધાભાસ જન્માવે છે. કવિતાની શરૂઆત અહીંથી જ થાય છે. અનુભૂતિને અતિક્રમવા માટે એને તોડીફોડીને એનો નવોન્મેષ કરવો જરૂરી છે. કવિ આ કામ માટે વિ-જ્ઞાનની પ્રયોગશાળાને ખપમાં લે છે. આટલું કરી લીધા બાદ તેઓ વિચારને આમંત્રે છે. જે અનુભવોને તોડીફોડીને અતિક્રમી જાય એને વિચારોની કિંમત કે ઇતિહાસમાં શો રસ હોય? આસપાસ બનતીરહેતી ઘટનાઓને છેદી-ભેદી-તોડી-વલોવીને એની આરપાર નીકળી જઈ શકાય ત્યારે જે અર્ક હાથ લાગે એ છે ખરી વર્જિનિટી… એ છે વિશુદ્ધ મૌલિક અનુભૂતિ!
સુરેશ દલાલે શરૂ કરેલ ‘કવિતા’ દ્વિમાસિકના ૨૦૧૭માં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણસોમો અંક (દિપોત્સવી) પ્રગટ થયો હતો.એમાંથી આ રચના જડી આવી. ‘ઘન’ના સ્થાને’ધન’, ‘બહુપરિમાણી’ના સ્થાને ‘બહુપરિણામી’ અને ‘શોષી લે તેના વજનને’ના સ્થાને ‘શોષી લે તેવા વજનને’ છપાયું હતું. મને ખટકા અનુભવાયા એટલે ચહેરાપોથીના શરણે જઈ, શિશિર રામાવતના દરવાજે ટકોરા માર્યા… આ કવિતા વિશે એમણે જે લખ્યું છે એ રસપ્રદ છે. શિશિરભાઈ લખે છે:
“તમે કશુંક ઇન્ટેન્સ-ઇન્ટેન્સ લખ્યું હોય ને પછી તેને લગભગ ભૂલી ગયા હો ને તે લખાણ દોઢેક દાયકા પછી ઓચિંતા તમારી આંખ સામે આવે ત્યારે થોડું કૌતુક જરૂર થાય. તમારે યાદ કરવું પડે કે આવું બધું મેં કઈ મનઃસ્થિતિમાં લખ્યું હતું. મને ખરેખર આ કવિતા લખવા પાછળનાં ઇમોશનલ-સાઇકોલોજિકલ કારણો, ટ્રિગર્સ કે સંદર્ભો – આમાંનુ કશું જ યાદ આવી રહ્યું નથી. તોય તે વાંચીને ચહેરા પર સ્માઇલ તો આવ્યું જ.”
Permalink
May 1, 2026 at 10:43 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ઓ મારી ગુજરાત!
ઓ વ્હાલી ગુજરાત!
મા તારું ઉપવન અણમૂલ
અમો મા એ ઉપવનનાં ફૂલ
સમય આવતાં વજ્ર બનીશું, સાચવશું ના જાત!
ઓ મારી ગુજરાત!
આશ્રય આવે બાળ પરાયાં
તારા ના કદી થાન સુકાયાં
ઉદાર દિલ જે દેવા બેઠી તેને નિજ પર શી પંચાત?
ઓ મારી ગુજરાત!
તારો અંક ખુંદી જે આગળ
આજ ખૂંદે ધરતીની ભાગળ
તે ક્યમ ભૂલે તારી નદીનાં નીર તણી તાકાત?
ઓ મારી ગુજરાત!
જીવવું તારું કામ કરીને
મરવું તારું નામ સ્મરીને
તારે અંકે ઊગો મા મારા નવજીવનનું પ્હેલું પ્રભાત.
ઓ મારી ગુજરાત!
– જયન્ત પાઠક
આજે ગુજરાત સ્થાપના દિવસે લયસ્તરોના તમામ સર્જકમિત્રો અને ભાવકમિત્રોને એક મજાના ગીત સાથે સ્નેહભરી શુભેચ્છાઓ પાઠવીએ છીએ…
Permalink
April 30, 2026 at 12:30 AM by વિવેક · Filed under જન્મશંકર મ. બુચ “લલિત', ભક્તિપદ, લલિત - જન્મશંકર મ. બુચ

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર. – મઢૂલી0
વૃક્ષો વેલડીઓવાળાં, કૂમળાં ફળફૂલ રસાળાં,
લઈ જાવ લ્હાણાં એ લગીર, સંતો વ્હાલા!
મનની કંઈ મોજમજાઓ, રસિયા ઉરના કંઈ લ્હાવો
લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!
સામે સંસાર વિલસે, વચ્ચે જીવનસરિતા વહે,
રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!
ઉડવાય સફર સહિયારી, સુખદુ:ખની કંથા ધારી,
આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!
લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની
લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
અનેરી અમારી એ લગીર!
– જન્મશંકર મ. બુચ “લલિત’
કવિનું નામ સાવ અજાણ્યું લાગે એવા ભાવકમિત્રો વિકીપીડિયાની મુલાકાત લઈ શકે છે.
જીવનસરિતાને પેલે પાર મોક્ષ-મુક્તિની અનેરી મઢૂલી છે. મુક્તિની વાત છે, પણ ક્યાંય કઠિનતાની વાત નથી ને કઠિન શબ્દાવલિ પણ નથી. પ્રભુનાં ગીત ગાવાની લગની લાગી હોય એ તમામનું મોકળા મને અહીં સ્વાગત છે. કવિએ આંતર્પ્રાસ મેળવ્યા છે, લય જાળવ્યો છે પણ આંત્યપ્રાસ મેળવ્યા ન હોવાથી ગીતકવિતા તરીકે એ કોઈને શિથિલ પણ લાગે. પણ સરવાળે ‘લલિત’ની આ લલિત રચના માધુર્ય અને ભક્તિનો સુમેળ છે. ભાષા સરળ છતાં મર્મસ્પર્શી છે. તે મનુષ્યને ભૌતિક જગતની પેલે પાર રહેલા આત્મિક આનંદ તરફ વળવા માટે પ્રેરણા આપે છે. આ કવિતા માત્ર એક નિમંત્રણ નથી, પણ જીવન જીવવાની એક સકારાત્મક પદ્ધતિનું દર્શન છે.
Permalink
April 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત
તપ્ત ધરણી હતી, (ધરણી=ધરતી)
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી (ભર્ગ= તેજ, ભાસ્વતી= પ્રકાશમાન, સૂર્યનું શહેર)
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતળે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.
શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી? (ક્લાંતિ=થાક)
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિઃશ્વાસતી, (વહ્નિ=અગ્નિ)
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છવાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બ્હાવરી કો’ક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી,
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડયો!
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં (સિક્ત = છાંટેલું)
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેધનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.
ત્યાં અચાનક કશી ભીંસતી ભીત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝુલી,
એક હેલારથી (હેલાર= ધક્કો, લહેર)
દૂર જૈ ઓટમાં ઓસર્યા પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું. અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું
પાંખથી પિચ્છ એકાદને ખેરતું
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું.
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોયને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉર ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ! (સંધિકા=સંધ્યાનું તેજ)
શી અહો આ લીલાા
નીરની ધારથી શું તૂટી રહૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રોત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?
જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!
– નિરંજન ભગત
ટ્વેન્ટી-ટ્વેન્ટીના જમાનામાં આ કવિતા થોડી લાંબી અને ભારઝલ્લી લાગે. ભાવનાત્મક કવિતાના ચાહકોને આ રચના જટિલ લાગશે, પણ જેમને પ્રતીકાત્મક અને વિચારપ્રધાન કવિતામાં રસ છે એ મિત્રોને આ કવિતા અવશ્ય પસંદ પડશે.
વૈશાખના ધોમધખતા બપોરે સૂર્યની આગઝરતી દૃષ્ટિથી આખી સૃષ્ટિ ડઘાઈ ગઈ છે. શું પંખી, શું સાગર કે શું તરણાં-ક્યાંય કોઈ સળવળ નથી. આ સ્તબ્ધ શાંતિ અને અંગ-પ્રત્યાંગે કળાતો થાક ઝાંઝવાનીર સમી ભ્રમણાથી વિશેષ કંઈ નથી. તપી તપીને રંગો ગુમાવી ભૂખરી થઈ ગયેલ ધરતી પર નાયકે જે માર્ગ પર જવાનું છે એ લાકડાના ચક્ર પર તપીને લાલચોળ (રક્તરંગીન) થયેલ લોઢાના ટુકડા જેવો ભાસે છે. લૂ ઝરતા પહોરની સામે પવનની આછી આછી લહેરખીની તે શી વિસાત કે ડિલે વળતો પરસેવો લૂછી શકે? કથક શૂન્યનેત્રે સ્થળ અને કાળના અંતને માપવા મથી રહ્યો છે.
ત્યાં અચાનક અડગ ટટ્ટાર રહીને ભીંસતી ભીંતો સમી દિશાઓમાં જાણે કાણું ન પડ્યું હોય એમ મૃદુ ગીત જેવી પવનની મંદ-મંદ લહેરખી ફૂંકાય છે. ક્ષિતિજ પર ઝૂલી ગયેલ નાવના સદઃ અચાનક ફૂલે-ખૂલે અને પવનના એક જ હેલારથી-સેલારથી એ નાવ જ નહીં, ઓટમાં ઓસરી ગયેલ પાણી પણ કાંઠા સુધી તણાઈ આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. પણ રણમાં મીઠી વીરડી જેવો આ અનુભવ તો ક્ષણિક જ હતો. એકાદ પંખી સ્વપ્નમાં કલ્પના ન બોલતી હોય એમ ઊડતું આવી ટહુકાનું ગીત રેલાવી અને એકાદ પીંછું ખેરવીને આવ્યું હતું એવું જ પાછું ચાલ્યું ગયું. પવનની પળભરની લહેરખી અને પંખીના ક્ષણભરના ટહુકાર કથકને કાનમાં જાણે કશું કહી જાય છે. શંકરની જટા ખૂલે અને એકાદી લટ એની ત્રીજી આંખને પલકભર માટે ઢાંકી દે એવી કોઈક રાગ મલ્હાર ગાતી ભૂલી પડેલી વાદળી વિષાદભર્યા હૃદયની ગાઢ છાયા બની આવી ચડે છે ને વળી પવન અને પંખીની જેમ જ ગાયબ પણ થઈ જાય છે. ગ્રીષ્મની બપોરે સંધ્યાની રમ્ય ટાઢક રેલાઈ ઊઠી હોવાનું ભાન થાય છે. પણ પાણીની ધારથી કંઈ શિલા તૂટે? પળભરની આ રાહત છ્ળ કે ભાંત સપનાથી વિશેષ કશું નહોતી. બપોરની અગ્નિ ઝરતી આંખથી તપ્ત પ્રકૃતિની સાથોસાથ વ્યાકુળ બનેલ હૈયાની હરણી માટે એ રાહત ઝાંઝવાનીરથી વધુ તો શું હોય? રાહતનો ભ્રમ ભાંગતાવેંટ ફેર વો હી બપોર, ફેર વો હી ગરમી…
નરસિંહના પ્રિય ઝૂલણા છંદમાં રચાયેલ આ કૃતિનો અંત પણ કવિએ નરસિંહની જ પંક્તિના પૂર્વાર્ધ ‘જાગીને જોઉં તો’ની મદદથી કર્યો છે એય ધ્યાનાર્હ છે. ભાનુ-ભર્ગ-ભાસ્વતી-ભસ્મ તથા ઉગ્ર-ઉરસ્પંદન-ઉગ્ર-ઉચ્છવાસતી જેવી વર્ણસગાઈઓ, ઝરતી-સરતી-ડરતી-ભરતી તથા તરણી-હરણી-ધરણી જેવાં અંત્યાનુપ્રાસો તેમજ હેલાર-સેલાર જેવા આંતર્પ્રાસોની ગુંથણીની મદદથી રચના વધુ આસ્વાદ્ય બની છે.
Permalink
April 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિ
બમ્બઈ મેં મિલ જાઉ શ્યામ તોહે બમ્બઈ મેં મિલ જાઉ
મધુરાધર સે મુરલી છુડાકે વાયોલિન બજવાઉ
… શ્યામ
મોરમુકુટ બનમાલ ઉતારું
કૉલર ટાઈ પિન્હાઉ
મહી માખન કો સ્વાદ ભુલાકે
બિસ્કિટ પાઉ ખિલાઉ.
… શ્યામ
બિન્દ્રાબિન કો રસ ભુલાઉ
ફૅન્સી બોલ સજાઉ
રઘુનાથ પિયા તોપે તન મન વારું
લોર્ડ કન્હાઈ કહલાઉ.
…શ્યામ
– રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના અતિપ્રસિદ્ધ ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….’ના રચયિતા એક ગુજરાતી કવિ હતા એમ કહીએ તો કેવું આશ્ચર્ય થાય! હા… પણ વાત સાવ સાચી છે. આ કાળજયી ગીતરચનાના રચયિતા હતા કવિશ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ (૧૮૯૨-૧૯૮૩). રસકવિ એમનું ઉપમાન.ગુજરાતી રંગભૂમિ માટે નાટકો લખતા અને નાટકોને વધુ લોકભોગ્ય બનાવવા એમાં એ ગીતો ઉમેરતા. ૧૯૧૯માં રજૂ થયેલ ‘છત્રવિજય’ નાટકનું આ નાટ્યગીત મહેફિલોમાંથી પસાર થતાં થતાં મુગલ-એ-આઝમ ફિલ્મ સુધી પહોંચ્યું પણ શકીલ બદાયૂનીના નામે. સુદીર્ઘ કાનૂની લડાઈ બાદ કવિને કવિ તરીકેનું માન મળ્યું… અનેક નાટકો અને અનેકાનેક ગીતોના રચયિતા રસકવિની કલમે આજે માણીએ સાવ જ નોખી તરેહનું આ ગીત…
મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. કહે છે કે જે એકવાર મુંબઈ આવે, એ કદી મુંબઈ છોડી શકતો નથી. નિરંજન ભગતે ‘ઇન્દ્રજાલની ભૂલવે લીલા’ એવી મુંબઈ નગરી વિશે બહુ સરસ કવિતા લખી હતી: ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!’ મુરલીધર શ્યામ જો મુંબઈમાં આવે તો એની કેવી કાયાપલટ થઈ જાય એનું ખડી બોલી- વ્રજ બોલીમાં કવિએ સરસ મજાનું નિરૂપણ કર્યું છે.
Permalink
April 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પરાપૂર્વથી પાણી તો પાણી છે એણે ખળભળવાનું હોય : એટલું કહેવું છે,
જાણી લે કે મોજાંની ઢગલીએ જઈને ઊંડાં તળિયે સાવ એકલું રહેવું છે!
પણ,
તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;
પણ,
મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
– વિનોદ જોશી
માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…
Permalink
April 23, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.
પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.
ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.
અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.
‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.
– જિગર જોષી
આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.
ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.
Permalink
April 22, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિરંજન ભગત
પદમણી, હળવેથી પગલું મેલ,
આજ તારું હૈયું છલકે કે હેલ?
કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
. પહેલા પરોઢને પ્હોર,
ગમતીલા ગરવા નરવા તે સૂરથી
. સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!
તારી તે પાનીને જોઈ જોઈને
. પોયણી શી શરમાય,
દિલની દાઝેલીની રોઈ રોઈને
. કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!
સૂના સરવરિયે પાણીડે જાતાં
. પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
. સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?
– નિરંજન ભગત
શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…
ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?
Permalink
April 18, 2026 at 11:27 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.
ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.
એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?
કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.
નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.
ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.
Permalink
April 16, 2026 at 11:13 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
સાંભળ ને, એક વાત! મને એમ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.
તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!
આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.
સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.
તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.
એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.
તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.
Permalink
April 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.
– ભરત ત્રિવેદી
હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે…
Permalink
April 11, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રાપજકર, પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!
ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!
બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!
ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!
મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!
તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!
– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?
Permalink
April 10, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તનસુખ ભટ્ટ 'યાત્રી', ભક્તિપદ
ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા…
ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે માર્ગ અમે સંચર્યા…
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે માર્ગ અમે સંચર્યા…
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે માર્ગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા
– તનસુખ ભટ્ટ ‘યાત્રી’
(૨૧ માર્ચ, ૧૯૧૧ થી ૦૫ ફેબ્રુઆરી ૨૦૦૪)
આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…
(ટૂંક=શિખર; મઢી=મઢૂલી, ઝૂંપડી; મોલ=મહેલ; ત્રોવર=તરુવર, મોટું ઝાડ; દેરડી=નાની દેરી; મોઝાર=મધ્યે, વચ્ચે; સ્વામ=સ્વામી)
Permalink
April 9, 2026 at 12:01 AM by વિવેક · Filed under ગઝલ, માર્ગી દોશી ડૉ.
ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.
હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.
નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!
હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.
સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.
વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.
એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.
ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.
– ડૉ. માર્ગી દોશી
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.
Permalink
April 8, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એન્ડ્રિયા કોહેન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.
ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?
આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું
કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી
– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)
ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?
મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…
Permalink
April 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રાણજીવન મહેતા
નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;
મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.
આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…
Permalink
April 4, 2026 at 11:24 AM by વિવેક · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું
– ભરત ત્રિવેદી
ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.
આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.
Permalink
April 3, 2026 at 11:13 AM by વિવેક · Filed under પદ, ભક્તિપદ, ભજન, ભાણસાહેબ
સતગુરુ મળિયા સહેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો.
પંથ હતા સો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેક સમાયો. સતગુરુ૦
અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો, નહિ જાયો,
જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો… સતગુરુ૦
જપ તપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,
ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો… સતગુરુ૦
અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા યે સાધ કહાયો,
નહિ ‘ભાણા’ હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. સતગુરુ૦
– ભાણસાહેબ
ભારતીય આધ્યાત્મ પરંપરામાં ગુરુ-શિષ્ય પ્રણાલિકા કેન્દ્રસ્થાને રહી છે. આમ તો સતગુરુ સહેજમાં મળવા દોહ્યલું, પણ નિષ્ઠા સાચી હોય તો મળેય ખરા ને કાનમાં સતનો શબ્દ – બ્રહ્મજ્ઞાન ફૂંકેય ખરા. ગુરુ સાચા હોય તો શિષ્યને ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ અપાવી અખંડ ધામ- મોક્ષ સુધી પહોંચાડે. બધી શોધ પરિપૂર્ણ થઈ. નવધા ભક્તિના ભેદ પણ પાર થઈ ગયા. દસમી દિશા – ચેતનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જ્યાં એકમાં અનેક અને અનેકમાં એક –અદ્વૈતાવસ્થા અનુભવાય છે. તમામ રૂપ એક અખંડ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. पुनरपि जननं पुनरपि मरणं – જીવન-મરણની આવજા અહીં સમાપ્ત થાય છે, કારણ આત્મા અમર અવિનાશી છે. ધ્યાન ધરતાં અજ્ઞાનની કાળી રાતનો અંત આવ્યો અને “સો-અહમ્” (તે હું જ છું) ચેતનાનો આત્મસાક્ષાત્કાર થાય છે. ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે.
ભાણસાહેબ (જ. ૧૩ ફેબ્રુઆરી ૧૬૯૮, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. ૧૭૫૫, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર તેઓ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે. સતનામના ઉપાસક ભાણસાહેબ કબીરનો અવતાર ગણાતા. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે તેમણે અધ્યાત્મબોધ કર્યો. કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. (સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ)
(નવધા=નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન); જિક્કર= જિક્ર, ધ્યાન; જામની=યામિની, રાત્રિ; સળંગ=સીધો; સેરડો=માર્ગ; ક્રોડ=કરોડ)
Permalink
March 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under મણિલાલ હ. પટેલ, સોનેટ
(શિખરિણી)
પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી:
રડી હર્ષે હું વા વિરહ દુઃખ? – જાણી નવ શકી!
તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી…
હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એયે નવ થયું!
વિના બોલ્યા; ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એય શમણું!
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં-
થઈ સાચાં, મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિરઋતુમાં અંગ સળગે
તમે? ના…ના, સૂના પથ નજરને આવી વળગે!
– મણિલાલ હ. પટેલ
આજે તો પતિ પત્નીના પિયર આવે કે તરત બધાને હાય-હેલો કરીને લાજશરમ નેવે મૂકીને પત્ની સાથે એક રૂમમાં બંધ થઈ જાય. પણ આ સૉનેટ એવા સમયનું ગ્રામ્યચિત્ર છે જે સમયે સ્ત્રીને તો હોઠ નહોતા જ, પુરુષ પણ વડીલોની આમન્યા ત્યાગી શકતો નહોતો.
પત્ની પિયર રહેવા આવી હોય અને લાંબા ગાળા પછી પતિ એને મળવા આવે એ પળની આ વાત છે. સવારે જોયેલું સપનું જે રીતે સાચું પડે એ રીતે એક દિવસ પતિ અચાનક પત્નીને મળવા આવી ચડે છે અને સ્વજનોની વચ્ચે પણ પત્નીને એકલાપણું અનુભવાય છે. સુન્દરમની નાયિકા જે રીતે તે રમ્ય રાત્રે ઘરની બારસાખ પર કાયા ટેકવી ઢળતી લતા સમી ઊભી હતી, એ જ રીતે મણિલાલ પટેલની નાયિકા પણ કમાડને અઢેલીને ઊભી છે. પણ સુન્દરમની નાયિકા નાયક સાથે એકલી હતી એટલે એને દિગ્મૂઢ નાયકને ચુપચાપ પાછો ચાલ્યો જતો રોકવામાં સમસ્યા નહોતી અનુભવાઈ, પણ આ સૉનેટની નાયિકા પરિવારની હાજરીમાં બોલીય નથી શકતી અને લજ્જા ઉવેખી શકવાના સામર્થ્યના અભાવે પતિનું મુખેય પૂરું જોઈ શકતી નથી. આંખોમાંથી ધસી આવેલ આંસુઓ હર્ષના છે કે વિરહના દુઃખના એનો ભેદેય એ કળી શકતી નથી. પતિ પણ કશું બોલ્યા-ચાલ્યા-કર્યા વિના આવ્યો હતો એમ જ પરત ચાલ્યો જાય છે. ફરી એકવાર સુન્દરમનું જ ‘મળ્યાં’ કાવ્ય યાદ આવે છે, જેમાં વિરહના કપરા દિવસો વેઠ્યા બાદ મળેલ બે પ્રેમીહૈયાં મહાજનોની હાજરીમાં ખૂલીને મળી શકતાં નથી અને મળે છે ત્યારેય કશું બોલ્યાચાલ્યા વિના ઘડી ઘડી પરસ્પર સામે બસ જોયા જ કરે છે.
આને આગમન કહીશું કે ગમન? કવિએ એટલે જ કવિતાના શીર્ષકમાં એક ડેશ ઉમેર્યો છે: “આ-ગમન પછી.” છે ને મજાનું કવિકર્મ! સવારે પગથી પર પડેલ પતિના પગલાં પત્નીના દેહને શિયાળામાં પણ પ્રજ્વાળે છે. પતિ તો વળગ્યો નહીં, સૂનો રસ્તો નજરને આલિંગન આપી રહ્યો છે… મિલનોત્સુક પત્નીના ભાવસંવેદનોનું કેવું સચોટ વર્ણન!
Permalink
March 27, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત, રોબર્ટ ફ્રોસ્ટ, વિશ્વ-કવિતા
મને થતું પંખીડું જો ઊડી જાય, અહીં
મારા ઘર પાસે આખો દહાડો ગાય નહીં.
બારણેથી બંને હાથે તાલી પાડી કહ્યું— જાય
છે કે નહીં? લાગ્યું જ્યારે વધુ નહીં સહ્યું જાય.
જોકે એમાં થોડોઘણો હશે મારો દોષ,
પંખીડું તો ગાય, એમાં શાનો કરું રોષ?
અને વળી નક્કી એ તો એક મોટું પાપ ઠર્યું,
કોઈનુંયે ગીત મૂંગું થાય એવું મન કર્યું.
– રૉબર્ટ ફ્રોસ્ટ (અંગ્રેજી)
(ગુજ. અનુ.: નિરંજન ભગત)
સરળ કવિતા. ઘર બહાર બેસીને આખો દિવસ ટહુક્યા કરતું પંખી નાયકને ગમતું નથી. એ ઇચ્છે છે કે એ દૂર ઊડી જાય. તાળી પાડીને એ એને ઊડાડી પણ દે છે. પણ આ સમસ્યા કંઈ એના એકલાની નથી, સમસ્ત મનુષ્યજાતિની છે. માનવજાત એ હદે સ્વકેન્દ્રી બની ગઈ છે કે કોઈ કોઈને સહન કરી શકતું નથી. આપણી વિચારધારાથી અલગ વિચારધારાને આપણે આવકારી કે સ્વીકારી શકતા નથી. એમાંય આ નાનકડા પંખીની જેમ કોઈક નાનો માણસ આગળ વધતો કે અલગ પ્રતિભા ધરાવતો દેખાય એ તો કેમે કરીને આપણને ગળે ઉતારતું નથી. હકીકતમાં સમસ્યા બીજાઓમાં નહીં, આપણા પોતાનામાં જ છે.
સિદ્ધહસ્ત કવિ શ્રી નિરંજન ભગતે અંગ્રેજી લિરિકનો અનુવાદ તો સરસ કર્યો છે, પણ મને કેટલીક જગ્યાએ મજા ન આવી. એક તો છંદ. રચના મનહર છંદની ચાલમાં છે પણ પહેલી બીજી પંક્તિમાં અનુક્રમે ૧૬ અને ૧૫ અક્ષર હોવાની શરત સંતોષાઈ નથી. ચુસ્ત મનહર છંદના સ્થાને કવિને કટાવ શૈલી પસંદ આવી હોય તો એમાં વાંધો નથી, પણ અક્ષરસંખ્યાની અનિયમિતતાના કારણે પઠન પ્રવાહી થઈ શક્યું નથી. અનુવાદની સરખામણીમાં મૂળ રચનામાં ફ્રોસ્ટે બધી પંક્તિમાં આયમ્બિક ટેટ્રામીટર છંદ વાપર્યો છે. એ સિવાય, પહેલા બે યુગ્મકમાં સૉનેટની જેમ વાક્ય પહેલી પંક્તિમાં પૂરું થઈ જવાના બદલે બીજી પંક્તિમાં જઈને પૂરું થાય (અપૂર્ણાન્વય- enjambment) જરા ખટકે છે. આ કારણોસર ઊર્મિકાવ્યનું ખરું સૌંદર્ય નંદવાતું હોવાનું મને પ્રતીત થયું. આપ શું કહેશો?
A Minor Bird
I have wished a bird would fly away,
And not sing by my house all day;
Have clapped my hands at him from the door
When it seemed as if I could bear no more.
The fault must partly have been in me.
The bird was not to blame for his key.
And of course there must be something wrong
In wanting to silence any song.
– Robert Frost
Permalink
March 26, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો,
હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો.
આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ,
પાંખમાં વગડો હતો ક્યારેક તે ઊડી ગયો.
સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે,
ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો.
ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.
એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?
– નયન હ. દેસાઈ
રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)
ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.
Permalink
March 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
જૂઠા રે જીવણ તમે જાઓ છો
. લઈ જાઓ મુરલીના સૂર,
શું રે કરીએ અમે એ સૂરને,
. તમે તો દૂરનાયે દૂર!
શીદને વલોવું વ્હાલા! ગોરસી,
. શાને ગાઉં તારાં ગીત?
તુજને મળીને જાદવ જાણતી
. મારે પાણી-વલોણું પ્રીત!
ખીલડે બંધાઈ મારી ગાવડી
. ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
. તડકે સુકાતી લીલી ચાર.
જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
. એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
. રોકાજો આટલો કહેવા ભેદ!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…
Permalink
March 21, 2026 at 8:13 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
જે કવિતા સાચી તેની વાત જુદી!
એમ તો લાગે શ્રવણને ગર્જના મીઠી,
ને ગમે નિબિડાંધકારે વીજળી દીઠી;
સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શસુખ,
ઇન્દ્રધનુના રંગ કરી દે ઊર્ધ્વમુખ.
કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
ને સૂતેલાં બીજને અંકુર રૂપે
બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
પ્રાવૃષની એ વાત જુદી !
– જયંત પાઠક
આજે “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે કવિતા વિશે એક કવિતા. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને સર્વોપરી ગણવામાં આવી છે એટલે કવિતા એટલે શું અને સાચી કવિતા કોને કહેવાય એ વિશે પરાપૂર્વથી ચર્ચાઓ થતી આવી છે અને કવિતા વિશે કવિતાઓ પણ લખાતી રહી છે. સાચી કવિતાને વ્યાખ્યાયિત કરવી જો સંભવ હોત તો એ કામ ક્યારનું થઈ ચૂક્યું હોત, પણ હજારો કવિતાઓ અને વ્યાખ્યાઓ કરાયા બાદ હજીય એ વિશે કવિતાઓ થતી રહે છે એનો મતલબ જ નેતિ નેતિ…
હજારો વ્યાખ્યાઓમાંની એક તે આ કવિતા. કવિ કહે છે કે જે કવિતા સાચી હોય એની વાત અલગ હોવાની. પહેલા બંધમાં કવિએ થોડા ઇંદ્રિયગમ્ય અને ઇંદ્રિયભાવન અનુભવોની વાત કરી છે. શ્રોત્રેદ્રિયને ગર્જના મીઠી લાગે તો આંખોને ગાડઃ અંધકારમાં વીજળી અને દિવસે મેઘધનુષના રંગો જોવા ગમે છે. શીતળ વાયુ સ્પર્શેંદ્રિયને તૃપ્ત કરે છે. મોટાભાગની કવિતાઓ આવી જ હોય છે- ઇંદ્રિયગ્રાહ્ય! ઉપલક આનંદ આપે એવી…
પણ સાચી કવિતા એટલે એવો વરસાદ જે હૈયાની માટીને ભીંજવે, મહેંકાવે અને સપાટી તોડીને ભીતર સૂતેલા બીજને અંકુરિત કરી બહાર આણે…
(પ્રાવૃષ=વરસાદ)
Permalink
March 20, 2026 at 12:30 AM by વિવેક · Filed under સુન્દરમ, સોનેટ
(શિખરિણી)
બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે,
ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે,
ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે,
સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે!
મને ના અંતોનું દરદ કદીયે, અંત સહુનો.
મને બાળેઝાળે અહ ભભક જાવા પુરવની.
અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની –
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!
ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!
– સુન્દરમ્
બે દીપક ભેગાં થઈને આયખાના ઘરને ઝળાંહળાં કરી દે એવું નસીબ બધાનું નથી હોતું. જે રીતે બુઝાતા પહેલાં દીવો વધુ ફગફગે, રાતમાં પલટાતાં પહેલાં સાંજ વધુ રંગીન થાય, પુષ્પ ખરતાં પહેલાં પૂરું ખીલી જાય એ જ રીતે કથકને કાયમી વિયોગ આપતા પહેલાં એના પ્રિય પાત્રએ જે સ્નેહની હેલી વરસાવી, એનાથી કથક વ્યથિત વ્યથિત થઈ ગયો છે. જીવનના રસ્તે ક્યાંક કોઈક અજાણી વ્યક્તિ મળી. દિલમાં ઘર કરી ગઈ. કથકે વગર વિચાર્યે એના હાથમાં પોતાની ચાવી-પોતાનું સમગ્ર નિયંત્રણ સોંપી દીધું. પણ આવનારીને તો ખબર હતી કે પોતે આ આકાશમાં કેવળ ધૂમકેતુ બનીને આવી છે. પણ મળેલ અવસરને આકંઠ માણી લેવા માટે એ તત્પર હતી. પોતાના ચાલ્યા જવા પહેલાં એણે કથકના જીવનને અભૂતપૂર્વ રોશનીથી ભરી દીધું. કથક વિયોગ સહન કરવા તૈયાર છે, પણ એ જતા પહેલાંની વધુ પડતી ઝાકમઝોળ સહવાને અસમર્થ છે. જનાર વ્યક્તિ જતાં પહેલાં પોતાના દિલમાંથી પ્રેમની રોશની મિટાવી ગઈ હોત તો કદાચ વધુ સારું થાત… કારણ પ્રિયજનની અનુપસ્થિતિમાં આ રોશની રોશની ન રહેતાં હૈયાહોળી બની ગઈ છે… કાયમી જુદાઈ વિશે અનેકાનેક ઉમદા રચનાઓ આપણી ભાષામાંથી જડી આવશે, પણ આ સૉનેટ અલગ પ્રકારની માંડણીના કારણે વિશિષ્ટ ભાત ઉપસાવે છે..
Permalink
March 19, 2026 at 11:10 AM by વિવેક · Filed under ગઝલ, વિકી ત્રિવેદી
વિચારી વિચારી પછી એક તણખે લખ્યું પત્રમાં એક દીવાસળીને,
“બે પળનું મિલન છે પછી નાશ થાશે, ભલા આપણે શું કરીશું મળીને?”
ગમે તેમ ઘૂંટો ભલે એને જળમાં, પડે છે અલગ તેલનું એક ટીપું,
દશા એ જ સારા મનુષ્યોની થઈ છે, રહ્યા એમ એ પણ જગતમાં ભળીને!
ખબર છે કે કરશે મને ધૂળ ખાતું, છતાં આ મહોબ્બતની હદ તો જુઓ કે,
જશે બેશરમ આંખ પાસે જ અશ્રુ વિના હાથ પગ ટળવળી ટળવળીને!
ભલે ના ગમ્યું તારું બીજું કશું પણ, પ્રભુ સંતુલન તારું સ્પર્શયું છે દિલને,
અદલ એટલી ચીસ લખતા પડી’તી, જે તાળી પડી છે ગઝલ સાંભળીને.
મને હૂંફ આપ્યા વગર જે કહે છે કે આને અહમ છે, કહો એને કોઈ
કે દેખાવે છો ને અલગ છે બરફ પણ જળ જ થાય છે આખરે ઓગળીને.
– વિકી ત્રિવેદી
સરસ મજાની ગઝલ… કશાય ઉપોદઘાત વિના એને એમ જ માણીએ…
Permalink
March 18, 2026 at 12:14 PM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત

ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો
પારિજાતના વનમાં વાયુ ગંધ વિનાનો વાયો
અંધકારમાં ડૂબી ગયેલું જંગલ ના દેખાયું,
સવાર પડતાં વન ઊગે—કે સૂરજ ના સમજાયું!
સાવ આંધળીભીંત આંખને શું તડકો ને છાયો!
ઘરની નીકળ્યો બ્હાર—
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો.
– અનિલ જોશી
કવિતા લખાય છે તો એ જ ભાષામાં, જે ભાષા આપણે શ્વાસોચ્છ્વાસમાં ભરીને જીવીએ છીએ,પણ એ જ ભાષાને કવિ અલગ રીતે પ્રયોજે છે, ત્યારે એ કાવ્યનિર્મિતિનું કારણ બને છે. આ ગીતની પ્રથમ પંક્તિ જુઓ…
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો…
ઘરથી બહાર નીકળીને જંગલમાં જવા સુધીની વાત સામાન્યાનુભવની વાત છે… પણ જ્યારે કવિ ‘સ્વયં’ માટે ‘ગયો’કે ‘પહોંચ્યો’; જેવા મૂર્ત ક્રિયાપદના સ્થાને ‘પથરાયો’ જેવું અમૂર્ત ક્રિયાપદ પ્રયોજે છે ત્યારે આખી વાતનો સંદર્ભ જ બદલાઈ જાય છે. વ્યવહારની ભાષા વ્યવહારની ન રહેતાં કવિતાની ભાષા બની જાય છે. સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે. કેવળ એક ક્રિયાપદના કારણે ‘ઘર’ અને ‘જંગલ’ ઉભયના અર્થાંતરણ થઈ જાય છે… ઘર કાયા અને જંગલ ભવાટવિ –સંસારરૂપી વન અને કદાચિત પરલોક બની રહે છે… કેવળ ચાર સાચા અક્ષરની મદદથી કવિએ એક જ પંક્તિમાં કેટકેટલું બદલી નાંખ્યું!
આખી રચના વિશે પણ માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…
Permalink
March 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'

(મને મેં જીવતો રાખ્યો)
સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો.
હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી ન્હોતી,
નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.
ગયો તોફાનમાં સપડાઈ મધદરિયે ઘણી વેળા,
છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.
પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતો રાખ્યો.
ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
જાણીતા અને નવા કવિઓના નવા કાવ્યસંગ્રહોનો સાદરસત્કાર કરવા આદરેલ આવકાર સપ્તાહ શૃંખલાની આ સાતમી અને આખરી કડી… નોંધ લેવાની બાકી હોય એવા ઘણા સંગ્રહ હજી મારા ટેબલના એક કિનારે ચુપચાપ બેઠા છે… થોડો પોરો ખાઈ લઉં, પછી એમનો વારો..
આજે સિદ્ધહસ્ત સર્જકના નવાનકોર સંચયમાંથી એક સરસ મજાની ગઝલ… ‘યે જીના ભી કોઈ જીના હૈ’ની વાસ્તવવાદી ફિલસૂફી પહેલેથી આપની વિચારધારાનો અગત્યનો હિસ્સો બની રહી છે. કવિએ પાંચ શેરમાં એને બખૂબી કંડારી બતાવી છે… આપને કયો શેર ગમ્યો અને કેમ એ કહેશો તો અમને વધુ ગમશે.. .
Permalink
March 14, 2026 at 7:44 AM by વિવેક · Filed under પીયૂષ ચાવડા, શેર, સંકલન

લયસ્તરો પર જાણીતા અને નવા કવિઓના તાજા કાવ્યસંગ્રહોને પોંખવાના અવસર નિમિત્તે આજે ‘મખમલી શ્વાસ’ને પોંખીએ… સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેર પેશ કરીએ છીએ…
જરા સાથ આપ્યો તેં, એની અસર છે,
ઉદાસીના ઘરમાં ખુશી આજે આવી.
ભરી પાનખરમાં બહારો ખીલી છે,
જરા શી તમે શું નજરને ઝુકાવી!
તમારા સ્મરણની જરા છાંટ છાંટી
ખડી થઈ ગઈ છે બધીયે રુંવાટી.
અંત કે આરંભ, મધ્યે તું જ છે,
વારતાના હર પડાવે તું જ છે.
સામાન શ્વાસનો સૌ, અંતિમ ભરી રહ્યો છું,
ભાડાના ઘરને આજે ખાલી કરી રહ્યો છું.
‘ખૂબ મોડું થઈ ગયું’ -એણે કહ્યું,
મેં કહ્યું કે આ હવે સમજાય છે?
દીધો તમે જે ટેકો, એ સ્તંભ છે બરફનો,
પકડું છું એને જ્યારે, આધાર ઓગળે છે.
હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્ત કૈં?
કૈંક તો કામણ હશે ને કૃષ્ણના એ રાસમાં!
ગાલ એના હું કરી દઉં લાલ, પણ
યાદને ચૂમી શકાતી હોત તો સારું હતું.
– પીયૂષ ચાવડા
Permalink
March 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under કંચન અમીન, શેર, સંકલન

ગઈકાલે કવિના એક સંગ્રહમાંથી આપણે એક ગઝલ માણી… આજે એમના બીજા બે સંગ્રહમાંથી પસંદગીના થોડા શેરનો આહ્લાદ લઈએ અને બંને સંગ્રહોને વધાવીએ… કબીરા રદીફ બાબતનું કવિનું વળગણ એમના સંગ્રહોમાં સ્પષ્ટ નજરે ચડે છે. કબીરનો સંદર્ભ આ ગઝલોમાં અલગથી સ્પષ્ટ ઉપસતો ન હોવાથી ‘કબીરા’ની જગ્યાએ રદીફમાં અન્ય કોઈ પણ નામ નભી શકે એમ છે એ એક વાત છે, પણ ‘કબીરા’ રદીફમાં નક્કી કંઈક ગેબી અંતર્નિહિત અસર હોવી જોઈએ, કારણ આ રદીફવાળી ગઝલો જ કવિની સારી ગઝલોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.
*
કંઈ ખબર પડતી નથી કે કોણ દોરે, કોણ ભૂંસે?
શોક ને આનંદ વચ્ચે એક નાજુક ભેદરેખા.
અંધારામાં અજવાળું છે,
ભૂંસી ભૂંસી આગળ વાંચો.
ભીતર મોતી જેવી ઝળહળ,
આંસુનો ચમકાર કબીરા.
ચૂરેચૂરા થઈને પડતી,
પછડાતી જલધાર કબીરા.
આગળપાછળ, આજુબાજુ;
સાચવજો, સરહદ જેવું છે.
અંત વગરની હેરાફેરી,
ઇચ્છાઓ નિર્મૂળ કબીરા.
એક અવિચળ શ્વાસ જેવું છે અખિલ બ્રહ્માંડ આ,
નાદ ગૂંજે છે સદંતર- કોઈ ક્યાં સમજી શકે છે?
હસતાં હસતાં આંસુની ધારા આવે છે,
અજવાળાની આંખે અંધારાં આવે છે.
કશું હશે છતાં કશું નથી – નથી, ખબર નથી;
ઉચાટ મનમાં કેટલો હશે! નથી, સબર નથી.
– કંચન અમીન

શબ્દોની અંદર છે ઝળહળ,
અંગત રૂડી ભાત કબીરા.
ક્યાં ક્યાં પડઘાતો ખીણોમાં,
મૂંગો મૂંગો સાદ કબીરા.
પીંજર જેવી લાગે દુનિયા,
તો પણ છે આઝાદ કબીરા.
ચુંબક ખેંચે લોહ કબીરા,
માયા મનનો મોહ કબીરા.
– કંચન અમીન
Permalink
March 12, 2026 at 12:30 AM by વિવેક · Filed under કંચન અમીન, ગઝલ

રૂપેરી કલશોર કબીરા
સોનેરી છે પ્હોર કબીરા
પળપળ કોરા કાગળ જેવી
સાવ નવી નક્કોર કબીરા
ઝાકળમાં ડૂબે છે સૂરજ
ઝળહળ ચારેકોર કબીરા
સચરાચર છે રોશન રોશન
થનગન નાચે મોર કબીરા
ફૂલોનાં હૈયે ખુશબૂની
મસ્તીનો છે તોર કબીરા
– કંચન અમીન
લયસ્તરો પર આવકાર સપ્તાહની આજે ચોથી કડી… કવિના નૂતન સંગ્રહ ‘દિલ્લગી’નું સહૃદય સ્વાગત.
ટૂંકી બહરમાં કવિએ સરસ ગઝલ કહી છે. મત્લામાં પ્રભાતની સમૃદ્ધિનું મનહર ચિત્ર કવિએ કલમના બે-ચાર લસરકામાં જ કેવું સરસ દોરી બતાવ્યું છે! સરવાળે બધા શેર સંતર્પક થયા છે…
Permalink
March 11, 2026 at 12:30 AM by વિવેક · Filed under પારસ પટેલ, શેર, સંકલન

*
ગઈકાલે આપણે કવિના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવના પ્રથમ ભાગને આવકાર્યો. આજે પ્રણયોત્સવના બીજા ભાગને પણ આવકારીએ… ગઈકાલે પહેલા ભાગમાંથી એક ગઝલ માણી, આજે બીજા ભાગમાંથી પસંદગીના શેરોનો આસ્વાદ લઈએ…
આમ ના તાકી રહે મારી તરફ,
મા નથી ઘરમાં નજર ઉતારવા.
છોકરીને આજથી સત્તર થયાં,
ગામના કૈં છોકરા અત્તર થયા.
અપ્સરાઓ ને મદિરા ખૂબ મળશે સ્વર્ગમાં,
બસ, ગઝલનો ગ્રંથ સાથે લઈ જવા દે શામળા.
બડો બાદશાહી ખજાનો મળ્યો છે,
મને એક કાગળ મજાનો મળ્યો છે.
સ્વર્ગની વાતો વડે અંજાઈને,
આયખું સંકેલવા જેવું નથી.
અમારો હાથ એણે હાથમાં લઈ સહેજ જ્યાં દાબ્યો,
ઉમળકામાં મને બહોળો અનુભવ સાફ દેખાયો.
એકદમ ટાઢક વળે છે તાપમાં,
એ અગર સામે મળે છે તાપમાં.
સમી સાંજ ને આ કથા આદરી છે,
અમે ખામખા આ વ્યથા આદરી છે.
કેમનું શોધું તમારું ઘર અજાણ્યા ગામમાં,
ગામ આખામાં અબોલા છે તમારા કારણે!
એક ભમરો ફૂલ પર બેઠો અને
મોગરાની ડાળ શરમાતી રહી.
તમે ખંજર હુલાવીને મને બેમોત ના મારો,
મને તાકી રહો તો પણ તમારું કામ થૈ જાશે.
કોઈ પણ કાનૂન-બંધારણ વગર,
આંખથી હિંસા કરે કારણ વગર.
છે નગર મારું છતાં ભટકી જવાની ટેવ છે,
એમની શેરી મહીં અટકી જવાની ટેવ છે.
ગામડા ને શહેરની વચમાં રહ્યો,
સહેજ ભોળો, સહેજ લાલચમાં રહ્યો.
ચાંદ ને તારા બતાવે, પણ કશું આપે નહીં,
કોઈ મોટા દેશની સરકાર જેવી છોકરી.
હસાવે છે, રડાવે છે, નચાવે છે, નઠારી છે,
તમાશાઓ કરાવે છે, મહોબત તો મદારી છે.
તમારી એક ના પર જિંદગી બરબાદ! એ કરતાં
મનોમન ચાહવાની આ અવસ્થા ખૂબ સારી છે.
એના ઘરમાં બેઠો છું ને,
કેમ મને મારું ઘર લાગે?
– પારસ પટેલ
Permalink
March 9, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગઝલ

બખ્તર
બખ્તર સઘળાં છૂટે છે,
થાકનાં તાળાં તૂટે છે.
રાત ભમે છે વગડામાં,
અજવાળાંને લૂંટે છે.
સરખાં બન્ને, પ્રેમ ને કૂંપળ,
પથ્થર તોડી ફૂટે છે.
રણ વચ્ચે રેતીના પટમાં,
જીવન લાધ્યું ઊંટે છે.
પાતાળે ધરબીને રાખો.
મોત બધુંયે ઝૂંટે છે.
સાત સમંદર ડહોળી જાણ્યું,
સુખ તો ઘરના ખૂંટે છે!
– ઉષા ઉપાધ્યાય
કવિમિત્રોનો પ્રેમ કુરિયરના રસ્તે થઈ સતત મારા આંગણિયે છલકાતો રહે છે, પણ પહેલાં ઘરના નવીનીકરણનું કામ અને પછી નવા થયેલા ઘરમાં નવેસરથી ગોઠવાવાના ભગીરથકાર્યમાં વ્યસ્ત હોવાના કારણે નવા સંગ્રહોની સંખ્યા તો વધતી ગઈ, પણ એમાંથી પસાર થવાનું કાર્ય ટલ્લે ચડતું રહ્યું… એ બદલ પ્રેમથી કાવ્યસમુચ્ચય પાઠવનાર તમામ સર્જકમિત્રોની દિલથી ક્ષમા પ્રાર્થું છું. હવે થોડો ઠરીઠામ થયો છું, એટલે બને એટલા કાવ્યસંચયોને ન્યાય આપવાની યથાશક્તિ યથામતિ કોશિશ કરીશ… લયસ્તરો પર આ આખું સપ્તાહ કાવ્યસંગ્રહોને આવકારીશું…
આજે આ આવકાર સપ્તાહનું પગરણ લબ્ધપ્રતિષ્ઠ સર્જકના નૂતન સંગ્રહની એક ગઝલ સાથે કરીએ…
(કેટલાક કવિમિત્રોએ ધ્યાન દોર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગઝલમાં એકાધિક જગ્યાએ ગાગાગાગાના આવર્તનોમાં અનિયમિતતા રહી ગઈ છે.)
Permalink
March 7, 2026 at 11:08 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ઘર હાંફે છે, ઘર હાંફે છે, ઘર હાંફે છે ચટ્ટક લાલ
ઉમ્બર ચત્તોપાટ પડેલો ખીંટી પર માણસની ખાલ,
બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
ધડધડ વહેતા પડછાયાનાં મોજાંઓ ઊછળે વિકરાળ,
હાથોની ડાળી પર સુક્કાં પર્ણોનો ખખડાટ થયો,
પક્ષી છાતી પર બેઠું કે ટચટચ ટોચ્યાની ઘટમાળ?
આંખોના પાતાળકૂવામાં સૂરજનો પથ્થર ભચ્ચાક્
ઝાંખા પાંખા આકારો નીકળ્યા ઓઢી સ્વપ્નોની છાલ,
ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.
– નયન દેસાઈ
કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?
મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…
પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.
Permalink
March 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ગોપાલકુમાર ધકાણ
અઢળક દરિયા છે ચોપાસ, અમારી આંખ્યુંમાં ભીનાશ, અમે તો તોય તરસીએ
ખીલ્યો લુમ્બોઝુમ્બો ફાગ, અમારો બેસૂરો છે રાગ, અમે શું કોને કહીએ?
જડતર ઝીલે ઓઢણીયું ને પડતી પીડા માંહ્ય, જમાનો કોરી ખાશે,
ખળખળ વહેતાં ઝરણાઓને આજ નહીં તો કાલ, સમંદર દોરી જાશે,
સૌએ ચાંદે જોયો ડાઘ, અમારો એમાં છે શું વાંક, હવે શું છાતી ચીરીએ?
ખળભળ ગઢની રાંગ, અમારી એકલવાયી સાંજ, અટૂલી કેમ કપાશે?
તમરાં ભાંગે રાત, અમારી પાંપણ ઉપર ભાર સવારે વધતો જાશે,
વડછડ આઘી મેલી આજ, સાંકળ ખખડાવો ને રાજ, અમે લો તરત ખોલીએ
– ગોપાલ ધકાણ
વ્યક્તિ વ્યક્તિને ત્યાગી શકે પણ એના દિલમાંથી પોતાના માટેના સ્નેહને થોડો મિટાવી શકે? કાવ્યનાયિકાને એના પ્રિયજને ત્યાગી દીધી છે, પણ નાયિકાનું હૈયું તો હજીયે પળપ્રતિપળ એને જ ઝંખી રહ્યું છે. ફાગણ પૂરબહારમાં હોય પણ જીવતરનો રાગ બેસૂરો થઈ ગયો હોય તો કોને કહેવા જવાય? ઓઢણીમાં જડતર કરવા જતાં પીડા જ સિવાઈ જાય છે. પોતે બેકસૂર છે એ સાબિત કરવા હવે શું છાતી ચીરીને પ્રતીતિ કરાવવાની? પથ્થર જેવા પથ્થરને પણ ફાગણમાં ખળભળનું સુખ નસીબ થાય છે, પણ નાયિકાની તો સાંજ જ પથ્થર થઈ ગઈ છે. એ એકલા એકલા કેમ કપાશેનો પ્રશ્ન ભાર બનીને પાંપણો પર તોળાઈ રહ્યો છે.
Permalink
March 5, 2026 at 11:42 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
સમજો સાચું શરણું.
હોડી છોડી કેમ પકડતાં તમેય પોકળ તરણું!
તરણાંના શરણાથી કેવળ પદ કે પદવી મળે.
થપાટ મારે કાળ જરા ત્યાં સઘળુંયે ખળભળે!
પવન આવતાં ઊડી જાશે હલકું અંગ-ઉપરણું !
સમજો સાચું શરણું.
એક પાઘડી માથા પર મણમણનો નાખે ભાર.
પરપોટાનો નહિ, સાચો છે પાણીનો આધાર.
નાહક દોડાદોડ કરી જંગલમાં હાંફે હરણું !
સમજો સાચું શરણું.
પંડિત ભારેખમ ભાષામાં ગમતા પાઠ ભણાવે.
એક દાંત દેખાડે, પાછા બીજા દાંતથી ચાવે !
શરણાગતનો મહિમા સમજો તો જ પામશો ઝરણું.
સમજો સાચું શરણું.
– નીતિન વડગામા
સુરતમાં થોડા દિવસ પહેલાં જ પુસ્તકમેળો યોજાઈ ગયો. એના થોડા સમય પહેલાં અમદાવાદમાં. શહેર કોઈ પણ હોય, પુસ્તકમેળામાં સેલ્ફ-હેલ્પના પુસ્તકો જ સૌથી વધુ માત્રામાં દેખાતા અને વેચાતા જોવા મળે છે. પણ સેલ્ફહેલ્પના આ પુસ્તકો ડૂબતા માણસ માટે તરણાના શરણાથી વિશેષ કશુ નથી. તરવું હોય તો પાણીના આધારે જ તરી શકાય, પરપોટો ઝાલીને નહીં. જીવનમાં જે કંઈ ઉપલક મેળવવામાં આવ્યું હશે એ તો કાળનો પવન આવતાંવેંત ઊડી જશે. શરણ્ય અને શરણાગત ઉભયનો મહિમા જ્યાં સુધી સમજવામાં નહીં આવે ત્યાં સુધી સુખનું નિર્મળ ઝરણું પ્રાપ્ત નહીં થાય. કવિની અન્ય રચનાઓની સરખામણીમાં આ રચના છાશ લેવા જવું હોય તો દોણી ક્યાં સંતાડવીના ન્યાયને અનુસરતી હોય એમ થોડી વાચાળ થઈ છે એ અલગ વાત છે.
Permalink
March 4, 2026 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, વેણીભાઈ પુરોહિત
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ!
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ!
દાણ માગે છે દાણી, નવાઈલાલ!
આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ!
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!
જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!
ભારે હિમ્મત તમે લીધી, નવાઈલાલ!
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ!
ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ!
હસશે ગામની ગોપી, નવાઈલાલ!
ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ!
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ!
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ!
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ!
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ!
મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ!
કાળા કલપમાં બોળો, નવાઈલાલ!
કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ!
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ!
આજે સપરમો દા’ડો, નવાઈલાલ!
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ!
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
– વેણીભાઈ પુરોહિત
ફાગણ ફટાણાં ગાવાની ઋતુ છે. આજેય હોળી એમનેમ નથી સળગતી, ને પહેલાંય એમનેમ નહોતી સળગતી. હોળી માટે ફાળો ઉઘરાવવાની પ્રથા શરૂથી જ ચાલી આવી છે. ને એમાંય ઘેરૈયાઓ ખેલ આદરે એટલે એ લોકો પોતાના માટે સિરપાવ ઇચ્છે એ તો વળી અલગ જ. ગામમાં કે શહેરમાં ચકલો હોય ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. ઘેરૈયાઓની ટોળી નવાઈલાલ સાથે એકપક્ષી સંવાદાત્મક શૈલીમાં વાત કરતા હોય એ ઢબે આખી રચના થઈ છે. ગુજરાતીમાં હળવી કવિતાઓ બહુ ઓછી લખાઈ છે. એમાંય આવી સરસ નર્મ-મર્મ કવિતા તો જવલ્લે જ જોવા મળે. કોણ છે આ નવાઈલાલ? નવાઈલાલ એ વેણીભાઈ પુરોહિતનો ‘કોમન મેન’ છે. ‘ભોલી સૂરત દિલ કે ખોટે’ જેવા આ નવાઈલાલને ઘરૈયાઓ ચકલામાં થઈને ચાલતા અટકાવે છે, અને સેવ-ધાણી ખાવા માટે એની પાસે દાણ માંગે છે. જુવાનિયાઓ એ સમયગાળામાં ગામના ટોલનાકા જેવા હતા. એમને વટાવીને આગળ જવું હોય તો ટોલ તો ચૂકવવો જ પડે. કવિએ નવાઈલાલનું રસિક વર્ણન પણ કર્યું છે: ભોળી સિકલ, ખભે ઝોળી, પોતડી જૂની, ઊંધી ટોપી ને વાંકી દાંડીવાળા ચશ્માં! ભાભી કિંમત કરે કે ગામની ગોપીઓ હસે, એનાથી એ ડરતા નથી. પૈસા આપવામાં નવાઈલાલ નક્કી આનાકાની કરતા હોવા જોઈએ, એટલે જ તો ઘેરૈયાઓ એમને ઘેરમાં ફરવા માટે ને પછી નદીમાં જઈને નહાવા માટે લલચાવે છે. એ રંગાવા તૈયાર નથી, પૈસા દેવા તૈયાર નથી ને ઘેરૈયાઓ કેડો મૂકવા. આજના દિવસે કંઈ કોઈ કોરું રહી શકે? યાદ આવે: ‘એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી…’ (ર.પા.)
Permalink
March 3, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
. ફરી ફરી ફાગુન આયો રી
મલય કેરે વાયરે વાયો
. ફાગુન આયો રી !
મંજરીની ગંધ,
. પેલાં કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
. મને સહુનો લાગ્યો છંદ;
. હોજી મારો જીવ લુભાયો રી !
દુનિયા કેરા ચોકમાં આજે
. કોણ છોરી કોણ છેલ ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં
. રમતાં રે અલબેલ !
આવી સુખ સુહાગન વેળ,
. ચારિ ઓર લાલ ઉડાયો રી.
– રાજેન્દ્ર શાહ
હોળી-ધૂળેટી પર્વમાં આજે ગ્રહણના કારણે ખાલી દિવસ છે, પણ કવિતા માટે તો કોઈ દિવસ ખાલી ન જ હોય ને! સારી અને સાચી કવિતાના રંગથી તો ગમે તેને ગમે ત્યારે ને ગમે એટલીવાર રંગી શકાય ને!
ગુજરાતમાં શિયાળા દરમિયાન ઉત્તર-પૂર્વીય દિશામાંથી આવતો પવન ફાગણ શરૂ થતાં દક્ષિણ તરફથી ફૂંકાવો શરૂ થાય છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલ મલય પર્વત એક જમાનામાં ચંદનનાં વનોથી ભર્યોભાદર્યો હતો. રામાયણ અને મહાભારતમાં પણ આ પર્વતનો ઉલ્લેખ છે, સુગંધિત ચંદનની વિશેષતાને કારણે તે પૌરાણિક કથાઓ અને કાવ્યોમાં વધુ અમર થઈ ગયો છે. ફાગણ આવતાં દક્ષિણથી વાવા શરૂ થયેલ વાયરાને કવિ મલય પર્વત પરથી આવતો કલ્પે છે. ફાગણ આવતાં જ સૃષ્ટિમાં નવ્યપ્રાણ ફૂંકાય છે. આંબે મંજરીઓ મહેંકી રહી છે તો પલાશના ઝાડોને કેસૂડો રંગોથી ભરી દે છે. એક ઘ્રાણેન્દ્રિયને તર કરે છે, તો બીજું દૃશ્યેન્દ્રિયને. બાકી હોય એમ કોયલ શ્રવણેન્દ્રિયને તુષ્ટ કરે છે. ધૂળેટી સ્પર્શેન્દ્રિયનું સુખ બનીને આવે છે. આવા ચેપી વાતાવરણનો છંદ ન લાગે ને જીવ લોભાય નહીં તો જ નવાઈ. દુનિયાના ચોકમાં ગાનમાં ઘેલાં થઈ સ્ત્રી-પુરુષ લિંગભેદ ભૂલી એકાકાર થઈ રંગે રમી રહ્યાં છે…. આવી મજાની સુખ સુહાગનવેળામાં ચારે તરફ લાલ રંગ ઉડાડવામાં ને રંગાવામાં આપ પણ જોડાવ છો ને?
Permalink
March 2, 2026 at 3:12 PM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, ભજન, મીરાંબાઈ
હોળી રમે રાધા ગોરી, રાધા ગોરીશી નવલ કિશોરી હો. ધ્રુ૦
હની હો નૌતમ ઓઢ્યાં ઓઢણાં,
. પ્હેર્યાં ચીર ચરણાં ને ચોલી હો. ૦૧
હની હો ચૂવા ચંદન ઘોળિયાં,
. કેસર ચંદન છીરકત ગોરી હો. ૦૨
હની હો હાથમાં થાળ કનક તણા,
. કુંકુમ લીધાં ઘોળી હો. ૦૩
હની વનરા તે વનની કુંજગલનમાં,
. રાધા મોહન ખેલે હોળી હો. ૦૪
હની હો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
. પિયા પ્યારીની બની જોડી હો. ૦૫
– મીરાં
લયસ્તરોના તમામ ભાવકો, ચાહકો અને સહયોગી સર્જકોને હોળીપર્વના રંગબેરંગી વધામણાં…
હોળી પર્વ નિમિત્તે ભક્ત કવિ મીરાંબાઈનું એક ભક્તિપદ પ્રસ્તુત છે. રચના સહજસાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણી અનાવશ્યક બની રહે છે. પણ આજની પેઢી માટે અમુક શબ્દો અજાણ્યા હોઈ, એમના શબ્દાર્થ અહીં મૂકીએ છીએ.
નૌતમ= નવતમ; તદ્દન નવું; અનુત્તમ;
ચરણાં = ચણિયો
ચૂવા= એક પ્રકારનું સુગંધી દ્રવ્ય; અગરનો અર્ક. તે જુદી જુદી જાતનાં ગંધદ્રવ્યોને એકઠાં કરી ગરમી આપી ટપકાવીને કાઢવામાં આવે છે. આનો ચંદન સાથે, લેપમાં તેમ જ મર્દનમાં ઉપયોગ થાય છે.
છીરકત = છાંટે છે
કનક = સોનું
કુંજગલન=કુંજગલી
Permalink
February 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લાભશંકર ઠાકર
તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં બેઠા મારા કાન
મુરલિયાં બાજે રે!
કાન મહીં અંધારું ચમકે લીલું રે
એ લીલાશે ઊઘડે તૂરાં ગાન
મુરલિયાં બાજે રે!
તૂરાં ગાને ઊભા પગના ઓળા રે
ઝીણું ઝીણું હલતાં આઘે રાન
મુરલિયાં બાજે રે!
રાન મહીં ટીંગાતું ક્ષણનું ટીપું રે
ટટળે નીચે પલ પલ મારા પ્રાણ
મુરલિયાં બાજે રે!
તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં શોધું મારું ભાન
મુરલિયાં બાજે રે!
– લાભશંકર ઠાકર
થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું,
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)
પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…
Permalink
February 27, 2026 at 12:44 PM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, હાન યોન્ગ-ઉન
લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.
હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?
જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.
રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
– હાન યોન્ગ ઉન (કોરિઅન)
(ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)
આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…
મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.
*
I would forget
Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.
If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?
If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.
Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.
– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)
Permalink
February 26, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
ઢળતાં ઢળતાં ઢળી
. આંખ આ કયા ઊંડાણે વળી? –
નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
. મોતીની રઢ ફળી ! –
હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમ રોમમાં
લખ લખ અકળ ઉજાશે,
. હદ અનહદમાં ગળી! –
– ચંદ્રકાન્ત શેઠ
ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…
આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!
Permalink
February 21, 2026 at 9:03 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા
સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.
સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.
સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.
સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.
– હર્ષદ ચંદારાણા
ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?
Permalink
February 20, 2026 at 11:24 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ફેણ ફુત્કારે ણણણ સળવળાટ સળવળાટ સ. સ. વિષ સર સર સર
સરકે ચળકે આંખનાં કાણાં ક્ષણનાં કણાક ક. ણ. પછાડ શીશ સર સર સર
આકાર વળ્યો વ. આકાર ઘુમરાયો ઘ. જીભ ફાંટા ફંટાયા ટીસ સર સર સર
બખોલ ખોલ, ખ. રાફડો ફ. ફરફરાટ દંશ દેકારો આગમ તે દિશ સર સર સર
કાંચળી ભીંગડા, ગ. વાડ મહેંદી દડદડ, ડમરુ લિંગ, ફેણ લબડે અહર્નિશ સર સર સર
પળ પળ ળક. કરકોટક વૃક્ષ પાંદડુ ડાળ, અંજીર, સ્વપ્ન, ગળું ઘરઘરાટ ટોટો પીસ સર સર સર
ણ ફેણનો ણ ખણખોતર કરંડિયો બ બીન દાંત તક્ષત ક્ષત વિક્ષત ચીસ, સર સર સર
ઝાંય સોનેરી, લીસોટો લી…સો…ટો ભોરીંગ ભ. ભચ્ચ, ભૂખરું ભરાડી ભીંસ સર સર સર
– નયન દેસાઈ
નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’
મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.
Permalink
Page 1 of 113123...»Last »