ઘરથી નીકળ્યો બ્હાર – અનિલ જોશી
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો
પારિજાતના વનમાં વાયુ ગંધ વિનાનો વાયો
અંધકારમાં ડૂબી ગયેલું જંગલ ના દેખાયું,
સવાર પડતાં વન ઊગે—કે સૂરજ ના સમજાયું!
સાવ આંધળીભીંત આંખને શું તડકો ને છાયો!
ઘરની નીકળ્યો બ્હાર—
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો.
– અનિલ જોશી
કવિતા લખાય છે તો એ જ ભાષામાં, જે ભાષા આપણે શ્વાસોચ્છ્વાસમાં ભરીને જીવીએ છીએ,પણ એ જ ભાષાને કવિ અલગ રીતે પ્રયોજે છે, ત્યારે એ કાવ્યનિર્મિતિનું કારણ બને છે. આ ગીતની પ્રથમ પંક્તિ જુઓ…
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો…
ઘરથી બહાર નીકળીને જંગલમાં જવા સુધીની વાત સામાન્યાનુભવની વાત છે… પણ જ્યારે કવિ ‘સ્વયં’ માટે ‘ગયો’કે ‘પહોંચ્યો’; જેવા મૂર્ત ક્રિયાપદના સ્થાને ‘પથરાયો’ જેવું અમૂર્ત ક્રિયાપદ પ્રયોજે છે ત્યારે આખી વાતનો સંદર્ભ જ બદલાઈ જાય છે. વ્યવહારની ભાષા વ્યવહારની ન રહેતાં કવિતાની ભાષા બની જાય છે. સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે. કેવળ એક ક્રિયાપદના કારણે ‘ઘર’ અને ‘જંગલ’ ઉભયના અર્થાંતરણ થઈ જાય છે… ઘર કાયા અને જંગલ ભવાટવિ –સંસારરૂપી વન અને કદાચિત પરલોક બની રહે છે… કેવળ ચાર સાચા અક્ષરની મદદથી કવિએ એક જ પંક્તિમાં કેટકેટલું બદલી નાંખ્યું!
આખી રચના વિશે પણ માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…



Neha Purohit said,
March 18, 2026 @ 5:27 PM
મસ્ત કૃતિ.
Vrajesh Mistri said,
March 18, 2026 @ 5:59 PM
Wah… ગંધ વિના.. દરિયો પસાર…
DILIP DHOLAKIYA SHYAM said,
March 18, 2026 @ 6:27 PM
એક સુંદર ગૂઢ રહસ્યો સાથેનું ગીત..
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર.
માનવ અસ્તિત્વ માત્ર સ્થૂળ શરીર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સાત સ્તરોના બનેલા સાત શરીરોનું બનેલું છે. આ શરીર સ્થૂળથી સૂક્ષ્મ તરફ જતા આ પ્રમાણે છે: ૧. સ્થૂળ, ૨. પ્રાણમય, ૩. મનોમય, ૪. જ્ઞાનમય, ૫. વિજ્ઞાનમય, ૬. આનંદમય અને ૭. આત્મ શરીર. આ સાત સ્તરો આત્માની આસપાસના આવરણો છે. જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે આ સાત શરીરમાંથી પસાર થાય છે. એક આધ્યાત્મિક અનુભૂતિ કરાવતું ગીત.. આદરણીય કવિ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન ..🌹🌹
Kishor Ahya said,
March 18, 2026 @ 6:35 PM
કવિશ્રી અનિલ જોશીની રચના ઘરથી નીકળ્યો બ્હાર –આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ધરાવતી એક અનોખી કૃતિ છે જેમાં કવિ આત્મા શરીર છોડી બહાર નીકળે છે તેની વાત છે કવિ અહીં ઘરને શરીર કહે છે નિકળ્યો બહાર તે આત્માના સંબંધમાં છે.કવિ કહે છે આત્મા શરીર છોડી જંગલમાં પથરાયો . આત્મા અદૃશ્ય છે એટલે વાયુ સાથે ભળી જઈન વાયુ સાથે અસ્તિત્વમાં ફેલાયો એવો અર્થ કરી શકાય. અહીં જંગલનો વિવિધ અર્થ લઇ શકાય.
બીજી પંક્તિમાં કવિ આત્માને ગંધ વિનાનો અને આંખ વિનાનો કહે છે એને શું તડકો ને છાયો?
“કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો”
છેલ્લી પંક્તિમાં કવિ કહે છે શરીરમાંથી એવી રીતે બહાર નીકળ્યો જાણે સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર..
કવિ એ અહીં આત્મા શરીર છોડે છે તેને સાત રંગોવાળા મેઘધનુષ વચ્ચેથી દરિયો પસાર થાય એવી સરસ ઉપમા આપી છે.( દરિયાકાંઠે ઊભા રહી કોઈ દરિયાપાર ઊગી નીકળેલું મેઘધનુષ જુએ તો એવી પ્રતીતિ થાય કે જાણે દરિયો મેઘધનુષની અંદરથી પસાર થાય છે )
અસીમને ઓવારે મારો પડછાયો લંબાયો”
આત્મા શરીર છોડતા જ અસીમ માં પ્રવેશે છે એ અહીં બહુ સુંદર રીતે કવિએ વર્ણવ્યું છે.
આખું ગીત ફરી ફરી વાંચવું ગમે તેવું બન્યું છે.શ્રી વિવેકભાઈએ આસ્વાદમાં કહ્યું છે તેમ” સમર્થ કવિઓની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે આવું સૂક્ષ્મ કવિકર્મ ડગલેને પગલે જોવા મળશે.”આ ગીતમાં જે રીતે ગૂઢ અર્થ કવિએ વર્ણવ્યો છે તે અદભૂત કવિ કર્મ છે. સરસ રચના. શ્રી વિવેકભાઈ એ શ્વાસોશ્વાસની ભાષા જ્યારે અલગ રીતે કવિ પ્રયોજે ત્યારે કાવ્યની ભાષા નિર્મિત થાય એ બહુ સરસ વાત કરી છે. ગીતની પસંદગી અને આસ્વાદ ખૂબ સરસ.
🌹🌹🌹🌹
અગન રાજ્યગુરુ said,
March 18, 2026 @ 9:19 PM
વાહ..વાહ..વાહ… સુંદર ગીત અને એવો જ મજાનો આસ્વાદ…અંતે ટાંકેલું ફરી ક્યારેક વાળું વાક્ય ઉત્સુકતા જગાવતું ગયું… ચોક્કસ માંડીને વાત કરજો .. મજા પડશે…
Barin Dixit said,
March 18, 2026 @ 11:01 PM
ખૂબ સુંદર કૃતિ. ઉપર આપના વિવેચન તથા શ્રી કિશોરભાઈ અને દિલીપભાઈ ના પ્રતિભાવમાં થી પસાર થયા પછી ખાસ કશું લખવાની જરૂર નથી.
ખૂબ સરસ કવિતા અને એનો વિસ્તાર
વિવેક said,
March 19, 2026 @ 4:26 PM
ઘરથી નીકળ્યો બ્હાર હવે જંગલમાં જઈ પથરાયો
પારિજાતના વનમાં વાયુ ગંધ વિનાનો વાયો
પહેલી પંક્તિ વિશે તો ઉપર પાદટીપમાં વાત કરી… બીજી પંક્તિ વાંચીએ ત્યારે ‘પથરાયો’ ક્રિયાપદ અને જંગલ –બંને વધુ સ્પષ્ટ થાય છે. આ જંગલ એટલે પરલોક, જે દુન્યવી જંગલની જેમ જ ગાઢ અને ગૂઢ રહસ્યોથી ભર્યો છે. પણ આ જંગલ પારિજાતનું છે. મૃત્યુ પછી પ્રાણ-વાયુ પારિજાતના જંગલમાં વાય છે. પારિજાત જ કેમ? તો કે પારિજાતનું ઝાડ દૈવી અને પવિત્ર ગણાય છે. સમુદ્રમંથન વખતે એ પ્રગટ થયું હતું. શ્રીકૃષ્ણે સત્યભામાના વાડામાં એને રોપ્યું હતું અને એના પુષ્પ રુકમણીના આંગણમાં ખરતાં હતાં. પારિજાતનાં ફૂલ એકમાત્ર એવાં ફૂલ છે, જે ઝાડ પરથી તોડવામાં આવતાં નથી. સ્વયં ખરીને જે જમીન પર પડ્યાં હોય, એ પુસઃપોને જ ઊઠાવીને દેવના મસ્તકે ચડાવાય એવો એનો મહિમા છે. અહીં પણ મૃત્યુની વાત છે. પુષ્પ ખરી ગયું છે. એટલા માટે જ આ વન અન્ય કોઈ ફૂલ-ઝાડનું વન નથી, પણ પારિજાતનું વન છે. કવિએ આભિજાત્ય સુવાસ ધરાવનાર પારિજાતના વનમાં પથરાતા-વાતા વાયુને ગંધ વિનાનો કહ્યો છે. ‘વાયુ’ના સંદર્ભ સાથે શંકરાચાર્યનું ‘ભજગોવિન્દમ્’ યાદ આવે:
यावत्पवनो निवसति देहे, तावत् पृच्छति कुशलं गेहे।
गतवति वायौ देहापाये, भार्या बिभ्यति तस्मिन्काये ॥६॥
જ્યાં સુધી આ શરીરમાં વાયુ (પ્રાણ) નિવાસ કરે છે, ત્યાં સુધી જ સ્વજનો કુશળ પૂછે છે; પરંતુ એ શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે, ત્યારે એ જ પત્ની (અને પરિવાર) એ જ શરીરથી ભય પામે છે.
અગન રાજ્યગુરુ said,
March 19, 2026 @ 5:51 PM
વાહ..
ખૂબ સરસ ડૉ. સાહેબ… મજા આવી👏👏👏
Kishor Ahya said,
March 19, 2026 @ 6:19 PM
વાહ! વિવેકભાઈ, પારિજાતના વનની વાત સાથે ‘ભજગોવીન્દમ’ નો શ્લોક મૂકી આપે કાવ્યનો મહિમા વધાર્યો છે. આપનું જ્ઞાન આશ્ર્ચર્ય પમાડે છે! ખૂબ આભાર વિવેકભાઈ.
🌹🌹🌹🌹
Barin Dixit said,
March 19, 2026 @ 7:20 PM
વિવેક સર
ખૂબ સરસ. ભજગોવિંદમ અને પારિજાત નું વન ખૂબ મજા પડી. હમણાજ રામ મોરી સાહેબ ની સત્યભામામાં થઈ પસાર થયો છું એટલે વધારે મજા પડી 🙏🙏
શશીકાંત said,
March 20, 2026 @ 5:39 AM
શાળામાં એક કવિતા ભણવામાં આવી હતી.
ફરીથી વાંચવાની ઈચ્છા છે. ક્યાંક મળે તો મોકલશો.
સતનુ ચિત ચિન્તન રે કરવું
સત વાયક નિશ્ચય ઉતરવું
સતમા જગના સહુ તેજ વસે….
સત વિના આફતમાં પડશે
BINITA ... said,
March 20, 2026 @ 7:28 PM
અદભૂત…… રચના…..
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર…..
ખૂબ જ સુંદર…
BINITA ... said,
March 20, 2026 @ 7:29 PM
અદભૂત…… રચના…..
કાયામાંથી નીકળી ચાલ્યો એવી રીતે બ્હાર,
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર…..
ખૂબ જ સુંદર.
BINITA ... said,
March 20, 2026 @ 7:29 PM
અદભૂત…… રચના…..
સાત રંગના વર્તુળમાંથી દરિયો થાય પસાર…..
ખૂબ જ સુંદર.
વિવેક said,
March 21, 2026 @ 5:57 PM
આજે જ્યારે લાઇક કરવા જેટલો સમય પણ બહુ ઓછા ફાળવે છે એવામાં કૃતિ વિશે બે શબ્દ લખવા ઊભા રહેવું એ બહુ મોટી વાત છે… આ પોસ્ટ પર તો ઘણા મિત્રોએ વિગતે ટિપ્પણી કરી છે એટલે ખૂબ આનંદ થાય છે… મહેનત સાર્થક થઈ હોવાનું અનુભવાય છે…
તમામ સહૃદય ભાવકજનોનો દિલથી ઓશિંગણ છું…
Vrajlal Savaliya said,
March 21, 2026 @ 6:43 PM
આધ્યાત્મિક વાતો કાવ્યો, ભજન, સંતવાણી ગુઢાર્થથી ભરેલ હોય છે જેમ
વીજળીને ચમકારે મોતીડા પરોવજો પાનબાઈ જેનો આધ્યાત્મિક અર્થ અનોખો છે,
તેમ આ કાવ્યમાં બધા જ તત્ત્વચિંતકોના અર્થ વિવેચન વાંચવાની મઝા પડી.
Poonam said,
March 30, 2026 @ 4:08 PM
પારિજાતના વનમાં વાયુ ગંધ વિનાનો વાયો ! Lajawab…
– અનિલ જોશી –
માંડીને વાત કરી શકાય પણ એ ફરી ક્યારેક…🙂