લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

(આંખમાં ઊતરી ગયો) – નયન હ. દેસાઈ

સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો,
હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો.

આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ,
પાંખમાં વગડો હતો ક્યારેક તે ઊડી ગયો.

સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે,
ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો.

ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.

એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?

– નયન હ. દેસાઈ

રાવજીની આંખે કંકુના સૂરજ આથમ્યા હતા, નયન દેસાઈની આંખોમાં સૂર્ય ભીનો થઈને અંદર ઉતરી જાય છે. રાવજી પટેલના સૂરજ અને નયન દેસાઈના સૂર્ય વચ્ચે સરખામણી કરવાનો આશય નથી, પણ અત્રે એનો ઉલ્લેખ કરવાનું પ્રયોજન કેવળ એ જ કે બે અલગ અલગ કવિઓ એક જ કલ્પનની કેવી અલગ અલગ માવજત કરી શકે છે! મત્લાની બંને પંક્તિમાં કવિએ ક્યાંય લખ્યું નથી કે પોતાને જે શેરીમાંથી પસાર થવાનું આવ્યું છે એ છોડી ગયેલ કે છેહ દઈ ગયેલ પ્રિયજનની શેરી છે, પણ આથમતો સૂર્ય ભીની થયેલી આંખોને સ્પર્શે છે એટલાથી એ સમજી શકાય છે. કોઈની લખેલી ગઝલ વાંચતા હોઈએ એ તાટસ્થ્યથી કવિ પ્રિયજનની શેરીને જોતાં જોતાં પસાર થઈ જાય છે – दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ ख़रीदार नहीं हूँ (અકબર ઇલાહાબાદી)

ગઝલના પાંચેય શેર નયન-બ્રાન્ડની આલબેલ પુકારે એવા મજબૂત થયા છે. ચોથો શેર હાંસિલે ગઝલ છે અને પાંચમો પણ એવો જ અદભુત.

19 Comments »

  1. Varij Luhar said,

    March 26, 2026 @ 12:03 PM

    વાહ સરસ ગઝલ અને આસ્વાદ

  2. અગન રાજ્યગુરુ said,

    March 26, 2026 @ 12:06 PM

    વાહ…કયા બાત…

  3. DILIP DHOLAKIYA said,

    March 26, 2026 @ 12:13 PM

    ખૂબ જ સુંદર ગઝલ..

  4. Vrajesh Mistri said,

    March 26, 2026 @ 12:15 PM

    Wah… Wah…

  5. જયેશ ભટ્ said,

    March 26, 2026 @ 12:19 PM

    અદ્દભૂત ગઝલ, અને તમારો હૃદયસ્પર્શી અંગુલિનિર્દેશ .. વાહ

  6. જયેશ ભટ્ said,

    March 26, 2026 @ 12:20 PM

    અદભૂત બાની અને સરસ આસ્વાદ

  7. Vrajlal Savaliya said,

    March 26, 2026 @ 12:23 PM

    ખુબ ખુબ સુંદર

  8. Dr Sejal Desai said,

    March 26, 2026 @ 12:36 PM

    સુંદર કલ્પનો…વાહ…
    ઉત્તમ ગઝલ

  9. Barin Dixit said,

    March 26, 2026 @ 1:35 PM

    સરસ ગઝલ . મને આપના મતે જે હાસિલ એ ગઝલ શેર સમજાવશો ? દાદાજી ના ગોખલા અને ચોપડા નું શું સંબંધ છે તે મને સ્પષ્ટ થતું નથી જરાક સમજાવશો ?

  10. Arvind Bhatt said,

    March 26, 2026 @ 2:30 PM

    Jabardast

  11. Kishor Ahya said,

    March 26, 2026 @ 3:09 PM

    કવિ શ્રી નયન હ. દેસાઈ ની ગઝલો કવિતાની દુનિયા માટે તાજગીભર્યો એક ઉપહાર છે. પ્રસ્તુત ગઝલ ‘આંખમાં ઊતરી ગયો’ના દરેક શેર ખૂબ મજાના થયા છે.

    શેરી કે ગલી અને ગઝલ વચ્ચે એક મીઠો સંબંધ છે, જે ગઝલમાં દેખાય ત્યારે સમજવાનું કે એ પ્રિયતમની કોઈ વાતના અનુસંધાને છે.
    ગઝલના દરેક શેર અદભૂત છે બધાજ શેર સરસ અર્થ ધરાવે છે શેરમાં ખૂબ ઊંડાણ છે.આમ તો પ્રતિભાવ આપતી વખતે બહુ ટૂંકાણમાં ગઝલ કેવી છે તેની વાત કરવાની હોય છે પણ આ વાત કરવામાં ગઝલના મૂળ સુધી ક્યારે પહોંચી જવાય છે તે ખબર રહેતી નથી ને પ્રતિભાવ જરા લાંબો જ થઈ જાય છે, અને ગઝલના શેર આપણે ક્યાં અર્થમાં લીધા છે તે એક બીજા સુધી પહોંચે તો જ શેરના અલગ અલગ વિસ્તૃત અર્થો વિશે જાણી શકાય, એ ગઝલ માણવાની મજા પણ છે.

    સૂર્ય ભીનો થઈને મારી આંખમાં ઊતરી ગયો
    હું ગઝલની જેમ શેરી વાંચતો નીકળી ગયો.
    ભીની આંખ કરી પ્રિયતમની શેરીમાં તેના ઘરની સામે જોઈ નીકળી ગયો..

    આંખમાં પોપટની મુઠ્ઠીભર હતી લીલાશ પણ,
    પાંખમાં વગડો હતો
    આખામાં લીલાશ હતી પણ કેવી,પોપટની..કેમકે પાંખ શબ્દનો ઉપયોગ કરવાનો છે
    આંખમાં ભીનાશ જે લીલાશ હતો પણ પાંખમાં વગડો એટલે જુદાઈ, જીવનમાં વિરહ લઈને ચાલી ગયો.

    સાંજનું અર્ધું બળેલું આભ જાણે ગાય છે,
    ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો.
    સાંજના સમયે સૂર્યની આસપાસ લાલાશ ભરેલું આકાશ દેખાય છે સાંજના સમયે પક્ષીઓના થતા કલરવને કવિ આકાશ ગાય છે એવી ઉપમા આપે છે કહે છે ભાગમાં આજે મળ્યો’તો તે દિવસ ડૂબી ગયો. આજનો દિવસ પૂરો થયો.

    ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
    ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.
    ગામડાઓમાં જૂના ઘરોમાં રૂમના બારણા પાસે બંને બાજુએ અડ્ડધાફૂટ ઊંડી જગ્યા રાખવામાં આવતી એ ગોખ કે ગોખલો,હજુ પણ જૂના ઘરોમાં જોવા મળે છે, જેમાં દેવી દેવતાના ફોટા કે દીવો રાખવામાં આવે છે. કવિ કહે છે ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે. દાદાજી આ ગોખ નો નિયમિત ઉપયોગ કરતા હશે એટલે કવિએ એને આંખ કહ્યું. ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો. જુના જમાનામાં હિસાબ માટે ચોપડા રાખવામાં આવતા ,જેવી જરૂર, નાના થી મોટા પાકા કે રેગઝિન ના પૂઠાં વાળા ચોપડા રખાતા જેની વચ્ચે મોર પીંછુ કે રેશમી કપડાંનો ટુકડો રાખવામાં આવતો. કવિ કહે છે પવન આવતા આ ટુકડો ફરકી ગયો એટલેકે પવનથી હલી ગયો. આ પંક્તિ દાદાજીની સ્મૃતિ સાથે જોડાયેલી હોય કવિએ અહીં તેનો નિર્દેશ કર્યો હોય તેમ લાગે છે.

    એક દરિયો ઓટ થઈ મારામાં ડૂબી જાય છે,
    તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો?
    દરિયો અને કિનારો એક બીજાથી જુદા કદી હોય શકે નહી.તું કિનારો હોય તો ક્યાં છે? મને ભૂલી ગયો? નાયક પ્રિયતમને કિનારો કહે છે ,તું મને ભૂલી ગયો? નાયક ભૂલી ગયો? કહી પોતાના દિલની વ્યથા વ્યક્ત કરે છે. વાહ! વાહ! બધા શેર ખૂબ માણવા જેવા.

    શ્રી વિવેકભાઈ એ ગઝલની ખૂબ સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  12. Manoj Shukla said,

    March 26, 2026 @ 5:35 PM

    ખૂબ સરસ રચના અને આસ્વાદ 👌

  13. Manoj Shukla said,

    March 26, 2026 @ 5:35 PM

    ખૂબ સરસ રચના અને આસ્વાદ 👌👌

  14. kantilal babulal sopariwala said,

    March 26, 2026 @ 5:58 PM

    આંખ માં ઉતરી ગયો સુરજ ને સાંજ થઇ
    ત્રસ્ત આંખો મા મારી ભીનાસ થઇ
    ચંદ્ર ઉપસ્થીત થયો મારી આંખ સમ ને
    પૂછવા લાગ્યો ચાંદની આજે કેમ ગુમ થઇ
    કે બી સોપારીવાલા
    ——————–
    રાવજીભાઈ અને નયનભાઈ આપણી
    ગુજરાતી ગઝલ ના શીરમોર છે ગઝલ
    રસીકો ના હૈયા માં જામી ગયેલ નૂર છે

  15. Babulal Chavda said,

    March 26, 2026 @ 6:02 PM

    વાહ….સુંદર ગઝલ….સરસ આસ્વાદ.

  16. વિવેક said,

    March 26, 2026 @ 7:35 PM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો સાગમટે આભાર… દરા વખતની જેમ વિસ્તૃત છણાવટ કરવા બદલ શ્રી કિશોરભાઈનો અલગથી વિશેષ આભાર.

    શ્રી બારીન દીક્ષિતના સવાલનો યથામતિ જવાબ આપવા કોશિશ કરું છું:

    ગોખલો સ્વર્ગસ્થ દાદાજીની જમણી આંખ છે,
    ચોપડે બાંધેલ કટકો વાયુથી ફરકી ગયો.

    – આંખના ફરકવાને આપને ત્યાં શુકન સાથે સાંકળવામાં આવ્યું છે. સ્ત્રીની ડાબી અને પુરુષની જમણી આંખ ફરકે તો સારાં શુકન ગણાય છે. જૂના મકાનોમાં ગોખલાઓની એક અલાયદી સાહ્યબી હતી. કામકાજની વસ્તુઓ ઠાઠથી ગોખલામાં બિરાજતી. કથકના ઘરના ગોખલામાં પડેલ ચોપડાને જે કટકાથી બાંધ્યો હશે, એ કટકો પવન આવતાં હવામાં ફરકે છે. કટકો ફરકતાવેંત અત્યાર સુધી નિર્જીવ રહેલો ગોખલો અચાનક સજીવન થઈ જાય છે. કવિને સ્વર્ગસ્થ દાદાજી યાદ આવી જાય છે. દાદા સાથેના પૌત્રનો ગાઢ પ્રેમાનુબંધ અહીં છતો થાય છે. ચોપડો પણ કદાચ દાદાજીના સમયનો અને દાદાજીનો જ હોય એ સંભવ છે. આ ગોખલા પાસે જ ખુરશી ઢાળીને દાદાજી કાયમ બેસતા હોવા જોઈએ. નિકૃત્તિના સમયમાં ગોખલો અને દાદાજી એકમેકના પૂરક બની રહ્યા હોવા જોઈએ. એતલે જ સ્મૃતિલોકમાં ગોખલો દાદાજીની જમણી આંખ બની રહે છે અને હવાથી ફરકતો કટકો ફરકતી પાંપણ બની રહે છે… આજે દાદા ભલે હયાત નથી, પણ એમનું સ્મરણમાત્ર શુભ શુકન હોવાનું અનુભવાય છે… બે જ પંક્તિમાં કવિએ દાદા-પૌત્ર વચ્ચેના સ્નેહસંબંધનું સુવાંગ ચિત્ર દોરી આપ્યું છે!

  17. Kishor Ahya said,

    March 26, 2026 @ 11:01 PM

    હા ,વિવેકભાઈ, ગામડાઓના ઘરોમાં ફૂટ કે બે ત્રણ ફૂટનો દીવાલમાં ખાંચો રાખવામાં આવતો. એ ગોખલા તરીકે જ ઓળખાય છે. જેમાં અગત્યનો સામાન મુકવામાં આવે છે. આપે ખૂબ સરસ વિવેચન કર્યુ.. આભાર વિવેકભાઈ..
    🌹🌹🌹🌹

  18. Lalit Trivedi said,

    March 27, 2026 @ 11:35 AM

    વંદન

  19. Barin Dixit said,

    March 27, 2026 @ 1:05 PM

    વિવેક સાહેબ ,
    વાહ ખૂબ સરસ રીતે દાદાજી અને ગોખલાની વાત સમજાવી
    પ્રણામ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment