આવી છે જાત સામે જોવાની પળ હવે,
ત્યજ ચિંતા આપ્તજનની, પૂરાં થયાં પચાસ

ત્યાગી સૌ વાંકપન ને સૌ રાંકપન, તું ઝાલ-
બસ, બાંહ બાંકપનની, પૂરાં થયાં પચાસ
વિવેક મનહર ટેલર

જાવા પૂર્વે – સુન્દરમ્

(શિખરિણી)

બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે,
ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે,
ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે,
સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે!
મને ના અંતોનું દરદ કદીયે, અંત સહુનો.
મને બાળેઝાળે અહ ભભક જાવા પુરવની.

અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની –
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!

ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!

– સુન્દરમ્

બે દીપક ભેગાં થઈને આયખાના ઘરને ઝળાંહળાં કરી દે એવું નસીબ બધાનું નથી હોતું. જે રીતે બુઝાતા પહેલાં દીવો વધુ ફગફગે, રાતમાં પલટાતાં પહેલાં સાંજ વધુ રંગીન થાય, પુષ્પ ખરતાં પહેલાં પૂરું ખીલી જાય એ જ રીતે કથકને કાયમી વિયોગ આપતા પહેલાં એના પ્રિય પાત્રએ જે સ્નેહની હેલી વરસાવી, એનાથી કથક વ્યથિત વ્યથિત થઈ ગયો છે. જીવનના રસ્તે ક્યાંક કોઈક અજાણી વ્યક્તિ મળી. દિલમાં ઘર કરી ગઈ. કથકે વગર વિચાર્યે એના હાથમાં પોતાની ચાવી-પોતાનું સમગ્ર નિયંત્રણ સોંપી દીધું. પણ આવનારીને તો ખબર હતી કે પોતે આ આકાશમાં કેવળ ધૂમકેતુ બનીને આવી છે. પણ મળેલ અવસરને આકંઠ માણી લેવા માટે એ તત્પર હતી. પોતાના ચાલ્યા જવા પહેલાં એણે કથકના જીવનને અભૂતપૂર્વ રોશનીથી ભરી દીધું. કથક વિયોગ સહન કરવા તૈયાર છે, પણ એ જતા પહેલાંની વધુ પડતી ઝાકમઝોળ સહવાને અસમર્થ છે. જનાર વ્યક્તિ જતાં પહેલાં પોતાના દિલમાંથી પ્રેમની રોશની મિટાવી ગઈ હોત તો કદાચ વધુ સારું થાત… કારણ પ્રિયજનની અનુપસ્થિતિમાં આ રોશની રોશની ન રહેતાં હૈયાહોળી બની ગઈ છે… કાયમી જુદાઈ વિશે અનેકાનેક ઉમદા રચનાઓ આપણી ભાષામાંથી જડી આવશે, પણ આ સૉનેટ અલગ પ્રકારની માંડણીના કારણે વિશિષ્ટ ભાત ઉપસાવે છે..

10 Comments »

  1. Bharat Thakkar said,

    March 20, 2026 @ 12:50 AM

    અતિ સુંદર

  2. અગન રાજ્યગુરુ said,

    March 20, 2026 @ 12:07 PM

    સુંદર ભાવસભર સૉનેટ અને એવો જ સરસ આસ્વાદ..

  3. deval said,

    March 20, 2026 @ 12:32 PM

    અતિ સુંદર

  4. DILIP DHOLAKIYA SHYAM said,

    March 20, 2026 @ 1:19 PM

    સુંદર રચના🌹🌹

  5. Jigisha Desai said,

    March 20, 2026 @ 3:29 PM

    Vahh

  6. Kishor Ahya said,

    March 20, 2026 @ 3:34 PM

    જીવન અને મૃત્યુ, પ્રકાશ અને અંધકાર, મિલન અને જુદાઈ, સુખ અને દુઃખ. જીવનના આ દ્વંદ્વ જીવનને ઊંચાઈ આપવા માટે ભલે જરૂરી હશે પણ ઘણીવાર એને સહન કરવા અતિ મુશ્કેલ બને છે. મિલન અને જુદાઈના સુખ દુઃખને ઉજાગર કરતું કવિ શ્રી સુંદરમ્ નું ‘જાવા પૂર્વે’ એક ખૂબ સરસ શબ્દોમાં વણેલું બહુ મજાનું સોનેટ છે.

    મનુષ્યનું જીવન વિરોધભાષોથી ભરેલું છે ,આ વિરોધાભાષી વલણ જીવનને તાજગી આપે છે! મૃત્યુ છે તો જીવનની મજા છે! વિરહ છે તો મિલનની મજા છે! કહેવાય છે ને કે માણસની કિંમત એના ગયા પછી જ થાય છે, એવોજ કથકને થતો અનુભવ કવિશ્રી સુંદરમ્ સૉનેટમાં વર્ણવે છે.

    કથક અને પ્રિય પાત્ર ટૂંકા સમય માટે ઘરનાં કામકાજ સબબ મળે છે ત્યારે ….

    “મન મીંચી ઘરતણા
    દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
    બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
    કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી! ગઈ!”

    પ્રિય પાત્રને પણ જાણ હતી કે અહીં થોડા સમય માટે જ તે છે તેનું સ્મરણ રાખી તે કથક માટે ખૂબ ખૂબ સ્નેહ રાખે છે! “કવિએ બહું સરસ શબ્દો આ માટે મૂક્યાં છે ‘છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી’ અને પછી રોશની ‘ ‘ ‘ગઈ ‘ ! પ્રિયપાત્રની વિદાઇ થતા જ કથકને માથે જાણે આભ તૂટી પડ્યું! કથક દુઃખી દુઃખી થઈ ગયા.
    કથક કહે છે “જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
    ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!” કથક કહે છે જતા પહેલા થોડી લાગણી ઓછી કરી હોત તો આટલી યાદ ન હોત!” કથકને વિરહ અસહ્ય થઈ પડ્યો છે! જો કે કથકની આ માન્યતા તાર્કિક રીતે ભલે સાચી લાગતી હોય પરંતુ હકીકતે પ્રિયપાત્ર જતા પૂર્વે તેણે લાગણી ઓછી કરી દીધી હોત તો પણ લાગણી બાંધ્યા બાદ તેને રોકવી એ બને માટે કઈ ઓછું દુઃખ દાઇ ન હોત.

    મનુષ્ય જીવનમાં લેવા જેવો આ સૉનેટમાં એક સરસ બોધપાઠ છે. મનુષ્ય પણ પૃથ્વી પર થોડા સમય માટે જ હોય છે પણ વિડંબડા એ છે કે જાણતો હોવા છતાં અજાણ રહે છે! મનુષ્ય હમેશા સ્મરણ રાખે કે અહીંથી જવાનું છે તો મુત્યુ સમયે જુદાઇની પીડા જરા પણ ન રહે!

    શ્રી વિવેકભાઈએ સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  7. Uma doshi said,

    March 20, 2026 @ 8:59 PM

    સંયોગો વિપ્રયોગાન્તો

  8. Vrajesh Mistri said,

    March 21, 2026 @ 1:14 PM

    સરી જાવા પૂર્વ…. કરુણ

  9. વિવેક said,

    March 21, 2026 @ 5:52 PM

    સહુનો આભાર… શ્રી કિશોર પાહ્યાનો અલગથી અદકેરો આભાર

  10. Poonam said,

    March 30, 2026 @ 4:01 PM

    ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
    ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે! Nishabad…
    – સુન્દરમ્

    Bhavanuvad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment