વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

આવકાર સપ્તાહ: ૦૬ :મખમલી શ્વાસ – પીયૂષ ચાવડા

લયસ્તરો પર જાણીતા અને નવા કવિઓના તાજા કાવ્યસંગ્રહોને પોંખવાના અવસર નિમિત્તે આજે ‘મખમલી શ્વાસ’ને પોંખીએ… સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેર પેશ કરીએ છીએ…

જરા સાથ આપ્યો તેં, એની અસર છે,
ઉદાસીના ઘરમાં ખુશી આજે આવી.

ભરી પાનખરમાં બહારો ખીલી છે,
જરા શી તમે શું નજરને ઝુકાવી!

તમારા સ્મરણની જરા છાંટ છાંટી
ખડી થઈ ગઈ છે બધીયે રુંવાટી.

અંત કે આરંભ, મધ્યે તું જ છે,
વારતાના હર પડાવે તું જ છે.

સામાન શ્વાસનો સૌ, અંતિમ ભરી રહ્યો છું,
ભાડાના ઘરને આજે ખાલી કરી રહ્યો છું.

‘ખૂબ મોડું થઈ ગયું’ -એણે કહ્યું,
મેં કહ્યું કે આ હવે સમજાય છે?

દીધો તમે જે ટેકો, એ સ્તંભ છે બરફનો,
પકડું છું એને જ્યારે, આધાર ઓગળે છે.

હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્ત કૈં?
કૈંક તો કામણ હશે ને કૃષ્ણના એ રાસમાં!

ગાલ એના હું કરી દઉં લાલ, પણ
યાદને ચૂમી શકાતી હોત તો સારું હતું.

– પીયૂષ ચાવડા

6 Comments »

  1. Sandhya Bhatt said,

    March 14, 2026 @ 10:34 AM

    ખૂબ સરસ શીર્ષક સાથેના ગઝલસંગ્રહ માટે અભિનંદન..

  2. Kishor Ahya said,

    March 14, 2026 @ 12:55 PM

    ‘સામાન શ્વાસનો સૌ, અંતિમ ભરી રહ્યો છું,
    ભાડાના ઘરને આજે ખાલી કરી રહ્યો છું. ‘
    વાહ! બધા શેર મજાના છે.
    કવિ શ્રી પીયૂષ ચાવડા ના નૂતન ગઝલ સંગ્રહ ‘મખમલી શ્વાસ’ નું સ્વાગત છે.

    🌹🌹🌹🌹

  3. Dipak Peshwani said,

    March 14, 2026 @ 6:39 PM

    વાહ.. બધા શેર મસ્ત. કવિને સંગ્રહ અવતરણના વધામણા..

  4. Varij Luhar said,

    March 14, 2026 @ 6:44 PM

    ખૂબ સરસ શેર.. સંગ્રહને આવકાર

  5. ઉમેશ જોષી said,

    March 14, 2026 @ 7:45 PM

    મખમલી શ્વાસ…
    ગઝલ સંગ્રહને આવકાર સહ અભિનંદન.

  6. Vrajesh Mistri said,

    March 16, 2026 @ 8:52 PM

    આવકાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment