પંખીડું – રૉબર્ટ ફ્રોસ્ટ (અંગ્રેજી) (ગુજ. અનુ.: નિરંજન ભગત)
મને થતું પંખીડું જો ઊડી જાય, અહીં
મારા ઘર પાસે આખો દહાડો ગાય નહીં.
બારણેથી બંને હાથે તાલી પાડી કહ્યું— જાય
છે કે નહીં? લાગ્યું જ્યારે વધુ નહીં સહ્યું જાય.
જોકે એમાં થોડોઘણો હશે મારો દોષ,
પંખીડું તો ગાય, એમાં શાનો કરું રોષ?
અને વળી નક્કી એ તો એક મોટું પાપ ઠર્યું,
કોઈનુંયે ગીત મૂંગું થાય એવું મન કર્યું.
– રૉબર્ટ ફ્રોસ્ટ (અંગ્રેજી)
(ગુજ. અનુ.: નિરંજન ભગત)
સરળ કવિતા. ઘર બહાર બેસીને આખો દિવસ ટહુક્યા કરતું પંખી નાયકને ગમતું નથી. એ ઇચ્છે છે કે એ દૂર ઊડી જાય. તાળી પાડીને એ એને ઊડાડી પણ દે છે. પણ આ સમસ્યા કંઈ એના એકલાની નથી, સમસ્ત મનુષ્યજાતિની છે. માનવજાત એ હદે સ્વકેન્દ્રી બની ગઈ છે કે કોઈ કોઈને સહન કરી શકતું નથી. આપણી વિચારધારાથી અલગ વિચારધારાને આપણે આવકારી કે સ્વીકારી શકતા નથી. એમાંય આ નાનકડા પંખીની જેમ કોઈક નાનો માણસ આગળ વધતો કે અલગ પ્રતિભા ધરાવતો દેખાય એ તો કેમે કરીને આપણને ગળે ઉતારતું નથી. હકીકતમાં સમસ્યા બીજાઓમાં નહીં, આપણા પોતાનામાં જ છે.
સિદ્ધહસ્ત કવિ શ્રી નિરંજન ભગતે અંગ્રેજી લિરિકનો અનુવાદ તો સરસ કર્યો છે, પણ મને કેટલીક જગ્યાએ મજા ન આવી. એક તો છંદ. રચના મનહર છંદની ચાલમાં છે પણ પહેલી બીજી પંક્તિમાં અનુક્રમે ૧૬ અને ૧૫ અક્ષર હોવાની શરત સંતોષાઈ નથી. ચુસ્ત મનહર છંદના સ્થાને કવિને કટાવ શૈલી પસંદ આવી હોય તો એમાં વાંધો નથી, પણ અક્ષરસંખ્યાની અનિયમિતતાના કારણે પઠન પ્રવાહી થઈ શક્યું નથી. અનુવાદની સરખામણીમાં મૂળ રચનામાં ફ્રોસ્ટે બધી પંક્તિમાં આયમ્બિક ટેટ્રામીટર છંદ વાપર્યો છે. એ સિવાય, પહેલા બે યુગ્મકમાં સૉનેટની જેમ વાક્ય પહેલી પંક્તિમાં પૂરું થઈ જવાના બદલે બીજી પંક્તિમાં જઈને પૂરું થાય (અપૂર્ણાન્વય- enjambment) જરા ખટકે છે. આ કારણોસર ઊર્મિકાવ્યનું ખરું સૌંદર્ય નંદવાતું હોવાનું મને પ્રતીત થયું. આપ શું કહેશો?
A Minor Bird
I have wished a bird would fly away,
And not sing by my house all day;
Have clapped my hands at him from the door
When it seemed as if I could bear no more.
The fault must partly have been in me.
The bird was not to blame for his key.
And of course there must be something wrong
In wanting to silence any song.
– Robert Frost


Madhusudan Patel said,
March 27, 2026 @ 12:06 PM
Waaaaah. Nice sharing 💐
Neha Purohit said,
March 27, 2026 @ 12:07 PM
કાવ્યતત્વ અને સંવેદનની દૃષ્ટિએ બહુ સરસ કવિતા છે. પણ આપે કહ્યું એમ લયભંગ થવાને કારણે ગેય કાવ્ય રહેતું નથી. પઠનમાં ખટકા આવે એ આ રચનાની મર્યાદા છે..
Harshad Dave said,
March 27, 2026 @ 12:16 PM
સરસ કવિતા.
Kishor Ahya said,
March 27, 2026 @ 6:16 PM
“અને વળી નક્કી એ તો એક મોટું પાપ ઠર્યું,
કોઈનુંયે ગીત મૂંગું થાય એવું મન કર્યું.”
કવિ રૉબર્ટ ફ્રોસ્ટના આ શબ્દો મનુષ્યના મનમાં રહેલી દુષિત ઈચ્છાઓ પ્રગટ કરે છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈ અડચણ થોડા સમય સુધી ચલાવી લે છે પણ સતત અડચણના વિચારોથી અડચણ હકીકતે હોય તેથી વધારે લાગવા માંડે છે! કોઈનુંય ગીત મૂંગું થાય એવું મન કર્યું! આ અડચણ કોઈનું ગીત હોય શકે છે. કવિ માને છે કે આ ખોટું છે ,પાપ છે તો પણ મન સહમત થતું નથી, આનું એક કારણ મનુષ્યનું બધા જીવોથી પોતાને સર્વોપરી માનવું.
કવિએ જે કાવ્યનો વિષય લીધો છે તે ખુબજ સરાહનિય છે,જીવનમાની આવી રોજિંદી બાબતો પર કવિનું ધ્યાન જવું અને તે પર કાવ્ય લખવું.વાહ!
ક્યારેક વિચાર પણ આવે છે કે આજુ બાજુમાં કોઈ રહેતું ન હોય ત્યાં આરામથી બેસી શકાય,માળો કરી શકાય એવી ખાલી બાલ્કનીઓ હોવા છતાં પંખીને જ્યાંથી ઉડાડ્યા તે જગ્યાએ જ ફરી ફરી કેમ બેસે છે? મને લાગે છે એનું કારણ મનુષ્ય સાથનો પંખીનો અને પંખી સાથેનો મનુષ્યનો અદૃશ્ય પ્રેમ!
શ્રી વિવેકભાઈ એ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Vrajesh Mistri said,
March 27, 2026 @ 7:39 PM
ખરું
Rakesh Thaker said,
March 28, 2026 @ 8:37 AM
વાહ ખૂબ સરસ કોઈનું ગીત મૂંગું કરવા તાળી પાડીને….કહીને કાવ્યાત્મક કટાક્ષ…આંખે વળગીને ઊડે છે… અભિનંદન નિરંજન ભગત સાહેબને… આહ્લાદક અનુવાદ આપ્યો
Poonam said,
March 30, 2026 @ 3:51 PM
Saras kavita 👌🏻
Bavanuvad khoob saras sir ji !