આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!
વિવેક મનહર ટેલર

સાચી કવિતા – જયંત પાઠક

જે કવિતા સાચી તેની વાત જુદી!

એમ તો લાગે શ્રવણને ગર્જના મીઠી,
ને ગમે નિબિડાંધકારે વીજળી દીઠી;
સ્પર્શ શીળો વાયુનો દે સ્પર્શસુખ,
ઇન્દ્રધનુના રંગ કરી દે ઊર્ધ્વમુખ.

કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
ને સૂતેલાં બીજને અંકુર રૂપે
બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
પ્રાવૃષની એ વાત જુદી !

– જયંત પાઠક

આજે “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે કવિતા વિશે એક કવિતા. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને સર્વોપરી ગણવામાં આવી છે એટલે કવિતા એટલે શું અને સાચી કવિતા કોને કહેવાય એ વિશે પરાપૂર્વથી ચર્ચાઓ થતી આવી છે અને કવિતા વિશે કવિતાઓ પણ લખાતી રહી છે. સાચી કવિતાને વ્યાખ્યાયિત કરવી જો સંભવ હોત તો એ કામ ક્યારનું થઈ ચૂક્યું હોત, પણ હજારો કવિતાઓ અને વ્યાખ્યાઓ કરાયા બાદ હજીય એ વિશે કવિતાઓ થતી રહે છે એનો મતલબ જ નેતિ નેતિ…

હજારો વ્યાખ્યાઓમાંની એક તે આ કવિતા. કવિ કહે છે કે જે કવિતા સાચી હોય એની વાત અલગ હોવાની. પહેલા બંધમાં કવિએ થોડા ઇંદ્રિયગમ્ય અને ઇંદ્રિયભાવન અનુભવોની વાત કરી છે. શ્રોત્રેદ્રિયને ગર્જના મીઠી લાગે તો આંખોને ગાડઃ અંધકારમાં વીજળી અને દિવસે મેઘધનુષના રંગો જોવા ગમે છે. શીતળ વાયુ સ્પર્શેંદ્રિયને તૃપ્ત કરે છે. મોટાભાગની કવિતાઓ આવી જ હોય છે- ઇંદ્રિયગ્રાહ્ય! ઉપલક આનંદ આપે એવી…

પણ સાચી કવિતા એટલે એવો વરસાદ જે હૈયાની માટીને ભીંજવે, મહેંકાવે અને સપાટી તોડીને ભીતર સૂતેલા બીજને અંકુરિત કરી બહાર આણે…

(પ્રાવૃષ=વરસાદ)

7 Comments »

  1. Vrajesh Mistri said,

    March 21, 2026 @ 1:11 PM

    ધરતી સપાટી

  2. Kiran Jogidas said,

    March 21, 2026 @ 1:21 PM

    Waah

  3. Kishor Ahya said,

    March 21, 2026 @ 5:45 PM

    “જે કવિતા સાચી તેની વાત જુદી”
    “પ્રાવૃષની એ વાત જુદી ! ”
    સાચી કવિતામાં કવિતા વિશે કવિ શ્રી જયંત પાઠક એ બહુ સરસ વાત કરી છે.

    “કિન્તુ આર્દ્ર કરી મૂકે મ્હેકાવી માટી
    ને સૂતેલાં બીજને અંકુર રૂપે
    બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
    પ્રાવૃષની એ વાત જુદી !”

    માટીને મ્હેકતી કરી
    ધરતીને ભેદી બીજ અંકુરને બહાર લાવે છે એ વરસાદની વાત જ જુદી. કવિ કહે છે કે સાચી કવિતા એટલે સરળ અર્થમાં.. .. . .. . .
    હૃદયને ભેદી નાખે એનું નામ સાચી કવિતા!

    થોડું વધુ ઉમેરીએ તો એવું કહી શકાય કે જે વાચતા કવિતા સાથે હદય પણ કાવ્ય જેવુ રુડું બને, જે વાચતા નવા શબ્દોના ધની થવાય, જે વાચતા મનનો અંધકાર દૂર થાય અને પ્રકાશનું સર્જન થાય,જે વાચતા રોમાંચિત થવાય, જે વાચતા એના શબ્દો સાંભળી આંખ ભીંજાય જાય, મનમાં બોધ જાગે, પ્રિયજનો યાદ આવે ,જે વાચતા દેશના દુશ્મનો સામે બંદૂક તાકવાનું મન થઈ જાય, જે વાચતા એના શબ્દો દિવસો અને વર્ષો સુધી યાદ રહે, જે વાચતા દુઃખી હદયને સાંત્વના મળે, જે વાચતા ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ઉમટે, મનુષ્યનો અહંકાર ઓછો થાય, દિન હિન લોકો પ્રત્યે હૃદયમાં કરુણા ઉપજે, પ્રેમ ફૂટે, હૃદયમાં વૈરાગ્ય જાગે.આવી, આ પ્રકારની કવિતા એ સાચી કવિતા….

    વિશ્વ કવિતા દિવસ નિમિતે સૌ કવિ મિત્રોને ખુબ ખૂબ વધાઈ…

    🌹🌹🌹🌹

  4. વિવેક said,

    March 21, 2026 @ 5:51 PM

    પ્રતિભાવકોનો આભાર… ખાસ કરીને દર વખતની જેમ સવિસ્તર પ્રતિસાદ આપવા બદલ શ્રી કિશોર પાહ્યાનો સવિશેષ આભાર

  5. Kishor Ahya said,

    March 22, 2026 @ 10:31 PM

    પ્રાસંગિક એકાદ વાત .. એક વિચાર એવો પણ વ્યક્ત થતો રહે છે કે કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે એ પોતાના આનંદ, નિજમ્ સુખમ્ માટે લખતા હોય છે, એટલે જરૂરી નથી કે આ માધ્યમ ઉદ્દેશથી ભરેલું હોય!કોઇપણ ઉદ્દેશ વિનાની કૃતિઓ પણ બહુ સુંદર હોય છે. શું ઈશ્વરે આ સુષ્ટિ બનાવી તેની પાછળ કોઈ ઉદેશ્ય હશે? કે અદભૂત સર્જનનો આનદ? કવિતા એક સર્જન છે અને સર્જન માત્ર શુભ હોય છે.કવિતામાં કોઈ તાકાત હોય એ જરૂરી છે? માણી શકાય એ કવિતાની તાકાત છે! મૌલિકતા કવિતાની તાકાત છે! મૌલિકતા કાવ્યનો આનંદ છે એટલે અપાર વ્યાખ્યાઓ છતાં મૌલિકતા વ્યાખ્યાથી પર છે! લખતી વેળાએ કેટલીકવાર કાવ્ય એકદમ વ્યક્તિગત(Personal) હોય છે, કાવ્યની પ્રસિદ્ધિ એ અલગ વાત છે. છોડ જ્યારે સંપૂર્ણ બને ત્યારે ફૂલ આવે છે, ચેતના પણ જ્યારે ઉપર ઊઠે છે ત્યારે કાગળપર કાવ્યના ફૂલો ચીતરાય જાય છે! ..

    🌹🌹🌹🌹

  6. Poonam said,

    March 30, 2026 @ 3:57 PM

    …બ્હાર લાવે ભેદી જે ધરતીસપાટી
    પ્રાવૃષની એ વાત જુદી ! 👌🏻
    – જયંત પાઠક –

    Aaswad mast sir ji !

  7. arvind bhatt said,

    April 2, 2026 @ 1:07 PM

    જબરદસ્ત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment