એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
બિનિતા પુરોહિત

આવકાર સપ્તાહ: ૦૭ :શબ્દ પણ બોલ્યા વિના – બાબુલાલ ચાવડા ‘આતુર’

(મને મેં જીવતો રાખ્યો)

સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો.

હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી ન્હોતી,
નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.

ગયો તોફાનમાં સપડાઈ મધદરિયે ઘણી વેળા,
છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.

પ્રતિકૂળતાને પકડીને અનુકૂળતાના બીબામાં,
સિફતપૂર્વક ઉતારીને મને મેં જીવતો રાખ્યો.

ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

જાણીતા અને નવા કવિઓના નવા કાવ્યસંગ્રહોનો સાદરસત્કાર કરવા આદરેલ આવકાર સપ્તાહ શૃંખલાની આ સાતમી અને આખરી કડી… નોંધ લેવાની બાકી હોય એવા ઘણા સંગ્રહ હજી મારા ટેબલના એક કિનારે ચુપચાપ બેઠા છે… થોડો પોરો ખાઈ લઉં, પછી એમનો વારો..

આજે સિદ્ધહસ્ત સર્જકના નવાનકોર સંચયમાંથી એક સરસ મજાની ગઝલ… ‘યે જીના ભી કોઈ જીના હૈ’ની વાસ્તવવાદી ફિલસૂફી પહેલેથી આપની વિચારધારાનો અગત્યનો હિસ્સો બની રહી છે. કવિએ પાંચ શેરમાં એને બખૂબી કંડારી બતાવી છે… આપને કયો શેર ગમ્યો અને કેમ એ કહેશો તો અમને વધુ ગમશે.. .

7 Comments »

  1. Kishor Ahya said,

    March 15, 2026 @ 9:57 AM

    જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જેને શબ્દો આપવા ખૂબ મુશ્કેલ લાગે,મનુષ્ય જીવનના આવાજ એક સંવેદના સભર વિષય ઉપર કવિ શ્રી બાબુલાલ ચાવડા ‘આતુર’ એ ગઝલ સંગ્રહ :શબ્દ પણ બોલ્યા વિના: ને શબ્દો આપેલ છે. (મને મેં જીવતો રાખ્યો) ગઝલનો દરેક શેર ખુબજ ઊંડાણ પૂર્વક અર્થ ધરાવે છે. મનુષ્યનું મન જીવનની દરેક ક્ષણો ને માણવા ઇચ્છતું હોય એ સ્વભાવિક છે.પણ જ્યારે આ ક્ષણો જીવનના ભવિષ્યને અંધાર કરી દે તેવી હોય ત્યારે આવી ક્ષણોથી મનુષ્યે પોતાના ભવિષ્ય માટે થઈને પોતાની જાતને બચાવવી જરૂરી થઈ પડે છે. આજવાત કરતા કવિ શ્રી એ ગઝલની રદીફમાં “મને મેં જીવતો રાખ્યો” શબ્દો મૂકયા છે.

    “ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
    ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.”

    વાહ! વાહ! મનુષ્ય મનનો માલિક છે. લોભ લાલચમાં ફસાવતું મન અને એનાથી દૂર કરતું મન,પસંદગી મનુષ્યની છે!
    મહાન સંત રહીમસાહેબ નો દુહો છે..

    “तन रहीम है कर्म बस, मन राखो ओहि ओर
    जल में उल्टी नाव ज्यों, खैंचत गुन के जोर”
    (આપણું શરીર તો કર્મના બંધનથી બંધાયેલું છે. પણ મન આપણા હાથમાં છે. જેમ જળમાં પડેલ ઉંધી નાવને દોરડાથી ખેંચી કિનારા પર લાવી શકાય છે, એમ મનને પણ ખેંચી શકાય છે.)

    મત્લાનો શેર..
    “સતત આ મનને મારીને મને મેં જીવતો રાખ્યો,
    ઘણું સમજી-વિચારીને મને મેં જીવતો રાખ્યો”
    ખુબજ સચોટ વાત છે મનુષ્ય પોતાના જીવનમાં ડોકિયું કરીને જાણી શકે કે જે કઈ સુખ એ ભોગવે છે તે કેટલીક આવી હારની બાબતને કારણે હોય છે! (મને મેં જીવતો રાખ્યો)ગઝલ ખુબજ ગમી.

    :શબ્દ પણ બોલ્યા વિના – બાબુલાલ ચાવડા ‘આતુર’ના નૂતન ગઝલ સંગ્રહ :શબ્દ પણ બોલ્યા વિના –નું સ્વાગત છે.

    🌹🌹🌹🌹

  2. Neha said,

    March 15, 2026 @ 3:00 PM

    ત્રીજો અને છેલ્લો શેર વધુ ગમ્યા.. સરસ કૃતિ.

  3. Varij Luhar said,

    March 15, 2026 @ 7:59 PM

    વાહ સરસ ઉપક્રમ.. ‘શબ્દ પણ બોલ્યો વિના ‘ ને આવકાર અભિનંદન શુભકામનાઓ

  4. Dr Sejal Bhvesh Desai said,

    March 16, 2026 @ 4:13 PM

    વાહ.. છતાં કાંઠે જ ધારીને મને મેં જીવતો રાખ્યો.
    સુંદર ગઝલ..સુંદર રદીફ
    કવિને અભિનંદન

  5. Vrajesh Mistri said,

    March 16, 2026 @ 8:53 PM

    Wah… ધારીને જીવતો રાખ્યો

  6. Riyaz Langda said,

    March 17, 2026 @ 9:56 PM

    વાહ…બધા શેર ખૂબ સરસ.
    ઘણી જગ્યાએ જીતી જાઉં તો જીવવું હતું દુષ્કર,
    ઘણી વેળા ત્યાં હારીને મને મેં જીવતો રાખ્યો.

    લાચારીના કોઈ શબ્દો કહ્યા વિના એ ભાવને સચોટ રીતે વાચકના મનમાં આરોપી શક્યા એટલે એ શેર સૌથી વધુ ગમ્યો.

  7. Babulal Chavda said,

    March 26, 2026 @ 5:59 PM

    પ્રિય વિવેકભાઈ તેમજ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment