છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
વિવેક મનહર ટેલર

આવકાર સપ્તાહ: ૦૫ :’રૂહાની મહેક’ તથા ‘ગગનચુંબી ઈશારો’ – કંચન અમીન

ગઈકાલે કવિના એક સંગ્રહમાંથી આપણે એક ગઝલ માણી… આજે એમના બીજા બે સંગ્રહમાંથી પસંદગીના થોડા શેરનો આહ્લાદ લઈએ અને બંને સંગ્રહોને વધાવીએ… કબીરા રદીફ બાબતનું કવિનું વળગણ એમના સંગ્રહોમાં સ્પષ્ટ નજરે ચડે છે. કબીરનો સંદર્ભ આ ગઝલોમાં અલગથી સ્પષ્ટ ઉપસતો ન હોવાથી ‘કબીરા’ની જગ્યાએ રદીફમાં અન્ય કોઈ પણ નામ નભી શકે એમ છે એ એક વાત છે, પણ ‘કબીરા’ રદીફમાં નક્કી કંઈક ગેબી અંતર્નિહિત અસર હોવી જોઈએ, કારણ આ રદીફવાળી ગઝલો જ કવિની સારી ગઝલોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

*

કંઈ ખબર પડતી નથી કે કોણ દોરે, કોણ ભૂંસે?
શોક ને આનંદ વચ્ચે એક નાજુક ભેદરેખા.

અંધારામાં અજવાળું છે,
ભૂંસી ભૂંસી આગળ વાંચો.

ભીતર મોતી જેવી ઝળહળ,
આંસુનો ચમકાર કબીરા.

ચૂરેચૂરા થઈને પડતી,
પછડાતી જલધાર કબીરા.

આગળપાછળ, આજુબાજુ;
સાચવજો, સરહદ જેવું છે.

અંત વગરની હેરાફેરી,
ઇચ્છાઓ નિર્મૂળ કબીરા.

એક અવિચળ શ્વાસ જેવું છે અખિલ બ્રહ્માંડ આ,
નાદ ગૂંજે છે સદંતર- કોઈ ક્યાં સમજી શકે છે?

હસતાં હસતાં આંસુની ધારા આવે છે,
અજવાળાની આંખે અંધારાં આવે છે.

કશું હશે છતાં કશું નથી – નથી, ખબર નથી;
ઉચાટ મનમાં કેટલો હશે! નથી, સબર નથી.

– કંચન અમીન

શબ્દોની અંદર છે ઝળહળ,
અંગત રૂડી ભાત કબીરા.

ક્યાં ક્યાં પડઘાતો ખીણોમાં,
મૂંગો મૂંગો સાદ કબીરા.

પીંજર જેવી લાગે દુનિયા,
તો પણ છે આઝાદ કબીરા.

ચુંબક ખેંચે લોહ કબીરા,
માયા મનનો મોહ કબીરા.

– કંચન અમીન

8 Comments »

  1. jagdip nanavati said,

    March 13, 2026 @ 7:23 PM

    સરસ… કશુંક નાવીન્ય વાળું..

  2. DILIP DHOLAKIYA SHYAM said,

    March 13, 2026 @ 8:07 PM

    સ્વાગત સહ કવિ શ્રીને અભિનંદન🌹🌹🎉🎉

    દિલીપ ધોળકિયા “શ્યામ”, જૂનાગઢ

  3. Amin Kanchanbhai said,

    March 13, 2026 @ 9:11 PM

    . ગઝલ સંગ્રહ -ગગનચુંબી ઇશારો અને રૂહાની મહેકની ગઝલોના અંશ – શેર આસ્વાદ-કરાવવા બદલ હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

  4. Varij Luhar said,

    March 13, 2026 @ 9:25 PM

    વાહ.. સરસ શેર

  5. Kishor Ahya said,

    March 13, 2026 @ 10:17 PM

    ચુંબક ખેંચે લોહ કબીરા,,
    માયા મનનો મોહ કબીરા.
    કબીરા શબ્દપ્રયોગ ઘણી જગ્યાએ પધ સાહિત્યમાં જોવા મળે છે, ભલે એને સંદર્ભ સાથે સંબંધ હોય કે ન હોય! જરૂર એ મહાન સંત કબીર ઉપરનો સમાજનો હર હમેશ રહેલો પ્રેમભાવ દર્શાવે છે. કવિ શ્રી કંચન અમીન રચિત નૂતન ગઝલ સંગ્રહ ‘રૂહાની મહક’અને ‘ગગનચુંબી ઈશારો’નું સ્વાગત છે.

    🌹🌹🌹🌹

  6. અગન રાજ્યગુરુ said,

    March 13, 2026 @ 10:20 PM

    વાહ…

  7. Kanchanbhai Ami said,

    March 14, 2026 @ 11:30 AM

    લયસ્તરો — વિવેક ટેલર સાહેબનો હ્નદયપૂર્વક આભાર સ્નેહ વંદન

  8. Poonam said,

    March 16, 2026 @ 2:10 PM

    ક્યાં ક્યાં પડઘાતો ખીણોમાં,
    મૂંગો મૂંગો સાદ કબીરા… oh kabira !
    – કંચન અમીન – 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment