પાણી-વલોણું પ્રીત – પ્રિયકાન્ત મણિયાર
જૂઠા રે જીવણ તમે જાઓ છો
. લઈ જાઓ મુરલીના સૂર,
શું રે કરીએ અમે એ સૂરને,
. તમે તો દૂરનાયે દૂર!
શીદને વલોવું વ્હાલા! ગોરસી,
. શાને ગાઉં તારાં ગીત?
તુજને મળીને જાદવ જાણતી
. મારે પાણી-વલોણું પ્રીત!
ખીલડે બંધાઈ મારી ગાવડી
. ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
. તડકે સુકાતી લીલી ચાર.
જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
. એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
. રોકાજો આટલો કહેવા ભેદ!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…


Neha Purohit said,
March 25, 2026 @ 11:16 AM
ગોપીભાવે લખાયેલું સુંદર ગીત..
તમે તો દૂરનાએ દૂર!!! પાણી વલોણું પ્રીત !!!! વાહ!
Vrajlal Savaliya said,
March 25, 2026 @ 11:20 AM
ગોપીગીત જેવું કટાક્ષ યુક્ત સુંદર મધુર ગીત
Kishor Barot said,
March 25, 2026 @ 11:46 AM
સુંદર કૃષ્ણ કાવ્ય
Vrajesh Mistri said,
March 25, 2026 @ 11:59 AM
Wah… પાણી વલોવવાની વાત… સરસ..
અગન રાજ્યગુરુ said,
March 25, 2026 @ 12:01 PM
વાહ..વાહ…
Parbatkumar Nayi said,
March 25, 2026 @ 2:06 PM
વાહ
વાહ
વાહ
DILIP DHOLAKIYA said,
March 25, 2026 @ 4:40 PM
સુંદર ગોપીભાવનું ગીત..
Kishor Ahya said,
March 26, 2026 @ 6:03 PM
પાણી-વલોણું પ્રીત – .
કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારની ગોપીનો કૃષ્ણ પ્રેમ દર્શાવતી બહુ સુંદર રચના છે. પાણી વલોવવું , વાંસળીના છેદ એવા દિલમાં છેદ વગેરે શબ્દો કાવ્યને મધુરભાવ આપે છે. શું રે આવ્યા તમે શું જાઓ છો? રોકાજો આટલો કહેવા ભેદ! કોઈ થોડીવાર જ રોકાય ત્યારે આવું કહેવાતું હોય છે ,શું આવ્યા ને શું ગયા? આતો ગોપીએ કૃષ્ણ પ્રત્યે પ્રેમભાવને લીધે કહૈલી વાત છે પણ
આ ભેદ ભગવાને અર્જુનને વર્ષો પછી બતાવ્યો! ‘યદા યદા હી ધર્મસ્ય’ જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે ત્યારે હું ધર્મની રક્ષા અને પુન:સ્થાપના કરવા અવતાર ધારણ કરું છું! સરસ રચના , સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹