સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
April 3, 2021 at 1:30 AM by વિવેક · Filed under અજ્ઞાત, દુહા, વિવેક મનહર ટેલર
ગયા શનિવારે આપણે છસો વર્ષ પૂર્વે કોઈ અજ્ઞાત કવિ દ્વારા લખાયેલ અભૂતપૂર્વ અજરામર ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો પ્રાથમિક પરિચય મેળવ્યો અને કેટલાક દુહાઓનો આસ્વાદ માણ્યો. ભાગ ૦૧ આપ અહીં ફરી માણી શકશો: https://layastaro.com/?p=18466
આજે બીજા કેટલાક દુહાઓનો આસ્વાદ કરીએ…(અત્રે પ્રસ્તુત દુહાઓનો વિગતવાર આસ્વાદ અહીં માણી શકાશે: http://tahuko.com/?p=19725
(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|
ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|
ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.
(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|
કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|
કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.
(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|
સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|
સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.
(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|
રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|
રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.
(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|
કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|
હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.
(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|
ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|
હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.
(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|
એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|
એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!
Permalink
April 2, 2021 at 12:30 AM by વિવેક · Filed under આખ્યાન, પ્રેમાનન્દ
કડવું – ૦૯
(રાગ મલાર)
ગોવિન્દે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, (ટેક)
અમો સાંભળવા આતુર છઉં સમાચાર તમારા ગો. ૧
શું દુઃખે તમો દૂબળા? એવી ચિંતા કેહી ?
પૂછે પ્રીતે વળી શામળિયો, મારા બાળસનેહી! ગો. ૨
કોઈ સદગુરુ તમને મળ્યો, શું તેણે કાન ફૂંકયો ?
શું વેરાગી ત્યાગી થયા, કે સંસાર જ મૂકયો ? ગો. ૩
શરીર પ્રજાળ્યું જોગથી ? તેવી દીસે દેહી;
શે દુઃખે દૂબળા થયા, મારા બાળસનેહી ! ગો. ૪
કે શત્રુ કો માથે થયો, ઘણું દુઃખદાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નથી શાતા? ગો. ૫
ધાતુપાત્ર મળ્યું નહિ, આવ્યા તુંબડું લેઇ?
વસ્ત્ર નથી શું પહેરવા, મારા બાળસનેહી? ગો. ૬
કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મને દોષે?
કે ભાભી અમારા વઢકણાં, તે શું લોહીડું શોષ? ગો. ૭
કે શું ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી?
એટલામાં કિયું દુખ છે, મારા બાળસનેહી? ગો. ૮
પછે સુદામોજી બોલિયા, લાજી શીશ નામીઃ
‘તમને શી અજાણી વાત, મારા અંતરજામી! ગો. ૯
છે મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.’ ગે ૧૦
– પ્રેમાનંદ
પ્રેમાનંદ જેવો આખ્યાનકાર ગુજરાતમાં એના પહેલાં કે પછી કોઈ પાક્યો નથી. કથામાં કવિતા રેડીને કવિતાની કથા એ જે રીતે માણ વગાડતા વગાડતા કરતો હતો એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અમર ઘટના છે. પ્રેમાનંદના વિખ્યાત ‘સુદામાચરિત્ર’માં કુલ ચૌદ કડવાં છે, જેમાંથી નવમું કડવું અત્રે પ્રસ્તુત છે. સુદામા વર્ષો બાદ પત્નીના કહેવાથી તાંદુલની પોટલી કેડે બાંધીને શ્રીકૃષ્ણને મળવા આવ્યા છે. અને એમને જોતાંની સાથે કૃષ્ણ એના સૂકાઈ ગયેલા દેહ વિશે જે લાગણીથી પૃચ્છા કરે છે, એ મિત્રતાના ઇતિહાસનું સોનેરી પાનું કહી શકાય એમ છે. સુદામા કયા દુઃખે આટલા દૂબળા થઈ ગયા છે એ વિશે એક પછી એક જે અટકળો કૃષ્ણ બાંધે છે, એ જ આ કડવાનો પ્રાણ છે. કૃષ્ણની ઉલટતપાસનો કાવ્યાંતે સુદામા જે જવાબ આપે છે એનાથી ઉત્તમ બીજો કોઈ જવાબ હોઈ શકે ખરો?
Permalink
April 1, 2021 at 6:44 AM by વિવેક · Filed under ગીત, પ્રહલાદ પારેખ
એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી
અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ,
એવું રે તપી ધરતી, એવું રે તપી.
વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે:
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી!
એવું રે તપી ધરતી, એવું રે તપી.
કહોને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.
કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાંયે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.
આવોને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી!
એવું રે તપી ધરતી, એવું રે તપી
– પ્રહલાદ પારેખ
ઉનળો શરૂ થઈ ચૂક્યો છે. સવાર અને સાંજના થોડા સમયને બાદ કરતાં મે મહિનાની યાદ અપાવી દે એવી ગરમી અને ઉકળાટ અત્યારમાં વર્તાઈ રહ્યો છે. લોકગીતની ચાલમાં કવિ ઉનાળામાં તપી જતી ધરતીના નાનાવિધ આયામો રજૂ કરે છે. ગરમીનો પ્રકોપ અને દૂર દૂર સુધી નજરે ન ચડતી મેહુલિયાના આગમનની એંધાણીને અડખેપડખે મૂકીને કવિ કમસેકમ હૈયાને શીતળતા બક્ષે એવી મજાની રચના આપે છે. જો કે આ રચના વાંચવાની સખ્ત મનાઈ છે… એને તો ફરજિયાત ગણગણવી જ રહી…
Permalink
March 27, 2021 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો,
તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો.
કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ,
સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો.
હજી થોડો સમય એની નજર છે આ તરફ,
હજી થોડા સમય માટે સરસ વર્તન કરો.
હવે મરવું જ છે તો આંખ બે મીંચો અને
જગતના આખરી અંધારના દર્શન કરો.
હયાતી અન્યની તો ક્યાં તમે માનો જ છો?
તમે બસ આયના સામે ભજન કિર્તન કરો.
– ભાવિન ગોપાણી
સશક્ત ગઝલ. બધા જ શેર સ-રસ થયા છે. ઈશ્વરની હયાતી સૃષ્ટિનો સનાતન પ્રશ્ન છે. ઈશ્વર એટલે મૂળભૂતપણે આપણી માન્યતા અને માન્યતા માટેની શ્રદ્ધાનું પ્રતીક. દરેકની આસ્થા અલગ. માટે જ બધાનો ઈશ્વર પણ અલગ. ઈશ્વર હોય કે કોઈ વ્યક્તિ – એને માથે ચડાવવું કે હડસેલવું એ અંતે તો આપણી મરજી પર જ આધારિત છે, કેમકે આ આદર-અનાદર બધું જ અંતે તો આપણી જ સરજત છે.
Permalink
March 26, 2021 at 2:11 AM by વિવેક · Filed under અછાંદસ, ઉષા ઉપાધ્યાય
જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?
– ઉષા ઉપાધ્યાય
નાની અમથી કવિતા પણ નારીવેદનાનો વેદ જાણે!
યુગયુગોથી રુઢ થઈ ગયેલી લાઇલાજ સ્ત્રી-પુરુષ અસમાનતાનો સ્વીકાર તો છે પણ એમાં નફરત કે ગુસ્સો જરાય જોવા મળતા નથી. જમાનાએ સ્ત્રીઓને છિન્નપંખ કરીને રાખી છે. પણ પુરુષોએ એમની પાંખો ભલે કાપી કેમ ન લીધી હોય, એના મૂળમાં બચી ગયેલ એકાદ પીંછાના આધારે સ્ત્રી અનંત અંધકારભર્યા અન્યાયના મહાસાગરને વીંધીને પાર કરવાની આશા ત્યાગતી નથી. આ આશા એ જ સ્ત્રી છે. સર્વસ્વની અનુપસ્થિતિમાં પણ અસ્તિત્ત્વ ટકાવી રાખી શકે અને અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…
Permalink
March 25, 2021 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આપણે છત્રી નહીં, માણસ હતા,
એટલે પલળ્યા નહીં, ભીના થયા.
સપ્તરંગી આભના અશ્રુ ઝર્યાં,
એ જ દ્રાવણ મોરનાં પીંછા થયાં.
શ્વાસ તો દોડી ગયા ધસમસ પછી,
બંધ જોયાં દ્વાર તો ધીમા થયા.
જ્યાં ફક્ત રાધાનો ડૂમો ઓગળે ?
વાંસળીના સૂર પણ તીણા થયા.
મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
એ જ સગપણ આખરે પીડા થયાં.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આખી ગઝલ સ-રસ છે પણ હું મત્લા પર જ અટકી ગયો છું. પલળવું અને ભીના થવાનો તફાવત કવયિત્રીએ છત્રી અને માણસના રૂપક પ્રયોજી જે બખૂબીથી સમજાવ્યો છે, એ સાચે જ કાબિલે-દાદ છે.
Permalink
March 23, 2021 at 4:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.
પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?
મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે; [ મહાર્ણવ = મહાસાગર ]
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.
મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું. [ અજસ્ર = સતત ]
મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.
– ભગવતીકુમાર શર્મા
આખી ગઝલ ‘મને’ અને ‘હું’ -કેન્દ્રી છે. અસલમાં કવિ ‘હું’ ને શું જોવા ઈચ્છે છે તેની કથની છે. એમ કહી શકાય કે “મારી કલ્પનાનું ‘હું’ ” વિષય ઉપરના કવિના વિચારોની માળા છે…..ક્યાંક કવિને સ્પષ્ટતા નથી અને પ્રશ્ન છે, ક્યાંક સ્પષ્ટતા છે, ક્યાંક આકાંક્ષા છે…..
Permalink
March 20, 2021 at 1:49 AM by વિવેક · Filed under અજ્ઞાત, દુહા, વિવેક મનહર ટેલર
મધ્યકાલીન ગુજરાતમાં કાવ્યપ્રકાર ‘ફાગુ’ ખૂબ પ્રચલિત હતો. અને આ તમામ ફાગુકાવ્યોમાં ‘વસંતવિલાસ’ મોખરાનું સ્થાન ધરાવે છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી.
સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.
વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો: http://tahuko.com/?p=19679
થોડા દુહા જોઈએ:
(૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|
સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|
સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.
(૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|
ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|
વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.
(૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|
ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|
માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.
(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|
મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|
(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.
(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|
સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|
સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.
Permalink
March 19, 2021 at 1:49 AM by વિવેક · Filed under અછાંદસ, હર્ષદ દવે
પાંદડાં ખેરવવાનું શરૂ કરી દીધું છે વૃક્ષોએ
ગઈકાલે જ પોસ્ટમેન
બે ચાર પત્રો ફેંકી ગયો હતો આંગણામાં એમ જ.
ઋતુઓ સમયની સાથે ચાલે છે
અને પાંદડાઓ ઋતુની પાછળ.
આ પત્રો પણ પાંદડાંની સાથે
લાલ- લીલા -પીળા રંગો ધારણ કરે છે
રંગબેરંગી અક્ષરો ઝાંખા થઈને
ધૂંધળા થતા જાય છે.
શબ્દો ઓગળી જાય છે વહેતા પવનની સાથે.
પવન પણ ક્યાં રહ્યો છે હવે કરકરો !
પાંદડાંની નસેનસને બાઝેલી લીલપ
અક્ષરોની માફક જ ખરતી જાય છે.
હે મિત્ર,
પીળચટું મેદાન બની ગયો છે
આ સ્મરણપટ.
– હર્ષદ દવે
લયસ્તરો પર કવિ શ્રી હર્ષદ દવે અને એમના કાવ્યસંગ્રહ ‘પરિભ્રમણ’ -બંનેનું સહૃદય સ્વાગત છે!
સ્મરણપટ શીર્ષક પરથી સમજાય છે, કે જેને યાદ કરવામાં આવી રહ્યું છે, એ પ્રિયજન હવે સાથે નથી. જીવનમાંથી સંગાથના પાંદડાંઓ સૂકાઈને ખરી જવાની ઘટનાના તાણાવાણા કવિએ પાનખર ઋતુ સાથે આબાદ વણી લીધા છે. ઝાડ પરથી પાંદડાં ખરે એવી જ રીતે ટપાલી થોડા પત્રો ઘરના આંગણામાં એમ જ ફેંકી ગયો હતો. આ પત્રોના પરબીડિયાંના રંગો પાનખરમાં પાંદડાંઓના બદલાતા રંગો સાથે તાલમેલ પૂરાવે છે. પત્રો કોના છે એ કવિ ફોડ પાડીને કહેતા નથી પણ જેનાં સ્મરણ માનસપટ પર આવી રહ્યાં છે, એના જ હોવા જોઈએ કેમકે આખી કવિતામાં પ્રકૃતિ અને પત્ર સમાંતરે જ વહે છે. કાવ્યાંતે જેના માટે સ્મરણપટ પીળું મેદાન બની ગયો છે એ પ્રિયજન મિત્ર હોવાનો કવિ ફોડ પાડે છે. સરવાળે આસ્વાદ્ય અનુભૂતિ કરાવતી રચના.
Permalink
March 18, 2021 at 12:50 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !
હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !
મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.
રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.
કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.
તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !
– હર્ષ બ્રહ્મભટ્ટ
કેવી મજાની ગઝલ! દરેકે દરેક શેર ધ્યાન માંગી લે એવા થયા છે…
Permalink
March 13, 2021 at 1:31 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતાં,
છે કારણ એ જ કે સઘળાં મકાનો ઘર નથી હોતાં.
અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું,
અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા.
સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ,
ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા.
કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના!
ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ
ચાર શેરથી કામ ચાલી જતું હોય તો ભાવકના માથે પાંચમો ન ફટકારે એવી જવાબદારીથી ગઝલસાધના કરતા કવિની કલમનું એક ઓર નજરાણું આજે માણીએ. કવિએ જે કાફિયા-રદીફ વાપર્યા છે, એ પાયા ઉપર તો કંઈ કેટલીય ગગનચુંબી ઈમારતો ખડી થઈ શકે એમ છે; પણ કવિ સંયમપૂર્વક ચાર મજબૂત શેર આપીને અટકી ગયા છે. ચારેય શેર વાંચતા જાવ એમ વધુ વહાલા લાગતા જાય એવા થયા છે.
Permalink
March 12, 2021 at 2:10 AM by વિવેક · Filed under ગીત, હરીશ મીનાશ્રુ

પલટણ અગણ્યાએંશી જોધ્ધાની,
. એનાં હથિયાર કિયાં?- તકલી ને ત્રાકડી
ડગલું ભર્યું કે હવે ના હઠવું ના હઠવું
સાચનું છે વેણ હવે ના લટવું ના લટવું
. વેઠની ઉપાડી પેલી ગાંસડી
બેય નર્યા સાંઠીકડાં: સાઠી વટાવેલી કાઠી ને બીજી એની લાઠી
હાડકાંના માળામાં ઘઉંવર્ણા રામજીએ વાળી છે વજ્જર પલાંઠી
માથા પર ટેકવ્યું છે ફાટેલું આભ
. નથી પહેરી કૈં રજવાડી પાઘડી
જોજનવા કાપવાને ધૂળિયે મારગ ઊડે
. જૂતિયાં કહું કે પવનપાવડી
વાયકા છેઃ અમરતની ટોયલીને કાજ મથી નાખ્યો’તો એકવાર દરિયો
આજ ફરી નાથવાને એને ત્યાં ઊભો છે સુકલકડી પ્હેલ્લો અગરિયો
ચપટી મીઠાને હારુ દુનિયાના
. બાદછાની હારે એણે બાંધી છે બાખડી
કેડે બાંધેલી ઘડિયાળ કને
. બીગબેન બજવે તે ઘંટડીઓ રાંકડી
અંધારાં અજવાળાં ઓગળેલું મેલું પરોઢ ઊગ્યું મીઠાના રંગનું
કૂકડાએ બુંગિયો ફૂંકીને જાણે એલાન કીધું સતિયાના જંગનું
આખા મલકનાં ઝાડવાંએ ખેરવી જો
. આંસુ ભીંજલી ફૂલપાંખડી
નીચે નમીને પછી ડોસાએ ઉપાડી
. આવડીક મીઠાની ગાંગડી
– હરીશ મીનાશ્રુ
૯૧ વર્ષ પહેલાં, આજના દિવસે, એટલે કે ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે એક પોતડીધારી ફકીર કેડે ઘડિયાળ અને હાથમાં લાકડી લઈને ઓગણાએંસી સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું’ની ભીષ્મપ્રતિજ્ઞા લઈ નીકળી પડ્યો હતો. પગપાળા ચાલીને છઠ્ઠી એપ્રિલે જ્યારે એ દાંડી પહોંચ્યો ત્યારે એકતરફ દાંડીનો દરિયો ફેલાઈ પડ્યો હતો અને બીજી તરફ હજારો ભારતવાસીઓનો મહેરામણ ઘુઘવાટા મારતો પથરાયો હતો. કવિશ્રી હરીશ મીનાશ્રુ એમની લાક્ષણિક શૈલીમાં મજાનું ગીત લઈ આવ્યા છે.
હથિયારમાં જેમની પાસે એકમાત્ર ચરખો જ છે એવા ઓગણાએંસી યોધ્ધાઓની પલટણ જાણે કવિ નર્મદના ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું’ના આહલેક સાથે ફતેહ કરવા નીકળી પડી છે. ગાંધી અને એમની લાકડી બંને એકસમાન સૂકલકડાં છે. પણ હાડકાના આ માળામાં સાક્ષાત્ રામચંદ્ર જાણે વજ્ર જેવી નક્કર પલાંઠી મારીને બેઠા છે. સાંઠી(કડાં)-સાઠી- કાઠી- લાઠી-(પ)લાંઠીની મજાની અંતર્પ્રાસ-આંતર્પ્રાસની રમત ગીત સંગીતમાં ઉમેરો કરે છે. માર્ચ-એપ્રિલના ધખતા ઉનાળામાં માથે રજવાડી પાઘડીના સ્થાને જાણે કે ફાટેલું આભ પહેર્યું છે. આભ ફાટી પડવું એ રુઢિપ્રયોગ આ ક્ષણે જો મનમાં ઝબકે તો અંગ્રેજ સામ્રાજ્યના માથે આવી પડનારી આફત તરફનો ઈશારો અહીં નજરે ચડશે. દાંડીકૂચની ઘટનાને કવિ સમુદ્રમંથન સાથે સાંકળીને એનો અનન્ય મહિમાગાન કરે છે. કહે છે, એક વેળા જેમ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, બરાબર એ જ રીતે આઝાદીનું અમૃત મેળવવા માટે દાંડીના દરિયાને અને અંગ્રેજી હકૂમતને નાથવા પહેલો અગરિયો મીઠું પકવવા આવી ચડ્યો છે. ચપટી મીઠા માટે આ સૂકલકડી અગરિયો દુનિયાના બાદશાહ સાથે બાખડી પડ્યો છે અને એની કેડે બાંધેલી ઘડિયાળ (જેમાં ઘંટારવ થવો શક્યો નથી) બીગબેનના ટકોરાઓને પણ રાંક ઠરાવે એ ઠસ્સાથી સોહી રહી છે. સત્યના જંગનું એલાન થઈ ચૂક્યું છે. ડોસાએ નીચે નમીને મીઠાની ગાંગડી ઉપાડી એ ઐતિહાસિક ઘટનાનો દેશ આખો ભીની આંખે સાક્ષી બન્યો છે.
Permalink
March 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, નરસિંહરાવ દિવેટિયા, પર્સી બિશ શેલી
સધ્યા સલૂણી થઈ લુપ્ત સુષુપ્ત થાયે
નૈને રમે તદપિ રંગ રૂડા બધા એ,
આનન્દ દેતું મૃદુ ગાન વિરામ પામે,
તોયે ભમી શ્રવણમાં ધ્વનિ રમ્ય જામે;
ખીલી હસે કુસુમ ને કરમાય જયારે
તોયે સુગન્ધ મનમાં કરી વાસ મ્હાલે;
હા ! તેમ આજ તુજ દર્શન લુપ્ત થાયે,
તારા ગુણો સ્મરણમાં રમશે સદાયે.
– નરસિંહરાવ દિવેટીયા
વસંતતિલકા છંદની આઠેય પંક્તિઓમાં ‘એ’કારાંત પ્રાસ ઉપરાંત ત્રીજી-ચોથી અને સાતમી-આઠમી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો હોવાથી કાવ્યસંગીત વધુ કર્ણમધુર બને છે. પ્રિયજનની વિદાયની વાત છે. પણ શરૂઆત પ્રકૃતિના ઘટકતત્ત્વોથી થાય છે. સલૂણી સાંજ લુપ્ત થઈ જાય પણ એના રંગો આંખ સમક્ષ ક્યાંય સુધી રમતા રહે છે. આનંદ આપતું મીઠું ગીત પૂરું થઈ જાય એ પછી પણ એનો ધ્વનિ મનોમસ્તિષ્કમાં ભમતો રહે છે. મજાનું ફૂલ કરમાઈ ગયા બાદ પણ એની ખુશબૂ ક્યાંય સુધી સ્મૃતિમાં ઘર કરી રહે છે. એ જ રીતે પ્રિયપાત્રની વિદાય બાદ પણ એના ગુણો કથકના સ્મરણોમાં હરહંમેશ રમતા રહેવાના છે… કેવું મજાનું ગીત!
પણ હવે આ ગીતની સાથે શેલીનું આ કાવ્ય સરખાવીએ તો તરત જ ખ્યાલ આવશે કે આ તો સીધેસીધો ભાવાનુવાદ જ છે. નરસિંહરાવે આ કવિતા મૌલિક છે કે અનુવાદ એ અંગે ક્યાંય ફોડ પાડ્યો હોય તો મને એની જાણકારી નથી. કોઈ મિત્ર આ બાબત પર પ્રકાશ પાડશે તો ગમશે. જો કે શ્રી રામનારાયણ વિ. પાઠકે આ બંને રચનાઓ એકસાથે ટાંકીને લખ્યું છે કે, ‘શ્રી નરસિંહરાવ ઉપર અંગ્રેજીની પુષ્કળ અસર છે.’ પાઠકસાહેબ પ્રખર જ્ઞાની અને અભ્યાસુ હતા. તેઓ એકપણ શબ્દ નક્કર પુરાવા વિના કદી રજૂ કરતા નહોતા, એટલે એમની ટિપ્પણી પરથી એમ તારણ કાઢી શકાય કે કવિએ પ્રસ્તુત રચના અનુવાદ છે કે કેમ એ વિશે કવિએ ખુલાસો આપ્યો જ નહીં હોય.
Music, when soft voices die,
Vibrates in the memory—
Odours, when sweet violets sicken,
Live within the sense they quicken.
Rose leaves, when the rose is dead,
Are heaped for the belovèd’s bed;
And so thy thoughts, when thou art gone,
Love itself shall slumber on.
– Percy Bysshe Shelley
Permalink
March 9, 2021 at 2:23 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ફાટેલું આકાશ પ્રથમથી માથા ઉપર આવ્યું છે,
જનમકુંડળી વચ્ચે કો’કે આખા રણને વાવ્યું છે.
તૂટેલો ભૂતકાળ હજુ પા ભાગ ઉપર લટકેલો છે,
સુખનો રસ્તો સાવ જ ટૂંકો આગળથી બટકેલો છે.
ચપટી ચપટી રાતો ભીની આંખોમાં ભભરાવે છે.
ઉજાગરાથી લાલ થયેલા સપનાઓ ધમકાવે છે.
બટકું બટકું ઇચ્છા માટે મોંઘા શ્વાસો વેચે છે,
લખચોરાસી મણનો ભારો જનમજનમથી ખેંચે છે.
લચી પડેલો બાગ છતાંય ફૂલો કેમે મ્હેકે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?
બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.
બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.
સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,
બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?
– મુકેશ જોષી
અંગત અભિપ્રાયે ઈશ્વર માનવીય કલ્પનાથી વિશેષ કંઈ નથી.
Permalink
March 8, 2021 at 6:50 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
નેતરનાં વન જેવા પાંખા પરોઢિયામાં
વીખરાતી રાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ
પાંખોની જેમ મારી નીંદરા ફફડે ને
ખરે પીછાં અજવાળામાં ભૂખરાં
ઝાલું ન ઝાલું ત્યાં વહી જાતા આંખમાંથી
સપને મઢેલ ઓલ્યા ડુંગરા
છેલ્લું મહેકીને ખરે રાતરાણી ફૂલ
ખર્યા ફૂલની બિછાત જોઈ રહીએ
અમે વીખરાતી રાત જોઈ રહીએ
તોરણનાં આભલામાં તડકો પડે
મારી એકલતા ઝગમગવા લાગતી
ખાલી હથેળિયુંમાં મોતી ઝીલ્યાની યાદ
બાવળની શૂળ બની વાગતી
ઝંખનાને તીર અમે સરવરનાં દર્પણમાં
ડહોળાતી જાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ
– મનોજ ખંડેરિયા
‘મેરા નામ જોકર’નું ગીત યાદ આવી જાય –
” મુઝકો રુલા રુલા દિયા જાતી હુઈ બહાર ને……”
Permalink
March 6, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
મને અહીંયા તે રોપી શું કામ?
રોપી તો રોપી પણ આપ્યા કાં કંકુ ને ચોખાથી ચમચમતા ડામ?
વ્હાલપનું જગ મને દેખાડી વિસ્તરવા આપ્યું’તું કેવળ એક કૂંડું,
નિયમોથી બાંધેલી માટીમાં મૂળ મારું જાય પછી કેમ કરી ઊંડું,
અડાબીડ ઊગેલાં અલ્લડપણાંને હવે આપું હું બીજું શું નામ?
મને અહીંયા તે રોપી શું કામ?
શ્રીફળ પર મૂકીને આપી’તી ખોબામાં સાચવવા કાયમની ઝાળ,
ઝાંઝર બે પ્હેરાવી પગલાંમાં હળવેથી બાંધેલી મરજાદી પાળ,
પાંખોને વીંધીને કીધું કે ઊડ હવે, આભલે છે તારો મુકામ.
મને અહીંયા તે રોપી શું કામ?
– જયંત ડાંગોદરા
લયસ્તરો પર કવિ શ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ ‘છબી અવાજની’નું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાનું ગીત અત્રે પ્રસ્તુત છે.
કન્યા તરફથી પોતાના માવતરને કરાતા ધારદાર સવાલોનું આ વેદનાસિક્ત ગીત આપણી સંવેદનાને હચમચાવી દે એવું છે. મુક્ત ઉડ્ડયનના અધિકાર ધરાવતી કન્યાને મા-બાપે કૂંડામાં રોપી શા માટે દીધીનો સવાલ થાય છે. જમીનમાં પગ ખોડી દીધા એ પૂરતું ન હોય, એમ આપણે સ્ત્રીને પૂજનીયનો દરજ્જો આપી જાણે કે ચમચમતા ડામ દીધા છે. વાતો તો વહાલની દુનિયામાં વિસ્તરવાની કરી, પણ રોપી દીધી એક કૂંડામાં. અને કૂંડાની માટી તો ચોતરફથી નિયમોથી સીમિત. મૂળ જેટલું જમીનમાં ઊંડે જઈ શકે એટલું કૂંડામાં કદી જઈ શકે ખરું? કૂંડાની માટીનું આવું અદભુત કલ્પન આ પૂર્વે ભાગ્યે જ આપણે જોયું હશે. કન્યાના ખોબામાં વિદાય વખતે આપેલું શ્રીફળ જાણે આજીવન વેઠવાની અગનઝાળ છે અને પગમાં પહેરાવેલા ઝાંઝર મર્યાદાઓની ઊભી કરેલી બેડી જેવાં છે જાણે. પાંખો કાતરી લીધા પછી આપણે સ્ત્રીનેઊડાન ભરવાની આઝાદી આપીએ ત્યારે એના મનમાં સામા આવા જ સવાલો ઊભા થતા હશે ને? પુરુષ કવિની કલમ કેવી બખૂબી ઝીણાં સ્ત્રીસંવેદનોને આલેખી શકી છે!
Permalink
March 5, 2021 at 12:30 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ

(કવિના મિત્રના હસ્તાક્ષરમાં કવિની ગઝલ)
*
એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.
સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.
એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા
હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.
આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં
ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?
આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.
ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.
– ‘અગન’ રાજ્યગુરુ
‘લયસ્તરો’ પર કવિમિત્ર શ્રી ‘અગન’ રાજ્યગુરુ (યજ્ઞેશ દવે) અને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘તારી યાદમાં’ –બંનેનું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક મજાની ગઝલ માણીએ. તમામ શેર શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવે છે, પણ હું ચોથા શેર પર અટકી ગયો છું. કેવી સરસ વાત કવિએ કહી છે! કથક અનવરત મુસાફરી કરી રહ્યો છે. મંઝિલ આવશે કે આવી ગઈ એની કોઈ પણ તમા રાખ્યા વિના કથક એ રીતે ચાલ-ચાલ કરી રહ્યો છે, જાણે કે પગ રસ્તામાં અટકી ન ગયા હોય! પગ રસ્તો છોડતા જ નથી. ચાલવું મૂકતાં જ નથી. ગતિભાવ અધોરેખિત કરવા માટે કવિએ સ્થિતિભાવ દર્શાવતું ક્રિયાપદ કેવું બખૂબી પ્રયોજ્યું છે!
આ સાથે જ ‘તરડાયા’ના સ્થાને ‘તરડયા’ ક્રિયાપદ વાપરવું ટાળી શકાયું હોત તો સોનામાં સુગંધ ભળત. કવિને સ્નેહકામનાઓ…
Permalink
March 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.
એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.
બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત,સાચી મજા ત્યારે જ આવે.
એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.
આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.
– રીનલ પટેલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. કૃષ્ણને મળવા દુર્યોધન વહેલો આવ્યો હતો પણ ઓશિકા પાસેના આસન પર બેઠો. અર્જુન મોડો આવ્યો પણ પગ પાસે ઊભો રહ્યો. કૃષ્ણની આંખ ખુલતાં એને સૌપ્રથમ અર્જુન નજરે ચડ્યો. પણ આંખ ખૂલે અને ગમતી વ્યક્તિ સામે ઊભી હોય એવી ક્ષણો તો જીવનમાં ભાગ્યે જ આવે ને! આવું સદભાગ્ય બધાનું થોડું હોય? અને કાયમનું થોડું હોય? ક્યાંક કશેક અટકી ગયા હોઈએ, વધુ પડતા વ્યસ્ત હોઈએ ત્યારે બની શકે કે પ્રિયજનની યાદ ન આવે, પણ મન જેવું નવરું પડ્યું નથી કે મોબાઇલ આઉટ-ઑફ-રેન્જમાંથી રેન્જમાં આવતાં જ જે રીતે અટકી પડેલા મેસેજિસ એક પછી એક સટાસટ આવવા માંદે એ જ રીતે યાદો પણ ધસમસી આવે. મોબાઇલ-સિગ્નલ અને મેસેજ હવા-પાણી-ખોરાક પછીની ચોથી આવશ્યકતા બની ગયા હોય ત્યારે કવિતા એનો પડઘો ન ઝીલવામાંથી કેમ બાકાત રહી જાય? કવિતા તો સાંપ્રત સમય અને સમાજનો અરીસો છે. ત્રીજો-ચોથો શેર ગઝલના શિરમોર શેર છે. બંને અદભુત થયા છે. કવિતા કઈ વસ્તુને ક્યાં અને કેવી રીતે સાંકળી લે એ આપણી સહજ સમજણની બહાર છે. કદાચ એટલે જ કવિતા બધાનો ‘કપ-ઑફ-ટી’ ન હોવા છતાંય સ્પર્શી જાય છે. ભાણેજ અને વિપત્તિઓને આમ તો સ્નાનસૂતકનોય સંબંધ નથી, પણ કવિતા એ બેને જે અધિકારપૂર્વક સાંકળી લે છે એ જોવા જેવું છે…
કવયિત્રીનું લયસ્તરો પર સહૃદય સ્વાગત!
Permalink
March 3, 2021 at 2:39 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મુક્ત પદ્ય, હરીન્દ્ર દવે
શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.
વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજર જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !
પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !
મારું આખું ગગન એક એ પાંદડું.
– હરીન્દ્ર દવે
આપણી સીમા/મર્યાદા આપણે જ નક્કી કરીએ છીએ, અન્યનો કોઈ કસૂર હોતો નથી.
ઓ દેનેવાલે તુંને તો કોઈ કમી ન કી
અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દરકી બાત હૈ
Permalink
March 1, 2021 at 12:44 AM by તીર્થેશ · Filed under અહમદ ફરાઝ, ગઝલ
इस से पहले कि बे-वफ़ा हो जाएँ
क्यूँ न ऐ दोस्त हम जुदा हो जाएँ
तू भी हीरे से बन गया पत्थर
हम भी कल जाने क्या से क्या हो जाएँ
तू कि यकता था बे-शुमार हुआ
हम भी टूटें तो जा-ब-जा हो जाएँ
તું અદ્વિતીયમાંથી સામાન્ય થઈ ગયો, હું પણ તૂટીશ તો ઠેરઠેર ફેલાઈ જઈશ
हम भी मजबूरियों का उज़्र करें
फिर कहीं और मुब्तला हो जाएँ
હું કોઈ મજબૂરીનું બહાનું કાઢું, ક્યાંક ફરીથી બીજે કશેક વધુ ફસાઈ ન પડું
हम अगर मंज़िलें न बन पाए
मंज़िलों तक का रास्ता हो जाएँ
देर से सोच में हैं परवाने
राख हो जाएँ या हवा हो जाएँ
इश्क़ भी खेल है नसीबों का
ख़ाक हो जाएँ कीमिया हो जाएँ
પ્રેમ પણ નસીબનો ખેલ છે, ખાખ પણ થઈ જવાય, પારસમણિ પણ થઈ જવાય…
अब के गर तू मिले तो हम तुझ से
ऐसे लिपटें तिरी क़बा हो जाएँ [ क़बा = વસ્ત્ર ]
बंदगी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाएँ
– અહમદ ફરાઝ
મક્તો મશહૂર છે, આખી ગઝલ સૉલિડ છે. એકસૂત્રી ગઝલ નથી, પણ પ્રત્યેક ભાવ મજબૂતીથી અભિવ્યક્ત થયો છે.
પહેલા ચાર શેર ક્રૂર અનુભૂતિજન્ય નારાજગીનું બયાન છે અને પછી બધા શેર છૂટક અર્થ ધરાવે છે. એક ઘેરી લાગણી જન્માવતી આ ગઝલ વચ્ચે ભાવ બદલે છે અને મકતાએ ફરી મૂળ ભાવ પકડે છે તે થોડું કઠે છે પણ એને બાદ કરતા તમામ શેર કાબિલેતારીફ છે….
Permalink
February 27, 2021 at 1:06 AM by વિવેક · Filed under ગીત, ગુણવંત પંડ્યા
ઉરનું આ તે કેવું પંખી –
વર્ષામાં રીબાય તૃષાથી, ઝાકળને રહે ઝંખી:
. ઉરનું આ તે કેવું પંખી!
આગ જલે ભીતરમાં એની, બહાર સદા યે હસતું;
મૃગજળને માની જળબિન્દુ નિત વેરાને ધસતું;
અણદીઠાંની આંખ મહીં પણ નેહ રહે એ ઝંખી:
. ઉરનું આ તે કેવું પંખી!
વસંતના વૈભવમાં એનું બળતું અંતર ઝાળે,
પાનખરે એ થઈને કોકિલ ગૂંજે ગીત સહકારે,
પ્રીતો એની કંટક સાથે, કુસુમો રહેતાં ડંખીઃ
. ઉરનું આ તે કેવું પંખી!
ચિરપરિચિત છોડી મારગ, અણદીઠા પથ ધાતું;
અંધારે અટવાતું, ઠોકર ખાતું, ખાઈ મલકાતું;
મારગ ક્યાંના? જાવું ક્યાં? શીદ? જાણે નહિ પણ પંથી!
. ઉરનું આ તે કેવું પંખી!
– ગુણવંત પંડ્યા
માનવહૈયાના વિરોધાભાસી વલણને કવિએ કુશળ મનોચિકિત્સકની અદાથી ગીતના પ્રવાહી લયમાં ગૂંથી લીધું છે. માણસ પાસે હોય એની કિંમત કરતો નથી અને ન હોય એની આરતમાં ઝૂર્યે રાખે છે. વરસાદ પડે ત્યારે ઝાકળની ઝંખનામાં તૃષાતુર રહે છે. ભીતર આગ હોય ત્યારે બહાર સ્મિત દેખાડે અને મૃગજળની પાછળ દોટ મૂક્યે રાખે છે. પાસે હોય એનો સ્નેહ પામવાના બદલે અણદીઠાંની આંખમાં એ સ્નેહ ઝંખે છે. વસંતનો વૈભવ માણવાના બદલે હૈયાનું આ પંખી બળતું રહે છે અને પાનખરમાં આંબાડાળે ગીત ગાવા કરે છે. પણ આવા વિપરિત વલણ ધરાવતા હૈયાની એક ખાસિયત પણ છે અને તે એ કે ન જોયેલા માર્ગે એ ચાલે છે, અંધારામાં અટવાય છે, ઠોકરો ખાય છે પણ હસવું મૂકતું નથી. માર્ગ, દિશા કશું ખબર ન હોવા છતાં હૈયાપંખી એની મુસાફરી કરવી ચાલુ રાખે છે… માટે જ કવિ ઉરના પંખીના ગીત ગાતા થાકતા નથી.
Permalink
February 26, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
વસુધા પરગટ વેદ પાથર્યો;
. શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો,
. શીદ ચડ્યો છે ગોથે?
ઢોળી જો આ જાત પવનમાં,
ડિલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
. અને કંઈ ફૂલડાં દોથે દોથે…!
કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચીતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
. ડુંગર તરણા ઓથે!
આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
. જડિયાં વળગ્યાં જૂને ભોથે!
– દલપત પઢિયાર
(ભોથું: માટીને બાઝેલું ઘાસનું જડિયું)
કવિને મન તો ધરતી એ જ વેદ! પ્રકૃતિને વાંચવાની મૂકીને પોથાં શીદ વાંચવા? શબ્દ કુદરતમાં રહેલા રહસ્યો અનુભૂતિના ચશ્માંથી ઊઘડે છે, શબ્દો તો આછરેલા ભેદનો નશો ઉતારી નાંખવાની રમત છે, એના ગોથે શા માટે ચડવું? પવન-ધરતી-વાદળ અને વૃક્ષોમાં જાતને એકાકાર કરીએ તો ભીતર પમરાટ થાય. પ્રકૃતિને પામવી હોય તો એનો સાક્ષાત્કાર કરવો પડે. લાકડામાં અગ્નિ છે પણ એ સળગે નહીં તો દેવતા ક્યાંથી પાડી શકે? ભીંતચિત્રમાંની બિલાડી ઉંદર ભગાડી શકતી નથી. યુક્તિ બરાબર હશે તો જ્યોત પ્રગટશે, અજવાળું થશે, અન્યથા તરણા ઓથે ડુંગર પડ્યો હોય એમ કોડિયું દીવા આડે પડ્યું રહેશે. પ્રકૃતિમાં ક્યાંય સીમા અને બંધનો નથી. પ્રકૃતિ એટલે જ ખુલ્લાપણું, મોકળાશ. આ અનહદ સાથે તાદાત્મ્ય સાધતા જે વાડ આપણને રોકી રહી છે એને ઉખાડી ફેંકવાની છે, તો જ સદીઓથી જૂના ભોથે વળગી રહેલ જડિયાંઓથી મુક્તિ મળશે. સરવાળે, આપણી પ્રકૃતિ પ્રકૃતિને વાંચતી થાય તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.
Permalink
February 25, 2021 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી
હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી
નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!
એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!
પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી
કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી
– અંજના ભાવસાર ‘અંજુ’
આવી ગઝલ હાથ ચડે ત્યારે થાય કે હા, ગુજરાતી કવિતાનું ભવિષ્ય ઉજ્જવળ છે. લગભગ બધા જ શેર સંતર્પક થયા છે. મત્લામાં ખુદ્દારીનો કેવો સ-રસ અંદાજ વ્યક્ત થયો છે! વિરહ ગમે એટલી તકલીફ કેમ ન આપે, હૃદય ભીખ તો નહીં જ માંગે. પિયુમિલનની ઝંખના કોને ન હોય! પણ કોઈક કારણોસર બે જણે એકમેકથી દૂર રહેવાની ફરજ પડતી હોય તો તેનો ઉપાય કવયિત્રી પાસે છે જ. સ્વપ્નપ્રદેશમાં ન શરમ, ન વિવેક – કશુંય પહેરી રાખવાની આવશ્યક્તા નથી. ‘ટેરવું સહેજ પણ ટળવળતું નથી’નું કલ્પન ગઝલને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, તો આખરી શેર સ્ત્રીસહજ સંવેદનની પરાકાષ્ઠાનો શેર છે, કદાચ આંસુ વિશે લખાયેલા ઉત્તમ શેરોમાં સમાવી શકાય એવો…
Permalink
February 24, 2021 at 3:11 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ગામ-ભાગોળના ઝાંખા દીવાના અણસાર વર્તાય છે;
આંખ પર નેજવું હું ધરું છું છતાં ગામ આવ્યું નહીં.
ચિરપરિચિત પડોશી, સ્વજન સર્વનાં નામ સંભારીને;
મોટે સાદેથી હું ઉચ્ચરું છું છતાં ગામ આવ્યું નહીં.
વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ;
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં.
ઘરના વાડામાં રોપ્યું’તું જે ઝાડવું એની લીલાશ ક્યાં?
પીંછાં શો હું ટપોટપ ખરું છું, છતાં ગામ આવ્યું નહીં.
હું વિખૂટો છું મારા વતન-ગામથી જન્મજન્માંતરે;
મૂળથી તૂટીને થરથરું છું છતાં ગામ આવ્યું નહીં.
– ભગવતીકુમાર શર્મા
સહેલું નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે – ” કોટિ એ એકને બ્રહ્મજિજ્ઞાસા જાગૃત થાય. જેની જિજ્ઞાસા જાગે એવા કોટિ માંથી એક બ્રહ્મને પામે ”
ગામ આવવું સહેલું નથી.
Permalink
February 24, 2021 at 1:38 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રાજેન્દ્ર શુક્લ
હું અશ્રુ થઈને વહી શકું
એવું જળ
તેં આપ્યું જ નહીં
મારાં શુષ્ક સંતપ્ત નેત્રોને !
લાગણીઓના દેશમાં
અમારે શું વર્ષાઋતુ જ નહીં ?
ન તો નેવાં ચૂવે અમારે ઘર,
ન શેરીએ ખળખળે જળ
કે કાગળની હોડી યે તરાવિયેં !
મેં બહુ બહુ કહ્યું,
તો ય મારા શબ્દને
તેં રુક્ષ જ રહેવા દીધો.
છેક છેલ્લે
તેં સ્હેજસાજ આ
ભીંજવી આપ્યું મને મારું મૌન
તે હું ફૂંક મારી મારીને
ફરી સૂકવું છું એને…
– રાજેન્દ્ર શુક્લ
કેવી સુંદર ફરિયાદ !! હકીકતમાં પણ આવું જ હોય છે- કોઈક લાગણીને વહેવા દે, કોઈક માટે એ અસહજ હોય…. છેલ્લા અંતરે કવિ ખીલે છે. ભીનાશ સ્વીકારી નથી શકાતી….રુક્ષતાનું conditioning એટલું ખતરનાક છે….
Permalink
February 23, 2021 at 2:17 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.
એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું “મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
– મરીઝ
સદીએ માંડ એક મરીઝ પાકે !! મત્લો, મક્તો અને પાંચમો શેર તો સુવિખ્યાત છે જ પણ બાકીના પણ કમ નથી. “આનંદ કેટલો છે બધી જૂની યાદમાં….” – આ શેર જરા મમળાવીએ તો કેવો સરસ ખુલે છે ! માનવીના મનની ગહેરાઈ છતી કરે છે, અંતહીન અપેક્ષાઓની હિન્ટ આપે છે.
ઘણીવાર એવું લાગે કે જેમ રસોઈમાં નમક છે તેમ કવિકર્મમાં જગતનું તલસ્પર્શી દર્શન છે. દર્શનના ઊંડાણ વગર કવિકર્મ અધૂરું છે અને દર્શન જો સ્પષ્ટ હો તો કવિકર્મ [ છંદ ઇત્યાદિ ] optional છે.
Permalink
February 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.
સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.
દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.
ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.
આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.
બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.
જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.
– સાહિલ
મજબૂત ગઝલ. લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
February 19, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુલામ અબ્બાસ 'નાશાદ'
એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,
માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.
આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.
ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.
ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.
આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.
મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
લગભગ બધા જ શેર મનનીય… સહજસાધ્ય ગઝલ.
Permalink
February 18, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ધોબી
ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.
ખૂબ જ કરતી’તી નખરાં એ મારી આગળ,
ઇચ્છાને ઠોકર ફટકારી જીવી લીધું.
ખુશ કરવી’તી દુનિયાને બસ એ કારણસર,
જીવતરને ચાંપી ચિનગારી જીવી લીધું.
જીવવા જેવું જીવવા ખાતર મૃત્યુને પણ,
ડગલે ને પગલે પડકારી જીવી લીધું.
કોઈ દિલાસો દેનારું ના દેખાયું તો,
મેં ખુદનો વાંસો પસવારી જીવી લીધું.
ઘર આગળના રસ્તાઓ ખામોશ થયા તો,
મેં પણ બંધ કરીને બારી જીવી લીધું.
– હરીશ ધોબી
ખુમારી અને લાચારીના બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ.
Permalink
February 17, 2021 at 3:25 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
સમેટો શેતરંજ, કે હવે
હું ખેલતો નથી !
હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.
આ મારા માયાલોકમાં
કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.
હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:
કોઈનું સૈન્ય શું, હું
કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે
હવે હું ખેલતો નથી !
હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :
હતો શિકારી વનમાં એ
શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.
– હરીન્દ્ર દવે
એવો મુકામ આવી જાય છે કે જ્યાં પછી કોઈ ફરક નથી પડતો. નાજુક એવા લાગણીના સંબંધને કોઈક જયારે taken for granted લઈ લે છે ત્યારે આવી અવસ્થા આવી જાય છે. ” મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો ? ” – આથી વધુ સંબંધ-મૃત્યુની સાબિતી શું હોઈ શકે ! પ્રેમાળ હૈયાને ઠેસ પહોંચાડવાથી ઘોર અન્ય કોઈ અપરાધ નથી.
મુકુલભાઈ યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા…..”
Permalink
February 16, 2021 at 8:01 AM by તીર્થેશ · Filed under અહમદ ફરાઝ, શેર
अब तो ये आरज़ू है कि वो ज़ख़्म खाइए
ता-ज़िंदगी ये दिल न कोई आरज़ू करे
– अहमद फ़राज़
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
– મરીઝ
અંદાઝ સરખો છે. ભાવાર્થમાં થોડો ફરક ખરો. ફરાઝસાહેબ દિલને સજા આપવા ઈચ્છે છે, મરીઝસાહેબ સૂફીવાણી બોલે છે કે એવું શાશ્વત દર્દ આપ કે પછી તારા સિવાય કંઈ સૂઝે જ નહીં….
પરંતુ અહીં ઈરાદો શેરના વિશ્લેષણનો નથી. બંને શેર એક અનોખું ભાવવિશ્વ ઊભું કરે છે તે અનુભવવાનો છે. જે.કૃષ્ણમૂર્તિ કહે છે – ” Whenever there is feeling of sadness, check your own premises.” કદાચ તેઓની પ્રજ્ઞાના સ્તરે આ સહજ હશે….હાલ તો એવો હાલ છે કે ઝખ્મ થાય છે, ઝખ્મ પીડા દે છે, અને દિલ ફરિયાદ પણ કરે છે….. હૈયું સંવેદનશીલ હશે તો એ બધું અનુભવશે જ, અને અનુભવશે એટલે પીડા પણ પામશે જ…..અને ત્યારે ફરાઝસાહેબ જેવો સૂર પોતીકો લાગશે…..
Permalink
February 14, 2021 at 1:41 AM by વિવેક · Filed under અમરુ, મુક્તક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, શ્લોક
बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम्
खेदोऽस्मासु न मेऽपराध्यति भवान्सर्वेऽपराधा मयि ।
तत्किं रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते
नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥५७॥
– अमरू
આજે ‘વેલેન્ટાઇન ડે’ પર લયસ્તરોના વાચકવૃંદ માટે એક વિશેષ પ્રસ્તુતિ:
આશરે તેરસો-ચૌદસો વર્ષ પૂર્વે થઈ ગયેલ અમરુનું ‘અમરુશતકમ્’ વિશ્વસાહિત્યમાં ટોચે બિરાજમાન થવાની લાયકાત ધરાવે છે. અગાઉ આપણે એમના કેટલાક મુક્તકો આસ્વાદ્યા છે. પ્રસ્તુત મુક્તક સંવાદકાવ્યમાં શ્રેષ્ઠતમ લેખી શકાય એવું છે. શાર્દૂલવિક્રીડિત છંદમાં લખાયેલી ચાર પંક્તિઓના સાવ નાનકડા ઘરમાં કવિએ સ્ત્રી-પુરુષ સંબંધ અને પ્રેમનું આખેઆખું આકાશ ખીચોખીચ ભરી દીધું છે જાણે.
પુરુષ : બાળા.
સ્ત્રી : નાથ!
પુરુષ : રોષ ત્યાગ, માનુનિ.
સ્ત્રી : ગુસ્સા વડે મેં શું કર્યું?
પુરુષ : અમને ખેદ થાય છે.
સ્ત્રી : આપનો તો કોઈ જ દોષ નથી. બધા દોષ મારામાં જ છે,
પુરુષ : તો પછી રુંધાયેલી વાણીથી કેમ રડી રહી છે?
સ્ત્રી : કોની આગળ રડી રહી છું?
પુરુષ : અરે! મારી આગળ.
સ્ત્રી : હું તમારી કોણ થાઉં છું?
પુરુષ : દયિતા.
સ્ત્રી : નથી. માટે તો રડી રહી છું.
(ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)
ચાર પંક્તિમાં કેટલી ગહન વાત! પોતાની પ્રિયાને પુરુષ બાળા કહીને સંબોધે છે અને સ્ત્રી એને નાથ કહીને. આ બે જ શબ્દોમાં સંબંધના આખા આકાશનો સંપૂર્ણ ઊઘાડ થઈ જાય છે. પુરુષ માટે પોતાની પ્રિયા બાળક સમાન છે. એના માટે આ સંબંધ સાવ હળવો છે એટલે એ પ્રિયાને લાડમાં બોલાવે છે. પણ સ્ત્રી માટે એ ભગવાન છે, સર્વસ્વ છે. સ્ત્રી આ સંબંધમાં સમાનતા નથી અનુભવતી એટલે એ પુરુષના લાડભર્યા સંબોધનના પ્રત્યુત્તરમાં ‘નાથ’ જેવો ઠંડો ઉદગાર કાઢે છે.
ક્ષણાર્ધપૂર્વે લાડ કરતો પુરુષ આ ઠંડોગાર જવાબ મળતાં જ રંગ બદલે છે. એ સ્ત્રીને માનિની અર્થાત્ માનભૂખી, અભિમાની સંબોધીને ગુસ્સાનો ત્યાગ કરવા કહે છે. સ્ત્રી સામું પૂછે છે કે રોષે ભરાઈને મેં શું કર્યું? મે ંતમને તો કોઈ નુકશાન પહોંચાડ્યું નથી. પુરુષ ‘અમને ખેદ થાય છે’ એમ કહે છે ત્યારે પોતાના માટે માનાર્થે બહુવચન વાપરે છે. એક આત્મસંબોધન માત્રથી પુરુષનું સ્વામિત્વ –superior sex- કવિએ કેવું બખૂબી છટું કર્યું છે!
સ્ત્રી કહે છે કે આપનો તો કોઈ વાંકગુનો છે જ નહીં, પછી આપ શા માટે ખેદ અનુભવો છો? જે કંઈ દોષ છે એ બધા તો માત્ર મારામાં જ છે. નાયિકા પક્ષે પુરુષપ્રધાન સંસ્કૃતિનો આ સહજ સ્વીકાર છે. એ પોતાના દુઃખનું કારણ જે છે, એને દોષીકરાર આપવાના બદલે દોષનો અંચળો પોતાના પર ઓઢી લે છે. પ્રણયની, રિસાવાની આ અદા જાણીતી છે. પણ એનો અવાજ રુંધાયેલો છે. એનો કંઠ બોલતાં-બોલતાં ડૂસકાંઓના કારણે ગદગદ થઈ જાય છે એ અછતું રહેતું નથી એટલે પુરુષ ફરી પૂછે છે કે તો પછી આ રુંધાયેલી વાણી શા માટે? રડે છે શા માટે? સ્ત્રીનો વળતો સવાલ, કે ‘કોની આગળ રડી રહી છું’ સાવ rhetorical question છે, એમાં ભારોભાર ઉપાલંભ છે. સામેનો પુરુષ પથ્થર છે અને પોતાના આંસુ પથ્થર પર પાણી છે એનો ઠંડો ડામ એ પુરુષને દીધા વિના રહેતી નથી. નાયક મારી આગળ એવો જવાબ તો આપે છે પણ એના આ જવાબમાં સ્નેહની ઉષ્મા વર્તાતી નથી. નાયિકા પૂછે છે કે હું તમારી કોણ થાઉં છું? નાયક એક શબ્દમાં દયિતા યાને કે પ્રાણપ્યારી, પત્ની એવો જવાબ આપે છે પણ આ એક શબ્દના સીધાસપાટ જવાબમાં પુરુષની સ્ત્રી પરત્વેની સંવેદનશૂન્યતા છતી થયા વિના રહેતી નથી. નાયિકા વળતો ચાબખો વીંઝે છે. કહે છે, કે હું સાચા અર્થમાં તમારી વહાલી હોત, પ્રાણપ્રિયા હોત, પત્ની હોત તો મારે આમ રોષે ભરાવાની કે રડવાની જરૂર જ શી હોત? તમારો પ્રેમ મારા પર હવે રહ્યો નથી, હું હવે તમારી વહાલી હોવાનો અનુભવ કરતી નથી એ કારણે તો મારાથી રડી પડાય છે.
કેવું અદભુત મુક્તક!
Permalink
February 13, 2021 at 1:37 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
દિવસે વિકસે, રાતે વિકસે,
વાત તો વાતેવાતે વિકસે.
આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
એ સમજણ આઘાતે વિકસે.
ચાંદીની ચમચી લઈ જન્મે,
એ કિસ્મતની લાતે વિકસે.
આ ઋણાનુબંધો કેવળ,
માણસાઈના નાતે વિકસે.
દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
એકલવ્ય તો જાતે વિકસે.
– કિરણસિંહ ચૌહાણ
મજાની રદીફ ઉપર અદભુત નક્શીકામ ! બધા જ શેર કાબિલે-દાદ થયા છે. સહજ સરળ ભાષા અને ઊંડી વાત એ કવિની લાક્ષણિકતા છે..
Permalink
February 12, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.
ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.
જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.
કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.
છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.
બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.
એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.
– રાકેશ હાંસલિયા
ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.
આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.
Permalink
February 11, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.
વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.
Permalink
February 9, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.
પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.
જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.
અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.
છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.
– ભગવતીકુમાર શર્મા
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!
ગાલિબ યાદ આવી જાય –
आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती
નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!
Permalink
February 8, 2021 at 2:43 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બસ એ જ સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા.
લાલચોળ તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે.
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે ના કાચા.
સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી.
ગમે ત્યાંથી સ્પર્શી, ના તો ક્યાંય અહમૂના ખાંચા.
-મુકેશ જોષી
સંબંધની કદાચ કોઈ સર્વસામાન્ય/સર્વમાન્ય વ્યાખ્યા નથી. ઘણા બધા ફેક્ટર ઉપર તે આધાર રાખે છે. કદાચ સૌથી વધુ આધાર તે વ્યક્તિની પોતાની પ્રજ્ઞા ઉપર રાખે છે. જેમ વ્યક્તિની પ્રજ્ઞા વિકસતી જાય છે તેમ તેની inclusiveness વધતી જાય છે અને એની ફરિયાદો શમતી જાય છે – અહં ના ખાંચા ઓગળતા જાય છે…..પણ ત્યાં સુધી તો………..
Permalink
February 6, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો
આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !
આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો
આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો
એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !
– હર્ષ બ્રહ્મભટ્ટ
જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…
ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
February 5, 2021 at 12:38 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
ગુજરાતી ગઝલમાં ઓછી બનતી એક બીના આપ સહુ સાથે સહિયારતાં આનંદ થાય છે. ૨૦૨૧માં નીચેની ગઝલ પોસ્ટ કરી હતી એ વખતે કાફિયાદોષ વિશે ટિપ્પણી કરી હતી… ૨૦૨૫માં કવિ જૂની ગઝલ આંશિક રદ કરીને નવી દોષરહિત ગઝલ લઈને આવ્યા છે.. આ છે નવું અને અંતિમ વર્ઝન:
કદી મન ભરીને પલળવા વિચારો
ને વરસાદ ના પણ પડે એકધારો.
મહોબતનું વાતાવરણ છે અનોખું
પડે સાંજ ત્યારે વધે છે ધખારો
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
હતો પત્રમાં જે જગા પર સુધારો.
થયો ક્યાંક ઉલ્લેખ જો એમનો તો-
સ્મરણનાં હરણને મળ્યો ઘાસચારો
રહ્યાં એ સલામત ને ડૂબી ગયો હું
એ તરતાં’તાં સાથે લઈને કિનારો
હું પોતે આ ઘરમાં છું મહેમાન જેવો
કહું કોઈને શી રીતે કે પધારો?
એ આજે અચાનક મળ્યાં તો થયું મન
પુરાણી ગઝલને ફરીથી મઠારો
– ભાવિન ગોપાણી
કવિએ કરેલ સુધારો ઇતિહાસના પાનેથી ભૂંસાઈ ન જાય એ માટે મૂળ ગઝલ અને ટિપ્પણી યથાવત રાખું છું, પણ મિત્રોને વિનંતી કે રદ કરેલી ગઝલને કોપી-પેસ્ટ કરી તરતી ન મૂકશો:
(રદ કરેલ ગઝલ)
તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.
હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?
હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.
અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.
ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.
– ભાવિન ગોપાણી
આમ જોઈએ તો ચુસ્ત કાફિયાની ગઝલ પણ ધારીને જોઈએ તો ખ્યાલ આવે કે કાફિયામાં ‘ધારો’ એકધારો આવે છે એટલે એને રદીફનો જ એક ભાગ ગણી શકાય. અને એમ ગણીએ તો ગઝલ કાફિયા વગરની ગઝલ ગણાય. શાસ્ત્ર શું કહેશે એ પંડિતો પર છોડી દઈએ, આપણે તો કેવળ નિજાનંદનો વેપલો લઈ બેઠા છીએ, તે એની જ વાત કરીએ. હું આને પ્રયોગ-ગઝલ ગણવું વધુ પસંદ કરીશ. કેમકે દરેક શેરમાં કાફિયાના સ્થાને ‘ધારો’ એકધારો રાખીને કવિએ અદભુત કામ કર્યું છે.
બધા જ શેર મજબૂત થયા છે. લગભગ બધા જ શેર પહેલી નજરે સમજાઈ જાય એવા પણ બીજી નજરે ઊંડો વિચાર કરતાં કરી દે એવા સંતર્પક થયા છે. ટૂંકમાં, ધીમે ધીમે બે-ચાર વાર મમળાવવા જેવી રચના.
Permalink
February 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણવ પંડ્યા
તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ
વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ
આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ
રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ
એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ
ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ
સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
– પ્રણવ પંડ્યા
સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!
Permalink
February 2, 2021 at 1:51 AM by તીર્થેશ · Filed under ગીત, દુષ્યન્ત કુમાર
इस मोड़ से तुम मुड़ गई फिर राह सूनी हो गई।
मालूम था मुझको कि हर धारा नदी होती नहीं
हर वृक्ष की हर शाख फूलों से लदी होती नहीं
फिर भी लगा जब तक क़दम आगे बढ़ाऊँगा नहीं,
कैसे कटेगा रास्ता यदि गुनगुनाऊँगा नहीं,
यह सोचकर सारा सफ़र, मैं इस क़दर धीरे चला
लेकिन तुम्हारे साथ फिर रफ़्तार दूनी हो गई!
तुमसे नहीं कोई गिला, हाँ, मन बहुत संतप्त है,
हर एक आँचल प्यार देने को नहीं अभिशप्त है,
हर एक की करुणा यहाँ पर काव्य की थाती नहीं [ थाती – અમાનત ]
हर एक की पीड़ा यहाँ संगीत बन पाती नहीं
मैंने बहुत चाहा कि अपने आँसुओं को सोख लूँ
तड़पन मगर उस बार से इस बार दूनी हो गई।
जाने यहाँ, इस राह के, इस मोड़ पर है क्या वजह
हर स्वप्न टूटा इस जगह, हर साथ छूटा इस जगह
इस बार मेरी कल्पना ने फिर वही सपने बुने,
इस बार भी मैंने वही कलियाँ चुनी, काँटे चुने,
मैंने तो बड़ी उम्मीद से तेरी तरफ देखा मगर
जो लग रही थी ज़िन्दगी दुश्वार दूनी हो गई!
इस मोड़ से तुम मुड़ गई, फिर राह सूनी हो गई!
-दुष्यंत कुमार
કવિનું નામ લખ્યું ન હોય તોય પરખાઈ જાય કે આ દુષ્યંતકુમાર જ હોઈ શકે ! કેવી ચોટીલી વાત…!! કોઈ ફરિયાદ નથી, પણ હ્ર્દય વિરાન થઇ ગયું એ વાસ્તવિકતા નું હૂબહૂ ચિત્રણ….
दिल के बोझ को दूना कर गया जो ग़मखार मिला
Permalink
January 30, 2021 at 1:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.
સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.
ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.
– જયન્ત પાઠક
ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.
અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.
શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.
Permalink
January 29, 2021 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય, નઝમ
નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’
એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’
મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.
અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’
મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’
હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?
કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.
ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ. **
– ઉદયન ઠક્કર
*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.
********
સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?
ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.
અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.
આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.
છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.
(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)
એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)
Permalink
January 28, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઠક્કર
પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.
કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.
મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.
લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.
Permalink
January 27, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.
પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.
હરીન્દ્ર દવે
કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….
Permalink
January 26, 2021 at 2:55 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નામદેવ ઢસાળ
जिस रस्ते से आये थे हम
उस रस्ते पर आना नहीं था
थोड़ी दूर चले हम और अँधेरे से मानूस हुये
सुनसान-सी एक हवा थी, सारा शहर बयां करती थी
झूठ के इक माहौल में एक तलाश थी हमको
दर्द की जड़ देखें
कल ही की तो बात है अँधेरे,
सरसराते थे लाखों पत्तों की तरह
और आज तमाम अन्दर का जहां बेदार हुआ
मुद्दत बाद इस कोरी ज़मीं पर
बारिश पड़ने लगी है
जीते रहे जैसे दिन आया
बन्द किया दिन जैसे गया वो!
– નામદેવ ઢસાળ [ મૂળ મરાઠી, અનુ – દિલીપ ચિત્રે ]
અનુભૂતિની વાત કરે છે કવિ…. કાવ્યની ચાવી અંતિમ પંક્તિઓમાં છે. માહોલ સચ્ચાઈનો નથી, દર્દ સ્થાયીભાવસમ છે, તેની જડ જડતી નથી. સમયનું ચક્ર ફરે છે, આખું આંતરવિશ્વ ઝળહળી ઉઠે છે….. – ત્યારે કવિ ઉદગારે છે કે – ” બસ આમ ક્ષણોમાં જીવતા રહ્યા….”
impermanence……choicelessness……
Permalink
January 23, 2021 at 1:00 AM by વિવેક · Filed under નઝમ, વીરુ પુરોહિત
હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં !?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
. આવી અસમંજસે હું ઊભી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું !
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
. હું એવા તોરમાં વળુંભી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે –
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી !
. હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
. તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!
– વીરુ પુરોહિત
આ કવિતા વાંચવી શરૂ કરી અને શરીરમાં કંપકપી શરૂ થઈ તે કવિતા વાંચી લીધા બાદ પણ ક્યાંય સુધી ચાલુ જ રહી… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી અદભુત કવિતા… આવી ઉમદા કવિતા આજકાલ તો ભાગ્યે જ વાંચવા મળે છે… કવિને સાદર સાષ્ટાંગ વંદન!
કવિતામાં વચ્ચે ‘વસંતવિલાસ’ નામના અતિપ્રસિદ્ધ ફાગુકાવ્યની વાત આવે છે, એના પરથી કવિએ સ્પર્શવિલાસ શીર્ષક યથોચિત પ્રયોજ્યું છે.
પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્ય આપણે માણ્યાં હશે, પણ આ તમામમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે. પ્રિયતમે પ્રથમવાર કથકને ચૂમી લીધી છે એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે છલકાય છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. એકીસાથે હજારો અળસિયાંઓને જમીનમાંથી નીકળીને આળોટતાં જેમણે જોયાં હોય એ જ આ અનુભૂતિ સમજી શકે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટી રહ્યાં છે. મતલબ એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. બીજું પ્રતીક છે લજામણીનું. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ ચુંબનસ્પર્શે આ લજામણી ઉન્માદી અવસ્થાના કારણે જાતિગત ભાન ભૂલી, સ્ત્રીસહજ શરમાઈ-સંકોચઈ જવાના બદલે ખૂલી-ખીલી ઊઠે છે. વાહ!
સવિસ્તાર આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=19424
Permalink
January 22, 2021 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, થિઓડોર સી શર્મન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો જે છે એ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો, તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.
– થિઓડોર સી શર્મન
(અનુ. વિવેક મનહર ટેલર)
અભિવ્યક્તિ આપણી અનિવાર્ય આવશ્યકતા છે. ઈન્દ્રિયગમ્ય હોય કે ઇન્દ્રીયાતીત, મનુષ્ય એના અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ પ્રારંભથી કરતો આવ્યો છે. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સુવાંગ આલેખન કરે એવી લિપિ જ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વર-વ્યંજન છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. મનમાં આવતા વિચારો જેવા કાગળ ઉપર ઉતાર્યા નથી કે આપના કાબૂ બહાર ગયા નથી. જે વિચારીને આપણે એને કાગળ પર આલેખ્યા હતા, એ જ વિચારોનો એવો ને એવો અર્થ આપણે પોતે પણ એકવાર લખી લીધા પછી કાઢી શકતા નથી. તો અન્ય તો નહીં જ કાઢી શકે એ વાત સુનિશ્ચિત છે. થિઓડોર સી શર્મન નામના સાવ અજાણ્યા કવિ આ વાત બહુ ઓછા શબ્દોમાં કેવી ધાર કાઢીને કરે છે એ જુઓ!
*
Boring
Written,
this sentence exits my control.
Even I will not make it mean the same thing tomorrow.
You are definitely not making it mean the same thing.
Stop reading my poem, you are ruining it.
I wrote this.
– Theodore C Sherman
Permalink
January 21, 2021 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.
હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.
એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.
રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.
સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.
આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.
મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.
– કિરણસિંહ ચૌહાણ
કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.
Permalink
January 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરબતકુમાર નાયી 'દર્દ'
વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !
કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !
ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !
શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
– પરબતકુમાર નાયી ‘દર્દ’
સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!
Permalink
Page 22 of 119« First«...212223...»Last »