જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

તો વાત આગળ વધે-ખલીલ ધનતેજવી

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…

4 Comments »

  1. Prahladbhai Prajapati said,

    January 7, 2021 @ 7:47 AM

    સુપેર્બ્

  2. pragnajuvyas said,

    January 7, 2021 @ 9:26 AM

    ખુબ સરસ અને અર્થ સભર રચના.
    ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
    બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!
    મક્તા અતિસુંદર

  3. Maheshchandra Naik said,

    January 7, 2021 @ 4:38 PM

    “તો વાત આગળ વધે ” સર-સ ગઝલ, બધા જ શેર અફલાતુન…….
    કવિશ્રી ખલેલ ધનતેજવી ને અભિનદન…….
    આપનો આભાર…..

  4. Anjana bhavsar said,

    January 8, 2021 @ 1:24 PM

    ખૂબ સરસ ગઝલ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment