(ધારો) – ભાવિન ગોપાણી
તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.
હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?
હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.
અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.
ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.
– ભાવિન ગોપાણી
આમ જોઈએ તો ચુસ્ત કાફિયાની ગઝલ પણ ધારીને જોઈએ તો ખ્યાલ આવે કે કાફિયામાં ‘ધારો’ એકધારો આવે છે એટલે એને રદીફનો જ એક ભાગ ગણી શકાય. અને એમ ગણીએ તો ગઝલ કાફિયા વગરની ગઝલ ગણાય. શાસ્ત્ર શું કહેશે એ પંડિતો પર છોડી દઈએ, આપણે તો કેવળ નિજાનંદનો વેપલો લઈ બેઠા છીએ, તે એની જ વાત કરીએ. હું આને પ્રયોગ-ગઝલ ગણવું વધુ પસંદ કરીશ. કેમકે દરેક શેરમાં કાફિયાના સ્થાને ‘ધારો’ એકધારો રાખીને કવિએ અદભુત કામ કર્યું છે.
બધા જ શેર મજબૂત થયા છે. લગભગ બધા જ શેર પહેલી નજરે સમજાઈ જાય એવા પણ બીજી નજરે ઊંડો વિચાર કરતાં કરી દે એવા સંતર્પક થયા છે. ટૂંકમાં, ધીમે ધીમે બે-ચાર વાર મમળાવવા જેવી રચના.
Anjana bhavsar said,
February 5, 2021 @ 1:35 AM
વાહ..ખૂબ સુંદર રચના
Prahladbhai Prajapati said,
February 5, 2021 @ 7:40 AM
સુન્દર્
Dr Sejal Desai said,
February 5, 2021 @ 7:52 AM
ખૂબ સરસ ગઝલ
pragnajuvyas said,
February 5, 2021 @ 10:04 AM
મજાની ગઝલ
સરસ આસ્વાદ
તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.
મસ્ત મત્લા
સાચું બોલો, આટલું વાંચીને તમને પણ કોઈ ચોમાસુ યાદ તો આવ્યું જ હશે. … વરસાદમાં તો મન મૂકીને પલળવાનું જેનું ગજ ન હોય એની તો દયા જ ખાવી રહી. …, જરાક અમથુ જુઓ રસ્તાની ધારે વહેતી વરસાદી પાણીની ધારા હજી તમારી કાગળની હોડીની પ્રતીક્ષા કરે છે. .
યાદ આવે ખલીલજિ
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
Maheshchandra Naik said,
February 5, 2021 @ 2:31 PM
અમારું કરેલું બધુ જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો…
બધા જ શેર મનભાવન…..સરસ ગઝલ…….કવિશ્રી ને અભિનદન……..
B G manejwala said,
February 5, 2021 @ 7:08 PM
આ ગઝલ ના પ્રકાર ને ઉર્દુ મા ગૈર્-મુરદ્દિફ ગઝલ કહેવય છે
અહિયા કડેી ને છેડે આવતા શબ્દો રદેીફ નહિ કાફિયા જ છે
======================================
Harihar Shukla said,
February 9, 2021 @ 6:32 AM
ગઝલના શેરનો અજબ એકધારો મારો
