પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

સવા શેર : ૦૩ :મરીઝ

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
– મરીઝ

મરીઝ આ શેરમાં માનવમાંથી મહામાનવ થવાની ચાવી આપે છે. પરંપરાની શેરપ્રણાલિથી પલટવાર કરીને મરીઝ સાનીના સ્થાને ઉલા મિસરામાં જ શેરનો અર્ક આપી દઈ કાન ઊલટા પકડાવે છે. મરીઝ દર્દના શાયર છે. એમના ભાગે જીવનના હરએક તબક્કે દર્દ સાથે મુકાબલો કરવાનું આવ્યું હતું. એટલે જ કદાચ, જિંદગીનું દર્દ એમના ‘ગળતા જામ’માંથી સતત નીંગળતું દેખાય છે. કવિતાની કાયામાં દર્દ આત્મા છે, પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. એવી રાત બની જ નથી જે સવારમાં ન પરિણમે. ગમે તેવા મોટા કેમ ન હોય, મોટાભાગના દર્દ હંગામી હોય છે. ઘાયલે કહ્યું હતું ને, ‘સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે, ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.’ અહીં મિર્ઝા ગાલિબ પણ યાદ આવે: ‘रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई।‘ વળી આનો આ જ મિજાજ ગાલિબે અન્યત્ર પણ પ્રદર્શિત કર્યો છે: ‘दर्द का हद से गुजर जाना है दवा हो जाना।’ પણ મરીઝના આ શેરમાં જે દર્દની વાત છે, એ દર્દ દેહના સ્તરનું દર્દ નથી. દેહના દર્દનું નિવારણ તો કોઈ તબીબ કદાચ કરી પણ આપે. પણ અહીં વાત દિલના દર્દની છે. ભીતરી અહેસાસના દર્દની છે. અને આ દર્દ ટકી જાય તો? જેને મન ભાત પણ થાળીમાં ઊગતો હતો એવા રાજકુમાર સિદ્ધાર્થે નગર-ભ્રમણ દરમિયાન સંસારમાં જે-જે તકલીફો જોઈ, એ તમામ આપણે પણ રોજેરોજ નિહાળીએ જ છીએ. પણ ફરક એ છે, કે પળ-બે પળ સ્મશાનવૈરાગ્ય ભોગવીને આપણે હાથ લૂછીને આગળ વધી જઈએ છીએ. કોઈની તકલીફ જોઈને આપણા દિલમાં પણ કરુણા તો જન્મે છે, પણ એ અલ્પજીવી હોય છે. આંખમીંચામણાં કરીને, ‘અરેરે’ કરીને અથવા થોડીઘણી મદદ કરીને આપણે એ વેદનાથી આપણો પિંડ છોડાવી લઈએ છીએ. ક્યારેક આપણે એ વેદનાને સહિયારવાની કોશિશ પણ કરીએ છીએ. પણ આપણે અન્યોની વેદનાનો ભાગ બનતાં નથી. એ વેદનામાંથી આપણે બજારમાંથી પસાર થતા વ્યક્તિની માફક નીકળી જઈએ છીએ. આતમરામનું કમળપત્ર સરોવરની વચ્ચે ખીલ્યું હોવા છતાં લગરિક ભીંજાતું નથી. પણ, સિદ્ધાર્થના હૃદયમાં આ દુઃખદર્દ સ્થાયી થયા. દુન્યવી પીડાઓએ એના હૈયે કાયમી ઘર કર્યું. પરિણામે એ કરુણામૂર્તિ બુદ્ધ બન્યા. દર્દ શાશ્વતી બને, રાતવાસો છોડીને જાતવાસો કરે, ક્ષણવાસો ત્યજીને જનમવાસો કરે, ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એને પેખવા-ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત પણ હોવી ઘટે. મરીઝ મનુષ્યમર્યાદાઓનો જાણતલ શાયર છે. એટલે આ જ ગઝલમાં એ કહે છે: ‘દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.’

1 Comment »

  1. pragnajuvyas said,

    December 20, 2020 @ 9:26 AM

    મરીઝનો આ સવાશેર માણતા જ મનમા જગજીતસિંગના સ્વરમા ગુંજન થવા માંડ્યુ.
    ડૉ વિવેકનો અફલાતુન આસ્વાદ .
    ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment