વચ્ચે – પ્રશાંત સોમાણી
કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.
સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.
કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.
પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.
બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે
– પ્રશાંત સોમાણી
ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास