મેગી અસનાની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
लगता है वो अब आएगा
फिर लगता है, कब आएगा !
क्या लिखना है इन रातों को?
ख़ुद जानेगा, जब आएगा
उसके साथ गया है सबकुछ
जब आएगा सब आएगा
पास क़यामत आ ही गई अब
शायद वो भी अब आएगा
मैं कहती हूँ तो ये तय है
प्यार का उसको ढब आएगा
आने का बोला था उसने
बोला था मतलब आएगा
उसका आना ऐसे होगा,
जैसे मेरा रब आएगा
– मेगी असनानी
ઘણા ગુજરાતી કવિઓની કલમ ગુજરાતી ભાષા સુધી સીમિત ન રહી અન્ય ભાષાઓના સીમાડાઓ તાગવા આગળ વધી છે. પરભાષાના ગુલદસ્તામાંથી એક ફૂલ આજે લયસ્તરોના ભાવકો માટે. સરળ-સહજ ભાષામાં આખેઆખી ગઝલ આસ્વાદ્ય.
Permalink
April 15, 2021 at 1:24 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
બસ, બહુ મોડું થયું છે, જાઉં હું,
બે ઘડી દુનિયાને પણ દેખાઉં હું.
ખૂબ ચાહું છું તને, પણ બોલતા
કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું?
બે ઘડી જો વાત મીઠી તું કરે,
એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.
હું જ જ્યાં ખુદને હજુ સમજી નથી,
અન્યને તો શી રીતે પરખાઉં હું?
એટલી યાદો તું આપીને ગયો,
ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.
– મેગી અસનાની
સરળ સહજ ભાષામાં સ્ત્રી હૃદયના ભાવોની નાજુક મીનાકારી. પ્રિયજનમાં સમગ્રતયા ખોવાઈ ગઈ હોવા છતાં સ્ત્રી દુનિયા તરફની પોતાની જવાબદારી તરફ મોઢું ફેરવી શકતી નથી. બે ઘડી તો બે ઘડી, પણ દુનિયાની સામે હાજરી તો પૂરાવવી જ પડે. આ સ્ત્રી જ કરી શકે. એ કદી બેપરવા બની શકતી નથી.
Permalink
May 11, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
લઈને ઘણુંય આ નદી વહેતી રહી અને…
સાગર બની છતાંય પણ ખાલી રહી અને…
એના તરફથી એ જ ઉપેક્ષા મળ્યા કરી
હું વાત, વાતવાતમાં કહેતી રહી અને…
હસતા રહ્યા તો એય, પણ હસતા ગયા પછી
પીડા બધીય એ રીતે છાની રહી અને…
કહેતી રહી કે આવજે આવી શકાય તો
એના મિલનની રાહ હું તાકી રહી અને…
કંઈ કેટલા બનાવમાં જીવન વીતી ગયું
તારી ને મારી વાત બસ બાકી રહી અને…
– મેગી આસનાની
કવિતા મોટાભાગે જે પ્રકટપણે કહેતી લાગે એના કરતાં કંઈક બીજું જ કહેવા ઇચ્છતી હોય છે. અહીં પણ ‘અને…’થી અહીં જ્યાં મિસરો ખતમ થઈ જાય છે ત્યાંથી જ એ હકીકતમાં શરૂ થાય છે અને કવયિત્રીએ જે ભાવવિશ્વ શબ્દોમાં પ્રકટ કર્યું છે એની ખરી અર્થચ્છાયા આગળ વધે છે….
Permalink
August 18, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.
ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.
માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.
આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.
– મેગી આસનાની
પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.
Permalink
July 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!
માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.
હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.
રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
– મેગી આસનાની
દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….
ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…
Permalink
April 26, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મેગી અસનાની
ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.
હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.
પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.
છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.
તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.
ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…
– મેગી અસનાની
Permalink
April 22, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.
પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.
જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.
ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
– મેગી અસનાની
આપણે સહુ આજે એવા વર્ચ્યુઅલ વિશ્વના વાસી બની ગયાં છીએ જેમાં આપણી પાસે આપણા સ્માર્ટ ફોન સિવાય વિશેષ કશું નોંધપાત્ર બચ્યું નથી. પરિવારના પાંચ સભ્યો સાથે બેઠાં હોય કે પાંચ-સાત જિગરી દોસ્તોની મહેફિલ જામી હોય યા નિકટના સ્વજનના લગ્નમાં જાનૈયાઓને જોઈએ – એવા દૃશ્યોની હવે નવાઈ નથી જ્યાં બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું. એટલે જ કવયિત્રી કહે છે કે જાત સાથે વાતમાં વીતે એ રાત ઝંઝાવાતમાં વીતે.
Permalink
February 12, 2016 at 1:12 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
બે ઘડી ઝાકળ છે, રાહત આટલી
ફૂલ સ્વીકારે છે કિસ્મત આટલી.
સૂર્યને પડકારે બસ ચારેક પ્રહર
આ તિમિર રાતોની હિંમત આટલી.
આવે ના તો કંઈ નહિ પણ ‘આવશે’
આપશે ક્યારે એ ધરપત આટલી ?
ઊંઘમાં હો તો મળી લેવું કદી,
આંખથી સપનાને નિસ્બત આટલી.
પ્રેમ, પ્રતીક્ષા, મળવું ને જુદા થવું,
જિંદગી પાસે છે આફત આટલી.
– મેગી અસનાની
જાણીતા કલ્પન, જાણીતી સંવેદનાઓ પણ ગઝલની માવજત કેવી તાજગીસભર ! ઝાકળની ક્ષણભંગુરતા અને ફૂલનો વાસ્તવિક્તાનો સ્વીકાર કેવી અનૂઠી રીતે કવયિત્રી મત્લામાં લઈ આવ્યા છે ! પહેલા ત્રણે શેર માટે એક જ શબ્દ સૂઝે છે: લાજવાબ !!
Permalink