જિગર ફરાદીવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 7, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર ફરાદીવાલા
થોડા દિવસ વ્યથાની કથામાં વહી જશે,
પણ એ પછી સ્વભાવે સમય ક્રૂર લાગશે!
ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?
ચીતરી મેં આખા ચિત્રમાં લીલોતરી ફકત,
તું રણ જુએને ત્યારે એ આંખોને ઠારશે.
અજવાસ એટલો બધો તારા સ્મરણનો છે,
ખુલ્લી રહી જો આંખ તો અંધાપો આવશે!
બસ આટલું કહી શકું હું આ ક્ષણે તને,
હસવા મથ્યો ને તેમાં રડાઈ ગયું હશે.
– જિગર ફરાદીવાલા
મત્લા તો જરા ધીમેથી વાંચીએતો તરત જ સમજાઈ જાય એવો અને સુંદર થયો છે પણ બીજા શેરનું સૌંદર્ય તો જુઓ! અહાહાહાહા!!! પ્રિયતમાને ચાંદની ઉપમા તો હજારો કવિઓ આપી ચૂક્યા છે પણ એની એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી ઉપમા જ વાપરીને કવિએ કેવું અદભુત કવિકર્મ કર્યું છે એ જુઓ…
Permalink
December 21, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર ફરાદીવાલા
બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!
તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે !
અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
હું મારું સ્તર સહજતાથી સ્વીકારી લેવા રાજી છું,
છતાં તું છે કે તારું સ્તર ગળે ઉતરાવવા આવે.
હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,
નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.
– જિગર ફરાદીવાલા
તાજેતરમાં જ વડોદરા ખાતે યોજાયેલ ગઝલ સેમિનાર અને કવિસંમેલનમાં ઉપસ્થિત એક અંકોડાદાર મૂંછવાળા નવયુવાને પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં દાદનું મહત્વ શું? શું દાદ ગઝલની ગુણવત્તાનો માપદંડ ગણી શકાય? શું ગઝલ મુશાયરામાં સફળ થવી જ જોઈએ? મેં જવાબ આપ્યો કે મુશાયરામાં ઘણીવાર વિફળ જવા છતાં અને ફેસબુક, વૉટ્સએપ નહોતાં તોય મરીઝ ટકી ગયા એનું કારણ એની ગઝલમાં રહેલું સત્વ છે. દાદના સહારે જીવતી ગઝલો તો આજે છે ને કાલે નથી. તમારી ગઝલમાં કવિતા હશે તો સમય એને કદી ભૂંસી નહીં શકે.
પછી કવિસંમેલનમાં એણે આગવી શૈલીમાં ગઝલ રજૂ કરી ત્યારે હું વિચારમાં પડી ગયો. કાર્યક્રમ પત્યા પછી હું એને શોધવા નીકળ્યો ને એને પકડીને મેં કહ્યું, તારે દાદની ચિંતા કરવાની જરૂર નથી. તારી ગઝલો દાદની મહોતાજ નથી. એ સમયની એરણ પર ટકી રહેવા માટે સર્જાઈ છે… મારી વાત પર શંકા હોય તો આ સંઘેડાઉતાર ગઝલ પર જરા નજર નાંખી લ્યો…
Permalink