પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ !
હરીન્દ્ર દવે

રાતો! – વ્રજેશ મિસ્ત્રી

ચોગમ થીજેલી અંધારી વ્યાપી રાતો,
બુઠ્ઠી એકલતાથી નકરી કાપી રાતો.

ક્યાંક ઉચાટોના અજવાળે પોંખ્યા કીધી,
કયાંક વળી ઉરના કો’ ખૂણે સ્થાપી રાતો.

મંદિર, મસ્જિદ, દેરાસર ત્યાં ઉતરી આવ્યાં,
સઘળું માની જ્યાં શ્રદ્ધાથી જાપી રાતો.

ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.

એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!

– વ્રજેશ મિસ્ત્રી

ગાગાગાગાના ત્રણ આવર્તનોમાં લયબદ્ધ વિહરતી મજાની ગઝલ. ચુસ્ત કાફિયા સાથે રાત વિશેની મુસલસલ રચના. એકલા હોઈએ ત્યારે રાતનું અંધારું ચારેતરફ થીજી ગયું હોય એમ ગતિહીન લાગે છે. ધારદાર સંગાથ હોય તો તો રાત તરત કપાઈ જાય પણ માત્ર એકલતા હોય અને એ પણ સાવ બુઠ્ઠી, તો રાત કાપવી ભારે થઈ પડે છે. ઉચાટોનું અજવાળું અને ઉરના કોઈ ખૂણામાં વ્યાપેલ અંધારા વચ્ચેનો વિરોધાભાસ પણ આસ્વાદ્ય થયો છે. અંધારામાં સામાન્યરીતે ડરનો અનુભવ સહજ છે. ગાંધીજીને આ ડર સામે લડવા માટે એમના ઘરની કામવાળી રંભાએ રામનામનો મંત્ર આપ્યો હતો. શ્રદ્ધાથી જપવામાં આવે તો રાતના અંધારામાં સઘળાં પૂજાસ્થાનો હાજરાહજૂર છે. ઉનાળાની ગરમ રાતો પ્રિયજનના વિચારોની ઠંડકની મદદથી કાપી છે તો શિયાળામાં એના જ સ્મરણોની ઉષ્મા ઓઢીને ઠંડીગાર રાતો પસાર કરાઈ છે. ટૂંકમાં, મોસમ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદો જ સધિયારો બની રહે છે. અને છેલ્લો શેર તો અદભુત થયો છે. કવિ સર્જનહારથી પણ ઉપર છે એ વાત કેવી સલૂકાઈથી રજૂ થઈ છે!

7 Comments »

  1. Kavita shah said,

    December 18, 2020 @ 1:54 AM

    છેલ્લો શેર વાહહ અદ્દભુત

  2. kiran Jogidas said,

    December 18, 2020 @ 2:31 AM

    વાહ….ખૂબ મજાની ગઝલ

  3. Kajal kanjiya said,

    December 18, 2020 @ 2:47 AM

    Wahhh

  4. Anjana bhavsar said,

    December 18, 2020 @ 3:42 AM

    Wah…સરસ ગઝલ અને સરસ ઉઘાડ

  5. Rasik bhai said,

    December 18, 2020 @ 4:33 AM

    શિયાળામાં સ્મરણ ઓઢી તાપી રાતો્ .વાહ્

  6. pragnajuvyas said,

    December 18, 2020 @ 11:54 AM

    કવિશ્રી – વ્રજેશ મિસ્ત્રીની મજાની ગઝલનો ડૉ વિવેકદ્વારા સ રસ આસ્વાદ
    એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
    મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!
    વાહ
    અફલાતુન મક્તા

  7. Dilip Chavda said,

    December 19, 2020 @ 3:18 AM

    એ રીતે તું ત્રણ ભુવન નહિ માપી આપે!
    મેં જે હાલે, જે રીતે છે માપી રાતો!

    વાહ જોરદાર શેર
    આખી ગઝલ સરાહનીય..
    સુંદર આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment