નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

હાસ્યમેવ જયતે : ૧૪ : તમારા ગયા પછી – ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

આપે ન કો’ ઉધાર, તમારા ગયા પછી,
આવે છે લેણદાર, તમારા ગયા પછી !

દરરોજ જોઉં છું હું ફિલમ ત્રીજા ખેલમાં,
ના કોઈ ટોકનાર, તમારા ગયા પછી !

તેજીમાં કાલ જે હતી મંદીમાં આવી ગઈ,
શૃંગારની બજાર, તમારા ગયા પછી !

ઘર-કામ કાજ વહેલો હું ઉઠતો’તો પણ હવે,
મોડી પડે સવાર, તમારા ગયા પછી !

‘બદમાશ’, ચોર, ગુંડા, લફંગા મળી બધા,
ઘરમાં રમે જુગાર, તમારા ગયા પછી !

– ચંદ્રકાન્ત અંધારિયા ‘બદમાશ’

પત્ની પિયર જાય એની પાછળ પતિના રંગ-રૂપ-ઢંગ કેવા પલટો લે છે એ નિર્દેશતી મજાની હઝલ! ગુજરાતી હાસ્યવ્યંગ્ય સાહિત્યમાં આવી શુદ્ધ અને ઉત્કૃષ્ટ રચનાઓ જવલ્લે જ જોવા મળે છે. સરળ ભાષામાં કવિએ સટિક વાત કરી છે, પણ ખરી મજા મક્તામાં છે. કવિએ જે બાહોશીથી તખલ્લુસને શેરમાં દૂધમાં સાકરની જેમ એકરસ કરી દીધું છે, એ શૂન્ય અને બેફામ જેવા સિદ્ધહસ્ત કવિઓની યાદ અપાવે છે.

4 Comments »

  1. Prahladbhai Prajapati said,

    December 13, 2020 @ 5:17 AM

    સરસ્

  2. pragnajuvyas said,

    December 13, 2020 @ 11:31 AM

    ખૂબ સુંદર હઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    મૂળ રચના
    દિલને નથી કરાર તમારા ગયા પછી ,
    આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી…

    યત્નો કર્યા હજાર તમારા ગયા પછી ,
    લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી…

    વીતી રહ્યો છે એક સરીખો સમય બધો,
    શું સાંજ શું સવાર તમારા ગયા પછી…

    ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી ,
    આવી નથી બહાર તમારા ગયા પછી…

    મહેફિલ છે એ જ એ જ સુરા એ જ જામ છે ,
    ચડતો નથી ખુમાર તમારા ગયા પછી….

    જીવતો તાંતણો છે તમારા જ દમ સુધી ,
    તૂટી જશે ધરાર તમારા ગયા પછી…..

    ‘નાઝિર‘ને છેક ઓશિયાળે ને તમે કરો,
    કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી….

    ‘નાઝિર‘નો સાથ છોડી જનારા જરા કહો,
    કોને કરે એ પ્યાર તમારા ગયા પછી…..

    – નાઝિર દેખૈયા બાદ તેની પૅરડી -હઝલો થઇ તેમા કવિ ડો.રઈશ મણિયારની જાણીતી હઝલ

    “દિલને ઘણી છે હાશ તમારા ગયા પછી,
    ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી,
    દુઃખ છે મને ના ખાસ તમારા ગયા પછી.,
    રામો થયો છે ઉદાસ તમારા ગયા પછી.
    પિયરની સાથે પ્રાસ બિયરનો મળી ગયો,
    રણકી રહયા છે ગ્લાસ તમારા ગયા પછી,
    ખો ખો રમતી હતી તું દરરોજ તું મનેને
    ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી..”
    ઘરમા લાગે છે બધુ શૂનસાન તમારા ગયા પછી.
    અકળાઈ રહ્યો એકલો આજ તમારા ગયા પછી!
    ..અને મા ચીમનભાઈ પટેલ ‘ચમન’ની રચના
    પથારીમાં પડતાં જ ઊંઘ જે મને આવતી હતી,
    ઊડી ગઈ કોણ જાણે એ આજ, તમારા ગયા પછી!

    બપોરની નીંદ પછી ચા મસાલાની જે મળતી’તી
    ન શિખ્યાના થયા છે બે હાલ, તમારા ગયા પછી!

    ખાવા મળે છે ખુબ વાનગીઓ આપણા મિત્રોને ત્યાં,
    ઊડી ગયો છે રસોઈનો સ્વાદ, તમારા ગયા પછી!

    લખવાનું મળશે મોકળાશે ઘણુ-બધુ હતુ જે મને,
    કલમ મારી રહે છે ઉદાસ, તમારા ગયા પછી!

    પી લઉ છુ બિયર બે-ચાર ઓફિસથી આવી ક્યારેક,
    નથી થતી નશાની કોઈ અસર, તમારા ગયા પછી!

    સમજાઈ નથી જે વાત તમારી મને આજ સુધી,
    ઉતરી ગઈ છે ગળે એ વાત, તમારા ગયા પછી!

    મિત્રો ભલેને કહે ચમન લાગે છે પત્નીમાં પાગલ,
    સમજાઈ છે મને સ્નેહ ની વાત, તમારા ગયા પછી!
    ………
    હતી બંધ મુઠીમાં આબરુ , ફેલાઈ ગઈ ગામને ચોરે તારા ગયા પછી,
    હતો સંપ સૌ માં, બાજી-મર્યા સૌ સંતાનો તારા ગયા પછી.

    ઘણું હતું, શું લઈ ગયો, તસ્વીર પણ તારી ધુળ ખાઈ છે આજે,
    નામ્-ઠામ સઘળું ભુસાઈ ગયું , બસ તારા ગયા પછી .

    કરી કંજુસાઈ તે , પામી શક્યો કે ના માણી શક્યો સુખની કોઇ પળ્,
    ફૂંકી મારી સારી મિલકત તારીજ પેઢીએ , તારા ગયા પછી.

    “દીપ” શીદ ને ચિંતા કરે,શું થશે મારા લખેલા પુસ્તકોનું ?
    ધુળ ખાસે કે જશે પસ્તીમાં, તારે શું ? તારા ગયા પછી.

  3. ધવલ said,

    December 13, 2020 @ 12:42 PM

    સરસ !

  4. MAHENDRA S.DALAL said,

    December 14, 2020 @ 3:21 AM

    સરસ હસ્યરસિક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment