(યાદ પણ નથી) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’
પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.
કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.
મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.
મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.
લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
– ગુણવંત ઠક્કર ‘ધીરજ’
ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.
Sandip Pujara said,
January 28, 2021 @ 4:38 AM
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી… ક્યા બાત
સરસ ગઝલ
Anjana bhavsar said,
January 28, 2021 @ 8:26 AM
સરસ ગઝલ..
pragnajuvyas said,
January 28, 2021 @ 9:17 AM
સ્વયંસિદ્ધ અને અર્થ બાબતમાં સ્વયંસંપૂર્ણ ગઝલ
ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.
વાહ્
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
saryu parikh said,
January 28, 2021 @ 9:37 AM
બહુ જ સુંદર રચના.
“મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.” અહીં સામાન્ય લગ્નજીવનના સ્વરૂપની રજુઆત લાગે છે.
સરયૂ પરીખ
Gunvant thakkar said,
January 28, 2021 @ 10:10 AM
ખૂબ સુંદર આસ્વાદ.. થોડામાં ઘણું કહી દીધું.. આનંદ અને આભાર…
Kétan Yajniík said,
January 28, 2021 @ 9:02 PM
ગાગરમાં સાગર
કેતન