ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
વિવેક મનહર ટેલર

કોઈને કૈં પડી છે જ ક્યાં…. – મનોજ ખંડેરિયા

સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં;
રાતદિ’ હરપળે પાન લીલાં ખરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ફાગણી મરમરો – શ્રાવણી ઝરમરો – કોઈને કૈં અસર ક્યાં કરે છે હવે,
આંખથી વિસ્મયો દૃશ્ય માફક સરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

બાળપણની કથાની પરી ઊડી ગઈ, ને રમતની બધી કોડી વેરાઈ ગઈ,
આંખ સામે જ મોંઘી મૂડી પગ કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

કોણે પ્રગટાવિયો, વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું કોઈને ક્યાં ખબર,
કૈં સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના,
આપણી માલમતા સમય પરહરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ખળભળે પથ્થરો – ખડખડે બારીઓ – ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં,
રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

– મનોજ ખંડેરિયા

કૌતુકવશતાથી મુગ્ધતા અને મુગ્ધતાથી સ્થૂળતા અને સ્થૂળતાથી જડતાની યાત્રા બનીને રહી જાય છે જિંદગી…..

6 Comments »

  1. Vineshchandra Chhotai said,

    December 23, 2020 @ 2:36 AM

    બહુજ ઊંડી સમજ,વેદના ના ચિત્કાર
    મનોજ ભાઈ બે વંદન

  2. Prahladbhai Prajapati said,

    December 23, 2020 @ 5:26 AM

    સુપેર્બ્

  3. pragnajuvyas said,

    December 23, 2020 @ 9:03 AM

    ખળભળે પથ્થરો – ખડખડે બારીઓ –
    ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં,
    રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી જાય છે,
    કોઈને કૈં પડી છે જ ક્યાં.
    મનોજ ખંડેરિયાનુ દુ:ખની ચીસ.પાડતુ ગીત

  4. હર્ષદ દવે said,

    December 23, 2020 @ 10:46 AM

    સરસ ગઝલ. લાંબા રદીફ તો મનોજ ખંડેરિયા જેવા જુજ કવિઓ જ નિભાવી જાણે.

  5. Maheshchandra Naik said,

    December 25, 2020 @ 12:55 AM

    કવિશ્રી મનોજ ખંડેરિયાને લાખ લાખ સલામ……

  6. Parbatkumar said,

    December 25, 2020 @ 10:44 AM

    ગુજરાતી ગઝલમાં માઇલસ્ટોન રૂપ આ ગઝલ છે
    આદરણીય મનોજ ખંડેરીયાની કલમને વંદન વંદન વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment