ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

સ્પર્શવિલાસ…! – વીરુ પુરોહિત

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં !?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
.              આવી અસમંજસે હું ઊભી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું !
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
.              હું એવા તોરમાં વળુંભી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે –
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી !
.              હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

– વીરુ પુરોહિત

આ કવિતા વાંચવી શરૂ કરી અને શરીરમાં કંપકપી શરૂ થઈ તે કવિતા વાંચી લીધા બાદ પણ ક્યાંય સુધી ચાલુ જ રહી… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી અદભુત કવિતા… આવી ઉમદા કવિતા આજકાલ તો ભાગ્યે જ વાંચવા મળે છે… કવિને સાદર સાષ્ટાંગ વંદન!

કવિતામાં વચ્ચે ‘વસંતવિલાસ’ નામના અતિપ્રસિદ્ધ ફાગુકાવ્યની વાત આવે છે, એના પરથી કવિએ સ્પર્શવિલાસ શીર્ષક યથોચિત પ્રયોજ્યું છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્ય આપણે માણ્યાં હશે, પણ આ તમામમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે. પ્રિયતમે પ્રથમવાર કથકને ચૂમી લીધી છે એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે છલકાય છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. એકીસાથે હજારો અળસિયાંઓને જમીનમાંથી નીકળીને આળોટતાં જેમણે જોયાં હોય એ જ આ અનુભૂતિ સમજી શકે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટી રહ્યાં છે. મતલબ એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. બીજું પ્રતીક છે લજામણીનું. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ ચુંબનસ્પર્શે આ લજામણી ઉન્માદી અવસ્થાના કારણે જાતિગત ભાન ભૂલી, સ્ત્રીસહજ શરમાઈ-સંકોચઈ જવાના બદલે ખૂલી-ખીલી ઊઠે છે. વાહ!

સવિસ્તાર આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=19424

3 Comments »

  1. pragnajuvyas said,

    January 23, 2021 @ 2:44 PM

    સ્પર્શવિલાસ…! કવિ શ્રી વીરુ પુરોહિત સુંદર નઝમનો
    ડૉ વિવેક દ્વારા સવિસ્તાર આસ્વાદ થી ઘણું નવુ જાણવા/માણવા મળ્યું.

  2. તીર્થેશ said,

    January 26, 2021 @ 2:58 AM

    excellent work….commendable….

  3. વિવેક said,

    January 27, 2021 @ 12:22 AM

    આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment