શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

પ્રયત્નો કરે છે… – ‘ગની’ દહીંવાળા

જખમના અધર પર દીઠું સ્મિત આછું મુહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે,
હૃદયમાં હવે દર્દ પણ દુ:ખ વિસારી વધુ જીવવાના પ્રયત્નો કરે છે.

ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે !

થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે;
ન જાણે હૃદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે !

જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે : કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે !

છે એવું વહન ઊર્મિઓનું હૃદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હૃદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે !

જૂઠી આશનાં ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે.

દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’, કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.

– ‘ગની’ દહીંવાળા

ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે છે ! – ક્યા બાત હૈ……!!! કાશ……આવું ભાગ્ય હોતે……!!!

1 Comment »

  1. pragnajuvyas said,

    December 30, 2020 @ 10:15 AM

    કાફિયા અને રદ્દીફનુ સુંદર યચન
    વાતચીતની જીવંતીતા દર્શાવવા સંબોધનની યોજના.
    સર્વાંગ સુંદર ગઝલમા સરળ અને સુંદર ભાવ કલ્પનની સૃષ્ટિ રચી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment