ચૂકી ગઈ – બિનીતા
દરિયો જોવામાં નદી ચૂકી ગઈ,
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ.
એક સરખી એની ચાહત તો મળી,
હું કદી પામી, કદી ચૂકી ગઈ.
ફિલસૂફીને હાંકવામાં હું સદા,
સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.
કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?
કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.
– બિનીતા
આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?
બાકીના શેર પણ મનનીય. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.