ગઝલ – પ્રણવ પંડ્યા
તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ
વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ
આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ
રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ
એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ
ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ
સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
– પ્રણવ પંડ્યા
સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!
Parbatkumar said,
February 4, 2021 @ 12:35 AM
આહા……
આખી ગઝલ સાચવીને હ્રદયમાં રાખવા જેવી
ખૂબ શુભેચ્છાઓ પ્રણવભાઈ
આવી ગઝલ ભેટ ધરવા બદલ આભાર વિવેકભાઈ
Kajal kanjiya said,
February 4, 2021 @ 6:03 AM
Wahhh 👌👌
pragnajuvyas said,
February 4, 2021 @ 9:29 AM
કવિશ્રી પ્રણવ પંડ્યાની સ રસ ગઝલ
વધુ સ રસ આસ્વાદ
જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ
વાહ
જીવન મા સબંધ સાચવ જો. લાગણી રાખજો.પ્રેમ પ્રસરાવ જો.ભાવ રાખજો.એક બીજા માટે ઘસાજો.
Maheshchandra Naik said,
February 4, 2021 @ 2:16 PM
સરસ ગઝલ અને એટલો જ સરસ આસ્વાદ ,,….
Harihar Shukla said,
February 9, 2021 @ 6:28 AM
સંભવામિ અને રૂબરૂ 👌💐