હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કાફી નથી – કિશોર બારોટ

ઘોર અંધારું ટળ્યું છે, એટલું કાફી નથી?
આભ ઉજમાળું થયું છે, એટલું કાફી નથી?

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

તન અને મન સાવ ચકનાચૂર થાતાં થાકથી,
ઊંઘનું ઝોકું ફળ્યું છે, એટલું કાફી નથી?

દુઃખ આવ્યું થઈ ત્સુનામી ને ડૂબાડ્યાં સ્વપ્ન સૌ
આશનું તરણું મળ્યું છે, એટલું કાફી નથી?

– કિશોર બારોટ

એટલું કાફી નથીના સવાલ સાથે જીવનની વિધાયકતા રજૂ કરતી સ-રસ ગઝલ.

Comments (9)

(તમે બેવફા નથી) – મરીઝ

દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી,
આ એવી ‘હા’ છે, જેમાં તમારીય ‘ના’ નથી.

સંજોગથી વિવશ છો એ સુંદર દલીલ છે,
ચાલો મને કબૂલ તમે બેવફા નથી.

માંગુ છું એવું કંઈ કે કરે એ વિચારણા,
જલદી કબૂલ થાય એ મારી દુઆ નથી.

લાખો વિલાસ મારા છતાં કેવી વાત છે?
લાગે છે કોઈવાર કશામાં મજા નથી.

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

સારું છે તારું રૂપ છવાયું છે ચોતરફ,
મારી નજરને ક્યાંય કશી સ્થિરતા નથી.

એમાં કશી ફરજ ન સમજની જરૂર છે,
જ્યાં ઓ ‘મરીઝ’ દર્દ નથી, એકતા નથી.

– મરીઝ

મરીઝની ગઝલો એટલે લપસણી સરળતા. હળવાશથી લેવા જતાં શેરનો મર્મ જ હાથથી છટકી જાય એવું બને. પ્રસ્તુત ગઝલનો મત્લા જરા ચકાસો. પ્રેમનો દાવો કરીએ તો બનવાજોગ છે કે પ્રિયતમા ના કહીને પ્રસ્તાવ ઠુકરાવે. પ્રેમના પ્રસ્તાવનો જવાબ ક્યાં તો ‘હા’માં મળે અથવા ‘ના’માં મળે. પણ મરીઝનો તો મુદ્દો જ અલગ છે. પ્રેમનો દાવો કરીએ તો ‘ના’ સાંભળવાનું જોખમ રહે ને? એ કહે છે કે હું પ્રેમનો દાવો કરું તો એનો કંઈને કંઈ બદલો તો મળવાનો જ છે. પ્રેમિકા પ્રેમના દાવાને તો નકારી શકે પણ પ્રેમીના દાવાના બદલામાં પોતે કંઈક તો કહેશે જ એવી પ્રેમીની દલીલમાં તો એણે પણ હામી જ ભરવી પડે છે… છે ને મજાની વાત!

Comments (6)

રળિયામણું… રળિયામણું – સંજુ વાળા

કહેવું હતું જે કૈં તે કહેવાઈ ગયું, ઉપરાંત કહેવાશે ઘણું,
કારણ: ગઝલના પિંડમાં રસછોળ થઈ છલકાય છે મબલખપણું.

બોલે-લખે નહિ કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં, ઉત્તમ ગણું,
કિન્તુ હવે નહિ કોઈ અધકચરું કે ઉચ્ચારે જરાપણ વામણું.

એવું થયું કે એક દિ’ આવ્યું નદીને સ્વપ્ન એક્ સોહામણું,
બસ ત્યારથી નિરખ્યાં કરે છે આભને રળિયામણું, રળિયામણું.

તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’

હું જાત, જગ કે જીવને તતકાળ તરછોડીને છૂટી જાઉં પણ-
કરવું શું એનું જે સતત સાથે રહે થઈને નર્યું સંભારણું.

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!

– સંજુ વાળા

મત્લામાં કવિ વાત ગઝલના અક્ષયપાત્રની માંડે છે, પણ હકીકતે એ વાત કવિતાસમગ્રને સ્પર્શે છે. જે જે વાત કવિતામાં કરી શકાય, કરવી જોઈએ એ તમામ વાત કહેવાઈ ગઈ હોવા છતાં હજી એનો અંત આવ્યો નથી કે આવનાર પણ નથી, એનું કારણ આપતાં કવિ કહે છે કે ગઝલના પિંડમાં રસની છોળ થઈને મબલખપણું છલકાઈ રહ્યું છે. કવિ અંતિમવાદી છે. ક્યાં ગઝલને પૂરી પ્રમાણો અથવા બિલકુલ મૌન રહો. ગઝલ બાબતે કોઈ અધકચરી કે ઉતરતી વાત કરે એના કરતાં ગઝલ વિશે કોઈ કશું બોલે-લખે નહીં કે પ્રતિભાવ પણ નહીં આપે એને કવિ ઉત્તમ ગણે છે. છેલ્લો શેર પણ કવિતા સંબંધી જ છે. સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું સમ્યક ઋણ ફેડી ન શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું ઋણ ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના સાથે વિરમે છે.

Comments (12)

કોઈ તારું નથી….. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.

જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.

કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મજબૂત ગઝલ ! સ્પષ્ટ વાત ! એક એક મુદ્દે સંમત 🙏🏻 ! વિડંબના એ છે કે આ સત્ય જ્યારે જ્ઞાન-જન્ય સમ્યક્ભાવે સમજાય ત્યારે બેડો પાર થાય – આ સત્ય કડવાશે બોલાય તો વ્યગ્રતા જ વધે…..

યાદ આવે – “ કસમેં વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા….. કોઈ કિસીકા નહીં યે ઝૂઠે નાતેં હૈં નાતોં કા ક્યા….”

 

Comments (2)

(જળને તરસતી માછલીને) – સંદીપ પૂજારા

કોઈ જળને તરસતી માછલીને જળ મળે એમ જ,
મને જોતાં જ તું વળગી પડે મારા ગળે, એમ જ!

કદી ગુસ્સો કરું તો પણ મને તું સાંભળી લે છે,
કોઈ સત્સંગી પાક્કો સંતવાણી સાંભળે એમ જ!

તને જોતા જ કેવો પાણી પાણી થઈ જઉં છું હું
તું મારામાં ભળે છે બર્ફ એમાં ઓગળે એમ જ!

રિસાઈ જાય મારાથી છતાં મારી તરફ આવે,
દડો દીવાલને અથડાઈને પાછો વળે એમ જ!

નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!

– સંદીપ પૂજારા

એક તો મરીઝ જેવી સરળ-સહજ બાની અને નફામાં પાંચેય શેર આસ્વાદ્ય! પ્રેમમાં પ્રેમીજનોની તડપને વ્યક્ત કરતી મુસલસમ રચના. સમ-બંધમાં પુરુષ કરતાં સ્ત્રી વધુ સમર્પિત હોય છે, એ વાત તો સર્વવિદિત છે. પણ એના આ ત્યાગ-સમર્પણ-પ્રેમને તંતોતંત સમજી શકે એવો પુરુષ બહુ ઓછી સ્ત્રીના નસીબમાં હોય છે. આવી જ કોઈ સદનસીબ નાયિકાની વાત માંડતી મજાની ગઝલ આજે માણીએ. જળ વિના તડપતી માછલીને જળ પ્રાપ્ત થાય એમાં કેવળ એ હાશકારો નથી અનુભવતી, જિંદગી પણ પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રિયા પ્રિયતમને ગળે વળગે છે, તે કેવળ પ્રેમની હૂંફ પામવા નહીં, પોતાના જીવનની પુનઃપ્રાપ્તિની તૃષાતૃપ્તિ ખાતર. સાવ સાધારણ લાગી શકે એવા પ્રતીકની મદદથી પ્રણય-તલસાટની તીવ્ર પરાકાષ્ઠા વ્યક્ત કરી શકતો આ શેર તો ઉત્તમ છે. વારંવાર મમળાવવી ગમે એવી આ આખી ગઝલ નખશિખ સંતર્પક થઈ છે. વળી, નિભાવવી અઘરી પડે એવી ‘એમ જ’ જેવી અનૂઠી રદીફ પણ કવિ બખૂબી નિભાવી શક્યા છે.

Comments (31)

(પ્રગટાવે મને) – હરીશ ઠક્કર

સાંજ પડતાંવેંત પ્રગટાવે મને,
યાદ આખી રાત સળગાવે મને.

એને જ્યારે એનું ધાર્યું કરવું હોય,
ત્યારે-ત્યારે ભાન ભુલાવે મને.

હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.

વાતમાંને વાતમાં કહેવાઈ જાય,
વાતને ગોઠવતાં ના ફાવે મને.

હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…

– હરીશ ઠક્કર

સરળ ભાષામાં સહજસાધ્ય રચના. સાચું બોલવાનો તાવ આવે ત્યારે ડહાપણ સમજદારીની પેરાસિટામોલ લઈને ચુપ રહેવામાં જ છે, ખરું ને? જે કહેવું હોય એને શબ્દોમાં ગોઠવીને રજૂ કરવાના બદલે વાતમાંને વાતમાં સહજતાપૂર્વક કહી દેવાની કવિની હથોટી એમના કવનમાં પણ સાંગોપાંગ ઊતરી આવી છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (14)

(બેસીએ) – રમેશ પટેલ ‘ક્ષ’

વૃક્ષ નીચે છાંયડામાં બેસીએ,
ભીતરે ખાલી જગામાં બેસીએ!

ચાલ મારી સાથમાં મૃગજળ તરફ,
ને પછી ત્યાં નાવડામાં બેસીએ !

કયાં સુધી ભટકયા કરીશું આપણે?
બિંબ થઈને આયનામાં બેસીએ!

કર્ણની માફક કુંવારી કૂખમાં,
જન્મ લઈને પારણામાં બેસીએ!

એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!

– રમેશ પટેલ ‘ક્ષ’

સહજ સાધ્ય રચના…

Comments (1)

અવનવું કમાયો છું – લલિત ત્રિવેદી

દુકાનદાર, સૂણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું!

મેં ખોટ ખાઈને બરકત બચાવી લીધી છે,
વણીને સાખીઓ હું અવનવું કમાયો છું!

અમૂલી આંખને સાટે લીધી છે આ જગ્યા,
હે સુરદાસજી, હું તાગવું કમાયો છું!

કે લાજ રાખજો, પેઢી આ ના પડે કાચી,
ઇ વ્હાલા સોનીડાનું ત્રાજવું કમાયો છું!

ન રંજ છે કે મેં દીવાળું કાઢી નાખ્યું છે,
રૂપૈયા વેચી લહાઈ લાગવું કમાયો છું!

ભલે જમાલભાઈ ધંધાનો ગણાયો છું,
ગલ્લાઓ ખંખેરીને જાપવું કમાયો છું!

વસત-બચત બધુંયે વેચી લીધી છે લેખણ,
ભરી બજારેથી ઊઠી જવું કમાયો છું!

ઉતાર્યાં વ્હાણ બારોબાર બારખડી બા’રા,
હું એકોતેર પેઢી તારવું કમાયો છું!

– લલિત ત્રિવેદી

લલિત ત્રિવેદીનો અવાજ અલગ તરી આવતા ગઝલકારનો અવાજ છે. દુકાનદાર સાથેનો સંવાદ આમ તો ગ્રાહકનો હોય, પણ અહીં દુકાનદાર સાથે દુકાનદાર જ વાત કરે છે. કહે છે, સાંભળો, તમે લોકો જે કમાવ છો એનાથી સાવ અલગ વસ્તુ હું કમાયો છું. મેં નિરાંત ખર્ચી નાંખી છે અને બદલામાં સતત જાગવું કમાયો છું. અહીં આવીને સમજાય છે કે કથક દુકાનદાર ઈશ્વરભક્ત છે અને જગત આખું સામાનો દુકાનદાર છે. કબીર, સુરદાસ, અખા વગેરેના સંદર્ભ વાતને વધુ રોચક બનાવે છે.

Comments (8)

મૂકી દઉં – ભરત વિંઝુડા

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિમિત્ર શ્રી ભરત વિંઝુડાના વધુ એક ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સહૃદય સ્વાગત છે…

કવિની સિગ્નેચર-સ્ટાઇલમાં જ લખાયેલ એક સરળ-સહજ પણ સ-રસ રચના આપ સહુ માટે…

Comments (6)

મેલાં વસ્ત્રો – ‘ગની’ દહીંવાલા

આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,
લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે.

જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,
નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.

જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,
આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.

પાંપણ ! જો નહીં રોકો આંસુ, તો પોતે પણ ભૂંસાઈ જશે,
અસ્તિત્વ રહે ના કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.

જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,
પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે ?

ઓ જીવન સાથે રમનારા ! એક દી તારે રડવું પડશે,
નાદાન ! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.

તું છે ને અડગતા છે તારી હું છું ને પ્રયાસો છે મારા,
કાં આંખ ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.

ઓ આંખ ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,
ચાતક ! એ ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.

ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.

– ગની દહીંવાળા

Comments (1)

પાણી ઝર્યું – સ્નેહી પરમાર

આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!

દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું.

પૂર્વજોએ લાવીને મૂક્યું હતું,
મેં તો ઊભા થઈને એને પાથર્યું.

એણે શસ્ત્રોની સજાવટ આદરી,
મેંય મારું આંગણું સરખું કર્યું.

એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.

સાથ લીધો પથ્થરોએ દેવનો,
લાકડું હળવાશને લીધે તર્યું.

– સ્નેહી પરમાર

લયસ્તરો પર કવિમિત્ર સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત.

ફૂદાંના તેજસ્વી રંગોમાં કવિને અગનઝાળ દેખાય છે. આ એવી તો પોતિકી ઝાળ છે જે ન તો અગ્નિથી પ્રગટી શકે, ન એને વાયુ ઠારી શકે. બાપ પોતાની જાત પૂરીને, બાળીને ઘરનો દીવડો સળગતો રાખે છે એ વાત બાપ યાદ આવતાં પરિણીત દીકરી વડે કોડિયામાં ઘી ભરવાના રૂપકથી કેવી ઝળહળ થઈ છે! व्यासोच्छिष्टं जगत्सर्वम्ની વાત યાદ અપાવતો શેર થોડો અસ્ફુટ રહી ગયો છે. આપણાં વિચાર-ભાષા-કળા-આવડત આ તમામ આપણાં પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, કશું આપણું પોતાનું નથી. કેવળ આપણને મળેલ વારસાને ઊભા થઈને આપણે કઈ રીતે વિસ્તારીએ છીએ એમાં જ આપણી આવડત છતી થાય છે. સામો માણસ લડવાની તૈયારી કરે, એનો સામનો કરવા કવિ સામા આયુધ સજવાને બદલે આંગણું સરખું કરે છે. પ્રેમભર્યો આવકાર જ વિરોધીને જીતવા માટેનું ખરું શસ્ત્ર ગણાય ને!? માટલામાંથી ધીમેધીમે પાણી ઝરવાની વાતને પોતાનામાંથી દૂર ચાલ્યાં ગયેલ પ્રિયા સાથે સંકળી લેતો શેર તો હાંસિલે-ગઝલ છે. છેલ્લો શેર પણ અદભુત.

Comments (5)

ચંદ્ર ૫૨ – રમેશ આચાર્ય

સૂર્યોદયની ચર્ચા થોડી,
કરવી પડશે વહેલી-મોડી.

ધરતી ફાડી અંકુર ફૂટ્યો,
રહેતું સચરાચર કર જોડી.

દરિયાનાં મોજાં મસમોટાં,
લાવે કાંઠે ફૂટી કોડી.

રેતીના કૂબા કૈં પાડી,
સાગરની હદ શિશુએ તોડી.

ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
રહેશે ગઝલ પહેલાં ખોડી.

– રમેશ આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.

જીવનમાં દુઃખ-મુસીબતોની રાત વધુ પડતી લાંબી થઈ જાય ત્યારે સુખનું સવાર ઊગશે કે કેમ એ વિશે વહેલા-મોડા પણ વાત-વિચાર-પ્રયત્ન કરવા જરૂરી થઈ પડે છે. બીજમાંથી ફૂટતો અંકુર ધરતી ફાડીને બહાર નીકળે એ સંસારનું સૌથી મોટું કૌતુક છે. આ એક એવો ચમત્કાર છે, જેની સામે સચરાચર નમી જાય છે. નામ બડે ઔર દર્શન ખોટેની વાત કહેતો ફૂટી કોડીવાળો શેર પણ મજાનો થયો છે. મોટાઓની અલ્પતાની વાત કર્યા પછી તરત જ નાનાઓની મોટાઈની વાત કરતો શેર પણ આસ્વાદ્ય બન્યો છે. સરવાળે મજાની ગઝલ.

Comments (6)

પાનખર બેઠી – હેમંત પૂણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

લયસ્તરોના આંગણે કવિમિત્ર હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહેરની ગઝલની સાંકડી ગલીમાં વેઠી-બેઠી-હેઠી જેવા પડકારભર્યા કાફિયા વાપરીને કવિતાનો પ્રકાશ કરવાનું કામ બાહોશ ગઝલકાર જ કરી શકે. ‘ગાલગા ગાલગાલ ગાગાગા’ મીટરમાં આખરી આવર્તન ‘ગાગાગા’ના સ્થાને ‘ગાલલગા’ પણ લઈ શકાય એ વાતથી તો મોટાભાગના ગઝલકાર વાકેફ હશે જ, પણ આ જ મીટરમાં પહેલા આવર્તનમાં ‘ગાલગા’ના સ્થાને ‘લલગા’ પણ લઈ શકાય એ વાત બહુ ઓછા ગઝલકાર જાણતા હશે. હે.પૂ. ગઝલશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને ખાસ તો ખૂબ જિજ્ઞાસુ કવિ છે, એટલે એમની ગઝલોમાં છંદોની આવી બારીકી જોવા ન મળે તો જ નવાઈ. ગઝલના બીજા તથા આખરી શેરના સાની મિસરાઓ- ‘હજી હિમ્મત નથી પડી હેઠી,’ ‘ઋતુ બદલાઈ, પાનખર બેઠી’–ના પ્રથમ આવર્તનોમાં મીટરનો આ વિકલ્પ કવિએ પ્રયોજ્યો છે. આટલી તકનિકી બાબત જોયા પછી ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.

Comments (11)

કામ આવી છે – વિકી ત્રિવેદી

નથી તારું ગજું કિંતુ હિમાયત કામ આવી છે,
કહું જો સ્પષ્ટ શબ્દોમાં: ખુશામત કામ આવી છે.

વધારાનું કદી પણ ના ખપે, આદત હતી મારી,
અભાવોમાં મને મારી એ આદત કામ આવી છે.

ભલા નિષ્ફળ મહોબ્બતને નકામી કઈ રીતે કહેવી?
ઘણાયે શેર લખવા આ મહોબ્બત કામ આવી છે.

નહિતર તો પ્રસિદ્ધિની હવામાં ઊડતો હોતે,
મને ધરતી ઉપર રહેવા બગાવત કામ આવી છે.

જીવન એકેક કરતાં તૂટતાં જોવામાં વીતી ગ્યું,
મને સ્વપ્નોની આ મોટી વસાહત કામ આવી છે.

બીજી વેળા જવું કે નહિ સગાઓના ઘરે પાછું,
એ નક્કી કરવા માટે તો શરારત કામ આવી છે.

આ જંગલરાજમાં જો જીવવું છે તો તું સક્ષમ થા,
અહીં કોને કદી કોઈ અદાલત કામ આવી છે?

સતત જો પ્રેમ મળતે તો ‘વિકી’ આગળ નહીં જાતે,
મને આગળ જવા લોકોની નફરત કામ આવી છે.

– વિકી ત્રિવેદી

નોખા મિજાજના નોખા કવિની ગઝલ.

Comments (3)

નામ રણનું – કોટક ધાર્મિક ‘ગોપાલ’

નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.

જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.

આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.

એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.

– કોટક ધાર્મિક ‘ગોપાલ’

ચાર જ શેર, ટૂંકી બહેર અને સંઘેડાઉતાર રચના. સરળ ભાષામાં અર્થગહન મનનીય અભિવ્યક્તિ. આંખમાં ફક્ત શાયરી રાખોવાળો શેર તો દિલને સ્પર્શી ગયો. છેલ્લા શેરમાં કાફિયાદોષ નિવારી શકાયો હોત તો વધુ સારું થાત.

Comments (17)

(लगता है वो अब आएगा) – मेगी असनानी

लगता है वो अब आएगा
फिर लगता है, कब आएगा !

क्या लिखना है इन रातों को?
ख़ुद जानेगा, जब आएगा

उसके साथ गया है सबकुछ
जब आएगा सब आएगा

पास क़यामत आ ही गई अब
शायद वो भी अब आएगा

मैं कहती हूँ तो ये तय है
प्यार का उसको ढब आएगा

आने का बोला था उसने
बोला था मतलब आएगा

उसका आना ऐसे होगा,
जैसे मेरा रब आएगा

– मेगी असनानी

ઘણા ગુજરાતી કવિઓની કલમ ગુજરાતી ભાષા સુધી સીમિત ન રહી અન્ય ભાષાઓના સીમાડાઓ તાગવા આગળ વધી છે. પરભાષાના ગુલદસ્તામાંથી એક ફૂલ આજે લયસ્તરોના ભાવકો માટે. સરળ-સહજ ભાષામાં આખેઆખી ગઝલ આસ્વાદ્ય.

Comments (3)

ધીમી ધારે – તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
દિલને તારી યાદો શારે.

ધા… તીન… ના.. બાજે મોભારે,
ભીતર વરસે તું ચોધારે.

સપનાં તો વણઝારા જાણે,
ના જાણે ક્યાં કાલ સવારે.

છાતી ફાડી ગીતો જાગે,
મેઘ મલ્હારે આભે જ્યારે.

ગામ-ગલી તો નદીયુંમાં, ને–
હું ડૂબ્યો, પાંપણ-ઓવારે.

ધસમસતો લીલપનો આસવ,
તન પર ચઢતો પહેલી ધારે.

– તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ જ સમજાતું નથી. ટપ-ટપ-ટપ-ટપ ધીમી ધારે પ્રિયજનની યાદો પ્રેમી હૈયાને શારતી રહે છે એ વાત બે સાવ નાના મિસરામાં સાવ સહજ ભાષામાં પણ કેવી બળુકતાથી કવિએ રજૂ કરી છે. કાફિયાનો આવો સમુચિત ઉપયોગ જવલ્લે જ જોવા મળે છે. ઘરના મોભારે વરસાદના ટીપાંઓ હળવું સંગીત સર્જે છે, પણ કથકની ભીતર પ્રિયજન તો ચોધારે વરસે છે. સરવાળે, આખેઆખી ગઝલ આસ્વાદ્ય થઈ છે.

Comments (20)

ખુશબૂથી મારું…..- અનિલ ચાવડા

ખુશબૂથી મારું ગળું ટૂંપાવ નહિ.
છોડ, આ રીતે મને મ્હેંકાવ નહિ.

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.

હું પળેપળ ખૂબ બદલાતો રહું,
મારી સાથે પણ મને સરખાવ નહિ.

મારું આ ઊંડાણ છે મારા સમું,
ખીણ, દરિયો, ખાઈ, કૂવો, વાવ નહિ.

એમ ભીતરમાં અનામત ક્યાંથી દઉં?
જ્યાં સુધી તું યોગ્યતા દર્શાવ નહિ.

ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.

– અનિલ ચાવડા

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં…..- આ શેર પર હું અટકી ગયો….

આખી ગઝલ મજબૂત….

Comments (3)

(કઈ રીતે ધારું?) – અંજના ભાવસાર ‘અંજુ’

તને છોડી જયારે બીજું કંઈ વિચારું!
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?

પછી બમણા વેગે તું ભેટી પડે છે,
હું તકરાર પણ એટલે આવકારું.

અધૂરી રહી પણ, ગઝલ પૂરી આપે-
ભલા, ઋણ ઇચ્છાનું ક્યાંથી ઉતારું!

તને યાદ ના હો ભલે શબ્દ મારા,
છે મારા સ્મરણમાં હજી મૌન તારું.

ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે;
છતાં તું ગમે છે, તને નહિ મઠારું.

કઈ ફૂટપટ્ટીથી માપું એ અંતર?
તું કહેતો હતો ‘તારું’, કહે છે ‘તમારું’!

– અંજના ભાવસાર ‘અંજુ’

સાંભળતાવેંત ગમી જાય એવી ગઝલ. પણ બીજીવાર સાંભળો કે વાંચો ત્યારે પહેલીવાર કરતાં વધારે ગમી જવાની ગેરંટીવાળી. પ્રિયજન સિવાયનું કશું બીજું વિચારી જ ન શકાય એવી પ્રેમની પરવશતા મત્લામાં કેવા સરળ શબ્દોમાં વ્યક્ત થઈ છે! પ્રણયોર્મિની આ ઉત્કટતા તો કેવળ સ્ત્રીની કલમમાંથી જ જન્મી શકે. સંબંધમાં ઝઘડો પ્રેશરકૂકરનું કામ કરે છે. સમય પર સીટી ન વાગે તો કૂકર ફાટી જાય. સંબંધમાં ઝઘડાની સીટી સમયે-સમયે વાગતી રહે તો હૈયાવરાળ નીકળી જવામાં આસાની રહે. અને એકવાર સીટી વાગી જાય એટલે કૂકર જે રીતે રસોઈ બરાબર બનાવવાના કામે લાગી જાય, એ જ રીતે તકરાર કર્યા બાદ બે પ્રિયજન ‘ન સાંધો ન રેણ’ની જેમ એકમેકમાં ઓગળી જતાં હોય છે. ઝઘડા પછી બમણો પ્રેમ મળતો હોવાના લોભે જ નાયિકા ઝઘડાને પણ આવકારે છે. પૂરી ન થતી ઇચ્છાઓ આખરે શબ્દોમાં અભિવ્યક્તિ શોધી લેતી હોય છે, એ વાત તો સર્વવિદિત છે, પણ સર્જક જ્યારે આ અધૂરી ઇચ્છાઓનો ઋણસ્વીકાર કરે છે ત્યારે કવિતા સર્જાય છે. સરવાળે સાદ્યંત આસ્વાદ્ય ગઝલ…

Comments (16)

(દિલ વધારે દુઃખશે) – ‘અગન’ રાજ્યગુરુ

કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!

જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂંછશે?

એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!

મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?

જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!

રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!

ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?

– ‘અગન’ રાજ્યગુરુ

સરળ પણ હૃદયસ્પર્શી વાત કરતી ગઝલ. જિંદગી દુઃખસાગરમાં એવી તો ગરકાવ થઈ ગઈ છે કે કોઈ પૂછવા ખાતર પણ ખબર-અંતર પૂછી બેસશે તો દિલ વધુ દુઃખનાર છે. ઈર્ષ્યાભાવ પણ આજની દુનિયા પર એવો અજગરભરડો લઈને બેઠો છે, કે પ્રિયપાત્ર પાસેથી કવિ કેવળ તારામૈત્રકની જ અપેક્ષા રાખે છે, કારણ એને સ્મિત આપતાં જોઈ જશે તો ઘણા લોકોને પેટમાં દુઃખશે. કવિની દોલત કોઈ લૂંટી શકવાને સમર્થ નથી એ વાતે ખોંખારતો શેર ઘણો મજાનો થયો છે. સરવાળે આખી રચના આસ્વાદ્ય.

Comments (13)

(ઝળહળ નથી) – કિરણસિંહ ચૌહાણ

જેવી તું ઝંખે છે એ ઝળહળ નથી,
મારી પાસે પાણી છે, મૃગજળ નથી.

સાવ મેલું મન લઈ આવી ન જા,
તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.

ધમપછાડા ટોચ પર ટકવાના છે,
બાકી વધવામાં કશું આગળ નથી.

ડાળ છોડી ફૂલદાનીમાં ગયા,
આજથી તકદીરમાં ઝાકળ નથી.

કેટલા આગળ છીએ એ જોયું નહિ,
એટલું જોયું કે બહુ પાછળ નથી.

– કિરણસિંહ ચૌહાણ

ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બન્યો છે, એનું પ્રમુખ કારણ એ છે કે કેવળ બે પંક્તિની સાંકડી જગ્યામાં એ હૃદયસ્પર્શી વાત મૂકી શકે છે. આ ગઝલ જુઓ: ઝાકમઝોળ આજે આપણી ખરી તૃષા બની ગઈ છે, પણ સાચી તૃષા છીપાવનાર પાણી પાસે તો કેવળ સાદગી જ છે. એક અદભુત મત્લાની બે જ પંક્તિઓમાં કવિ માનવજીવનની કારમી વાસ્તવિકતા સાથે આપણને મુખામુખ કરાવે છે. દૂરથી નજરે ચડતું મૃગજળ રણ કે રસ્તા પરથી સૂર્યપ્રકાશના થતા પરિવર્તનના કારણે ખૂબ ચમકીલું અને આકર્ષક દેખાય છે, પણ એની હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. જીવનભર ખોટી ચમક પાછળ દોડતા લોકોને ડંખ વિનાના ચાબખો મારીને કવિ સ-રસ સાવધાન કરે છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

Comments (9)

(સો ગણું છે) – હરીશ ઠક્કર

સમજ આટલી આવે તો પણ ઘણું છે,
સમજમાં નથી એ હજી સો ગણું છે.

અમે કોઈનાથી પ્રભાવિત ન થઈએ,
અમારામાં જે છે એ પોતાપણું છે.

તમે નામ આપો તે નામે કરી દઉં,
ગગન નીચે જે છે, બધું આપણું છે…

તમારી પ્રતિમા તમારા થકી છે,
તમારા જ હાથોમાં એ ટાંકણું છે.

બીડાઈને ખૂલતું, ખૂલીને બીડાતું,
નયન જેવું નમણું તો બસ, પોયણું છે!

અરે! જિંદગી એવી જીવી ગયો છું,
ઘણીવાર લાગે જીવન વામણું છે.

– હરીશ ઠક્કર

ફરી એકવાર નિવડેલી કલમથી સ્રવેલી સાદ્યંત સુંદર રચના. આપણી ઇમેજના એકમાત્ર અને ખરા ઘડવૈયા આપણે સ્વયં છે એ વાત એકદમ સાહજિકતાથી કહેતો શેર તો હાંસિલે-ગઝલ શેર છે…

Comments (4)

(જેવું છે) – ભાર્ગવ ઠાકર

આખું આકાશ દંગ જેવું છે,
આંગણે કંઈ પ્રસંગ જેવું છે.

દોર પકડી છે એ કરે ચિંતા,
આપણું તો પતંગ જેવું છે.

આંખ મીંચું ને તારા લગ પહોંચું,
ભીતરે કંઈ સુરંગ જેવું છે!

પૂર્ણ તૃપ્તિ પછી થયા સાધુ,
કે પછી મોહભંગ જેવું છે?

છે બધા મોહ માત્ર કાયાને,
જીવનું શ્વેત રંગ જેવું છે.

– ભાર્ગવ ઠાકર

સાદ્યંત સુંદર રચના… બીજો-ત્રીજો શેર તો શિરસાવંદ્ય !

Comments (1)

(સતત બદલાય છે) – કુણાલ શાહ

કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
સત્યનો ચહેરો સતત બદલાય છે.

દોડતા રસ્તાના પગ લથડ્યા હશે?
કે પછી કિસ્સો અહીં ફંટાય છે?

જે સમજની કૂખથી જન્મી હતી,
એ સમસ્યા પુખ્ત વયની થાય છે.

આપણા સંબંધ કહેવત પર ગયા,
તેર તૂટે એક જ્યાં સંધાય છે.

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.

– કુણાલ શાહ

સરળ ભાષામાં સીધી વાત. વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. સત્યનો ચહેરો સતત બદલાય છે એ વાત પર જરા ભાર મૂકીને વાંચીએ તો તરત જ સાવ સાદો લાગતો મત્લા કેટલો અર્થગહન છે એનો ખ્યાલ આવે છે. સમસ્યાવાળો શેર પણ ઉત્તમ થયો છે. જીવન (આપણા અને ખાસ તો, સામી વ્યક્તિના)ને જેમ આવે એમ સ્વીકારતાં શીખી લઈએ તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ શમી જાય. કારણ વિના ઘટી ગયેલ ઘટનાની સ્પષ્ટતા કરવા જઈએ એમાંથી જ મહદતર સમસ્યાઓ સર્જાતી હોય છે.

Comments (2)

મુકદ્દરથી – નાઝિર દેખૈયા

સુણે ના સાદ મારો તો મને શું કામ ઈશ્વરથી?
છિપાયે ના તૃષા તો આશ શી રાખું સમંદરથી?

ભલા આ ભાગ્ય આડે પાંદડું નહિ તો બીજું શું છે?
કે એ ડોકાઈને ચાલ્યા ગયા મુજ ઘરના ઉંબરથી.

લખ્યા છે લેખ, એની આબરૂનો ખ્યાલ આવે છે;
નહીં તો ફેંસલો હમણાં કરી નાખું મુકદ્દરથી.

બતાવી એક રેખા હાથમાં એવી નજૂમીએ;
સરિતની મીઠી સરવાણી ફૂટી જાણે ગિરિવરથી.

કોઈ સમજાવો દીપકને કે એની જાતને પરખે;
ઉછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી?

નકામી જીદ છોડીને તમારી આંખને વારો;
નથી અજમાવવું સારું અમારા દિલને ખંજરથી.

ભલા પરદા મહીં દર્શન મળ્યેથી શું વળે ‘નાઝિર’
તૃષા છીપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી.

– નાઝિર દેખૈયા

પરંપરાના શાયરના ખજાનામાંથી એક અમૂલ્ય મોતી…

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૯ : किसी के बाप का हिन्दोस्तान थोड़ी है – राहत इंदौरी

अगर ख़िलाफ़ हैं होने दो, जान थोड़ी है
ये सब धुआँ है कोई आसमान थोड़ी है

लगेगी आग तो आएँगे घर कई ज़द में ( जद = नुकसान )
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है

मैं जानता हूँ के दुश्मन भी कम नहीं लेकिन
हमारी तरहा हथेली पे जान थोड़ी है

हमारे मुँह से जो निकले वही सदाक़त है ( सदाकत = सच्चाई )
हमारे मुँह में तुम्हारी ज़ुबान थोड़ी है

जो आज साहिबे मसनद हैं कल नहीं होंगे ( साहिबे मसनद = તખ્તનશિન )
किराएदार हैं ज़ाती मकान थोड़ी है

सभी का ख़ून है शामिल यहाँ की मिट्टी में
किसी के बाप का हिन्दोस्तान थोड़ी है

– राहत इंदौरी

રાજનૈતિક કાવ્યની વાત હોય અને રાહતસાહેબ ન હોય એવું બને !!!!

છેલ્લો શેર તો એટલો મજબૂત છે કે જ્ર્યાં સુધી ભારત દેશ છે ત્યાં સુધી ભૂલાશે નહી…. નક્કર સત્યની બળકટ અભિવ્યક્તિ.

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૭ : ગાંધીજી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

રાજકીય રંગની કવિતાઓ આપણે ત્યાં ભાગયે જ રચાય છે. એમાં વળી રાજકીય કવિતાઓના આખા સંગ્રહની તો અપેક્ષા પણ ન રાખી શકાય. આવી સ્થિતિમાં શેખાદમ આબુવાલાએ સિત્તેરના દાયકામાં ‘ખુરશી’ નામે રાજકીય કાવ્યોનો નાનકડો સંગ્રહ કરેલો. સાંપ્રત પરિસ્થિતિને નજરમાં નાખીને કટોકટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલા કાવ્યો લોકોનો ખૂબ પ્રેમ પામ્યા છે. એમાંથી બે – એક મુક્તક અને એક ગઝલ – અહીં લીધા છે.

બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. શેખાદમ – અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું / રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! – એવા ચાબખા જેવા શેર લખે છે.

વ્યંગ અને એમાંય રાજકીય વ્યંગમાં ‘ખુરશી’નું સ્થાન અચળ છે.

Comments (2)

હજારો શૂન્ય – બાબુલાલ ચાવડા ‘આતુર’

હજારો શૂન્ય જ્યાં ટોળે વળે છે,
હૃદયમાં એક એવું સ્થળ મળે છે.

ક્ષિતિજની રેખ પર પ્રત્યેક સાંજે,
તૃષાનું તત્ત્વ ઝીણું ઝળહળે છે.

ક્ષણોનો કાફલો તરસ્યો થયો છે,
નદી સંજોગની ક્યાં ખળખળે છે?

સમુદ્રો સાત ઊમટે આંખમાં પણ,
ભીતર તો એક વડવાનલ બળે છે.

વિરહ છે શાપ કોઈ શંખિણીનો,
સતીનું વેણ થઈ શાને ફળે છે?

ઉગાડ્યાં કલ્પવૃક્ષો આંગણે પણ,
વિધિના લેખ ક્યાં ટાળ્યા ટળે છે?

જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

*

‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’

– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ. કોઈ શબ્દ એવો નથી, જેનો અર્થ જોવા શબ્દકોશ ઉઘાડવો પડે, રદીફ-કાફિયા પણ સર્વસામાન્ય છે, પણ ખરી કરામત કાવ્યબાનીમાં છે. દરેક શેર આજની બીબાંઢાળ ગઝલોના ફાલથી અલગ તરી આવે છે. ‘સતી શ્રાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ’ એ કહેવતનો વિનિયોગ કરીને પણ કવિએ કેવો સ-રસ શેર જન્માવ્યો છે! સરવાળે નખશિખ સંતર્પક રચના.

Comments (8)

આત્મબળ – ‘ગની‘ દહીંવાળા

આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.

લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.

જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે.

જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.

કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો.
જે રીતે સંધા-ઉષાના રંગ મોહક હોય છે.

તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.

આમ જનતાના હૃશ્યમાં જઈને લાવે પ્રેરણા, *
હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.

(* સ્વ. મેઘાણી આ મુશાયરામાં પ્રમુખ હતા એમના પ્રતિ ઇશારો છે.)

 

– ‘ગની‘ દહીંવાળા

મત્લા અને મક્તાએ મન મોહી લીધું…. આજે જ કોઈ મિત્ર સાથે વાત થતી હતી કે જે કોઈપણ કાવ્ય હોય કે ફિલોસોફી હોય – જનસામાન્યને સ્પર્શે જ નહીં, તો એનું શું મૂલ્ય…. ? અમુક રચના જરૂર કઠિન હોઈ શકે,પણ પ્રયત્ન તો એ જ રહેવો જોઇએ કે જનસામાન્ય સુધી કળા/જ્ઞાન પહોંચે….

Comments (2)

યાદ છે? (દીર્ઘ ગઝલ) – મુકુલ ચોકસી

આપણી વચ્ચે ક્ષણિક ઘટના બનેલી, યાદ છે?
કિન્તુ એ સદીઓની સદીઓ વિસ્તરેલી, યાદ છે?

પ્રેમ નામે એક વસાહત મેં રચેલી, યાદ છે?
જેમાં તારી સાથે કેવળ હું વસેલી, યાદ છે?

તારી સાથે રાત અગાશીમાં વીતેલી, યાદ છે?
ચાંદની ચાહતમાં ઘૂંટીને પીધેલી, યાદ છે?

તે હવા આપી તો હું કેવી છકેલી, યાદ છે?
આભમાં ઊડતા પતંગો શી ચગેલી, યાદ છે?

તારી વીંટી તેં મને આપી દીધેલી, યાદ છે?
સોનાથી નહીં, તારે પરસેવે મઢેલી, યાદ છે?

ફોન તૂટ્યો તોય અપસેટ નહીં થયેલી, યાદ છે?
મેં બધી તસ્વીરો દિલમાં સંઘરેલી, યાદ છે?

જિંદગીમાંથી મને કાઢી મૂકેલી, યાદ છે?
તોય સપનાઓમાં તારા હું બચેલી, યાદ છે?

બહારથી મજબૂત કિલ્લો હું બનેલી, યાદ છે?
કિન્તુ આખેઆખી અંદરથી તૂટેલી, યાદ છે?

રોજ સાંજે જઈ નદી કાંઠે ઊભેલી, યાદ છે?
ડૂબતા સૂરજને જોઈ બહુ રડેલી, યાદ છે?

એ ઘડી વીતી ગઈ પહેલી ને છેલ્લી, યાદ છે?
હું ફરી છલકાઈ ખુશીઓથી ભરેલી, યાદ છે?

મારા ઉપનામોથી શરમાઈ ગયા’તા ફૂલ સૌ,
રાતરાણી, જૂઈ, જાસૂદ ને ચમેલી, યાદ છે?

હાથ ઝાલી હાથમાં જયારે નીકળતાં આપણે,
ધૂમ આખી શેરીમાં કેવી મચેલી, યાદ છે?

હોળી, દિવાળી અને ઊતરાણ તો બહાના હતાં,
આપણે તકલીફને પણ ઉજવેલી યાદ છે?

દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?

આપણે નહીં હોઈએ તો સાવ મૂરઝાઈ જતાં,
એ બગીચો, એ જ ખૂણો, એ જ વેલી, યાદ છે?

તારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે…
મારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી, યાદ છે?

– મુકુલ ચોકસી

ગઈ કાલે આપણે કવિએ વર્ષો પૂર્વે લખેલી ગઝલ માણી. એ ગઝલના વિષયવસ્તુ દીકરીએ ભજવવાના નાટકમાં કામ લેવાના હેતુથી કવિપિતાએ પાંત્રીસ શેરની નવી દીર્ઘ ગઝલ લખી નાંખી. મૂળ ગઝલ પુરુષની ઉક્તિ હતી, આ ગઝલ એક સ્ત્રી વડે રચાતા સંવાદનો એકતરફી આલેખ છે. દરેક સવાલની સાથે સામેથી જવાબમાં હકાર ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. પાંત્રીસ શેરની દીર્ઘ રચનામાંથી સોળ શેર લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ… આખરી શેર મૂળ ગઝલની જ પ્રતિકૃતિ છે, કેવળ સર્જકોદ્ગાર બદલાયા છે.

Comments (11)

(—યાદ છે?) – મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી —યાદ છે?
એક દી એ મારી ગઝલોને અડેલી —યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે,
એ જ વાતો તેં બીજા કોને કરેલી? —યાદ છે?

મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?

– મુકુલ ચોક્સી

ગયા અઠવાડિયે આપણે ‘યાદ છે? રદીફવાળી ગઝલ વાંચી. વરસો પહેલાં મુકુલ ચોકસીએ આ જ રદીફ અને પ્રશ્ન સાથે આ જ રીતે લખેલી એકતરફી સંવાદ ગઝલ લખી હતી એ પણ સાથોસાથ માણીએ. ચાર જ શેરની આ દાયકાઓ જૂની ગઝલ પૂર્વ મુકુલ ચોકસીની પિછાન છે. આજે આ મુકુલ ચોકસી ક્યાં મળશે એ કોઈને યાદ છે? કહેજો તો…

Comments (7)

(નોખો છે) – નેહા પુરોહિત

આ તરફનો હકાર નોખો છે,
એ તરફનો નકાર નોખો છે.

એય બાવન ને સાતમાં રમતો,
એ છતાં ગીતકાર નોખો છે.

આજ નોખી તરસને માણી મેં,
આજનો ઓડકાર નોખો છે.

એટલેથી પડે નહીં પડઘો,
એટલે ઉંહકાર નોખો છે.

કેમ મારી ગતિ થતી જ નથી?
કેમ, આ ઓમકાર નોખો છે?

– નેહા પુરોહિત

મત્લાના ‘આ’ અને ‘એ’ને બાદ કરીએ, તો બાકીના ચારેય શેરના બંને મિસરાની શરૂઆત સમાન શબ્દો – એ-એ, આજ-આજ, એટલે-એટલે, કેમ-કેમ -થી થઈ છે. શબ્દોની આ નાનકડી રમત ટૂંકી બહેરની ગઝલમાં કવિરમણાનો અવકાશ ઓર ઘટાડીને કવિકર્મ વધુ મુશ્કેલ બનાવે છે, પણ સર્જક બહુ ઓછા શબ્દોમાં જાતને વ્યકત કરવાનો પડકાર સુપેરે ઝીલી લઈને સંઘેડાઉતાર ગઝલ આપી શક્યાં છે એનો આનંદ. ‘એટલે’ની પુનરુક્તિમાં યમક અલંકાર ચૂકવા જેવો નથી. સર્જકે એટલેથી પડઘો નહીં પડે એમ કહ્યું છે. અહીં એટલેથી એટલે એટલા અંતરથી એમ અર્થબોધ થાય છે, પણ આ અંતર વધુ છે કે ઓછું એ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. બહુ નજીકથી બોલવામાં આવે કે બહુ દૂરથી બોલવામાં આવે – આ બંને અવસ્થામાં કહેલી વાતનો પડઘો-પ્રતિસાદ સાંપડતો નથી એટલે નોખો ઉંહકાર સાંપડે છે. સરળ સહજ મત્લા પછીના બધા જ શેર ખાસ્સા અર્થગહન છે..

Comments (17)

(યાદ છે?) – રમેશ પટેલ ‘ક્ષ’

એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?

સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?

સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?

પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?

સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

– રમેશ પટેલ ‘ક્ષ’

‘યાદ છે?’ જેવી સંવાદાત્મક રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી જાણી છે એ જુઓ… બધા જ શેર સ-રસ થયા છે પણ શ્વાસ લઈને પણ સતત મરતા રહેવાના અહેસાસને ઉજાગર કરતો અંતિમ શેર તો હાંસિલ-એ-ગઝલ છે!

Comments (7)

(જોકે) – ભાર્ગવ ઠાકર

ઓછો નથી શિખરનો એને લગાવ જોકે,
વહેવું, છે માત્ર વહેવું એનો સ્વભાવ જોકે.

ચીતર્યું છે સ્મિત ચહેરે, શણગાર બહુ સજ્યા છે,
પહેર્યો છે રોમેરોમે મારો અભાવ જોકે.

ઝબકીને ઝીણું ઝીણું નક્કર તમસની વચ્ચે,
પાડે છે આગિયાઓ અઢળક પ્રભાવ જોકે.

છે તર્ક સાવ જુદા મનના અને મતિના,
બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.

ગભરાઈને વમળથી, કૂદી ગયો ખલાસી,
પ્હોંચી ગઈ કિનારે, એ રિક્ત નાવ જોકે.

– ભાર્ગવ ઠાકર

બીજો શેર જુઓ. શરૂઆત સામી વ્યક્તિએ પોતાના ચહેરા પર સ્મિત ચીતર્યું હોવાની વાતથી વાતનો પ્રારંભ થાય છે. ચીતર્યું છે, મતલબ એ બનાવટી છે, અંદરથી પ્રગટ્યું નથી. શણગાર પણ બહુ સજવામાં આવ્યા છે. પોતે ખુશ નથી પણ ખુશ હોવાની પ્રતીતિ આસપાસના લોકોને જબરદસ્તી કરાવવા માંગતી સ્ત્રીને કવિ આબાદ ચાક્ષુષ કરાવી શક્યા છે. સ્મિત ભલે ચીતરેલું છે, પણ નાયિકાનું ચિત્ર જીવંત છે. કથક જાણે છે કે પોતાનો અભાવ રોમેરોમે પહેરેલી આ સ્ત્રી પ્રણયભંગ કે પ્રણયવૈફલ્યને લઈને કેટલી તકલીફમાં છે! પણ ખરું જોઈએ તો નાયિકાની તકલીફ નાયક તંતોતંત સમજી શક્યો છે એ જ પ્રેમનું ખરું સાફલ્ય ન ગણાય? ત્રીજો અને ચોથો શેર પણ અફલાતૂન થયા છે. છેલ્લો શેર પણ સરસ થયો છે. મત્લા મને નબળો લાગ્યો એટલું બાદ કરીને મજાની ગઝલ…

Comments (7)

किसी को दे के दिल कोई…..- ગાલિબ

किसी को दे के दिल कोई नवा-संज-ए-फ़ुग़ाँ क्यूँ हो

न हो जब दिल ही सीने में तो फिर मुँह में ज़बाँ क्यू हो

જયારે દિલ કોઈને આપી જ દીધું છે, ત્યારે કોઈ શા માટે ચિત્કાર કરે !? સીનામાં દિલ જ નથી તો મ્હોમાં [ ચિત્કાર કરવા માટે ] જબાન કેમ છે ??? – મતલબ, જો દિલ કોઈને આપી જ દીધું છે તો હવે કાગારોળ શા માટે ??

वो अपनी ख़ू न छोड़ेंगे हम अपनी वज़्अ क्यूँ छोड़ें
सुबुक-सर बन के क्या पूछें कि हम से सरगिराँ क्यूँ हो

જો એ પોતાની આદતો ન છોડે તો હું મારા તૌર-તરીકા શીદને છોડી દઉં ? એ મારી સાથે આટલા ઘમંડથી કેમ વર્તે છે તે પૂછવા જેટલા મારે શા માટે એટલા નીચા નમવું ? [ અહીં જાણે ગાલિબ જાતને જ ઉપદેશ આપે છે…જે વ્યર્થ છે તે ગાલિબ પોતે પણ જાણે છે….બાકી ગાલિબની નજર સનમની નાનામાં નાની હરકત પર તકાયેલી જ છે ]

किया ग़म-ख़्वार ने रुस्वा लगे आग इस मोहब्बत को
न लावे ताब जो ग़म की वो मेरा राज़-दाँ क्यूँ हो

સનમે મને જલીલ કર્યો-આગ લાગે એવી મહોબ્બ્તને !! મારા દુઃખનું શમન કરવાની તાકાત જે ન લાવી શકે, તે મારી હમરાઝ કઈ રીતે હોઈ જ શકે ???

 

वफ़ा कैसी कहाँ का इश्क़ जब सर फोड़ना ठहरा
तो फिर ऐ संग-दिल तेरा ही संग-ए-आस्ताँ क्यूँ हो

કેવી વફા અને ક્યાંનો પ્રેમ !!! – જો મારે પથ્થરે માથું કૂટવાનું જ છે, તો હે પથ્થરદિલ સનમ, તો તે પથ્થર તારી જ ચોખટનો હોવો જોઈએ – એવું શું માટે ??? – અર્થાત – પ્રેમની અને વફાની અને એવી બધી વાતો છોડો….અંતિમ સત્ય એ જ છે કે મારે પથ્થરે માથું ફૂટવું એ જ મારુ ભાગ્ય છે. તો હું કોઈપણ પથ્થરે માથું ફૂટી લઈશ….એ પથ્થર તારી ચોખટનો જ પથ્થર હોય, અને હું તારી ચોખટે જ માથું કૂટીને જાન દઈ દઉં એવું કઈ અનિવાર્ય તો નથી જ ને ?? અહીં પણ ગાલિબની લાક્ષણિક વક્રોક્તિ છે..ગાલિબ કહેવા એમ માંગે છે કે ચોક્કસ જ હું તારી ચોખટ પર જ માથું ફોડવાનો છું…..

क़फ़स में मुझ से रूदाद-ए-चमन कहते न डर हमदम
गिरी है जिस पे कल बिजली वो मेरा आशियाँ क्यूँ हो

પાંજરામાં કેદ એવા મારી આગળ ઉપવનની વાતો કરતાં ડર નહીં મારા મિત્ર……મને ખબર છે કે ગઈકાલે વીજળી પડી છે, પણ એવું જરૂરી નથી કે તે મારા માળા/ઘર પર જ પડી હોય…. – આ અત્યંત મજબૂત શેર છે – અહીં એવું રૂપક લેવાયું છે કે એક પંખી પિંજરે કેદ છે, એનું મિત્ર બીજું પંખી એને મળવા આવે છે. કેદ પંખીને ખબર છે કે ગઈકાલે બગીચામાં વીજળી પડી છે અને મારુ ઘર ઉજડી ગયું છે તેવી શક્યતા પૂરેપૂરી છે. આગંતુક પંખીને હકીકત ખબર છે કે કેદ પંખીનો માળો બરબાદ થઇ ગયો છે, પણ આ વાત કહેતા એની જીભ ઉપાડતી નથી. કેદ પંખી સમજી જાય છે અને આ શેર કહે છે !!! આ શેરને ઘણી રીતે મૂલવી શકાય – મારું અંગત અર્થઘટન એવું છે કે અહીં ગાલિબ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે ઘણી વાતો અંદરથી સુપેરે જાણતા જ હોઈએ છીએ પણ આપણે તે વાસ્તવિકતા સ્વીકારી નથી શકતા….પલાયનવાદ અપનાવીએ છીએ…શાહમૃગવૃત્તિ અપનાવીએ છીએ…. આ સિવાયના પણ અર્થઘટનો છે….

ये कह सकते हो हम दिल में नहीं हैं पर ये बतलाओ
कि जब दिल में तुम्हीं तुम हो तो आँखों से निहाँ क्यूँ हो

તમે તો એમ કહી શકો છો કે હું તમારા દિલમાં નથી [ એટલે મારુ તમારી આંખોની સામે હોવું-ન હોવું એક સમાન છે,કબૂલ.] પણ મને એક વાત સમજાવો – મારી તો આખી વાત જ ઊંધી છે-મારા તો દિલમાં તમે અને માત્ર તમે જ છો, તો પછી તમે મારી નાંખોથી હરહમેંશ ઓઝલ જ કેમ હો છો ??? – એક હસીન ફરિયાદ છે અહીં….

ग़लत है जज़्ब-ए-दिल का शिकवा देखो जुर्म किस का है
न खींचो गर तुम अपने को कशाकश दरमियाँ क्यूँ हो

મારા દિલની દીવાનગી સામેની તમારી ફરિયાદ ખોટ્ટી છે, કોનો કસૂર છે તે તો જુઓ !! તમે તમારી જાતને અળગી ન કરો તો આપણી વચ્ચે કોઈ ખેંચતાણ બાકી રહેતી જ નથી……મતલબ, તમે પણ એટલા જ કસૂરવાર છો !

ये फ़ित्ना आदमी की ख़ाना-वीरानी को क्या कम है
हुए तुम दोस्त जिस के दुश्मन उस का आसमाँ क्यूँ हो

આ ઉપદ્રવ/ઉત્પાત આદમીના ઘરની બરબાદી માટે શું ઓછો છે ?? તમે જેના દોસ્ત હો એની બરબાદી માટે કોઈ આસમાની આફતની જરૂર રહેતી જ નથી…..

यही है आज़माना तो सताना किस को कहते हैं
अदू के हो लिए जब तुम तो मेरा इम्तिहाँ क्यूँ हो

જો આ ઈમ્તિહાન છે, તો સતાવવું/પીડવું શું છે [ એ વળી કંઈ અલગ છે ??? ] ???? જયારે તમે અન્યના થઇ જ ચૂક્યા છો, તો મારો ઈમ્તિહાન શીદને લો છો ???? – આ પણ જોરદાર શેર છે….

कहा तुम ने कि क्यूँ हो ग़ैर के मिलने में रुस्वाई
बजा कहते हो सच कहते हो फिर कहियो कि हाँ क्यूँ हो

મારા હરીફ એવા તમારા અન્ય આશિકને મળવામાં વળી શું વાંધો ? – તમે એવું કહો છો. વ્યાજબી કહો છો, સાચું કહો છો, ફરીથી કહો કે – હા ભાઈ, એમાં શું વાંધો ?? – અહીં ગાલિબ કારમો કટાક્ષ કરે છે…..

निकाला चाहता है काम क्या ता’नों से तू ‘ग़ालिब’
तिरे बे-मेहर कहने से वो तुझ पर मेहरबाँ क्यूँ हो

તું ટોણાંઓથી કામ થઈ જશે એવી વ્યર્થ આશા રાખી બેઠો છે ગાલિબ……તું એને બેરહમ/લાગણીહીન કહે છે અને વળી એની જ પાસેથી લાગણીની/રહમની ઉમ્મીદ રાખે છે !!! તારા આવા ટોણાંઓની અથવા તો તારાં તારીફના ફૂલોની – બે માંથી કશાની પણ એના પર કોઈ અસર થવાની નથી.

– ગાલિબ

આ ગઝલ બહુ જ ઉમદા રીતે એક કલાકાર – શૈલી કપૂરે ગાઈ છે👇🏻👇🏻

 

Comments (2)

(ડૂબતી નૈયાને શણગારી હતી) – રઈશ મનીઆર

એ જ જહેમત ઉમ્રભર જારી હતી,
ડૂબતી નૈયાને શણગારી હતી.

જાત છો ને સાવ અલગારી હતી,
દિલમાં ભરચક એક અલમારી હતી.

જે છબી મનમાં અમે ધારી હતી,
એ તો બસ એની અદાકારી હતી.

ખાલીપો અંદરનો છૂપો રાખવા,
જામની ઉપર મીનાકારી હતી.

કૈંક વેળા ખુદને છાનો રાખવા,
મેં જ મારી પીઠ પસવારી હતી.

વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!

યશના ભાગીદાર પણ હું ને પ્રભુ,
થઈ ફજેતી એય સહિયારી હતી.

કોઈ તૈયારી જ કરવાની ન’તી,
અંત માટે એવી તૈયારી હતી.

– રઈશ મનીઆર

ગઝલ કાવ્યપ્રકારની ખરી મજા એની હળવાશ છે. સૉનેટ, ખંડકાવ્યો વગેરે કાવ્યપ્રકારો બહુધા એવા તો ભારઝલ્લા બની જતાં હોય છે કે ક્યારેક તો ભાવકને પરસેવો પણ પડાવે. ગઝલની બીજી મજા બે પંક્તિના લાઘવમાં પૂરી થઈ જતી વાતની છે. ગીત, અછાંદસ જેવા કાવ્યપ્રકાર માણવા માટે આખા વાંચવા જરૂરી છે. આજે આખી દુનિયા ટેસ્ટમેચમાંથી ટ્વેન્ટી- ટ્વેન્ટીની પ્રકૃતિ ધરાવતી થઈ ગઈ હોવાથી લોકોનો એટેન્શન સ્પાન સાવ સંકોચાઈ ગયો છે. આવામાં બે પંક્તિમાં વાત પૂરી કરી દેતી ગઝલ સૌથી લોકપ્રિય કાવ્યપ્રકાર ન બને તો જ નવાઈ. જો કે શીરાની જેમ ગળે ઉતરી જતી સહજ સરળ ભાષા અને ગાગરમાં સાગર સમાવી રજૂ કરવાની ગઝલની આવડત સામે સૌથી મોટું ભયસ્થાન ભરતીના શેર અથવા તૂકબંધી છે. ગુજરાતી ભાષામાં હાલ કાર્યરત ગઝલકારોની સંખ્યા ગણવા બેસીએ તો આંકડો હજારને પાર કરી જાય તોય નવાઈ નહીં. ગઝલ અથવા ગઝલ કહીને માથે મરાતી અકવિતાનું ત્સુનામી આજે ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સારી રચના શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર થઈ પડ્યું છે.

પ્રસ્તુત રચના આવા સમયમાં દીવાદાંડીનું કામ કરે એવી છે. ગઝલ વિશે કંઈ વિશેષ કહેવા જેવું નથી. સાદ્યંત સુંદર રચના. એક-એક શેર પાણીદાર. અર્થગંભીરા ગઝલ… એને એમ જ મમળાવીએ…

Comments (11)

(અનાડી છે) – હરીશ ઠક્કર

નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.

મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.

તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.

શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.

– હરીશ ઠક્કર

‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.

Comments (7)

દિવસો જ્યારે વસમા આવે – બાબુલાલ ચાવડા ‘આતુર’

દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.

તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.

સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.

દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.

અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.

એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.

જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.

લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’

– બાબુલાલ ચાવડા ‘આતુર’

સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…

Comments (6)

(સધ્ધર બની ગયું છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ઠોકર ખમીખમીને નક્કર બની ગયું છે,
હોવાપણુ હવે તો પગભર બની ગયું છે.

દસ વીસ સારી માઠી યાદો બચી ગઈ છે,
બાકી બધું પડીને પાદર બની ગયું છે.

મોભાને લઈને એવો ગંભીર થઈ ગયો કે,
મસ્તી-મજાક, હસવું દુષ્કર બની ગયું છે.

તારી બરાબરીનું દેખાય ના તને કોઈ,
તારી નજરમાં તારું એ સ્તર બની ગયું છે.

સુખમાં જીવી જવાની ચાવી મળી ગઈ પણ,
કોઈ રમકડાં જેવુ જીવતર બની ગયું છે.

કપરા સમયમાં મારી ખૂટવા ન દે એ હિંમત,
‘ધીરજ’નુ ખાતું એવું સધ્ધર બની ગયું છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

લયસ્તરો પર કવિમિત્ર ગુણવંત ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત…

સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન રચના…

Comments (3)

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

Comments (2)

નથી હોતી – હરીન્દ્ર દવે

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !

જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.

– હરીન્દ્ર દવે

લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…

Comments (2)

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

Comments (4)

(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

Comments (4)

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

Comments (3)

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

Comments (9)

(નહિ કરું) – સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

– સંદીપ પૂજારા

પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.

Comments (16)

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (6)

(તમારા ગયા પછી) – બરબાદ જૂનાગઢી

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

– બરબાદ જૂનાગઢી

સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.

જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.

Comments (8)

(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

Comments (9)

મળશે જરૂર – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.

જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.

માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.

જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.

માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…

આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.

Comments (8)