આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.
ભાવિન ગોપાણી

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

4 Comments »

  1. હરીશ શાહ said,

    October 1, 2022 @ 2:08 PM

    શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે : છે ઘાસ
    વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ.
    -સંજુ વાળા

    વાહ વાહ વાહ 🌼🌻🌹
    ઓર્કિડ ફૂલમાં દ્વિપક્ષીય સમપ્રમાણતા હોય છે – માનવ ચહેરાની જેમ – તેથી જો કોઈ રેખા ફૂલની મધ્યમાં ઊભી રીતે દોરવામાં આવે છે, તો ફૂલના કલ્પિત બે ભાગો એકબીજાની અરીસાની છબીઓ છે.
    શ્યામ અને આદિલની કવિતાના મૂળ તત્વો જ સ્તો

  2. pragnajuvyas said,

    October 1, 2022 @ 9:45 PM

    કવિશ્રી સંજુ વાળા ની અફલાતુન ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    તેઓ અદ્યતન શૈલી અને સ્થાપિત શૈલીનો સમન્વય અને ભેદ સફળતાપૂર્વક પોતાની રચનામાં લખવા પ્રયાસ કર્યો છે. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલનું આલેખન કર્યું છે.
    જેમકે
    શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
    વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ
    ધન્યવાદ

  3. સંજુ વાળા said,

    October 4, 2022 @ 10:34 PM

    મિત્ર વિવેક અને સૌ વાચક મિત્રો

    આપ સૌનો હ્રદયપૂર્વક આભાર
    સ્નેહસ્મરણ
    સુકામનાઓ
    🌹

  4. નરેન્દ્ર વેગડા said,

    October 5, 2022 @ 8:01 PM

    શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
    વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

    પૂર્વ સૂરી અને સમકાલિનને કવિતામાં લઇ આવવા એ કવિનું જમા પાસું ગણાય.

    વાહ.. મજા પડી.
    અભિનંદન સંજુભાઈ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment