પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

9 Comments »

  1. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 4, 2022 @ 12:05 PM

    વાહ….ટુંકી બહર અને કાફિયા ના વિશિષ્ટ ઉપયોગ સાથેની સુંદર ગઝલ.

  2. આસિફખાન said,

    September 4, 2022 @ 12:22 PM

    વાહ વાહ સુંદર ગઝલ

  3. Varij Luhar said,

    September 4, 2022 @ 12:30 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ

  4. નેહા પુરોહિત said,

    September 4, 2022 @ 12:40 PM

    ‘હરિ સાંજ ઢળશે’ નાં વિમોચન પ્રસંગે કહેવાયેલી વાત
    સાથે સો ટકા સહમત, કે ભાવનગરમાં ગઝલ લખનાર
    દરેક સર્જક પૈકી હર્ષાબહેનનું નામ મોખરે છે.
    એકેએક શેર આસ્વાદ્ય અને શેરિયતથી ભરપૂર, ઉપરાંત
    અનેક આયામોમાં ખૂલે એવા હોય છે.
    ખૂબખૂબ અભિનંદન હર્ષાબહેન.

  5. Mouser shah said,

    September 4, 2022 @ 2:13 PM

    ગઝલ નો છેલ્લો શેર અદભુદ

  6. Poonam said,

    September 4, 2022 @ 2:44 PM

    “ ધારણા, ઓવારણાં, સંભારણાં
    સાચવે છે કેટલું આ બારણાં… “ kya baat !
    – હર્ષા દવે –
    Aasawad 👌🏻

  7. યોગેશ પંડ્યા said,

    September 4, 2022 @ 5:18 PM

    સરસ ગઝલ…
    અર્થસભર…
    એકેએક શેર ચડિયાતા…
    ટૂંકી બહેર માં એમણે ખૂબ ઉત્તમ કામ કર્યું છે.એમની ગઝલો સહજ ની બાની છે.એમને શેર રચવા કોઈ આયાસ કરવો પડતો નથી.એવું એમની ગઝલો વાંચતા અનુભૂતિ થાય છે.હર્ષાબેન ને અભિનંદન.આવી ઉત્તમોત્તમ ગઝલો આપતા રહે..💐👍

  8. Mayurika Leuva-Banker said,

    September 6, 2022 @ 10:10 AM

    વાહ! કેટલું સરળ અને કેટલું ગહન!

  9. pragnajuvyas said,

    September 7, 2022 @ 8:38 PM

    સુંદર ગઝલ…
    સરસ આસ્વાદ
    ધન્યવાદ ડૉ વિવેકજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment