(જેવું છે) – ભાર્ગવ ઠાકર
આખું આકાશ દંગ જેવું છે,
આંગણે કંઈ પ્રસંગ જેવું છે.
દોર પકડી છે એ કરે ચિંતા,
આપણું તો પતંગ જેવું છે.
આંખ મીંચું ને તારા લગ પહોંચું,
ભીતરે કંઈ સુરંગ જેવું છે!
પૂર્ણ તૃપ્તિ પછી થયા સાધુ,
કે પછી મોહભંગ જેવું છે?
છે બધા મોહ માત્ર કાયાને,
જીવનું શ્વેત રંગ જેવું છે.
– ભાર્ગવ ઠાકર
સાદ્યંત સુંદર રચના… બીજો-ત્રીજો શેર તો શિરસાવંદ્ય !
pragnajuvyas said,
December 30, 2022 @ 9:21 PM
કવિશ્રી ભાર્ગવ ઠાકર ની સુંદર ગઝલ
ડૉ વિવેક આસ્વાદમા કહે તે ‘… ત્રીજો શેર તો શિરસાવંદ્ય !’
આંખ મીંચું ને તારા લગ પહોંચું,… ના વિચાર વમળે…
આત્માના અરીસા જેવી આંખ મીંચું અંગે યાદ આવે માધવ રામાનુજ…
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…તો અમારી જેમ અનેકની અનુભૂતિ–
આંખો મીંચું ને દેખાયે
વાતો એમની સંભળાયે
સત્ કહો કે ભ્રમણા, આંખ મીંચું ત્યાં
અજવાળાના ફૂલ ખીલે કંઈ નમણા
આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં
આંખ મીંચી અને વાત વ્હેતી થઇ,
ગૂંગળાતી હવા શ્વાસ લેતી થઇ.
આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
આંખ મીંચું ત્યાં સ૫નાં દેખાય છે
અનુભિતી અંગે લાગે– ‘ભીતરે કંઈ સુરંગ જેવું છે!’