રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.
વિવેક ટેલર

(સો ગણું છે) – હરીશ ઠક્કર

સમજ આટલી આવે તો પણ ઘણું છે,
સમજમાં નથી એ હજી સો ગણું છે.

અમે કોઈનાથી પ્રભાવિત ન થઈએ,
અમારામાં જે છે એ પોતાપણું છે.

તમે નામ આપો તે નામે કરી દઉં,
ગગન નીચે જે છે, બધું આપણું છે…

તમારી પ્રતિમા તમારા થકી છે,
તમારા જ હાથોમાં એ ટાંકણું છે.

બીડાઈને ખૂલતું, ખૂલીને બીડાતું,
નયન જેવું નમણું તો બસ, પોયણું છે!

અરે! જિંદગી એવી જીવી ગયો છું,
ઘણીવાર લાગે જીવન વામણું છે.

– હરીશ ઠક્કર

ફરી એકવાર નિવડેલી કલમથી સ્રવેલી સાદ્યંત સુંદર રચના. આપણી ઇમેજના એકમાત્ર અને ખરા ઘડવૈયા આપણે સ્વયં છે એ વાત એકદમ સાહજિકતાથી કહેતો શેર તો હાંસિલે-ગઝલ શેર છે…

4 Comments »

  1. pragnajuvyas said,

    January 5, 2023 @ 7:38 PM

    કવિશ્રી હરીશ ઠક્કરની સાદ્યંત સુંદર ગઝલ
    અરે! જિંદગી એવી જીવી ગયો છું,
    ઘણીવાર લાગે જીવન વામણું છે.
    વાહ સુંદર મક્તા
    જિંદગી સરસ છે, અંગુરી જેવી, આસવ જેવી, સરસ શબ્દમાં રસ છે, તરસ શબ્દમાં રસ છે, બસ રસપાન કરો. જીવન રસપૂર્વક જીવો! ગમે તેટલી હતાશા હોય, જીવન અંધકારમય હોય પણ મન જોડે સમાધાન કરો અને સમજો. અંધકારમય રાત્રિમાં જ તારાઓના દર્શન થાય છે. રાતના સમયે રસપૂર્વક તારાઓને, ચંદ્રને જોવાને બદલે તમે રડયા કરશો તો ટાગોર કહે છે તેમ સૂર્યને પણ ચૂકી જશો. આનંદ માણવાની તક મળે એને ઝડપી લો.
    યાદ આવે ખલીલ સાહેબ
    “હું ખલીલ આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
    જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચુકવાયો હતો”

  2. preetam lakhlani said,

    January 8, 2023 @ 2:41 AM

    બીડાઈને ખૂલતું, ખૂલીને બીડાતું,
    નયન જેવું નમણું તો બસ, પોયણું છે!…કયા બાત હૈ

  3. Dipak said,

    January 8, 2023 @ 9:56 AM

    રજની પાલનપુરી ની ગઝલની પોસ્ટ મૂકો

  4. Dr Sejal Desai said,

    January 12, 2023 @ 3:56 PM

    ખૂબ સરસ ગઝલ…સમજમાં નથી એ હજી સો ગણુ છે…..વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment