મુકદ્દરથી – નાઝિર દેખૈયા
સુણે ના સાદ મારો તો મને શું કામ ઈશ્વરથી?
છિપાયે ના તૃષા તો આશ શી રાખું સમંદરથી?
ભલા આ ભાગ્ય આડે પાંદડું નહિ તો બીજું શું છે?
કે એ ડોકાઈને ચાલ્યા ગયા મુજ ઘરના ઉંબરથી.
લખ્યા છે લેખ, એની આબરૂનો ખ્યાલ આવે છે;
નહીં તો ફેંસલો હમણાં કરી નાખું મુકદ્દરથી.
બતાવી એક રેખા હાથમાં એવી નજૂમીએ;
સરિતની મીઠી સરવાણી ફૂટી જાણે ગિરિવરથી.
કોઈ સમજાવો દીપકને કે એની જાતને પરખે;
ઉછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી?
નકામી જીદ છોડીને તમારી આંખને વારો;
નથી અજમાવવું સારું અમારા દિલને ખંજરથી.
ભલા પરદા મહીં દર્શન મળ્યેથી શું વળે ‘નાઝિર’
તૃષા છીપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી.
– નાઝિર દેખૈયા
પરંપરાના શાયરના ખજાનામાંથી એક અમૂલ્ય મોતી…
Pravin Shah said,
December 24, 2022 @ 4:24 PM
ખૂબ સરસ !
pragnajuvyas said,
December 24, 2022 @ 8:07 PM
સ્વ નૂરમોહમ્મદ અલારખ દેખૈયા જેઓ નાઝિર દેખૈયા તરીકે જાણીતાની ખૂબ સ રસ ગઝલ
કવિ ઘણો સંઘર્ષ કરીને જીવેલો. તેને ગઝલો લખી એક અનોખીજ છાપ પાડી, આધ્યાત્મીક છાંટ વાળી અને ફિલસુફીથી ભરેલી “નાઝિર”ની ગઝલો, રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ પ્રસંગોપાત સંગીત સાથે કથામાં ઘણી વખત ગાય છે. શ્રી મોરારી બાપુ લાડથી બોલતા ” અમારો ભાવનગરનો નાઝિર….” અને સંગીત સાથે તેમના સુરીલા અવાજમાં ગઝલ શરૂ થતી.
સુણે ના સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી ? છિપાવે ના ત્રુષા તો આશ શી રાખું સમંદરથી ?
લખ્યાં છે લેખ, એની આબરૂનો ખ્યાલ રોકે છે, નહીંતર ફેંસલો હમણા કરી નાખું મુક્કદ્દરથી .
માણો
સુણે ન સાદ મારો તો મને શું કામ ઈશ્વરથી – નાઝિર દેખૈયા – YouTubehttps://www.youtube.com › watch
Firdaus Afzalhusein Dekhaiya said,
December 27, 2022 @ 12:26 PM
નાઝિરની એક ઉત્તમ ગઝલોમાંની એક.