હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

ખુશબૂથી મારું…..- અનિલ ચાવડા

ખુશબૂથી મારું ગળું ટૂંપાવ નહિ.
છોડ, આ રીતે મને મ્હેંકાવ નહિ.

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.

હું પળેપળ ખૂબ બદલાતો રહું,
મારી સાથે પણ મને સરખાવ નહિ.

મારું આ ઊંડાણ છે મારા સમું,
ખીણ, દરિયો, ખાઈ, કૂવો, વાવ નહિ.

એમ ભીતરમાં અનામત ક્યાંથી દઉં?
જ્યાં સુધી તું યોગ્યતા દર્શાવ નહિ.

ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.

– અનિલ ચાવડા

છું પ્રતીક્ષાના પરમ આનંદમાં…..- આ શેર પર હું અટકી ગયો….

આખી ગઝલ મજબૂત….

3 Comments »

  1. pragnajuvyas said,

    January 25, 2023 @ 9:52 PM

    કવિશ્રી અનિલ ચાવડાની ખૂબ સુંદર ગઝલ નો
    છું પ્રતીક્ષાના પરમ આનંદમાં,
    તું મને મળવા સમયસર આવ નહિ.
    અદભુત શેર
    यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम्
    આવી ઉચ્ચકક્ષાની વાતને કેવી સહજતાથી પ્રેમિકા સંદર્ભે કવિએ શેરમાં વણી લીધી છે!
    માનવીને પીડા તેની વૃત્તિઓનું ઊઘ્ર્વગમન કરીને તે શુદ્ધ બનાવે છે. પીડા અને ખાસ કરીને પ્રતીક્ષાની પીડા ! ઘવાયેલું હરણ જેમ ઊચામાં ઊચા કૂદકા મારીને ખૂબ દોડી શકે છે તેમ પ્રેમમાં ઘવાયેલું અને પ્રેમીની પ્રતીક્ષા કરનારું પાત્ર અદ્ભુત બળ મેળવે છે. દોસ્તોવસ્કીએ કહેલું: પ્રતીક્ષા કરવી-પ્રતીક્ષામાં પીડાવું અને એ પીડા દ્વારા પરમ ચેતના મેળવવી એ માનવીના જીવનનો એક ભાગ છે. સમગ્ર સૃષ્ટિના જે જે ધર્મો છે કે ઉપદેશો છે તેમાં ફિલોસોફી ઓફ વેઇટિંગની વાત છે. મહાભારતની જ વાત લો. જગતમાં અધર્મ વધી જશે ત્યારે ભગવાન જન્મ લઈને અધર્મનો નાશ કરશે તેવી ગેરંટીને કારણે આપણને ઈશ્વરના નવા અવતારની પ્રતીક્ષા રહે છે.
    ધન્યવાદ ડૉ તીર્થેશ

  2. Chetan Shukla said,

    February 2, 2023 @ 6:11 PM

    સરસ ગઝલ

  3. લતા હિરાણી said,

    February 10, 2023 @ 3:35 PM

    વાહ કવિ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment