હજારો શૂન્ય – બાબુલાલ ચાવડા ‘આતુર’
હજારો શૂન્ય જ્યાં ટોળે વળે છે,
હૃદયમાં એક એવું સ્થળ મળે છે.
ક્ષિતિજની રેખ પર પ્રત્યેક સાંજે,
તૃષાનું તત્ત્વ ઝીણું ઝળહળે છે.
ક્ષણોનો કાફલો તરસ્યો થયો છે,
નદી સંજોગની ક્યાં ખળખળે છે?
સમુદ્રો સાત ઊમટે આંખમાં પણ,
ભીતર તો એક વડવાનલ બળે છે.
વિરહ છે શાપ કોઈ શંખિણીનો,
સતીનું વેણ થઈ શાને ફળે છે?
ઉગાડ્યાં કલ્પવૃક્ષો આંગણે પણ,
વિધિના લેખ ક્યાં ટાળ્યા ટળે છે?
જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
*
‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’
– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ. કોઈ શબ્દ એવો નથી, જેનો અર્થ જોવા શબ્દકોશ ઉઘાડવો પડે, રદીફ-કાફિયા પણ સર્વસામાન્ય છે, પણ ખરી કરામત કાવ્યબાનીમાં છે. દરેક શેર આજની બીબાંઢાળ ગઝલોના ફાલથી અલગ તરી આવે છે. ‘સતી શ્રાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ’ એ કહેવતનો વિનિયોગ કરીને પણ કવિએ કેવો સ-રસ શેર જન્માવ્યો છે! સરવાળે નખશિખ સંતર્પક રચના.
pragnajuvyas said,
December 3, 2022 @ 7:32 AM
આતુરની સરસ ગઝલ
ડૉ વિવેકનો સરસ આસ્વાદ
તેમની આ વાત તો ખુબ ગમી
‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’
– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ’
કોક આસ્વાદ શેર યા કાવ્યથી કરાવે તો મજા કાંઇ ઔર !
જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.
વાહ
જ્યુગ્યુલર વેઇન દ્વારા સીધી હ્રુદયમા ઉતરી ગયો શેર…
‘આતુર’ની બીજી રચનાનો આતુરતાથી ઈંતજાર…
Sandip Pujara said,
December 3, 2022 @ 11:55 AM
સરસ રચના …
ત્રીજા શેરમાં એક તકાબીલ રદીફ દોષ રહી ગયો છે ….
જે કવિના તો ધ્યાન બહાર રહી ગયો..
વિવેચકે પણ ઉદાર નીતિ અપનાવી……
સુનીલ શાહ said,
December 3, 2022 @ 2:09 PM
ખૂબ સરસ
Poonam said,
December 3, 2022 @ 3:36 PM
વિરહ છે શાપ કોઈ શંખિણીનો,
સતીનું વેણ થઈ શાને ફળે છે?
– બાબુલાલ ચાવડા ‘આતુર’ – kyaa baat !
Aaswad 👌🏻
Bharati gada said,
December 3, 2022 @ 3:38 PM
સરળ ,સહજ શબ્દોમાં લખાયેલી એમની દરેક રચનાઓ ખૂબ સરસ હોય છે…
Shah Raxa said,
December 3, 2022 @ 5:15 PM
વાહ..વાહ..વાહ..ક્યા બાત….અભિનંદન🙏💐
Aasifkhan aasir said,
December 4, 2022 @ 10:27 AM
Vaah khub saras gzal
Lata Hirani said,
December 4, 2022 @ 10:32 PM
બધા જ શેર સરસ્