દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

(ઝળહળ નથી) – કિરણસિંહ ચૌહાણ

જેવી તું ઝંખે છે એ ઝળહળ નથી,
મારી પાસે પાણી છે, મૃગજળ નથી.

સાવ મેલું મન લઈ આવી ન જા,
તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.

ધમપછાડા ટોચ પર ટકવાના છે,
બાકી વધવામાં કશું આગળ નથી.

ડાળ છોડી ફૂલદાનીમાં ગયા,
આજથી તકદીરમાં ઝાકળ નથી.

કેટલા આગળ છીએ એ જોયું નહિ,
એટલું જોયું કે બહુ પાછળ નથી.

– કિરણસિંહ ચૌહાણ

ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બન્યો છે, એનું પ્રમુખ કારણ એ છે કે કેવળ બે પંક્તિની સાંકડી જગ્યામાં એ હૃદયસ્પર્શી વાત મૂકી શકે છે. આ ગઝલ જુઓ: ઝાકમઝોળ આજે આપણી ખરી તૃષા બની ગઈ છે, પણ સાચી તૃષા છીપાવનાર પાણી પાસે તો કેવળ સાદગી જ છે. એક અદભુત મત્લાની બે જ પંક્તિઓમાં કવિ માનવજીવનની કારમી વાસ્તવિકતા સાથે આપણને મુખામુખ કરાવે છે. દૂરથી નજરે ચડતું મૃગજળ રણ કે રસ્તા પરથી સૂર્યપ્રકાશના થતા પરિવર્તનના કારણે ખૂબ ચમકીલું અને આકર્ષક દેખાય છે, પણ એની હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. જીવનભર ખોટી ચમક પાછળ દોડતા લોકોને ડંખ વિનાના ચાબખો મારીને કવિ સ-રસ સાવધાન કરે છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

9 Comments »

  1. pragnajuvyas said,

    January 12, 2023 @ 1:10 AM

    કવિશ્રી કિરણસિંહ ચૌહાણ સુંદર ગઝલ.
    ડો વિવેકનો સ રસ આસ્વાદ

  2. Parbatkumar Nayi said,

    January 12, 2023 @ 11:48 AM

    વાહ વાહ વાહ
    સરસ ગઝલ
    મારી પાસે પાણી છે આહા

  3. Mayur Kishorchandra Saraiya said,

    January 12, 2023 @ 11:52 AM

    એક ગઝલ થોડી અલગ લાગે છે,

    ડાળ છોડી ફૂલદાનીમાં ગયા, આજથી ઝાકળ તકદીરમાં નથી.

    ક્યાંક કશુક ખટકે છે ફુલ પોતે ડાળ છોડી નથી જતા..

    બાકી સુંદર ગઝલ છે.

  4. DILIPKUMAR CHAVDA said,

    January 12, 2023 @ 12:18 PM

    સાવ મેલું મન લઈ આવી ન જા,
    તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.

    વાહ મોજ કરાવી દીધી કવિ..
    બધા જ શેર જોરદાર

  5. Aasifkhan aasir said,

    January 12, 2023 @ 12:23 PM

    વાહ સુંદર ગઝલ

  6. Dr Sejal Desai said,

    January 12, 2023 @ 3:58 PM

    વાહ..સરસ ગઝલ…પાણી છે….મૃગજળ નથી.વાહ

  7. પીયૂષ ભટ્ટ said,

    January 13, 2023 @ 12:20 AM

    વાહ સરસ મજાની ગઝલ
    પ્રત્યેક શેર લાજવાબ, વાસ્તવિક તથ્યો ને તાદૃશ કરતા પાણીદાર શેરથી સમગ્ર ગઝલ પ્રાણવાન બની છે.
    અભિનંદન કિરણભાઈ અને વિવેકભાઈ

  8. ગિરીશ પોપટ 'ગુમાન' said,

    January 13, 2023 @ 8:09 AM

    વાહ ખૂબ જ સરસ ગઝલ

  9. Anonymous said,

    January 14, 2023 @ 12:03 PM

    સાવ મેલું મન લઈ આવી ન જા,
    તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી. Kyaa Baat !
    – કિરણસિંહ ચૌહાણ –

    Aaswaad thi sahamat 1st sher 👌🏻 !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment