નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.
– જુગલ દરજી

(ડૂબતી નૈયાને શણગારી હતી) – રઈશ મનીઆર

એ જ જહેમત ઉમ્રભર જારી હતી,
ડૂબતી નૈયાને શણગારી હતી.

જાત છો ને સાવ અલગારી હતી,
દિલમાં ભરચક એક અલમારી હતી.

જે છબી મનમાં અમે ધારી હતી,
એ તો બસ એની અદાકારી હતી.

ખાલીપો અંદરનો છૂપો રાખવા,
જામની ઉપર મીનાકારી હતી.

કૈંક વેળા ખુદને છાનો રાખવા,
મેં જ મારી પીઠ પસવારી હતી.

વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!

યશના ભાગીદાર પણ હું ને પ્રભુ,
થઈ ફજેતી એય સહિયારી હતી.

કોઈ તૈયારી જ કરવાની ન’તી,
અંત માટે એવી તૈયારી હતી.

– રઈશ મનીઆર

ગઝલ કાવ્યપ્રકારની ખરી મજા એની હળવાશ છે. સૉનેટ, ખંડકાવ્યો વગેરે કાવ્યપ્રકારો બહુધા એવા તો ભારઝલ્લા બની જતાં હોય છે કે ક્યારેક તો ભાવકને પરસેવો પણ પડાવે. ગઝલની બીજી મજા બે પંક્તિના લાઘવમાં પૂરી થઈ જતી વાતની છે. ગીત, અછાંદસ જેવા કાવ્યપ્રકાર માણવા માટે આખા વાંચવા જરૂરી છે. આજે આખી દુનિયા ટેસ્ટમેચમાંથી ટ્વેન્ટી- ટ્વેન્ટીની પ્રકૃતિ ધરાવતી થઈ ગઈ હોવાથી લોકોનો એટેન્શન સ્પાન સાવ સંકોચાઈ ગયો છે. આવામાં બે પંક્તિમાં વાત પૂરી કરી દેતી ગઝલ સૌથી લોકપ્રિય કાવ્યપ્રકાર ન બને તો જ નવાઈ. જો કે શીરાની જેમ ગળે ઉતરી જતી સહજ સરળ ભાષા અને ગાગરમાં સાગર સમાવી રજૂ કરવાની ગઝલની આવડત સામે સૌથી મોટું ભયસ્થાન ભરતીના શેર અથવા તૂકબંધી છે. ગુજરાતી ભાષામાં હાલ કાર્યરત ગઝલકારોની સંખ્યા ગણવા બેસીએ તો આંકડો હજારને પાર કરી જાય તોય નવાઈ નહીં. ગઝલ અથવા ગઝલ કહીને માથે મરાતી અકવિતાનું ત્સુનામી આજે ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સારી રચના શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર થઈ પડ્યું છે.

પ્રસ્તુત રચના આવા સમયમાં દીવાદાંડીનું કામ કરે એવી છે. ગઝલ વિશે કંઈ વિશેષ કહેવા જેવું નથી. સાદ્યંત સુંદર રચના. એક-એક શેર પાણીદાર. અર્થગંભીરા ગઝલ… એને એમ જ મમળાવીએ…

11 Comments »

  1. ડૉ. માર્ગી દોશી said,

    November 12, 2022 @ 11:28 AM

    ખૂબ સરળ બાનીમાં અને સ્પર્શી જાય એવી રચના..

  2. રાજેશ હિંગુ said,

    November 12, 2022 @ 11:30 AM

    આહા.. ખૂબ મજાની ગઝલ..

  3. Pragna vashi said,

    November 12, 2022 @ 11:41 AM

    ખૂબ જ સરસ રચના , કવિને અભિનંદન .

  4. Harsha Dave said,

    November 12, 2022 @ 11:45 AM

    વાહ … ખૂબ ખૂબ સરસ ગઝલ
    લયસ્તરોને અભિનંદન 💐

  5. યોગેશ પંડ્યા said,

    November 12, 2022 @ 11:53 AM

    સૌ પ્રથમ કહું તો પ્રસ્તુત ગઝલ સૌથી પહેલા positive thinking આપે છે.જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ તેને હસતા મુખે સહન કરતા જવાની અને એવા જ આનંદ થી જિંદગી જીવવાની!.ગીતામાં જેમ સુખદુઃખમાં બસ જલકમલવત રહીને જીવવાનું કહ્યું છે, એમ જ કવિ કહે છે.ગઝલ નો મત્લા જ આ સંદેશ આપે છે.જે નાવ ડૂબી જવાની છે.એને પણ છેક સુધી શણગારવાનું કવિ કહે છે.બીજો શેર તો અદભુત છે.કપરા સમયમાં આપણે જ આપણી જાતને હિંમત આપવાની છે.આપણો આત્મ વિશ્વાસ ન ડગે એટલા માટે આપણે જ આપણો સંગ! ખુદી કો કર બુલંદ ઇતના.. ‘ઇકબાલના શેર જેમ કવિ આપણને જ આપણો દીવો થવાનું કહે છે.ખૂબ જ સરસ ગઝલ! જે છબી..જેવો મનભર શેર સમેત આખી ગઝલ સરસ. કવિ શ્રીરઈશભાઈને અભિનંદન💐

  6. સુષમ પોળ said,

    November 12, 2022 @ 4:33 PM

    રઈશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન 💐

    વિવેકભાઈના જણાવ્યા મુજબ ગઝલના મત્લાથી શરુ કરીને અંતિમ શૅર સુધી આખી રચનાના પ્રત્યેક શૅરને વારંવાર મમળાવતા રહેવાનું મન થાય એવી સુંદર ગઝલ.🙏

    ગર્ભવતી સ્ત્રીને પ્રસવની પીડા ઉપડે, એટલે ગામડામાં હોય તો દાયણ, અને પોતાના જ ઘરમાં એક ખોરડું શોધવાની તૈયારી,શહેરમાં હોય તો હોસ્પિટલ,એનો રુમ, ડોક્ટર,નર્સ, અને આયાની તૈયારી, ત્યાં બાળક જન્મે, એ ૩-૪ વરસનું થાય એટલે શાળાની તૈયારી, અભ્યાસ પૂર્ણ થાય પછી વ્યવસાય મેળવવાની તૈયારી, ત્યારબાદ વેવિશાળની અને વિવાહની તૈયારી,અને પછી એમને ત્યાં જન્મેલા સંતાનોના જીવનઘડતરની તૈયારી……. પછી…..પછી. એ સંતાનો શાળાએ જવા જેટલા મોટા થતાં જાય, અને આપણે આપણા અંત તરફ જવા જેટલા નાના થતાં જઈએ.જન્મથી લઈને અંત સુધી પહોંચવા માટે કેટલી બધી તૈયારીઓ કરવી પડે? એક સાધારણ વ્યક્તિનું આખું આયખું આવી જીવનનિર્વાહની આ બધી તૈયારીઓમાં જ વીતી જાય છે.

    કવિએ પણ આ બધી તૈયારીઓ તો કરી છે, પરંતું આ સાથે જ પોતાના અંત તરફ જવા માટે પણ કોઈ તૈયારી કરવાની બાકી રાખી નથી, કવિ એટલી સરસ તૈયારીથી સજ્જ છે . અર્થાત્ કવિએ આ જગતમાં જીવવા માટેની અનેક જવાબદારીઓ નિભાવ્યા પછી પણ,જીવનમાંથી મળેલ આનંદ,સુખ, સમૃધ્ધિ,વૈભવ,માન-સન્માન, કીર્તિ,કલા,વાક્ચાતુર્ય વગેરે……માટે, આ ગઝલના અંતિમ શૅરમાં ભરપૂર આત્મસંતોષ વ્યક્ત કર્યો છે.અને એથી જ કવિની કલમમાંથી આ અદ્ભુત શૅરનું અવતરણ થયું હશે !!!!!!!💐🙏

    કોઈ તૈયારી જ કરવાની ન’તી,
    અંત માટે એવી તૈયારી હતી
    વાહ 👌👌🙏🙏

  7. kishor Barot said,

    November 12, 2022 @ 6:20 PM

    દરેક શેર કાબિલે તારીફ.

  8. Raeesh Maniar said,

    November 12, 2022 @ 9:30 PM

    આભાર મિત્રો

  9. pragnajuvyas said,

    November 13, 2022 @ 3:21 AM

    ડૉ રઈશ મનીયાર ની સાદ્યંત સુંદર ગઝલન ડૉ.વિવેક દ્વારા સ રસ આસ્વાદ…
    આપણે નસીબદાર છીએ કે=’ In 2013, he abandoned his clinical practice as a doctor and started to work full-time as a freelance writer, playwright, compere, lyricist and script writer.’
    સાથે મજાની વાત-‘He remembers fondly that in his younger years he published some of his work/poetry by a ghost name (girl’s name). He found it very difficult to publish his works by his own name, he laments that Gujarati Publisher are quite too soft for women writers in this regard.’
    તેમની સટિક વાત ‘For him a writer should have at least four qualities in him
    Keen observation power.
    Sympathy, love for humanity and unattached attitude
    Independence of mind that is not to be a salve of some ideology.
    To care about reader’s mind, his time and his heart.
    આવી ખૂબ જ સરસ રચનાની વાહ વાહ થતી હોય ત્યારે ગુજરાતી ન જાણનારને મજા માણવા તેઓએ જ કરેલ અંગ્રેજી ભાષાંતર પણ માણવાની મજા લઇએ.
    આ ગઝલનુ ભાષાંતર…
    The same jamat was going on for whole life
    The drowning boat was decorated

    Keeping the emptiness hidden inside
    Meenakari was on top of the jam

    Sometimes keep yourself safe
    I was the only one in my back.

    Pain was stuck like a buffalo,
    Happiness remained gloomy, or was she a beautiful girl!

    Coming Harpal explained
    The past was very good

    Partner of fame but me and lord
    She was also a sahiyari

    There was no preparation to be done
    That was the preparation for the end

    Happened when I got the love of death
    Life itself was life taking
    Raeesh Maniar

  10. Poonam said,

    November 17, 2022 @ 12:05 PM

    કૈંક વેળા ખુદને છાનો રાખવા,
    મેં જ મારી પીઠ પસવારી હતી.
    – રઈશ મનીઆર – વાહ !

    Aasvad mast sir ji 👌🏻

  11. Lata Hirani said,

    November 18, 2022 @ 12:25 PM

    સરસ કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment